પહેલાં ટીવી અને પછી ઇન્ટરનેટ આવ્યાં-પ્રચલિત બન્યાં, ત્યારે તેમનો એક સંભવિત ક્રાંતિકારી ઉપયોગ શિક્ષણ માટે વિચારાયો હતો. તેની પાછળનો ખ્યાલ એ હતો કે આટલી મહાન શોધોનો કેવળ મનોરંજન ખાતર ઉપયોગ કરીને બેસી રહેવામાં શાણપણ નથી.
ટીવી પર શિક્ષણના કાર્યક્રમો શરૂ તો થયા ને હજુ ચાલે છે, પણ તે ઝાઝા ઉપયોગી કે અસરકાર નીવડી શક્યા નથી. સરખામણીમાં ઇન્ટરનેટ શિક્ષણ માટે વધારે અસરકારક-અનુકૂળ માઘ્યમ સાબીત થઇ રહ્યું છે. તેની પર લગભગ દરેક વિષયની માહિતી જુદાં જુદાં સ્વરૂપે મળી રહે છે. દા.ત. કોઇને આઇનસ્ટાઇનના સાપેક્ષવાદ વિશે જાણવું હોય તો એ વિશે સાવ પ્રાથમિકથી માંડીને એકદમ માથાભાંગણ પ્રકારનાં લખાણ, ચિત્રો, ગ્રાફિક્સ અને વિડીયો સુદ્ધાં મળે. સાપેક્ષવાદમાં મગજ ખપાવવાને બદલે ગિટાર વગાડતાં શીખવું છે? તો એના પણ ‘ક્લાસ’ ઇન્ટરનેટ પર મફત મળે.
ઇન્ટરનેટના બહોળા વ્યાપ અને સામસામા (ટુ વે) વ્યવહારને ઘ્યાનમાં રાખીને ઘણી નામી યુનિવર્સિટીઓ પોતાના અમુક કોર્સ ઑનલાઇન આપી રહી છે. ‘ખાન્સ ઍકેડેમી’ જેવી વેબસાઇટો પર સેંકડો વિષયોની આઠ-દસ મિનીટની શૈક્ષણિક વિડીયો જોવા મળે છે, જેને ઇચ્છા પ્રમાણે પૉઝ કે રીપ્લે કરી શકાય. આવી સુવિધા હોય ત્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણીને ઘરે લેસન કરવાને બદલે, પહેલાં (સ્કૂલ કે શિક્ષક દ્વારા ઇન્ટરનેટ પર મુકાયેલી) વિડીયો જુએ અને પછી તેમાં ન સમજાતી બાબતો વિશે સ્કૂલમાં ચર્ચા થાય-- એવું ‘ઇન્વર્ટેડ ક્લાસ’ (અવળીગંગા)નું મૉડેલ ચર્ચામાં છે.
એ બધી વાત સાચી. છતાં અમેરિકાની શિક્ષણપદ્ધતિ સડી ચૂકી હોવાની ફરિયાદો ઘણા વખતથી થાય છે. ‘ફૉર્બ્સ’ સામયિકના અહેવાલ પ્રમાણે, અમેરિકાના પરંપરાગત શિક્ષણમાળખાની ફરતે એવી જડબેસલાક વ્યવસ્થા અને તેનો લાભાર્થી વર્ગ ઊભાં થયાં છે કે સરકારી રાહે શિક્ષણમાં પરિવર્તન માટેની ગુંજાશ રહી નથી. પબ્લિક સ્કૂલના અભ્યાસની ગંભીર મર્યાદાઓ દૂર કરવા માટે કેટલાક ઉદ્યોગસાહસિકો ખાનગી શાળાઓ શરૂ કરીને, ફેરફાર માટે મથી રહ્યા છે. દરમિયાન, ન્યૂયોર્કના ગવર્નરે જાહેર કરેલી નવી શિક્ષણનીતિથી વાલીઓ અને શિક્ષકો નારાજ છે.
