ભારતમાં યોગનો અને ખાસ તો એ નિમિત્તે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ શરૂ કરાવવા બદલ વડાપ્રધાનનો જયજયકાર થવાની સીઝન હમણાં પૂરી થઇ. ધંધાદારીઓએ અને બાકી હતું તે નેતાઓએ પોઝિટિવ થિંકિંગની જેમ યોગનો પણ ખુમચા ખોલી નાખ્યા છે. (રામદેવનું આર્થિક સામ્રાજ્ય જોતાં ‘ખુમચા’ને બદલે ‘મૉલ’ શબ્દ વધારે યોગ્ય ગણાશે.) કોઇ પણ બાબતને પોતાના ફાયદામાં-પોતાના જયજયકાર માટે શી રીતે વાપરી લેવી, એ કાર્યર્માં વડાપ્રધાનનું કૌશલ્ય એટલું મજબૂત છે કે ‘કાર્યમાં કૌશલ્ય એ યોગ’ની વ્યાખ્યા પ્રમાણે, વડાપ્રધાનને મહાયોગી ગણવા પડે. રામદેવ પ્રકારના યોગગુરુઓ આઘ્યાત્મિક નેતાથી માંડીને રાજકીય ફિક્સર તરીકેની ભૂમિકાઓમાં સહેલાઇથી સદેહે વિહાર કરી શકે છે. એના માટે યૌગિક શક્તિની નહીં, કેવળ ખંધાઇ અને મહત્ત્વાકાંક્ષાની જરૂર હોય છે. યોગના નવા બ્રાન્ડ એમ્બેસેડર જૂથને ઘ્યાનમાં રાખીને, આસનોની જૂની પરંપરામાં કેટલાક નવા ઉમેરા થવા જોઇએ. જેમ કે,
અર્ધસત્યાસન
તમામ રાજકીય નેતાઓને આ ‘યોગ’ અત્યંત પ્રિય છે. તેનું નામ ખરેખર ‘અર્ધજૂઠાણાંસન’ હોવું જોઇએ, પણ યોગ જેવી પવિત્ર ચીજમાં જૂઠાણાંને સ્થાન ન હોઇ શકે, એમ ધારીને આવું સાત્ત્વિક નામ રાખવામાં આવ્યું છે. આ આસનની નિયમિત પ્રેક્ટિસ કરનાર પ્રધાનો-મંત્રીઓ ટાઢા કલેજે કહી શકે છે કે ‘અમે કશું ખોટું નથી કર્યું.’
તેમનું કહેવું સાવ ખોટું પણ નથી. તેમાં સત્યનો અડધોઅડધ હિસ્સો છે. કેમ કે, મંત્રીમહોદયે જે કંઇ ગોટાળા કર્યા છે, તે અજાણતાં કે ભૂલથી નહીં, જાણીબુઝીને- પોતાનો સત્તાસિદ્ધ અધિકાર ગણીને કર્યા છે. ‘મેં બીજા કોઇની સત્તાનો તો દુરુપયોગ કર્યો નથી. મારી પાસે સત્તા હતી ને મેં વાપરી. એમાં ખોટું શું છે?’ આવી પ્રતીતિને કારણે, પોતે જે કર્યું છે એ તેમને ખોટું લાગતું નથી.
અર્ધસત્યાસન નિયમિત કરવાથી આર્થિક, શારીરિક, માનસિક -ટૂંકમાં નૈતિક સિવાયની બધી રીતે ફાયદા થાય છે. કરોડાનાં સામ્રાાજ્ય ધરાવતા નવા જમાનાના યોગગુરુઓનાં ઇન્કમટેક્સ રીટર્ન અર્ધસત્યાસનનો ટેક્નિકલ નમૂનો છે.
અજપ્રચારાસન
પંડિત નેહરુ શબ્દશઃ શીર્ષાસન કરવા માટે જાણીતા હતા, પરંતુ તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીએ કટોકટી વખતે ભારતના બંધારણને શીર્ષાસન કરાવી દીધું. અજપ્રચારાસનને ઇંદિરા ગાંધીની દેન ગણી શકાય. કોઇ પણ પ્રસંગે એક સરખી તીવ્રતાથી ‘મૈં, મૈં’ કરતી અજ (બકરી)ની જેમ આ આસન કરનારા દરેક વાતમાં તેમની જાતને કેન્દ્રસ્થાને રાખે છે અને એવો પ્રચાર કરે છે કે એ પોતે જ દેશ છે, તેમની સત્તાને ખતરો એ દેશના અસ્તિત્ત્વ સામે ખતરો છે, તેમનું અપમાન એ દેશનું અપમાન છે અને તેમના વિના આ દેશનું કોઇ ધણીધોરી નથી. ટૂંકમાં, તે દેશની એકમાત્ર આશા છે.
આ પ્રકારનું આસન કોઇ પણ શારીરિક અવસ્થામાં થઇ શકે છે. તેના માટે ચોક્કસ પ્રકારની (આપખુદશાહી) માનસિકતા હોવી અનિવાર્ય છે.(આટલું વર્ણન વાંચીને તમને ઇંદિરા ગાંધી સિવાય પણ બીજું કોઇ યાદ આવે, તો એ માટે આ લખનાર જવાબદાર નથી.)
