ગઇ કાલે પૂરા થયેલા અમદાવાદના પુસ્તકમેળા/ Ahmedabad National Book Fair 2015 વિશે ફેસબુક પર આ સ્ટેટસ લખ્યું હતું, પણ પછી થયું કે ત્યાં તો થોડા સમય પછી એને શોધવું અઘરું પડશે. એટલે અહીં થોડી તસવીરો ઉમેરીને એ મૂકું છું. તમારા પ્રતિભાવ-સૂચન પણ જણાવશો.
- પુસ્તકમેળા થવા જ જોઇએ. એને પૂરો ટેકો. પહેલા દિવસને બાદ કરતાં, છેક છેલ્લા દિવસ સુધી લોકો પુસ્તકમેળામાં આવ્યા એ દૃશ્ય જોવું બહુ ગમ્યું.
- પુસ્તકમેળામાં રોજેરોજ ઘણા મિત્રો મળ્યા. એનો પણ પુસ્તકો જેટલો જ આનંદ. એ અર્થમાં ’મેળો’ શબ્દ સાર્થક થયો.
- મેળાના સ્થળે ખુલ્લામાં, નાની જગ્યામાં ચાલતા, પુસ્તકોને લગતા સમાંતર કાર્યક્રમોમાં મેળામાં આવતા લોકોએ ઘણો રસ લીધો, એ જોઇને આનંદ થયો.
- પુસ્તકમેળાના હેતુ કરતાં જુદા પ્રકારના, કેવળ ’મનોરંજન’ માટે થતા કાર્યક્રમો લોકોને પુસ્તકો તરફ ખેંચી લાવે છે કે લોકોને કેવળ મનોરંજનકેન્દ્રી બનાવે છે, એ વિશે મતમતાંતર છે. (કદાચ બન્ને જુદા જુદા કિસ્સામાં સાચું હશે) પણ ઠીક છે.
- સારા હિંદી અને અંગ્રેજી પ્રકાશકો વિના પુસ્તકમેળો કેવળ નામનો જ ’રાષ્ટ્રિય’ લાગ્યો. અંગ્રેજીનું એક પણ સારું કે મોટું પ્રકાશન નહીં, હિંદીમાં પણ એવું કોઇ પ્રકાશન નહીં..એનાં કારણોની તપાસ આયોજકોએ કરવી રહી.
- ડિસ્કાઉન્ટ ફક્ત ૧૦ ટકા જ હોવું જોઇએ, એવો નિયમ રાખવાની જરૂર નથી. (એ જુદી વાત છે કે એ નિયમ પળાતો પણ નથી.) પુસ્તકમેળામાં વિક્રેતાને મન થાય એટલું ડિસ્કાઉન્ટ આપે. એમાં વાચકોને ફાયદો જ છે. (યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સ્ટોલ પર સત્તાવાર પચીસ ટકા ડિસ્કાઉન્ટના પ્રિન્ટ આઉટ લગાડેલા હતા.)
- ધાર્મિક સ્ટોલનો વિભાગ જુદો હોય તો સારું. આસારામની મંડળી દ્વારા વહેંચાતું કેસુડાંનું મફત શરત બંધ કરાવવું. કાલે ઉઠીને પી આર કવાયત તરીકે દાઉદ ઇબ્રાહિમ મફત આઇસક્રીમનો સ્ટોલ માગશે તો? કોર્પોરેશનને લાગતું હોય કે પ્રજાને કંઇક મફત આપવું છે તો લીંબુપાણી જેવો કોઇ વિકલ્પ વિચારી શકાય. અરે, કેસૂડાંનું શરબત આપો, પણ તમે આપો. આસારામને પોસાય તો સરકારને ન પોસાય? અને આસારામના સ્ટોલ પર વાગતાં મુખ્ય મંત્રી, વડાપ્રધાનના એન્ડોર્સમમેન્ટ...એનું કંઇક કરો.
