ગુજરાતનાં નકલી એન્કાઉન્ટરોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પકડાયેલા પોલીસ અફસરોના જામીન પર છૂટકારાની સીઝન થોડા વખતથી ચાલે છે. કોરટ-કચેરીનાં ચક્કરોમાંથી મુક્તિના ‘અચ્છે દિન’ ભાજપના પક્ષપ્રમુખ માટે તો ક્યારના આવી ગયા હતા. આ બઘું જાણીને બમ્બૈયા ફિલ્મોનો ટપોરી અંદાજ યાદ આવી શકે : ‘ભાઇકા રાજ હૈ, ભીડુ. ટેન્શન નહીં લેનેકા. ટેન્શન દેનેકા.’
હા, આ ઘટનાક્રમની સમાંતરે ‘ટેન્શન દેવાનો’ બીજો તંતુ પણ સતત ચાલતો આવ્યો છે : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી (અને દેશના વર્તમાન વડાપ્રધાન)ને જે લોકોએ ‘વીતાડ્યું’ હોય, એવા લોકોને ‘ધંધે લગાડવાનો’ ક્રમ. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ, રાહુલ શર્મા જેવા પોલીસ અફસરોથી માંડીને બીજા કેટલાક સરકારી અફસરો અને તિસ્તા સેતલવાડ જેવાં કાર્યકરો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ‘હેરાન કરનારાં’ તરીકે પંકાયેલાં હતાં. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની જેમ ‘મોદી ઇઝ ગુજરાત’ ન્યાયે, તેમને મુખ્ય મંત્રીનાં વિરોધી નહીં, પણ ‘ગુજરાતનાં દુશ્મન’ તરીકે રજૂ કરવામાં -ને ઘણી હદે સ્વીકારી લેવામાં- આવ્યાં. સરકારપ્રેરિત પ્રચાર મારો એવો ચાલ્યો કે થોડા વખત પછી સમજણી બનેલી પેઢીને એવું લાગે, જાણે ગુજરાતને (વાંચોઃ ગુજરાતના મુખ્ય મંત્રીને) બદનામ કરવા માટે, તિસ્તા સેતલવાડ પ્રકારના લોકો અમદાવાદની સડકો પર નિર્દોષોને જીવતા જલાવવા નીકળી પડ્યા હશે.
‘અંગત અને વ્યાવસાયિક કારણોસર’ (એટલે કે સરકારી હેરાનગતિથી થાકીને) પોલીસ અફસર રાહુલ શર્મા વહેલી નિવૃત્તિ માગી અને ગયા અઠવાડિયે સરકારે તે આપી દીધી. આઇ.પી.એસ. રાહુલ શર્માએ ૨૦૦૨ની કોમી હિંસા વખતે એક મદ્રેસામાંથી મુસ્લિમ બાળકોને બચાવ્યાં હતાં. તેમની બદલી કરીને કન્ટ્રોલ રૂમમાં નાખ્યા, તો ત્યાં એમણે અમદાવાદમાં કોમી હિંસા વખતે કયા નેતાઓ ક્યાં હતા, તેની કૉલ ડીટેઇલ્સ ધરાવતી એક સી.ડી.તૈયાર કરી. આવા અફસરોની સામે ખાતાંકીય તપાસો ન થાય તો બીજું શું થાય? પોલીસ અફસરોએ ચૂપચાપ સાહેબોની કહી કે વણકહી આજ્ઞાનું પાલન કરવાનું હોય કે તેમનાં કરતૂતો ઉઘાડાં પડે એવાં કામ કરવાનાં હોય?