ઉત્તુંગકૌભાંડાસન
ફક્ત રાજનેતાઓ પૂરતું મર્યાદિત લાગતું આ આસન હકીકતમાં ‘ગૉડમેન’ કહેવાતા બાવાઓથી અને યોગગુરુઘંટાલોથી માંડીને જનસામાન્યમાં એકસરખો વ્યાપ અને ભારે લોકપ્રિયતા ધરાવે છે. આ આસન સામાન્યપણે ખુરશી કે સિંહાસન પર બેસીને કરવામાં આવે છે. ઘણા સિદ્ધ મહાત્માઓ ખુરશી પર બેઠા વિના ખુરશી જેવો (સત્તાનો) પ્રભાવ પેદા કરી શકે છે. તેમને મોટાં કૌભાંડ કરવા માટે ભૌતિક સ્વરૂપે ખુરશીની જરૂરિયાત રહેતી નથી. ‘સબ ખુરશી ગોપાલકી’ના સિદ્ધાંત પ્રમાણે, કોઇ પણ પક્ષની ખુરશી સાથે તે આત્મીયતા સાધીને કૌભાંડો પાર પાડી શકે છે.
આમથી ખાસ સુધીના ઘણા લોકો જીવનમાં એક મોટું કૌભાંડ કરવાની મહેચ્છા સેવે છે અને એ કરવા ન મળે ત્યાં સુધી કૌભાંડીઓને ગાળો દીધા કરે છે. આ કસરતને ઉત્તુંગકૌભાંડાસન જેવા અઘરા આસનની પૂર્વતૈયારી- વૉર્મિંગ અપ એક્સરસાઇઝ- ગણી શકાય. તેનાથી તેમની અને દેશની લોકશાહીની તબિયત ચુસ્ત બને છે, જેથી સમય અને સત્તા આવ્યે ઉત્તુંગકૌભાંડાસનને પૂરેપૂરો ન્યાય આપી શકે છે.
સંપૂર્ણવળાંકાસન
અંગ્રેજીમાં ‘યુ ટર્ન’ તરીકે ઓળખાતા સંપૂર્ણ વળાંક પરથી અસ્તિત્ત્વમાં આવેલું આ આસન ભારતીય યોગવિદ્યાનો તો નહીં, પણ ભારતીય લોકશાહી રાજકારણનો મૂલાધાર છે. તેના નિષ્ણાત બન્યા વિના ભારતીય રાજકારણમાં ટોચ પર પહોંચી શકાતું નથી અને કદાચ પહોંચી જવાય તો પણ ટકી શકાતું નથી.
વિરોધપક્ષ તરીકે પોતે જેનો વિરોધ કર્યો હોય, એ જ નીતિ સત્તામાં આવ્યા પછી અપનાવવી (એટલું જ નહીં, એને પોતાની મૌલિક જાહેર કરવી) અને સત્તામાં જે નીતિનું સમર્થન કર્યું હોય એની વિરોધ પક્ષમાં ગયા પછી ટીકા કરવી, એ સંપૂર્ણવળાંકાસનનું જાણીતું ઉદાહરણ છે. જૂના વખતમાં આવી ચેષ્ટાને માટે ‘શીર્ષાસન’ (દા.ત. ફલાણી નીતિનું શીર્ષાસન) એવો પ્રયોગ વપરાતો હતો, પરંતુ અંગ્રેજી ‘યુ ટર્ન’ વધારે પ્રચલિત બનતાં, હવે સંપૂર્ણવળાંકાસન ‘ઇન’ છે.
શીતજલખસનિર્મૂલાસન
નામથી આયુર્વેદના ઉપચાર જેવું લાગતા આ આસનનું ઉચ્ચાર માર્ગદર્શન આ પ્રમાણે છે : શીત-જલ-ખસ-નિર્મૂલન-આસન. રાજકારણમાં જે કામ બળથી નથી થતાં તે કળથી થાય છે. અથવા પોતાના બળથી નથી થતાં તે બીજાના બળથી થાય છે. વર્તમાન સમયમાં મુખ્ય મુશ્કેલી વિપક્ષી રાજકીય હરીફોની નહીં, પોતાના પક્ષના નેતાઓની હોય છે.
ગુજરાતમૉડેલથી પરિચિત લોકોને અનુભવ હશે કે ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસનું સહઅસ્તિત્ત્વ કેવું સરસ મજાનું હતું. કોઇની નજર ન લાગી જાય એટલા પૂરતી કાળી ટીલીઓને બાદ કરતાં, બઘું સુખરૂપ ચાલતું હતું. પરંતુ પક્ષના અસંતુષ્ટો કે પોતાના વર્ચસ્વ પ્રમાણેની સત્તા માગનારાનું શું કરવું? ટાઢા પાણીએ તેમની ખસ કાઢવા માટે આ આસન યોજવામાં આવે છે. તેમાં કરનાર આંખ મીચીને ઘ્યાનમગ્ન બેઠો હોય એવું લાગે--આશાવાદીઓને તો એવું પણ લાગે કે તે પોતાના પક્ષના સાથીદારોના બચાવ માટે ઘ્યાન ધરી રહ્યો છે, પરંતુ આ આસનથી પરિચિત લોકો સમજી જાય કે ધ્યાનમગ્ન જણાતો આસનકર્તા હકીકતમાં પોતે ગોઠવેલાં સોગઠાં કેવાં અપેક્ષા પ્રમાણે ચાલી રહ્યાં છે, એ જોવા-માણવામાં વ્યસ્ત હોય અને તેમની સફળતાથી મનોમન હસું હસું થતો હોય. પરંતુ બહારથી જોનારને એ પદ્માસનમાં બેઠો હોય એવું જ લાગે. આવી સ્થિતિમાં કરવામાં આવતું પદ્માસન પણ શીતજલખસનિર્મૂલાસનનો જ હિસ્સો બની રહે છે.

Urvishbhai,
ReplyDeleteExcellent, marvelous, fantastic. I like the name jalkhasnirmulasan.
Thank you so much
Manhar Sutaria