ગુજરાતમાં વરસાદ મતલબ ‘ડિઝાસ્ટર’ (આફત). વરસાદ ઓછો
આવે તો ખેતી અને પાણીમાં ધબડકો, વધારે આવે તો
પૂરનો પ્રલય અને માપસરનો આવે, તો
મ્યુનિસિપાલિટીના પ્લાનિંગ (એટલે કે પ્લાનિંગના અભાવ)નો કકળાટ. દરેક ચોમાસે આ સત્ય
વધુ ને વધુ પાણીદાર લાગતું જાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં બે-ત્રણ ઇંચ વરસાદ આવે
અને પાણી ભરાઇ જાય, તો સત્તાધીશો
નિર્દોષભાવે કહી શકે છે, ‘કુદરત આગળ અમે લાચાર
છીએ. એકસામટો આટલો બધો (બે-ત્રણ ઇંચ) વરસાદ પડ્યો એટલે. બાકી, અમુક કરોડ રૂપિયાના ખર્ચે અમે કરેલું પ્લાનિંગ તો જડબેસલાક
હતું.’
દરેક વર્ષે આવતો વરસાદ
રસ્તાની સાથોસાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની
(રહીસહી) આબરૂમાં ગાબડાં પાડતો જાય છે અને રસ્તાના કચરાની ભેગાભેગ કરોડો રૂપિયાના
ખર્ચે થતાં આયોજનોના દાવાને પણ તાણી જાય છે. એ જુદી વાત છે કે આબરૂનું ધોવાણ રાજકારણમાં
મૂડી ગણાય છે. કપડાં ધોવાઇને સ્વચ્છ થાય, પણ આબરૂ ધોવાઇને ડાઘગ્રસ્ત બને છે. તમામ રાજકીય પક્ષોની આબરૂ ધોવાઇને તેમનો
મૂળ રંગ ગુમાવી ચૂકેલી હોવાથી, ગરીબી-બેકારી દૂર
થાય કે ન થાય,
રાજકીય પક્ષો વચ્ચે રહેલી અસમાનતા દૂર થઇ જાય છે. બજારની
પરિભાષામાં તેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ની આદર્શ સ્થિતિ કહી શકાય. વડાપ્રધાનના ફળદ્રુપ દિમાગમાં બત્તી થાય તો રાજકીય
પક્ષોના આબરૂધોવાણને તે દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગ તરીકે ગણાવી શકે.
આબરૂનું સૌથી મોટું સુખ
એ છે કે તે એક જ વાર જાય છે. પછી દરેક વખત જે થાય તેની અસર એક્શન રીપ્લે જેવી હોય
છે. પ્રજાને તેમાં કશી નવાઇ અને સત્તાધીશોને તેની કશી શરમ લાગતાં નથી. કોઇક વાર
સત્તાધીશોમાં કર્તવ્યબોધ જાગી ઉઠે, ત્યારે તે સ્વામી
વિવેકાનંદને યાદ કરે છે, જાગે છે, ઊઠે છે અને મૂળ સૂત્રમાં થોડો ફેરફાર કરીને, મિટિંગ ભરવા મચી પડે છે. આવી એક વરસાદલક્ષી મિટિંગનું
કાલ્પનિક દૃશ્ય.
***
અધિકારી ૧: ચાલો મિટિંગ મિટિંગ રમીએ...આઇ મીન, મિટિંગ શરૂ કરીએ.
ઉપરી : (ડોળા તતડાવીને) સવાર સવારમાં ક્યાંક થઇને નથી આવ્યા ને?... અને પેલા અધિકારી
ક્યાં છે?
અધિકારી ૧ : સોરી સર...ગઇ કાલે શહેરમાં ભારે વરસાદ પડ્યો. તેના કારણે
ઠેકઠેકાણે પાણી ભરાઇ જવા પામ્યાં હતાં અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર
જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદનાં પગલાં લઇને...
