અમદાવાદ સહિત ગુજરાતનાં ઘણાં શહેરો-નગરો-ગામડાંમાં ચોમાસું આવતાં પહેલાં અનેક રસ્તા ખોદાયેલા હોય છે. શ્રદ્ધાળુઓ માનતા હશે કે આવાં કામ ઇન્દ્રદેવને રીઝવવા માટે થાય છે. સંશયાત્માઓ માને છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઇન્દ્રદેવની નહીં, લક્ષ્મીદેવીની કૃપા મેળવવા માટે આવી ઘોર તપશ્ચર્યા આદરે છે. આમ, દેખીતા મતભેદ છતાં એક બાબતે બન્ને વર્ગો સંમત છે કે રસ્તા પરના ખાડાનો મામલો દુન્યવી નહીં, દૈવી છે.
ખાડા વગરના રસ્તાની અપેક્ષા રાખવી એ મર્યાદા વગરના મનુષ્યની આશા રાખવા બરાબર છે. સરકારનું અને ધર્મગ્રંથોનું કામ લોકોને (ખોટી) આશા આપવાનું છે. ધર્મગ્રંથો દૈવી ચરિત્રોનું વર્ણન કરીને આસ્તિકોમાં આશા જગાડે છે અને સરકારો ‘મૉડેલ રોડ’ જેવી વિભાવનાઓ વહેતી મૂકીને લોકોને સ્વપ્નાં દેખાડે છે. સાકાર ન થનારાં સ્વપ્નાંનું પણ મહત્ત્વ હોય છે. એ જોનારને નહીં તો બતાવનારને, કોઇકને તો ફળતાં હોય છે-- અને એ સમજવા માટે (સ્વપ્નના અર્થઘટનના નિષ્ણાત) સિગ્મન્ડ ફ્રોઇડ હોવાની જરૂર નથી. કેવળ ગુજરાતી કે ભારતીય હોવું પૂરતું છે.
ભારતીય લોકશાહીની ઉજ્જવળ પરંપરામાં બંધારણના હાર્દનું અસ્તિત્ત્વ મોટે ભાગે તેના ભંગ થકી સિદ્ધ થાય છે. કંઇક એવી જ રીતે, રસ્તાનું અસ્તિત્ત્વ ખાડાની સહાયથી પુરવાર કરી શકાય. અમેરિકામાં લોકો માઇલો સુધી એકધારા રસ્તા પર વાહન હંકાર્યે જાય. એમને એમ જ હશે કે પૃથ્વી પાકા રોડ સાથે જ અસ્તિત્ત્વમાં આવી હશે. એ લોકો ખાડા વગરના રસ્તાની કદર શું જાણે? પરંતુ અમદાવાદના- ગુજરાતના ખાડાગ્રસ્ત રસ્તા પર વાહન ચલાવતા લોકો વધારે નમ્ર- વધારે કદરદાન હશે. તેમને પાંચસો મીટરનો સળંગ રસ્તો ખાડારહિત મળે, તો તે વડાપ્રધાનની (ત્યાર પહેલાં મુખ્ય મંત્રીની) જય બોલાવવા માંડે છે. તેમને ખબર છે કે આ દેશમાં કેટલા બધા લોકોને ખાડાની ફરિયાદ કરી શકાય એટલો રસ્તો પણ નસીબ થતો નથી, ત્યારે તેમને કમ સે કમ પાંચસો મીટરનો તો આવો રસ્તો મળ્યો.
પોઝિટિવ થિંકિંગનાં પડીકાં વેચનારા કહે છે તેમ, પ્યાલાનો અડધો ભરેલો હિસ્સો જોવો કે અડધો ખાલી, એનો આધાર જોનાર પર છે. લોકો રસ્તાને બદલે ખાડા જ જોયા કરે, તો તેમાં ખાડાનો, રસ્તાનો, કોન્ટ્રાક્ટરનો અને મ્યુનિસિપાલિટીનો શો વાંક? વાંક છે જોનારની જીવન પ્રત્યેની નકારાત્મક દૃષ્ટિનો. તેની દૃષ્ટિમાં પરિવર્તન આવશે અને તે મ્યુનિસિપાલિટીની કે કોન્ટ્રાક્ટરની નજરે આખી સ્થિતિ જોશે તો પછી તેને ઠેકઠેકાણે રસ્તો જ દેખાશે. આ સચ્ચાઇની સાખ પૂરતી અંગ્રેજી કહેવત છે : ‘વિલ વિલ ફાઇન્ડ અ વે’ --ઇચ્છાશક્તિ હોય તો (ગમે તેટલા ખાડાની વચ્ચેથી પણ) રસ્તો જડી જાય છે.
