જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી--આ પંક્તિ જાણીતી છે, પણ બીજી ઘણી પંક્તિઓની જેમ તેનો મૂળ પાઠ સાવ અલગ હતો અને એક કવિએ પોતાની હૃદયવ્યથા ઠાલવવા માટે તે લખ્યો હતો. કવિએ કહ્યું હતું, ‘જે છાપતું, તે શોષતું એવો દીસે ક્રમ કુદરતી.’ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે એ કવિ ગરવી ગુજરાતી ભાષાનો હતો, જ્યાં ભૂતકાળમાં સામયિકો લેખ-કવિતાને ફૂટપટ્ટીથી માપીને, તેમાંથી ચિત્ર કે મથાળાનો બ્લૉક બનાવ્યો હોય તો એના રૂપિયા (કે પૈસા) કાપીને, લેખકને પુરસ્કાર મોકલતા હતા.
‘પુરસ્કાર’ શબ્દ બહુ જોખમી છે. તેના એટલા બધા -અને એકબીજાથી જુદા જુદા અર્થ થાય છે કે લેખક અને (પુસ્તકો-સામયિકો-અખબારોના) પ્રકાશક બન્ને પોતપોતાની વર્તણૂંકને વાજબી જ નહીં, લગભગ શાસ્ત્રોક્ત ઠરાવી શકે. શબ્દકોશમાં ‘પુરસ્કાર’નો એક અર્થ છે : આગળ કરવું. ઘણા પ્રકાશકો ‘પુરસ્કાર’ને આ જ અર્થમાં લે છે અને લેખક તેમની પાસે પુરસ્કાર વિશે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે પ્રકાશકો ગૌતમ બુદ્ધ જેવા કરુણાસભર સ્મિત સાથે કહે છે,‘જવા દો હવે, તમારી પાસેથી કંઇ લેવાતું હશે? તમારા જેવા લખનારાને આગળ કરવા એ તો અમારી સમાજ પ્રત્યેની અને ભાષા પ્રત્યેની ફરજ છે. એના રૂપિયા ન લેવાય.’
દેખીતું છે કે લેખક ‘પુરસ્કાર’ એટલે ‘વિદ્વાન માણસને એના લેખનકાર્ય માટે પ્રકાશક તરફથી અપાતી રકમ’ની વાત કરવા ઇચ્છતો હોય છે. પરંતુ એક શબ્દના બે વિભિન્ન અર્થ વિશે મતભેદ પડે ત્યારે તેમાં શબ્દકોશ કશું કરી શકતો નથી. ‘જેની જરૂરિયાત વધારે, એણે કરેલો અર્થ સાચો’- એ સાંસારિક નિયમ ત્યાં લાગુ પડી જાય છે.
‘પુરસ્કાર’નો એક અર્થ ‘સન્માન’ પણ થાય છે. ઘણા પ્રકાશકો ઘણા લેખકને પુરતો ‘પુરસ્કાર’ આપે છે. લેખક મળવા આવે ત્યારે તેને મીઠા શબ્દોથી આવકારીને સન્માન આપે છે, ‘ફલાણા લેખક આવ્યા છે, જરા પાણી તો લાવ’ એમ કહીને લેખકને વઘુ એક વાર ‘પુરસ્કાર’ (સન્માન) આપે છે. આટલો પુરસ્કાર ઓછો છે એવું લાગતાં, તે નાની પ્યાલીમાં ચા મંગાવીને પણ લેખકને ‘પુરસ્કાર’ આપે છે. વાતચીત દરમિયાન બે વાર ફોનની ઘંટડી વાગે તો ફોન પર વાત કરતાં પહેલાં લેખકને ‘એક્સક્યુઝ મી’ કહીને પણ તેને સન્માન આપે છે.
