ગયા સપ્તાહે ફરી એક વાર ગુજરાત સરકારે મોબાઇલ
ઇન્ટરનેટ કનેક્શન થોડા વખત માટે બંધ કરી દીઘું. તેના વિરોધમાં, અલબત્ત ઇન્ટરનેટ
પર જ, હોબાળો મચ્યો. સરકારને તબિયતથી ગાળો પડી. આનંદીબહેન અને
ઇન્ટરનેટના ‘બેન’ (પ્રતિબંધ)ને સાંકળતી અનેક
રમૂજો થઇ. ભાજપ-કોંગ્રેસ, મોદીભક્ત-મોદીવિરોધી,
‘સેક્યુલર’ અને ‘રાષ્ટ્રવાદી’, પટેલ અને
દલિત-ઓબીસીના ભેદભાવ આ એક મુદ્દા પૂરતા જાણે ઓગળી ગયા અને બધાએ નાગરિક તરીકે
સરકારને લબડધક્કે લીધી : ‘આવો પ્રતિબંધ મૂકી જ કેવી
રીતે શકાય?’ પ્રતિબંધ મૂકનાર સરકારની અણઆવડતથી માંડીને અણઘડ
વહીવટી શક્તિની કડક ટીકાઓ થઇ.
ખરેખર, સરકારને સવાલો પૂછતા,
સરકારનો કાંઠલો પકડતા અને સરકાર હદ વટાવે તો તેને (ભલે શબ્દોથી) ધોઇ કાઢતા
નાગરિકો બહુ સારા લાગે છે. ગુજરાતમાં છેલ્લા એકાદ દાયકાથી એવા નાગરિકો લઘુમતીમાં
પણ નહીં, અણુમતીમાં હતા. તેમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે
આવેલો ઉછાળો નવી ભાત પાડે છે. ત્યાર પહેલાં પાટીદાર આંદોલન નિમિત્તે સરકારની
ટીકાનો દૌર ચાલ્યો, પણ તેના માટે નાગરિકપણું નહીં, પાટીદાર તરીકેની
જ્ઞાતિઓળખ કારણભૂત હતી.
ઇન્ટરનેટના સરકારી પ્રતિબંધનો વાજબી અને
માપસરનો વિરોધ કર્યા પછી, એના વિશે અને એ નિમિત્તે
જરા વધુ વિચારવા જેવું છે. ‘છોટે સરદાર’ના અંદાજમાં ઘણા
મિત્રોએ નેટ પરના પ્રતિબંધને ‘મિની કટોકટી’ તરીકે ઓળખાવ્યો.
પ્રયોગ ચોટદાર અને પ્રેમમાં પડી જવાય એવો, પણ વાસ્તવિકતાથી દૂર હતો.
સોયને ‘મીની તલવાર’ કહેવાય, તો મોબાઇલ
ઇન્ટરનેટ પરના પ્રતિબંધને ‘મીની કટોકટી’ કહેવાય.
ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ સદંતર ટીકાપાત્ર હોવા
છતાં, ટીકા કરતી વખતે પ્રમાણભાન જાળવવું પડે. એ ચૂકાઇ જાય,
તો ટીકામાં રહેલો સચ્ચાઇનો અંશ પણ અતિશયોક્તિની સાથે ફેંકાઇ જાય. મોબાઇલ
ઇન્ટરનેટ પર પ્રતિબંધનો મૂળભૂત આશય અશાંતિ કરતાં વધારે સરકારવિરોધી-પોલીસવિરોધી
સામગ્રી ફેલાતી રોકવાનો હતો એ સાચું. ઇન્ટરનેટ પર વધેલા આધારને કારણે ઘણા લોકોને એ
બહુ વસમું લાગે અને થોડા લોકોનું કામ પણ અટકી પડે. એટલા પૂરતી સરકારની આપખુદશાહી
ખરી. પરંતુ તેને કટોકટી વખતની લોખંડી અને અત્યાચારી સરમુખત્યારી સાથે સરખાવી ન
શકાય. તેનું સૌથી સાદું અને સૌથી પ્રાથમિક કારણ એ કે વ્યાપક દર્શકસમુહ-વાચકસમુહ
ધરાવતાં બધાં પ્રસાર માઘ્યમો બેરોકટોક --અને ઘણા કિસ્સામાં બેફામપણે--કાર્યરત
હતાં.
