અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે મુંબઇનાં વિવિધ સ્થળો પર ત્રાસવાદી હુમલાની યાદ અપાવે એવો ગંભીર અને કરુણ હુમલો ગયા સપ્તાહે પેશાવરમાં થયો. પાકિસ્તાનમાં સૈન્ય દ્વારા સંચાલિત ૧૪૬ સ્કૂલોમાંથી પેશાવરસ્થિત એકથી દસ ધોરણ સુધીની સ્કૂલમાં ત્રાસવાદીઓ ધૂસી ગયા, અંધાઘૂંધ ગોળીબાર કર્યો, ૧૩૨ બાળકો સહિત ૧૪૧ લોકોની ઠંડા કલેજે હત્યા કરી અને પાકિસ્તાની લશ્કરની જવાબી કાર્યવાહી પછી આઠ કલાકના અંતે ઠાર મરાયા.
‘તહેરીક-એ-તાલિબાન’ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનોના સમુહ-સંગઠને આ હુમલાની ગૌરવપૂર્વક જવાબદારી લીધી. તેમણે જાહેર કર્યું કે વઝીરીસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યની લશ્કરી કાર્યવાહી(‘ઝર્બે અઝ્બ’- પેગંબરી તલવારનો ફટકો)ના જવાબમાં આ સંહારલીલા આચરવામાં આવી હતી, જેથી ‘નિર્દોષોનાં મૃત્યુથી અમને કેવી પીડા થતી હશે, એનો તમને ખ્યાલ આવે.’
નક્સલવાદ અને ત્રાસવાદ
કેટલાક ભારતવાસીઓને આ દલીલ કદાચ જાણીતી લાગે, કેમ કે, નક્સલવાદીઓ પણ પોતાની હિંસા વાજબી ઠરાવવા માટે કંઇક આ જ પ્રકારની દલીલ કરે છે. ભારતમાં નક્સલવાદીઓ મુખ્યત્વે લશ્કરી કે પોલીસ ટુકડીઓને નિશાન બનાવે છે. તેમનો આરોપ છે કે લશ્કર-પોલીસ, ટૂંકમાં સરકાર, શોષણખોર અને અત્યાચારી છે. તે સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજારે છે. માટે, તેને પાઠ શીખવવો જોઇએ. નક્સલવાદીઓ અને પાકિસ્તાની તાલિબાનો વચ્ચે બીજું સામ્ય એ વાતનું છે કે બન્ને ચૂંટાયેલી સરકારોને સ્વીકારતાં નથી અને તેમને ઉથલાવીને પોતાની સરકાર રચવાના મનસૂબા સેવે છે. માટે, તેમની સાથે વાટાઘાટો કરવામાં આવે તો પણ, સરવાળે તેમાંથી કશું નીપજતું નથી. સરકારનું અસ્તિત્ત્વ સ્વીકારવા જેવા પાયાના મુદ્દે મતભેદ હોય, ત્યાં સુલેહ શી રીતે થાય? નક્સલવાદીઓની જેમ પાકિસ્તાની તાલિબાનો પણ પોતાનો પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં સમાંતર સરકાર અને સમાંતર ન્યાયતંત્ર ચલાવે છે. કર ઉઘરાવે છે, ન્યાય તોળે છે અને સજા પણ ફટકારે છે. સરકારી તંત્ર તેમના રાજમાં દખલ કરવાની હિંમત કરે, તો તેને આકરી કિંમત ચૂકવવી પડે છે.
પાકિસ્તાની તાલિબાનો અને નક્સલવાદીઓ વચ્ચેનો મોટો તફાવત ધર્મ અને આશયનો છે. બન્ને (ભલે અસંતોષકારક છતાં) લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવા ઇચ્છે છે, પણ નક્સલવાદીઓ, કમ સે કમ કહેવા પૂરતા, ગરીબ લોકોને શોષણખોરી અને અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છે છે. (ત્યાર પછી ભલે તે નક્સલવાદીઓની આપખુદશાહીમાં ફસાય) નક્સલવાદીઓને ધર્મનું કશું ખેંચાણ નથી, તેમની હિંસા ધર્મઝનૂનપ્રેરિત નથી અને વૈશ્વિક ત્રાસવાદ સાથે તેને કશો સંબંધ નથી.
પાકિસ્તાની તાલિબાનોનું તંત્ર સાવ ઉલટું છે. તેમની પાસે ઇસ્લામની આગવી, સંકુચિત અને ભયંકર સમજ છે. પોતાની સમજણ પ્રમાણેના રૂઢિચુસ્ત ઇસ્લામને તે શસ્ત્રબળથી લોકો પર લાદવા ઇચ્છે છે. ભવિષ્યમાં જનરલ ઝિયા જેવો કોઇ કટ્ટર અને ઘાતકી શાસક પાકિસ્તાન પર ચડી બેસે, તો શક્ય છે કે પાકિસ્તાની તાલિબાનો તેની સાથે સમાધાન સાધી શકે. અત્યારના પાકિસ્તાનમાં પણ ઇસ્લામના નામે તાલિબાનો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર એક વર્ગ છે. પેશાવરમાં થયેલી નિર્દોષ બાળકોની કતલ પછી તાલિબાનોએ સહાનુભૂતિકારોનો થોડો અંશ ગુમાવ્યો હશે અથવા આ બનાવ પછી તાલિબાનો માટે જાહેરમાં સહાનુભૂતિ વ્યક્ત કરવાનું કે ‘છેવટે તે આપણા જ માણસ છે’ એવું ‘ઉદાર’ વલણ દર્શાવવાનું અઘરું બનશે.