પૌર્વાત્ય સંસ્કૃતિના જ્ઞાનવારસાના વાહક એવા ગુર્જર ભારતવાસીઓને ગહન ચિંતનનો મુદ્દો પૂરો પાડતો એક તાત્ત્વિક સવાલ છે : રસ્તો છે, એટલે ખાડો છે? કે પછી ખાડો છે, એટલે રસ્તો છે? કોઇને આ પ્રશ્ન ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એ પ્રકારનો લાગી શકે. પણ તેને જરાય હસી કાઢવા જેવો નથી. આ પ્રશ્નનો સંતોષકારક જવાબ મેળવનાર જીવનમાં--ખાસ કરીને રસ્તા પર વાહન ચલાવતી વખતે--ખાડાને જોઇને વ્યાકૂળ થતો નથી, તેના મનમાં મ્યુનિસિપાલિટી અને કોન્ટ્રાક્ટરો પ્રત્યે રોષ ઊભરાતો નથી. તે ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને વિચારી શકે છે કે ‘રસ્તો છે, તો ખાડો છે ને? રસ્તો જ ન હોત તો ખાડો પણ ક્યાંથી હોત? અને રસ્તા વગર ફક્ત ખાડો જ હોત, તો એનું શું મહત્ત્વ હોત? રસ્તાએ પોતાના અસ્તિત્ત્વમાં ગાબડું પડવા દઇને પણ ખાડાને અસ્મિતા આપી છે.
સામે પક્ષેે ખાડો પણ કૃતઘ્ની નથી. સામાન્ય સંજોગોમાં જે લોકો રસ્તાના અસ્તિત્ત્વની નોંધ સુદ્ધાં ન લે અને રસ્તા માટે ‘એ તો હોય હવે. એમાં શી ધાડ મારી?’ એવો તુચ્છકારયુક્ત ઉપેક્ષાભાવ સેવતા હોય, એવા લોકો ખાડાના પ્રતાપે રસ્તાનું મૂલ્ય સમજતા થાય છે. ખાડાની સિરીઝ પછી થોડો સમથળ રસ્તો આવે, એટલે તેમને લોટરી લાગ્યા જેટલો આનંદ થાય છે. રસ્તો અને ખાડો- એમાંથી કોણ મહાન? એવો સવાલ નિરર્થક છે. રાધા-કૃષ્ણમાંથી કોણ મહાન એવા સવાલનો શો જવાબ હોય?
ખાડાના ટીકાકારોને વાંધો એ વાતનો હોય છે કે તેણે રસ્તાથી અલગ પોતાનું અસ્તિત્ત્વ ઊભું કર્યું. પરંતુ વ્યક્તિગત સ્વાતંત્ર્યના વિરોધીઓએ ખાડાનું ખુલીને સમર્થન કરવું જોઇએ. જેમ રસ્તાને પોતાનું સ્વાતંત્ર્ય હોય, તેમ ખાડાને પણ પોતાનું ‘વ્યક્તિગત સ્વાતંત્ર્ય’ ન હોઇ શકે? ખરી મુશ્કેલી ચોમાસામાં થાય છે. એ વખતે રસ્તા પરના સંખ્યાબંધ ખાડામાં અને ખાડાની બહાર રસ્તા ઉપર પાણી ભરાઇ જતાં, બઘું એકસરખું લાગે છે. જાણે ખાડો પોતાનું ખાડાપણું પાણીમાં ઓગાળી દઇને રસ્તા સાથે એકરૂપ બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ સમાજમાં, તેમ સડક પર, જે લોકોના જુદાપણા સામે આકરો વાંધો પડતો હોય, તેમના એકરૂપ થવાના પ્રયાસ તો ઓર ટીકાને પાત્ર બને છે. ‘જુઓને, આ લોકો તો અદ્દલ આપણા જેવું કરે છે. એ ઊભા હોય તો ખબર પણ ન પડે કે એ ફલાણા છે’--એવી ફરિયાદ ઉઠતી હોય છે.