શિક્ષણ અંગેના તાજા સરકારી અહેવાલ પ્રમાણે, ન્યૂયોર્ક શહેરના પચાસ હજાર વિદ્યાર્થીઓ સહિત આખા ન્યૂ યોર્ક રાજ્યના આશરે એક લાખ નવ હજાર વિદ્યાર્થીઓ ૧૭૮ પબ્લિક સ્કૂલોમાં ભણે છે, જમાં ભણતરનાં ઠેકાણાં નથી. દા.ત. ત્રીજાથી આઠમા ધોરણનાં ફક્ત ૩૧ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાવરધાં છે, પણ તેમને ભણાવનારા શિક્ષકોમાંથી ૯૯ ટકા સરસ રીતે ભણાવે છે--એવો અહેવાલ છે. આવું કેવી રીતે બને? એવી દલીલ કરીને ગવર્નરે શિક્ષકોના મૂલ્યાંકનની પદ્ધતિ બદલવાની દરખાસ્ત કરી છે. નવી પદ્ધતિમાં વિદ્યાર્થીઓના પરીક્ષામાં કેટલા માર્ક આવે છે, તેની પર શિક્ષકના મૂલ્યાંકનનો અડધોઅડધ આધાર રહેશે. ગવર્નરે એમ પણ સૂચવ્યું છે કે ‘માંદી’ શાળાઓનો વહીવટ બીજાં રાજ્યો અથવા સ્વૈચ્છિક સંસ્થાઓને હસ્તક સોંપી દેવો.
શિક્ષકોને લાગે છે કે ગવર્નર પબ્લિક સ્કૂલની વાસ્તવિક સમસ્યાઓ સાંભળવા-સમજવાને બદલે, સાવ બીજા છેડાનું પગલું ભરી રહ્યા છે. પબ્લિક સ્કૂલોનો વહીવટ તે પોતાને ચૂંટણીભંડોળ આપનારા લોકોને (તેમનાં ટ્રસ્ટોને) સોંપી દેવા માગે છે, એવો આરોપ પણ થયો છે. વાલીઓને પરીક્ષાનું મહત્ત્વ વધી જાય (એટલે કે સમજણને બદલે ગોખણપટ્ટીની બોલબાલા થાય) એની સામે વાંધો છે. એટલે ગયા સપ્તાહે ન્યૂયોર્કની કડકડતી ઠંડીમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગવર્નરની ઑફિસ સામે દેખાવ કર્યા.
તેની સરખામણીમાં ફિનલૅન્ડમાં પબ્લિક સ્કૂલ માટે અપનાવાયેલી નવી અને એકદમ ક્રાંતિકારી નીતિને ઘણો આવકાર મળ્યો છે. તેમાં ‘ટીચિંગ બાય સબ્જેક્ટ’ (વિષયવાર શિક્ષણ)ને બદલે ‘ટીચિંગ બાય ટૉપિક’ (મુદ્દાવાર શિક્ષણ) અપનાવવાની વાત છે. તેની પાછળનો ખ્યાલ એવો છે કે વિદ્યાર્થીઓને ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભાષા જેવા વિષયો આખેઆખા શા માટે શીખવવાં જોઇએ? એને બદલે ચોક્કસ મુદ્દા લઇને તેનાં બધાં પાસાં- તેમાં આવતા બધા વિષય શીખવવાનું વધારે સારું ન પડે?
આપણાં ઉદાહરણ સાથે વાત કરીએ તો, વિદ્યાર્થીને ઇતિહાસ, વિજ્ઞાન કે ભાષાને બદલે ગુજરાત, નર્મદા યોજના, ગાંધીજી- જેવા વિષયો આવતા હોય તો? ગાંધીજીના વિષયમાં તેમનું રાજકારણ પણ હોય ને અર્થકારણ પણ. તેમની ભાષા પણ હોય ને તેમનાં સામયિકોની વાત પણ આવે. તેમના સત્યાગ્રહો પણ આવે ને તેમની નિષ્ફળતાઓ પણ હોય. એવી જ રીતે, ગુજરાતની વાત હોય તો તેમાં ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળથી માંડીને વસ્તી, સમાજ, અર્થકારણ, આર્થિક સ્થિતિ- એ બઘું આવે.