નાગરિક તરીકે વિચારતાં ઇન્ટરનેટ-સ્વતંત્રતા
જેટલી વહાલી લાગે, એટલો જ અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંકળાયેલો
જવાબદારીનો અહેસાસ પણ મનમાં રાખવો પડે. પાટીદાર આંદોલન નિમિત્તે મુકાયેલા
ઇન્ટરનેટ-પ્રતિબંધનો વિરોધ કરવો જ જોઇએ, પરંતુ સોશ્યલ મિડીયા પર
આડેધડ, જ્ઞાતિદ્વેષનું ઝેર ફેલાવતી ઝીંકાઝીંક કરવાને બદલે, નાગરિક તરીકે
થોડા માપમાં રહ્યા હોઇએ, તો વિરોધ કરવાનો અધિકાર
અને એવા વિરોધની અસર, બન્ને મજબૂત બને.
એક મહત્ત્વનો મુદ્દો વિરોધ કરવાની
પદ્ધતિ-પરંપરા અને જગ્યાનો પણ છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધ જેમને બહુ વસમો લાગ્યો હોય
અને જેમનામાં નેતાગીરીના થોડાઘણા ગુણ હોય એવા કેટલાક લોકો શાંતિપૂર્વક વિરોધ કરવા
માટે ઘરની બહાર નીકળ્યા? ઇન્ટરનેટના મહત્ત્વને કે
તેની પર થયેલા વ્યાપક વિરોધને ઓછો આંકવાની વાત નથી, પરંતુ અત્યાર લગી
એ સમજાઇ જવું જોઇએ કે અસરકારક વિરોધ કરવાની વાત આવે, ત્યારે વાસ્તવિક
જગતનો કોઇ વિકલ્પ નથી. હજુ સુધી તો નહીં જ. ગાંધીજીને એ સમજાતું હતું. તેમના
જમાનામાં ઇન્ટરનેટ ન હતું. નેતાઓ સરકારને લાંબી લાંબી અરજીઓ કરતા ને અધિવેશનોમાં
ઠરાવો પસાર કરતા. ગાંધીજીએ અરજીઓને ટૂંકી-સચોટ બનાવી અને અરજીની સાથોસાથ સરકારના
વિરોધ માટે સુંવાળપ છોડીને સભ્યતાપૂર્વક રસ્તા પર આવવું પડે, એ પણ
સમજાવ્યું-શીખવ્યું.
ગમે તેટલા સારા કામ માટે ઓનલાઇન અરજીઝુંબેશ શરૂ
થાય ત્યારે વિચાર આવે કે વર્ચ્યુઅલ વિરોધ ભલે થતો, પણ એ સિવાય,
એનાથી બહાર કોઇ ઝુંબેશ ચાલવાની ખરી? વાસ્તવિક દુનિયામાં ચાલેલી
ઝુંબેશ સફળ થાય એવું જરૂરી નથી, પણ તેનું વજન ઓનલાઇન
અરજીઓ કરતાં વધારે પડે છે. કેમ કે તેમાં ભાગ લેનારને ચાર લીટી ટાઇપ કરવા કરતાં કે
લાઇકનું બટન દબાવવા કરતાં વધારે તસ્દી લેવી પડે છે. સરકારો આ સમજે છે. ગુજરાત
સરકાર પણ. એટલે વિરોધ પ્રદર્શનો જ્યાં લગી રસ્તા પર ન આવે ત્યાં લગી તેમને બહુ
ચિંતા થતી નથી અને એવા ‘રસ્તા’ શી રીતે બંધ કરી શકાય
તેની વેતરણમાં સરકાર હોય છે.
પાટીદાર આંદોલન કે ઇન્ટરનેટ પ્રતિબંધ નિમિત્તે
સરકારી આત્યંતિકતાથી હચમચી ઉઠેલા સૌને ‘ગુડ મોર્નિંગ’ અને ‘જાગ્યા ત્યાંથી
સવાર’ કહીને યાદ કરાવવાનું કે છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારની
કાર્યપદ્ધતિ આ જ રહી છે. મહુવામાં નિરમા પ્લાન્ટ સામે ચાલેલું આંદોલન સંપૂર્ણપણે
ખેડૂતોના હિત અંગેનું હતું. પરંતુ વ્યક્તિપૂજામાં મગ્ન કે ઉદ્ધારકની શોધમાં પરવશ
એવા ઘણા લોકોને તે સમજાયું નહીં. તેમાં જ્ઞાતિ જેવો સંકુચિત નહીં, વ્યાપક જનહિતનો
મુદ્દો હતો. પરંતુ એ હેતુ માટે વિરોધ પ્રદર્શન કરતા નાગરિકો પર પોલીસે-સરકારે
બળપ્રયોગ કર્યો હતો. ઇન્ટરનેટના પ્રતિબંધ નિમિત્તે થયો, તેનાથી અડધો
ઉહાપોહ પણ એ વખતે થયો હોત તો, નાગરિકહિતની
તુચ્છકારપૂર્વક ઉપેક્ષા કરવાની સરકારની હિંમત આટલી ખુલી હોત?
