Thursday, September 17, 2015

ભદ્રંભદ્ર : અનામતનાબૂદી આંદોલનમાં (૨) : યુગકાર્ય આગળ વધારવાની યોજના

સો વર્ષ પહેલાં સુધારાવાળાનો પરાજય કરવા મેદાને પડેલા આર્ય ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામ વર્તમાનકાળમાં અનામત સામે તુમુલ સંગ્રામ કરવા આવી પહોંચ્યા છે. અગાઉના અવતારની જેમ આ વખતે પણ તે યવન (વિદેશી) શબ્દોનો પ્રયોગ કરતા નથી. હવે હું નથી કે આરક્ષણ નથીએવી ભીષણ પ્રતિજ્ઞા લીધા પછી તે શું કરશે? વાંચો આગળ.
***
સાંભળ્યું છે કે જુદા જુદા સમાજો અનામતની માગણી સાથે કૂચ કરી રહ્યા છે.અંબારામે ઉત્સાહથી છલકાતા અવાજે ભદ્રંભદ્રને સમાચાર આપ્યા અને તેમના પ્રસન્નોદ્‌ગાર સાંભળવા શ્વાસ રોકીને ઊભા રહ્યા. સારું થયું, તેમણે શ્વાસ વેળાસર છોડી દીધો. નહીંતર તેમનો દેહ છૂટી જાત. કારણ કે ભદ્રંભદ્ર આ સમાચારથી ખાસ પ્રસન્ન થયા હોય એવું લાગ્યું નહીં.

તેમણે ધીરગંભીર અવાજે, લગભગ ઠપકાના સૂરમાં કહ્યું,‘અંબારામ, તારા જેવા શિષ્યોત્તમ માટે મૂર્ખશિરોમણી જેવા ઉપાલંભવચનો પ્રયોજવાનું સર્વથા અનુચિત લેખીને હું એમ કરતો નથી. તથાપિ તારે પણ મારા સંયમની પરીક્ષા કરવી ન જોઇએ. અનામતઉચ્છેદનની યજ્ઞવેદી પર પ્રાણની આહુતિ આપવાની આપણી તત્પરતા હોય ત્યારે, આટલા ઉત્સાહથી તું આરક્ષણ માગનાર કૂચો વિશે જણાવે છે? અપશોચ, અપશોચ.

શરૂઆતનાં વાક્યોથી ડઘાયેલા અંબારામ આખી વાત સાંભળ્યા પછી નિશ્ચિંત થયા. તેમણે કહ્યું, ‘મેં આપને એ સમાચાર સહેતુક જણાવ્યા છે. કારણ કે અનામતની માગણી માટેની ઘણી કૂચો ખરેખર અનામતનો વિરોધ કરી રહી છે.

આશ્ચર્યમ્‌.ભદ્રંભદ્ર બોલ્યા, ‘એવું શી રીતે સંભવે? જેની માગણી કરીએ તેનો જ વિરોધ? જેનો વિરોધ કરીએ તેની જ માગણી? અંબારામ, મને અંધકારમાં રાખીને તેં કોઇ દિવ્ય દ્રવ્યનું સેવન તો...

ભદ્રંભદ્રને અડધેથી અટકાવીને અંબારામે કહ્યું,‘ના, મારું ચિત્ત સુસ્થિર જ છે... આપ સરખા વિદ્વજ્જનને તો એ યાદ જ હોય : દેવાસુર સંગ્રામમાં દેવોએ અસુરો માટે અમૃતનો વિરોધ અને પોતાના માટે અમૃતની માગણી કરી હતી કે નહીં? ’

ભદ્રંભદ્રે પોતે અમૃતની વહેંચણી કરી હોય એટલા આત્મવિશ્વાસથી હા પાડી અને ચહેરા પર સંતોષનો ભાવ પ્રગટ કરીને કહ્યું,‘અંબારામ, દેવાસુર સંગ્રામનો તર્ક આપીને તેં સિદ્ધ કર્યું છે કે તું શા માટે શિષ્યોત્તમ ગણાવાને યોગ્ય છે. લાંબા સમયથી મારા સહવાસમાં રહેવાને કારણે, તારી ન્યાયબુદ્ધિ અને તારા શાણપણ સંશયાતીત છે. એ વિશે હું નિઃસંશય થયો છું.