પરંતુ મોટા ભાગના લેખકો એવા લોભી હોય છે કે તેમના મનમાં પ્રકાશકોની આ બધી ઉદારતાની નોંધ લેવાતી નથી. તેમના મનમાં રૂપિયાપૈસાની ગણતરીઓ જ રમતી હોય છે. તેમાં બિચારા પ્રકાશકો શું કરી શકે? લેખકોને આગળ જણાવ્યા પ્રમાણેના પુરસ્કાર આપી આપીને ઘણા પ્રકાશકો એટલા બેવડ વળી જાય છે કે ગાડી સિવાય તે ફરી શકતા નથી અને આખેઆખું કોમ્પ્લેક્સ ખરીદવાને બદલે તેમને થોડા હજાર સ્ક્વેર ફીટની ઑફિસથી ચલાવી લેવું પડે છે. તેમની આવી સ્થિતિ પ્રત્યે અનુકંપા રાખવાને બદલે તેમને શોષણખોર કહેવા, એ લેખકોની સમજની ગંભીર મર્યાદા છે. પરંતુ ‘છોરુ કછોરુ થાય, માવતર કમાવતર ન થાય’ એ વચન પ્રમાણે, મોટા ભાગના પ્રકાશકો મોટા ભાગના લેખકોને કછોરુ ગણે છે અને પોતે ઉદાર માવતરની ભૂમિકામાં રહીને, કછોરુઓનો ગણગણાટ કાને ધરતા નથી.
‘પુરસ્કાર’નો એક અર્થ છે માનદ્ વેતન- ઑનરેરિયમ. ગુજરાતી અને અંગ્રેજી બન્ને શબ્દોમાં જોઇ શકાય છે કે તેમાં ભાર વેતન પર નહીં, ‘માન’-ઑનર પર છે. પ્રકાશકોને ફક્ત ‘અર્થ’ (નાણાં)માં જ ખબર પડે છે એવી લેખકોની માન્યતા દ્વેષયુક્ત છે. કેમ કે, પુરસ્કારના માનભર્યા અર્થ પ્રમાણે ઘણા પ્રકાશકો લેખકને માનભેર બોલાવીને, માનભેર બેસાડીને, મુઠ્ઠી વાળીને આપવાની પદ્ધતિએ માનભેર પુરસ્કાર આપીને, તેમને માનભેર વિદાય કરે છે. આ આખી ઘટનામાં માન પ્રધાન સ્થાન ભોગવે છે અને પુરસ્કાર ગૌણ બની જાય છે. પરંતુ એ જ તો શબ્દનો અસલી ભાવ છે અને ભાવ નક્કી કરવામાં પ્રકાશકો કેટલાક કાબેલ હોય છે, એ લખનારાને ભાગ્યે જ સમજાવવાનું હોય.
ગુજરાતીમાં સારો ‘પુરસ્કાર’ મેળવનારા લેખકોની સંખ્યા સારું લખતા લેખકોની સંખ્યા કરતાં પણ ઓછી છે અને આ બન્ને બાબતો એકસાથે જોવા મળે એવું તો જૂજ કિસ્સામાં જ બને છે. સામયિકો- અખબારોના અધિપતિઓ માને છે કે તેમના ‘પ્રતિષ્ઠિત પ્રકાશન’માં લેખકની કૃતિ પ્રસિદ્ધ કરીને તેમણે સાહિત્યની સેવા કરી છે, પરંતુ સ્વભાવગત ઉદારતાને કારણે તે લેખકો પાસેથી વળતર લઇ શકતા નથી. (‘તમે આવડા મોટા સારસ્વત! તમારી આગળથી કાંઇ રૂપિયા લેવાતા હશે?) આ માન્યતાને પુષ્ટિ મળે, એવો પ્રતિભાવ ઘણા લેખકો તરફથી મળી રહે છે. બીજો વર્ગ એવો છે જે લો પ્રોફાઇલ રહીને સાહિત્યની-પ્રજાની-ભાષાની સેવા કરવા માટે પ્રકાશન કાઢે છે. સેવા કરવાની હોય ત્યાં પુરસ્કાર કેવો?
લેખન અને પુરસ્કારની સમસ્યા બુદ્ધના જમાનાથી ચાલી આવે છે. તાજા સંશોધન પ્રમાણે, બુદ્ધ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ હતા ત્યારે એ પણ કવિતાઓ-નિબંધો-લેખો ને એવું બધું લખતા. કૃતિઓ છપાવામાં શરમ અને ગરજનું તત્ત્વ કેટલું મહત્ત્વનું છે, એ સૌ પ્રકાશકો અને તેમના સત્તાધીશ-હોદ્દેદાર લેખકો જાણે છે. એટલે રાજકુમાર સિદ્ધાર્થની કૃતિઓ પણ છપાતી હતી. સિદ્ધાર્થ તેમની કૃતિઓની કાલ્પનિક ગુણવત્તાથી રાજી રહેતા ને તેમની કૃતિઓ છાપનારા પોતે ‘રાજકુમારના પ્રકાશક’ તરીકે રાજી રહેવાય એવી વ્યવસ્થાઓ ગોઠવી લેતા.