આમ કરવાનો મુખ્ય હેતુ એકસરખા વિષયોનાં બીબાંમાંથી બીબાઢાળ બેચ બહાર પાડવાને બદલે, વિવિધ વિષયોમાં પારંગત અથવા કમ સે કમ, એ વિષયની પૂરતી જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયાની શરૂઆત બે વર્ષ પહેલાં થઇ ચૂકી છે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં ફિનલૅન્ડ આ પરિવર્તન સંપૂર્ણ કરી દેવા માગે છે. ફિનલૅન્ડના પાટનગર હેલ્સિન્કીનાં શિક્ષણવડાએ એક અખબારી મુલાકાતમાં કહ્યું છે કે ‘અત્યાર લગી આપણી નિશાળો વીસમી સદીના આરંભની શિક્ષણપદ્ધતિ પ્રમાણે ચાલી રહી છે, પણ હવે આપણી જરૂરિયાત એકવીસમી સદીના શિક્ષણની છે, જેથી બાળકો આજે અને આવતી કાલે તેમને ખપ લાગે એવું શિક્ષણ મેળવી શકે.’
‘આ બઘું ભણવાથી શો ફાયદો?’ એવો સવાલ વિદ્યાર્થીઓને ન થવો જોઇએ.’ -- એ ફિનલૅન્ડની નવી શિક્ષણનીતિનું એક ઘ્યેય છે. આ પદ્ધતિ વઘુ પડતી ઉપયોગીતાકેન્દ્રી અથવા વ્યવસાયલક્ષી લાગી શકેે, જે શિક્ષણનો એકમાત્ર આશય નથી. ‘મુક્તિ અપાવે એ જ વિદ્યા’ એવો આદર્શ ધરાવતા ભારતમાં સૈદ્ધાંતિક રીતે આવો સંકુચિત, ‘ભોગવાદી’ અભિગમ કદાચ સ્વીકાર્ય ન બને, પરંતુ સવાલ એ છે કે ભારતમાં મુક્તિ તો ઠીક, સરખું જ્ઞાન આપે એવું શિક્ષણ મળે છે ખરું? શિક્ષણના બેફામ ધંધાદારીકરણને કારણે, ગુણવત્તા ઘસાઇ ચૂકી છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ નથી જ્ઞાની કે નથી સારી રોજગારી મેળવી શકે એવા. તેમની ડિગ્રીનું વાસ્તવિક જગતમાં મૂલ્ય સાવ ઘટી ગયું છે.
સરખામણીમાં, ફિનલૅન્ડ અપનાવવા માગે છે એવી રીતમાં, અભ્યાસક્રમ વિચારપૂર્વક ઘડવામાં આવે તો વિષયોના ઓછામાં ઓછા બંધન અને બોજ સાથે, વિદ્યાર્થીઓને વ્યાપક જ્ઞાન મળવાની સંભાવના રહે છે. અહેવાલ પ્રમાણે, ફિનલૅન્ડની ૧૬૭ પ્રાથમિક શાળાઓમાં આ ફેરફાર લાગુ પડશે. દરેક સ્કૂલ વિદ્યાર્થીઓને કયા મુદ્દા શીખવવા છે તે પસંદ કરશે. પાટનગર હેલ્સિન્કીના ૭૦ ટકા હાઇસ્કૂલના શિક્ષકો નવા અભ્યાસક્રમ પ્રમાણે તાલીમ લઇ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો હોવાનું આરંભિક અભ્યાસમાં જણાયું છે. આખી જિંદગી એક જ વિષય શીખવવામાં કાઢનાર શિક્ષકોને નવી પદ્ધતિ સામે વાંધો પડી શકે. એવું થયું પણ છે. છતાં વિવિધ વિષયના શિક્ષકોને સામુહિક રીતે નવા અભ્યાસક્રમની તૈયારી અને તેના શિક્ષણમાં સાંકળવામાં આવ્યા છે. આ પદ્ધતિ પ્રમાણે તૈયાર થનાર શિક્ષકને આર્થિક ફાયદો આપવાની પણ વાત છે.