જેમ આપની વિદ્વત્તા અને પ્રતિભા વિશે મને કોઇ શંકા નથી.અંબારામે નમ્રતાથી કહ્યું, ‘આપને આ સમાચાર આપવા પાછળનું તાત્પર્ય એ હતું કે આવી કોઇ કૂચમાં પહોંચીને મંચસ્થ થવાથી, આરક્ષણઉચ્છેદનના આપણા યુગકાર્યને પ્રબલ વેગ પ્રાપ્ત થશે.

ઉત્તમ વિચાર છે. કિંતુ કૂચ કે સભા પૂરાં થયા પછી મોદક-ભોજનની સનાતન પરંપરા હજુ ટકી છે કે સુધારાવાળાએ તેનો પણ ભોગ લીધો?’ ભદ્રંભદ્રે મુદ્દાની અને મુદ્દામાલની વાત કાઢી.

અંબારામના ચહેરા પર મૂંઝવણનો ભાવ આવ્યો. તેમણે કહ્યું,‘પૃચ્છા કરતાં જ્ઞાત થયું છે કે એક કૂચ પછી મોદક-પ્રસાદ તો નહીં, પણ મોદી-પ્રસાદ છૂટથી વહેંચાયો હતો. જોકે મેં આ વાત કેવળ કર્ણોપકર્ણ સાંભળી હોવાથી મોદીપ્રસાદશું છે એ હું સમજી શક્યો નહીં.

અંબારામ, મારા માટે આ ધર્મયુદ્ધ છે. તેમાં રણભૂમિ મઘ્યે પ્રાણ ત્યાગવા હું તત્પર છું, કિંતુ ક્ષુધાતુર થઇને, મોદકનું ચિતવન કરતાં કરતાં પ્રાણ જાય, તેમાં મારી, મોદકની કે પ્રાણની-કોઇની શોભા નથી. એટલે તને પૂછ્‌યું. અન્યથા મારું સંપૂર્ણ ધ્યાન...

‘...લાડવા પર નહીં, લડવા પર કેન્દ્રિત છે.અંબારામે ભદ્રંભદ્રનું અધૂરું વાક્ય પૂરું કર્યું, એ સાથે જ ભદ્રંભદ્રે જોરથી પોકાર કર્યો, ‘આરક્ષણનો... ક્ષય. સનાતન ધર્મનો... જય. હે અંબારામા, તું મારું મુખારવિંદ જુએ છે, એટલી સ્પષ્ટતાથી હું આરક્ષણનો અંત નિહાળી શકું છું.

ભદ્રંભદ્ર મંચસ્થ થવાની વાતથી વીરરસમાં આવી ગયા કે મોદક-લાડુના ઉલ્લેખથી, એ અંબારામ નક્કી કરી શક્યા નહીં. પરંતુ ભદ્રંભદ્રોના અંબારામોએ વધારે વિચારવાની જરૂર હોતી નથી. એ જ તેમની મુખ્ય લાયકાત ગણાય છે. થોડી વારમાં અંબારામે સાંજે યોજાનારી એક સભાની વિગત મેળવીને ભદ્રંભદ્રને જાણ કરી. એ સાંભળીને ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામ, એ નિશ્ચિત જાણજે કે આરક્ષણની જે અન્યાયી રીતિએ અનેક ઊચ્ચકુલદીપકદીપિકાઓને ઘોર અન્યાય કર્યો છે અને નિમ્ન કોટિના શુદ્રાદિને પ્રવેશયોગ્ય ગણ્યા છે, તે ભ્રષ્ટ રીતિ આવતી કાલના સૂર્યનાં દર્શન નહીં કરી શકે. ભગવાન નરસિંહે જેમ ઉંબરા પર બેસીને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો, તેમ હું મંચ પરથી આરક્ષણનો અંત આણીશ. મને એમ કરતો અને એ માટે મંચ પર પહોંચતો અટકાવવો, એ શિવધનુષ્ય ઊંચકવા સમું અસંભવિત કાર્ય છે.