રાજકીય ઉપરીઓની આજ્ઞાથી કે તેમને ખુશ રાખવા માટે ગુજરાતના પોલીસ અફસરોએ નકલી એન્કાઉન્ટર કર્યાં. ઉત્તમ પત્રકારત્વ અને ઠીક ઠીક તપાસના પરિણામે, એન્કાઉન્ટરોની અસલિયત ખુલ્લી પડી ગઇ. રેકોર્ડબ્રેક સંખ્યામાં પોલીસ અફસરોને જેલમાં જવાનો વારો આવ્યો. ‘મુખ્ય મંત્રીની હત્યાનાં કાવતરાં’ના દાવા પોકળ સાબીત થયા. (તેનો સાંયોગિક છતાં ઉત્તમ પુરાવો એ કે બધા એન્કાઉન્ટરબાજો જેલમાં ગયા પછી, મુખ્ય મંત્રીની હત્યાનું એક પણ કાવતરું પકડાયું નહીં.) એ વખતે મુખ્ય મંત્રીને ગોપીભાવે ભજતા કેટલાકે ‘ગુજરાત પોલીસના મૉરલ પર ગંભીર અસર થશે’ એવી કાગારોળ મચાવી. પણ રાજનેતાઓને બદલે દેશના કાયદા- બંધારણ પ્રત્યે વફાદારી રાખનાર અને એમ કરવા જતાં સરકારી હેરાનગતિનો ભોગ બનેલા પોલીસ અફસરો માટે મૉરલ-ચિંતકોનો ભાગ્યે જ ચિંતા થઇ હતી.
મુખ્ય મંત્રીને તેમની સંદેહાસ્પદ ભૂમિકા અને ચોખ્ખી નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવે તથા તેમને જવાબ આપવાની સ્થિતિમાં મુકે, એવું કંઇ પણ કરનાર સામે આખી ફોજ તૈયાર હતી : સરકારી પ્રચારતંત્ર, છાકટા બનેલા છદ્મશ્રીઓ, ચબરાકીપૂર્ણ ચાપલુસી કરીને મુખ્ય મંત્રીની ગુડબુકમાં રહેવા તલસતા કટારલેખકો, ગેરરસ્તે દોરવાયેલા નાગરિકો...એ લોકોનું કામ જ મુખ્ય મંત્રીના ટીકાકારો માટે યેનકેનપ્રકારે ધિક્કાર ફેલાવવાનું હતું. એ માહોલમાં નિહત્થા ગુંડાઓને ઠાર મારવાનુંં પરાક્રમ કરનારાને ‘જાંબાઝ અફસર’ તરીકે બિરદાવવાની અને જેલમાં જઇને કે જેલની બહાર તેમનાં ઓવારણાં લેવાની બેહુદી ફેશન ચાલી. પણ નકલી એન્કાઉન્ટરોના એક સૂત્રધાર ડી.જી.વણઝારાએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ભીંસમાં મૂકતો પત્ર લખીને જાહેર કર્યો, ત્યારે ખરો તાલ થયો. વણઝારા અને મુખ્ય મંત્રીને એક જ કૌંસમાં મૂકીને તેમની આરતીઓ ઉતારનારા, તેમની જાંબાઝીના ચાલીસા ગાનારા શું કરે? કોની બાજુ ઢળે? તેમના સદ્ભાગ્યે લોકોની યાદદાસ્ત ટૂંકી હોવાથી, દૂધમાં ને દહીમાં પગ રાખવાના તેમના વલણની જાહેર તપાસ કે ખાસ ચર્ચા થઇ નહીં.