સદીઓ જૂના કાંકરિયા તળાવના સૌંદર્યીકરણના નામે
થોડાં વર્ષ પહેલાં સરકારે તેની આસપાસ દીવાલો ચણી દીધી અને તોતિંગ દરવાજા ઊભા કરીને
પ્રવેશ ફી લેવાની ચાલુ કરી દીધી. એ નાગરિકોની જગ્યા પર સરકારની દેખીતી ઘૂસણખોરી
હતી. રાજાશાહીમાં જે તળાવ લોકો માટે વિના મૂલ્યે ખુલ્લું હતું, તેને લોકશાહીમાં
દીવાલ-દરવાજા વચ્ચે ‘ચણી’ દેવાયું અને ત્યાં જવા
માટે ફી ઠરાવાઇ. પરંતુ તેનો વિરોધ કરનારા થોડા લોકોને ‘વિકાસવિરોધી’ની ગાળ પડી.
કાંકરિયામાં મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ મૂકનારી સરકાર સામે વધુ નાગરિકો જાગ્યા હોત
તો?
થોડા વખત પહેલાં અમદાવાદના મહેંદીનવાઝ જંગ
હોલનું એક ખાનગી કંપનીની મદદથી સમારકામ થયું. ત્યાર પછી સગવડો વધી, પણ એ હોલ સરકારની
ટીકા કે વિરોધ કરતા કાર્યક્રમો માટે નહીં મળે, એવું સત્તાવાર
રીતે ઠરાવાયું. એ નિર્ણય હોલ અંગે નિર્ણયસત્તા ધરાવતા ભાજપી રાજ્યપાલનો હતો.
મહેંદીનવાઝ જંગ હોલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સરકારે મારેલી તરાપ સામે પણ
મોટો ઉહાપોહ થયો હોત તો?
અમદાવાદમાં સભ્યતાપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા
માટેની ભૌગોલિક-માનસિક જગ્યાઓ સતત ઘટતી રહી અને લોકોનો મોટો વર્ગ પ્રશ્નો પૂછતા,
જવાબ માગતા ખુલ્લાં આંખ-કાનવાળા નાગરિક બનવાને બદલે, વિકાસની કે
વ્યક્તિપૂજાની બાળાગોળીઓ પીને સુખેથી ઘેનમાં કે ભ્રમમાં સરી ગયો. એ વર્ગમાં અને ‘કટોકટી વખતે
ટ્રેનો સમયસર દોડતી હતી’ એમ કહીને કટોકટીનાં વખાણ
કરનાર વર્ગમાં શો તફાવત રહ્યો? ઊલટું, વર્તમાન શાસકોને
તો કટોકટી લાદ્યા વગર આજ્ઞાંકિત ઓડિયન્સ પ્રાપ્ત થયું.
ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે મોડે મોડે પણ
ગુજરાતના નાગરિકોની ભ્રમનિદ્રા તૂટી હોય અને રાજકીય પક્ષો-નેતાઓમાં ઉદ્ધારકની શોધ
ચલાવવાને બદલે, તે સવાલો પૂછતા ને જવાબો માગતા થાય, તો પ્રતિબંધ
નિમિત્તે થયેલો હોબાળો વસૂલ. બાકી, કરતાલ-કાંસીજોડા તો છે જ.
Urvish Bhai
ReplyDeleteThanks for your perspective.Its hih time that you write about our NRI Prime Minister who has been tirelessly travelling overseas...& unable to pay any attention on home front.
Dr.Patel
Canada
mafatpatel@gmail.com
Urvishbhai,Ahi badha ne javabdari ni zanzat vagr sara nagrik banvu chhe!! Ane ae suvidha NET puri pade chhe..
ReplyDelete