અંબારામે કામની વાત કરતાં કહ્યું,‘એક વાતથી આપને વિદિત કરી દઉં. વર્તમાનકાળના આર્યજનો આરક્ષણને અનામતતરીકે ઓળખે છે અને શુદ્રાદિ જ્ઞાતિઓ વિશે જાહેરમાં અપમાનજનક બોલી શકાતું નથી. કાયદા બહુ ખરાબ છે.

એ સાંભળીને ભદ્રંભદ્રના ચહેરા પર અણગમો પથરાઇ ગયો. તારી જાગૃતિ પ્રશંસનીય છે. કારાગૃહયોગનું પુનરાવર્તન  ત્યાજ્ય છે, એ વિશે હું તારી સાથે સંમત છું. દુષ્ટ સુધારાવાળાની કુટિલતા મારાથી અજાણ નથી. તે જાણે છે કે શુદ્રાદિ જ્ઞાતિઓને આરક્ષણ આપવાથી જ નહીં, તેમનો આદરસહિત ઉલ્લેખ કરવાથી પણ સનાતન ધર્મને હાનિ પહોંચે. સદ્‌ભાગ્યે ઘણા આર્યવીરો લોકનિંદા વહોરીને પણ આરક્ષણ તથા તેના લાભાર્થીઓની યથોચિત ભર્ત્સના કરે છે. એમ કરવા પાછળનો તેમનો સદાશય શુદ્રાદિને તેમના મૂળ વ્યવસાયોથી અને ખરેખર તો સનાતન ધર્મથી વિમુખ થતા અટકાવવાનો છે. એવા જીહ્વાશૂરા જોદ્ધાઓની ધર્મપ્રીતિરીતિનીતિભીતિ ધન્ય છે. તેમને મારા જેવા સમર્થ નેતાની આવશ્યકતા છે અને તેમનું નેતૃત્વ લેવું એ મમ કર્તવ્ય છે. મારા રોમેરોમમાં કર્તવ્યબોધ ઉછાળા મારે છે...કે પછી સુધારાવાળાએ માયાનો સહારો લઇને ક્ષુધાને કર્તવ્યબોધ સ્વરૂપે પ્રેષિત કરી હશે? અંબારામ, શીઘ્ર તું કોઇ આર્ય શાકાહારી અલ્પાહાર ગૃહ શોધ. આરક્ષણઉચ્છેદનના ધર્મકાર્યમાં પ્રવૃત્ત થતાં પૂર્વે હું કોઇ કચાશ રાખવા માગતો નથી.

બન્ને જણા રસ્તા પર આવેલી એક રેસ્તોરાંમાં પ્રવેશ્યા અને સંકોચ સાથે ટેબલ પર બેઠા. 
(ક્રમશઃ)

4 comments:

  1. In his key note address at Raw Conference, HCU,2015 (and perhaps in his last public lecture), G.N.Devy rightly observed that influences in India run through centuries.....Bhadrambhadra is eternal.....written quite appropriately...

    ReplyDelete
  2. Jailyog ma "jail" tyajya chhe :)

    ReplyDelete
    Replies
    1. ધ્યાનથી વાંચીને આટલા પ્રેમથી ધ્યાન દોરવા બદલ આભાર. મૂળ લખાણમાં જેલયોગને બદલે કારાગૃહયોગ કરી દીધું છે. :-)

      Delete
  3. Anonymous5:50:00 PM

    ઉચ્ચ વાચનક્ષુધા તૃપ્ત કરતુ લેખન !

    ReplyDelete