પ્રમાણભાન અને તોલમાપ
મુખ્ય મંત્રીના ટીકાકારો કે તેમને ‘બદનામ કરનારા’ની વાત નીકળે ત્યારે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે : તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની સામે પડેલા બધા લોકો એક સરખા પ્રામાણિક કે પ્રતિબદ્ધ કે હૈયે લોકહિત ધરાવનારા હોય, એ જરૂરી નથી. મુખ્ય મંત્રી મોદીની આકરી ટીકા માત્રથી કોઇ વ્યક્તિ પોતે નીતિમત્તાની કે ફરજપરસ્તીની મૂર્તિ બની જતી નથી. ટીકા કરનારની કે સામે પડનારની નિષ્ઠા હંમેશાં અલગ તપાસનો વિષય રહે છે. નાગરિકો તરીકે આપણે યાદ એટલું જ રાખવાનું કે એકનું દોષદર્શન કરાવવાથી બીજો ‘યુધિષ્ઠિર’ બની જતો નથી. આપણે બન્ને પક્ષોની મર્યાદાઓનો સામસામો છેદ ઉડાડીને રાજી થઇ શકીએ નહીં. કેમ કે, આપણું કામ બન્ને પક્ષો પાસેથી જવાબ માગવાનું અને તેમની ગરબડોની ગંભીરતા નક્કી કરવાનું છે. જેમ મોદીની સામે પડવા માત્રથી તિસ્તા સેતલવાડ પર થયેલા રૂપિયાના ગોટાળાના આરોપ ગૌણ બની જતા નથી, તેમ તિસ્તા પર આરોપ લગાડી દેવાથી સરકાર દૂધે ધોયેલી બની જતી નથી. લોહીથી ખરડાયેલા હાથવાળો સામેના પક્ષના ખિસ્સા પર પડેલા ડાઘાની ટીકા કરે, એવું આ લાગે છે. નિર્દોષ નાગરિકોની હત્યા અને તેનો રાજકીય ફાયદો એક તરફ, તો રૂપિયાના વહીવટી ગોટાળાનો આરોપ બીજી તરફ- આ બન્નેની ગંભીરતા એકસરખી નથી, એટલું પણ નાગરિક તરીકે સમજાવું જોઇએ.
સરકારોનો પ્રયત્ન એ રહે છે કે નાગરિકો આવું બઘું વિચારવાને બદલે, હોંશે હોંશે તેમનો પ્રચાર માની લે. ‘અમે ફક્ત પંદર જણા ને સામે ત્રણનું ટોળું’- એવા અંદાજમાં સરકાર પોતાનાં મસમોટાં પાપ ઢાંકવા માટે, સામેના પક્ષની મર્યાદાઓને અનેક ગણીને મોટી કરે છે અને તેમને અસલી ખલનાયક સાબીત કરવા ભરપૂર કોશિશ કરે છે. એ વખતે નાગરિકોએ સરકારી બુદ્ધિથી નહીં, પણ સ્વબુદ્ધિથી, ઠંડા કલેજે બન્ને પક્ષોનો તોલ કરવાનો થાય છે.
સરકારી પ્રચારતંત્ર બધા ટીકાકારોને એકસરખા ચીતરીને, તેમને એક લાકડીએ હાંકવાની વેતરણમાં હોય છે. (દા.ત. ‘મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા તિસ્તા સેતલવાડના સાથીદાર જ ગણાય’) દુઃખની વાત એ છે કે આ યુક્તિ ગુજરાતમાં સફળ થઇ. ઘણા લોકો નરેન્દ્ર મોદીના જુદા જુદા ટીકાકારોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાને બદલે, તેમના ગુણદોષ અલગથી જોવાને બદલે, તેમને ફક્ત ‘મોદીના ટીકાકાર’ તરીકે ઓળખતા અને ધિક્કારતા થયા.
ધિક્કારની આ લાગણી રાજનેતાઓ માટે બહુ કામની છે. પોતાની મસમોટી મર્યાદાઓ અને સત્તાલાલસા લોકોની નજરે ન ચડી જાય, એટલા માટે નેતાઓ હંમેશાં એક કે વઘુ ‘ધિક્કારપાત્રો’ (હેટ ઑબ્જેક્ટ)ની ખોજમાં હોય છે- એવાં પાત્રો, જેમની સામે આંગળી ચીંધીને ‘જુઓ, જુઓ, આ મને એટલે કે આપણને, એટલે કે આપણા મહાન રાજ્યને કે દેશને બદનામ કરી રહ્યાં છે’ એવા બરાડા પાડી શકાય. લોકોનું ઘ્યાન અને તેમનો રોષ એ તરફ કેન્દ્રિત કરીને, પોતાના ઉત્તરદાયિત્વમાંથી અને જવાબદારીઓમાંથી સહેલાઇથી છટકી શકાય.