- ચાર વર્ષના અનુભવ પછી કોર્પોરેશન પાસેથી વધારે સારા આયોજકીય વહીવટની--ખાસ કરીને વેબસાઇટ અને વાસ્તવિક વહીવટ વચ્ચેના સંકલનનની-- અપેક્ષા રાખી શકાય. વહીવટ સુધારવાની એક ટિપઃ સ્થળ પરનો કન્ટ્રોલરૂમ એસી ન રાખવો. કયા કામ માટે કોનો સંપર્ક કરવો એ કોઇ ’બાબુ’ને પૂછવું ન પડે અને એવી એક યાદી વેબસાઇટ પર તથા સ્થળ પર જાહેર જ હોય, એવું કેમ ન થઇ શકે? ત્યાંથી કામન પતે એ લોકો જ કન્ટ્રોલરૂમમાં આવે.
- પુસ્તકમેળામાં સ્ટોલની ફાળવણીમાં પારદર્શકતા નથી. વેબસાઇટ પર નોંધણી થયા છતાં, બપોરે કોર્પોરેશનમાંથી ફોન આવી શકે કે ’તમને ભૂલથી ફાળવણી થઇ ગઇ છે. હવે પાછળની લાઇનમાં સ્ટોલ જોઇતો હોય તો કહો.’..ઓનલાઇન નોંધણી અને ઓનલાઇન પેમેન્ટ પછી આવું થાય ત્યારે ભૂલ કરતાં વધારે શંકા દાનત પર જાય છે. ભૂલ ક્ષમ્ય હોય. ખોરી દાનત કે વહેરોઆંતરો ન ચલાવી લેવાય.
- પુસ્તકમેળાને ગુજરાતદિન સાથે કશી લેવાદેવા નથી. મુખ્ય મંત્રી ને વડાપ્રધાનના ફોટા મૂકવા હોય તો ગમે ત્યારે મૂકી જ શકાય છે. મેળો નવેમ્બર-ડિસેમ્બરમાં થઇ શકે તો વધારે સારું. મોંઘાદાટ એસી હોલ ન રાખવા પડે. કન્વેન્શન હોલને બદલે બીજા, ખુલ્લાં સ્થળો વિચારી શકાય. કાંકરિયામાં કાર્નિવલ યોજાઇ શકે, તો પુસ્તકમેળો કેમ નહીં? સ્થળ બદલાય તો કદાચ સ્ટોલનું ભાડું પણ થોડું ઘટાડી શકાય અને વાચકોની સાથે ભાગ લેનારને પણ થોડો ફાયદો થાય. અને હા, પ્રવેશ તો આ વખતની જેમ મફત હોવો જોઇએ.
- આ વખતે પુસ્તકમેળો સાત દિવસ થયો. (૧થી૭). ગુજરાતદિવસનો મોહ છોડીએ તો, આખા મેળાનું આયોજન બે વાર શનિ-રવિ આવે એવી રીતે પણ થઇ શકે એક શનિથી બીજા રવિ સુધી નવ દિવસ થાય. એક દિવસ ઘટાડવો હોય તો પહેલો શનિવાર પણ ઘટાડી શકાય.
- પુસ્તકમેળાની બહાર અકાદમીની સ્વાયત્તતા માટે શાંત દેખાવ થતા હતા, એ વિશે કોઇએ રોકટોક ન કરી. એ બહુ ગમ્યું. વાતાવરણ જેટલું મુક્ત, એટલી મજબૂત લોકશાહી.
જેમને
આ વખતે મળાયું કે મળવાનું રહી પણ ગયું, એ બધાને (મોડામાં મોડા) આવતા પુસ્તકમેળામાં મળવાનો વાયદો.
(all pics : dipak cudasama/ તમામ તસવીરોઃ દીપક ચુડાસમા)
(all pics : dipak cudasama/ તમામ તસવીરોઃ દીપક ચુડાસમા)
dipak soliya, dhaivat trivedi, urvish kothari, kartik shah :saarthak prakashan team after 'author's corner` program, ahmedabad national book fair 2015 |
dhaivat trivedi, urvish kothari, dipak soliya near saarthak prakashan stall, ahmedabad national book fair 2015 |
(L to R) Mansi Shah, Mansi Muliya, Dipak Chudasama, Prashant Kuhikar, Urvish Kothari, Dipak Soliya, Neesha Parikh ahmedabad national book fair 2015 |
author's corner : dhaivat trivedi. urvish kothari, dipak soliya listening ahmedabad national book fair 2015 |
આ પણ એક મિટિંગ સ્થળઃ urvish kothari, dipak soliya, kartik shah, biren kothari ashish kakkad in foreground |
:)
ReplyDelete