ઉપરી : તમે મારી જોડે પ્રેસનોટની ભાષામાં વાત ન કરો. ગુજરાતીમાં
કહો,
એ અધિકારી હજુ કેમ નથી પહોંચ્યા?
અધિકારી ૨ : સાહેબ, એમના ઘર આગળ
એટલું પાણી ભરાયેલું કે એમના માટે હોડી મોકલવી પડે એમ છે ને ફાયર બ્રિગેડવાળા આવા
કામ માટે હોડી મોકલવાની ના પાડે છે.
ઉપરી: તો હેલિકોપ્ટર મોકલો.
બધા અધિકારીઓ : (અભિભૂત થઇને, કોરસમાં) યુ આર જિનિયસ, સર. તમારા વડવા ફ્રાન્સની રાણીના સગામાં થાય?
ઉપરી : મસકાબાજી છોડો ને એ કહો કે દરેક વખતે આપણો પ્રી-મોન્સૂન
પ્લાન કેમ ડૂબી જાય છે?
અધિકારી ૨ : ડૂબી નથી જતો, સાહેબ. હવાઇ જાય
છે. પછી લોકો સમજ્યા વગર બૂમો પાડે છે કે કોર્પોરેશનથી શેક્યો પાપડ ભાંગતો નથી.
તમે જ કહો,
હવાઇ ગયેલો પાપડ કેવી રીતે ભાંગે?
ઉપરી : તમે આવું ગોળ ગોળ બોલીને આખી વાતને તમારા બચાવમાં હંકારી ન
જાવ. મારી આગળ એ તરકીબ નહીં ચાલે.
અધિકારી ૩ : તો કઇ ચાલશે?
(ઉપરી અધિકારી તેમની સામે જોઇને ડોળા કાઢે છે.)
અધિકારી ૩ : મારો કહેવાનો મતલબ હતો કે કામની કઇ રીત આપને અનુકૂળ આવશે?
ઉપરી : દર વખતે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને મળે
છે?
અને કોન્ટ્રાક્ટરની જવાબદારી શી હોય છે?
અધિકારી ૧ : હું એ કોન્ટ્રાક્ટરને એની જવાબદારી સમજાવીને આપની પાસે
મોકલી આપીશ. આપ એને સમજાવી દેજો અને એની સાથે સમજી પણ લેજો. બસ?
ઉપરી : મને પટાવવાની કે ટૂંકમાં પતાવવાની કોશિશ ન કરશો.
અધિકારી ૨ : હોય કંઇ, સાહેબ? આ વખતે મોન્સૂન પ્લાનિંગમાં તમારો વટ પાડી દેવો છે.
અધિકારી ૩ : મને તો અત્યારથી શહેરના ખાબોચિયે-ખાબોચિયે, ભૂવે-ભૂવે આપના નામના ઝંડા ફરકતા દેખાય છે.
બધા અધિકારીઓ : (કોરસમાં)
ઝંડા ઊંચા રહે હમારા...ગઢ્ઢોંકો સજાનેવાલા, ચલતોંકો ચૌંકાનેવાલા...
ઉપરી : તમે લોકો રાગડા તાણવાનું બંધ કરો અને નક્કર આયોજનની વાત
કરો. દર ચોમાસે આપણું નાક કપાય...
અધિકારી ૩ : સાહેબ, એક પ્લાસ્ટિક
સર્જન આપણા ખાસ ફ્રેન્ડ છે--તમામ પ્રકારની સર્જરીમાં...
ઉપરી : (વાત અધવચ્ચેથી કાપીને, ઉગ્રતાથી) તમને લોકોને કંઇ શરમ જેવું છે કે નહીં? દર વખતે ચોમાસામાં આપણાં આયોજનોની ધજા થાય, લોકોને આટલી હાલાકી-હેરાનગતિ વેઠવી પડે, એ સારું કહેવાય? આપણું કામ લોકોનું હિત વિચારવાનું - તેમની સુખાકારી વધારવાનું છે. એની પ્રેરણા
માટે આપણે બીજે ફાંફાં મારવાની જરૂર નથી. આપણા વડાપ્રધાનમાંથી આપણે એટલું પણ ન
શીખી શકીએ?