આ કામ તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ બહુ અસરકારક રીતે કર્યું. પરંતુ આવું કરનારા તે પહેલા ન હતા. ગુજરાતની અસ્મિતાની ‘ખેતી’થી માંડીને ‘ગુજરાતવિરોધી’, ‘ગુજરાતદ્રોહી’ જેવાં વિશેષણો પોતાની સગવડે વેચવામાં ચીમનભાઇ પટેલ નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા. નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેધા પાટકરને, બસ ‘ડાકણ’ જાહેર કરવાનું બાકી રહ્યું હતું. મેધાબહેનના કે તેમના જેવા ચળવળકારોના આગ્રહો આત્યંતિક કે માગણીઓ વઘુ પડતી હોઇ શકે. પરંતુ ખોરી દાનત ધરાવતી સરકારો સાથે પનારો પાડવાનો હોય, ત્યારે વિશ્લેષણ લેખોના અંદાજમાં કાંટાકસ તોલનું ધ્યેય રાખી શકાતું નથી. સરકાર સામે સંઘર્ષ કરવાનો હોય ત્યારે ગમે તેટલી ઠંડક પછી પણ અમુક પ્રકારની આક્રમકતા અને આત્યંતિકતા ભળી જાય છે.
આવા પ્રસંગે સરકાર બે વલણ લઇ શકે : જેમના માટે આંદોલન ઉપાડવામાં આવ્યું હોય, એવા લોકો સાથે વાતચીત કરે. તેમને સીધા વિશ્વાસમાં લેવા પ્રયાસ કરે અને થોડા મહિનાના સમયગાળામાં પોતાની ચોખ્ખી દાનતની સારી છાપ બેસાડે. મોટા ભાગની સરકારોને આ રસ્તો અનુકૂળ આવતો નથી. સત્તાનો મદ અને કુટિલ કાવાદાવા પર ભરોસાના જોરે તે ‘સામ’ને બદલે દામ, દંડ કે ભેદ જેવાં હથિયારો વાપરવાનું વઘુ પસંદ કરે છે. એ માટે, સરકારની સામે પડેલા પાત્રનું ખલનાયકીકરણ કરવામાં આવે છે. એવું ચિત્ર બતાવવામાં આવે છે કે તિસ્તા સેતલવાડ કે મેધા પાટકર ગુજરાતનાં દુશ્મનો છે, દેશનાં દુશ્મનો છે, ગુજરાતની કે દેશની પ્રગતિ રોકવા કામ કરે છે, આવાં રોડાં નાખવા માટે તેમને ફલાણે ઠેકાણેથી ફંડિગ મળે છે, વગેરે.
ચળવળકારોની વાતમાં રહેલા વાજબી અને જનહિતના મુદ્દા સ્વીકારવાને બદલે નાગરિકો પણ સરકારી પ્રચારથી દોરાઇ જાય અને સરકારે સ્વાર્થવશ ઊભા કરેલા ખલનાયકોને અપનાવી લે, ત્યારે મોટું નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે, મેધા પાટકરને ગાળો દેતાં ન થાકતા કેટલા લોકો નર્મદા કેનાલોમાં મોદી પહેલાંની અને મોદી પછીની સરકારોએ કરેલા વિલંબ વિશે દસમા ભાગનો રોષ પ્રગટ કરીને, આ સરકારોને ગુજરાતદ્રોહીની ગાળ આપે છે? તિસ્તા સેતલવાડ વિશે બેફામ બોલતા કેટલા લોકો કોમી હિંસા પછી અસરગ્રસ્તોને રાહત અને ન્યાય પૂરો પાડવામાં સરકારની ખોરી દાનત વિશે ખોંખારીને બોલતા હતા? અને હજુ બોલે છે?
સરકારસ્થાપિત ધિક્કારમૂર્તિઓ વિશે પોતાના છેડેથી વિચારવું નાગરિકો માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

You are a real credit to the profession Urvish. This is such a fantastically nuanced piece and I was looking forward to it from the time you told me. In linking the stories of Teesta and Medha you have established the correct meta narrative that has crippled any kind of critical thinking in Gujarat for almost 2 decades now. Brilliant, absolutely.
ReplyDelete