એક વખત રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસીને નગરચર્યાએ નીકળ્યા. રસ્તામાં એક ભીખારી નજરે ચડ્યો. તેમણે સારથીને પૂછ્યું, ‘આ કોણ છે? એણે શા માટે આવો વેશ ધારણ કર્યો છે?’
સારથીએ કહ્યું, ‘મહારાજ, આ માણસ ગરીબ ભીખારી છે. તેની પાસે પૂરતાં વસ્ત્રો નથી. એટલા માટે એણે શરીર પર છાપાનું પાનું વીંટાળ્યું છે.’
‘એ પાના પર મારો લેખ છપાયો છે.’ એવું બોલતાં બોલતાં -સિદ્ધાર્થ અટકી ગયા- કે નકામો ક્યાં સારથી આગળ પોતાનો કચરો કરવો. થોડે આગળ ગયા પછી કમરેથી ઝૂકી ગયેલા એક વૃદ્ધ પર તેમની નજર પડી. તેના વિશે પૂછપરછ કરતાં સારથીએ કહ્યું,‘મહારાજ, આ માણસ વૃદ્ધાવસ્થાને લીધે કમરેથી વાંકો વળી ગયો છે.’
સિદ્ધાર્થે વિચાર્યું,‘મને એમ કે ફક્ત ઇનામો ને સન્માનો મેળવવા માટે સત્તાધીશો સામે જ કમરેથી વાંકા વળવું પડે.’
સિદ્ધાર્થના મનની ખિન્નતા વધતી જતી હતી. છતાં તેમની સહનશક્તિની હદ આવવાની બાકી હતી. થોડે આગળ ગયા પછી કેટલાક માણસો ‘રામ બોલો ભાઇ રામ’ના ગણગણાટ સાથે એક માણસના શરીરને ઉંચકીને લઇ જતા હતા. ‘આ માણસને શું થયું છે? તેને શા માટે લોકો બાંધીને લઇ જાય છે? શા માટે આટલા બધા લોકો તેની પાછળ દોડી રહ્યા છે?’ સિદ્ધાર્થે વ્યાકુળતાથી પૂછ્યું.
સારથીએ કહ્યું,‘મહારાજ, એ આપણા રાજ્યનો ઉત્તમ લેખક હતો. સાહિત્યનું દરેક સામયિક તેની કૃતિ વગર અધૂરું ગણાતું હતું. તેનું હવે મૃત્યુ થયું છે. પાછળ દોડી રહેલા લોકો બધા તેના લેણદાર છે.’
સિદ્ધાર્થે કહ્યું.‘એ આટલો સારો લેખક હોવા છતાં તેની પાછળ આટલા લેણદારો કેમ છે?’
સારથીએ કહ્યું,‘મહારાજ, એ તો તમે રાજકુમાર-લેખક ન હો તો જ તમને સમજાય. કૃતિઓનો પુરસ્કાર એટલો ઓછો હોય છે.’
‘પણ પુરસ્કાર આટલો ઓછો કેમ હોય છે?’ સિદ્ધાર્થની વ્યગ્રતા શમતી ન હતી, ‘અને આ મૃત્યુ શા માટે આવે છે?’
સારથીએ નિઃસાસો નાખીને કહ્યું,‘મહારાજ, આ બન્ને પ્રશ્નોના જવાબ આ સંસારમાં કોઇની પાસે નથી.’
મહેલે પહોંચ્યા પછી પણ આ સવાલો સિદ્ધાર્થનો કેડો મૂકતા ન હતા. છેવટે, તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. તેમને જ્ઞાનનો પ્રકાશ લાઘ્યો અને તે બુદ્ધ બન્યા.
-ત્યારે તેમને સમજાયું કે રજવાડી પુરસ્કારો મેળવવા માટે લેખન કરતાં ધર્મનો ને કથાવાર્તાનો ધંધો વધારે અનુકૂળ છે.

Khub Gahan vichar!
ReplyDeleteત્યારે તેમને સમજાયું કે રજવાડી પુરસ્કારો મેળવવા માટે લેખન કરતાં ધર્મનો ને કથાવાર્તાનો ધંધો વધારે અનુકૂળ છે
write some time about operator,proofreader and bookshop worker's wages in Gujarat......
ReplyDelete