ફિનલૅન્ડની શિક્ષણપદ્ધતિમાં ફેરફાર કરવાનું કોઇ દેખીતું કારણ ન હતું. જૂની પદ્ધતિ સાથે પણ તેની ગણતરી ગણિત, વિજ્ઞાન અને વાચન જેવા વિષયમાં ટોચના દસ-પંદર દેશોમાં થતી રહી છે. સ્કૂલમાં મોકળાશ હોવા છતાં અને હાઇસ્કૂલ સુધી બધાં વિદ્યાર્થીઓની એકસરખી કસોટી ન હોવા છતાં, આંતરરાષ્ટ્રિય સરખામણીમાં ફિનલૅન્ડના વિદ્યાર્થીઓ હંમેશાં આગળ હોય છે. એટલે અમેરિકા જેવા દેશોમાં ફિનલૅન્ડની શિક્ષણપદ્ધતિના દાખલા દેવાય છે. છતાં, બાળકોને વીસમી સદીને બદલે એકવીસમી સદીનું શિક્ષણ આપવાની અને તેમને ભવિષ્ય માટે વઘુ સજ્જ બનાવવાની તાલાવેલીમાંથી નખશીખ નવી પદ્ધતિનો જન્મ થયો છે.
‘વૉશિંગ્ટન પોસ્ટ’ ના અહેવાલ પ્રમાણે, શિક્ષણને જીવનલક્ષી બનાવવાનો વિચાર અમેરિકાના વિચારક-શિક્ષણ સુધારક જૉન ડ્યુઇનો હતો. અમેરિકામાં બે વાર એના અખતરા થઇ ચૂક્યા છે, પણ કેટલીક બાબતોમાં અમેરિકા ફિનલૅન્ડની જેમ છૂટછાટ મૂકી શક્યું નહીં. (જેમ કે, સરકારી નિશાળોમાં આગલા ધોરણમાં જવા માટે અમુક માર્ક લાવવા જ પડે) ઉપરાંત, એક વિષય પૂરતી મર્યાદિત જાણકારીને બદલે, એક મુદ્દાની વ્યાપક સમજ ધરાવતા શિક્ષકો તૈયાર કરવાના પણ પ્રશ્નો હતા. એટલે, બન્ને વાર અમેરિકાના પ્રયોગ નિષ્ફળ નીવડ્યા. પરંતુ ફિનલૅન્ડ એ દિશામાં ઘણું આગળ વધી ચૂક્યું છે. તે સફળ થશે તો બીજા દેશો માટે વિચારભાથું અને પ્રેરણા પૂરી પાડનાર બની રહેશે.
૧. ન્યૂ યોર્કમાં શિક્ષણનીતિના મુદ્દે ગવર્નર વિરુદ્ધ દેખાવો
Maza padi.
ReplyDeleteAm afraid the piece does not capture New York system accurately, which is not to say that it is perfect.For various reasons( which I can explain separately), a sizeable section of parents is uneasy with mandatory and uniform Friday test now being administered by the education authorities( comparable to our board) across schools in NY. Many, on the other hand, regard this as a positive step. More importantly, public school or govt school in most parts of USA is a half truth including NY. These schools are apparently free, really not. The disguised fee is property tax. In neighbourhoods which have excellent public schools, the property tax can be, say, five times higher and a substantial part of it goes to funding of local public school. The local council manages it. In upscale NY suburbs, teacher salary is three to four times higher than that of teachers in poor districts, though both are govt schools. Notwithstanding govt ownership, the school system in NY and elsewhere is class- based, devoid of any egalitarianism
ReplyDeleteNot quite accurate on NY. On mandatory and uniform testing every Friday across schools in NY by an authority comparable to our board, there are people for and against. More importantly. The U.S. system is highly decentralised, class based and devoid of egalitarianism. The teachers in part of NY get three to four times higher salary than those in another part; both are govt schools. Because, the local councils in good school districts levy stiff property taxes, bulk of which goes into funding of local govt school. So, you have parents who move out soon after the last child finishes highschool.
ReplyDeletevery nice and latest information, thanks Urvishbhai
ReplyDeleteManhar Sutaria
We become normal after leakage of Biology Paper. The sense of becoming our normal (behaviour) is unquestionable in all moral, ethics, and human rights issues.
ReplyDeleteUrvishbhai, how could we compare our pattern with different extreme?
Thanks