રસ્તા પર પડેલા ખાડાના ઊંડાઇ સિવાય પણ ઘણી રીતે પ્રકાર પાડી શકાય : લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના, ચોમાસુ અને બારમાસી, માનવસર્જિત અને માનવસર્જિત. આઘુનિક શહેરી સંસ્કૃતિમાં ખાડાની ઊંડાઇ નહીં, તેનો સમયગાળો અને તેની સર્જનપ્રક્રિયા આગવું મહત્ત્વ ધરાવે છે. જેમ કે, એક ‘માનવસર્જિત’ એટલે ડ્રેનેજલાઇન કે ગેસલાઇન જેવાં કામ માટે રસ્તાની એકતા અને અખંડિતતા પર પ્રહાર કરીને તેને ખાડાગ્રસ્ત બનાવવામાં આવે. આ પ્રકારમાં કોન્ટ્રાક્ટરોને ખાડા ખોદવાના જ રૂપિયા મળે છે, કારણ કે તેમનું કામ કરવા માટે ખાડા ખોદવા જરૂરી છે. આ પ્રકારના ખાડાની ખાસિયત એ છે કે તે અત્યંત મોટા કદના, લગભગ પુરાતત્ત્વખાતા દ્વારા ખોદકામ કરાતા કોઇ સ્થળ જેટલા, હોય છે અને તેમાં પુરાતત્ત્વખાતાની કામગીરી જેટલી જ વાર લાગે છે.
થોડાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે આ ખાડાનું સર્જન ચોમાસાના એક-બે મહિના પહેલાં કરવામાં આવે છે અને ચોમાસું ન બેસે ત્યાં લગી તેમનું ભારે જતનથી લાલનપાલન થાય છે. લોકો બૂમો પાડે તો પણ કૉર્પોરેશન કે કોન્ટ્રાક્ટર પર કશી અસર થતી નથી. બે-ચાર વરસાદ આવે અને ખાડાની જગ્યાએ કમઠાણ સર્જાય, ત્યાર પછી જ એ ખાડાનો વિધિવત્ નિકાલ કરવામાં આવે છે. પહેલાં લોકોના મનમાં પહેલા કે બીજા વરસાદ સાથે માટીની ભીની સુગંધ સંકળાયેલી હતી. હવે લોકોના મનમાં પહેલો વરસાદ સાથે ખાડાનો ભય જોડાઇ ગયો છે. વરસાદ આવે એટલે મનમાં સુગંધ રેલાવાને બદલે, રોજિંદા રસ્તા પર ક્યાં ક્યાં કઇ સાઇઝના ખાડા છે તેનો અંદાજી નકશો બનવા માંડે છે.
બીજો ‘માનવસર્જિત’ પ્રકાર આડકતરો છે. તેમાં કોન્ટ્રાક્ટરને પક્ત રસ્તો બનાવવાનું કામ સોંપાયું હોય છે, પણ પોતાની કાર્યનિષ્ઠા અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ પ્રત્યેની લાગણીને કારણે એ વિચારે છે કે ‘સોંપાયેલું કામ તો બધા કરે, હું કંઇક વધારાનું કરી બતાવું.’ એટલે તે રસ્તો એવી રીતે બનાવે છે કે બે-ચાર વરસાદ પછી ત્યાં ખાડો (ભૂવો) પડી જાય. મ્યુનિસિપાલિટીએ ફક્ત રસ્તો બનાવવાનું સોંપ્યું હોવા છતાં, કેટલાક કોન્ટ્રાક્ટર રસ્તા સાથેના પેકેજમાં ખાડા ફ્રી આપે છે. તેમની આવી કાર્યક્ષમતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાને બદલે બેકદર પ્રજા મ્યુનિસિપાલિટી સાથે તેમની સાંઠગાંઠ હોવાના આરોપ મૂકે છે. ખરેખર, ભલાઇનો જમાનો નથી રહ્યો.

No comments:
Post a Comment