(મિટિંગમાં સન્નાટો છવાઇ જાય છે. બાકીના અધિકારીઓ ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ પ્રકારની દિવ્ય વાણી ઝીલવા તત્પર બને છે, પણ એક અધિકારી હિંમત કરીને પૂછે છે)
અધિકારી ૪ : માફ કરજો, સાહેબ. આ બધું
કહેવું સહેલું છે,
પણ કરવું અઘરું છે. આડેધડ પ્લાનિંગે એવો દાટ વાળ્યો છે
કે...
ઉપરી : પાણી ભરાતું રોકવાની કે ભૂવા પડતા અટકાવવાની વાત કોણ કરે
છે?
હું કહું છું કે ચોતરફ આવી બૂમો પડતી હોય, ત્યારે આપણે એક અઠવાડિયાનો રેઇન ડાન્સ ફેસ્ટિવલ ન યોજી શકીએ? તેમાં દેશવિદેશથી કલાકારો બોલાવવાના અને મહાત્મા મંદિરમાં
તેમના શો રાખવાના અને તેમનું લાઇવ ટેલીકાસ્ટ કરાવવાનું. દરેક ખાડે ને દરેક ભૂવે
મોટા ટીવી સ્ક્રીન મૂકવાના, જેથી લોકોને
ચેતવણીની સાથે મનોરંજન પણ મળે. કાર્યક્રમની ઝાકઝમાળની પ્રસિદ્ધિ એટલી હદે કરવાની
કે લોકો બીજું બધું ભૂલી જાય. ફેસબુક-ટ્વીટર પર તેના જ ફોટા દેખાય.
(બધા અધિકારીઓ અહોભાવથી તાકી રહે છે)
ઉપરી : એની ઉત્તેજના શમે તે પહેલાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના
રસ્તાને સાંકળતી આંતરરાષ્ટ્રિય કાર-રેલીનાં આયોજન કરવાનાં. રસ્તા પરના ખાડા અને
ભૂવાનું ડેકોરેશન કરીને તેમને કાર-રેલીના અગવડભર્યા ટ્રેકનું સ્વરૂપ આપી દેવાનું.
વિદેશથી આવનારા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ પ્રગટ થશે ત્યારે તે આપણા નેચરલ ટ્રેકનાં બે
મોઢે વખાણ કરશે અને આપણા ખાડાનો દેશદેશાવરમાં જયજયકાર થઇ જશે. બાકીના કાર્યક્રમ
ઇન્ટરનેશનલ લેવલના કરીએ, ત્યારે એકાદ કાર્યક્રમ
લોકલ લેવલનો કરવાનો. ગામેગામ ખાડા-મુશાયરા યોજવા અને કવિઓને ચીલાચાલુ વરસાદી
વિષયોને બદલે ખાડા, ભૂવા, ખાબોચિયાં જેવા વિષયો પર કવિતાઓ લખવા કહેવું. એવો મુખ્ય
મુશાયરો ગાંધીનગરમાં યોજીને તેમાં મોરારીબાપુને મુખ્ય મહેમાન બનાવવા...આવા તો બીજા
અનેક મૌલિક કાર્યક્રમ યોજી શકાય. આખો દેશ ગુજરાત મોડેલ પાછળ ઘેલો થતો હોય અને તમે
લોકો જ ગુજરાત મોડેલ ભૂલી જાવ એ કેમ ચાલે?
બધા અધિકારીઓ : (કોરસમાં) યુ આર વિઝનરી, સર. યુ આર જિનિયસ. વી આર પ્રાઉડ ઓફ યુ.
(‘ઝંડા ઊંચા રહે હમારા’ના સ્વયંભૂ સમુહગાન સાથે મિટિંગનો અંત આવે છે.)
No comments:
Post a Comment