વર્તમાન પાકિસ્તાનમાં જનરલ ઝિયા જેવા કોઇ શાસકને મોકળું મેદાન મળવાની સંભાવના નથી. કારણ કે, તાલિબાનો પ્રત્યેનો ઝુકાવ કે લગાવ પાકિસ્તાનના અમુક વર્ગની વાસ્તવિકતા હોય તો, સત્તાનાં સૂત્રો સંભાળનારા વર્ગ માટે અમેરિકા સાથેની ‘દોસ્તી’ જાળવવાનો તકાદો પણ મોટો છે. ‘દોસ્તી’ શબ્દ અવતરણ ચિહ્નમાં લખવાનું કારણ એ કે પાકિસ્તાનને અમેરિકા જેવો મિત્ર અને અમેરિકા જેવો શત્રુ શોઘ્યો જડે એમ નથી.
વટવૃક્ષનાં મૂળીયાં
અમેરિકાએ પાકિસ્તાનને અનેક પ્રકારે આર્થિક અને લશ્કરી મદદ કરી છે. પરંતુ પાકિસ્તાનની વર્તમાન અવદશા માટે પણ અમેરિકા ઘણી હદે જવાબદાર છે. દક્ષિણ એશિયામાં પોતાનાં ક્ષેત્રીય હિતો ખાતર રશિયાતરફી ભારતની સામે, અમેરિકાએ પાકિસ્તાનને ખોળે લીઘું. અફઘાનિસ્તાનની ‘ધર્મવિરોધી’ અને સામ્યવાદતરફી સરકાર સામે સ્થાનિક લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો, ત્યારે એ સરકારના બચાવ માટે ૧૯૭૯માં રશિયાનું સૈન્ય અફઘાનિસ્તાન પહોંચ્યું. અમેરિકાને અફઘાન મુજાહિદો (‘ધર્મયોદ્ધાઓ’) જીતે એમાં નહીં, પણ રશિયાને ફટકા પડે તેમાં રસ હતો. તેણે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના લડાયક પખ્તુનો અને બીજા ઝનૂનીઓના હાથમાં આઘુનિક હથિયાર આપ્યાં.
બીજાને મારવા સર્જેલા નવરા પડે એટલે માલિકની સામે બંદૂક તાણે, એવું જ પાકિસ્તાની કટ્ટરવાદીઓની બાબતમાં થયું. રશિયાએ થાકીને અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા પછી ત્રાસવાદીઓને થયું કે અમેરિકાએ તેમનો હાથા તરીકે ઉપયોગ કર્યો અને પછી તેમને રેઢા મૂકી દીધા. એટલે, તેમણે અમેરિકા સામે મોરચો માંડ્યો. લાદેન પણ અસલમાં અમેરિકાની આ નીતિની જ નીપજ હતો. અફઘાનિસ્તાનમાં સત્તાના શૂન્યાવકાશમાં ખૂંખાર- કટ્ટર તાલિબાનો પાંગર્યા અને સત્તા સુધી પહોંચ્યા. એટલે એક આખો દેશ જાણે ત્રાસવાદીઓના હાથમાં આવી ગયો. રશિયા સામેની લડતમાં તાલિબાનો અને પાકિસ્તાની ઝનૂનીઓ સાથે હતા. એટલ તમની વચ્ચે ધર્મ અને હિંસાની મજબૂત કડી હતી.
અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના પ્રાંતો ‘ફાટા’- (ફેડરલી કન્ટ્રોલ્ડ ટ્રાઇબલ એજન્સીઝ-કેન્દ્રશાસિત કબીલાઇ વિસ્તારો) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ)ના લડાયક પખ્તુનો હિંસાના રંગે પૂરેપૂરા રંગાઇ ચૂક્યા હતા. તેમનો ખરો મેળ તાલિબાનો સાથે હતો અને પાકિસ્તાનની સરકારો તેમને વતાવતી ન હતી. પાકિસ્તાની સૈન્ય અને જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ની તો તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ રહી. પરિણામે આ વિસ્તારોમાંથી એક્સપોર્ટ ક્વૉલિટીનો ત્રાસવાદ પેદા થયો, જેણે અમેરિકા સહિતના દેશોમાં તબાહી મચાવી અને તેમનો ખોફ વહોરી લીધો.
અમેરિકાએ પાકિસ્તાનમાં થાણાં બનાવીને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે હુમલા શરૂ કર્યા, એટલે પાકિસ્તાનની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઇ. અમેરિકાની આ ચેષ્ટાથી પાકિસ્તાનમાં લોકોની અમેરિકાવિરોધી લાગણી તીવ્ર બને. ‘અમેરિકા પાકિસ્તાનને ખંડિયું રાષ્ટ્ર ગણે છે’ એવા પ્રચારને બળ મળે અને લોકો પશ્ચિમવિરોધી- કટ્ટર ઇસ્લામની વાત કરતાં જૂથો ભણી ઢળે. બીજી તરફ, અમેરિકા સાથે મળીને કે તેના દબાણથી પાકિસ્તાની સૈન્ય તાલિબાની વિસ્તારો પર કાર્યવાહી કરે. એટલે તાલિબાનોને પાકિસ્તાની સૈન્ય તથા સરકાર સામે હિંસક વાંધા પડે. તેમાં પાકિસ્તાની પ્રજાની સેન્ડવિચ થાય. તાલિબાનો સામે જીવનું જોખમ ને અમેરિકા સામે સ્વમાનનું.
પાકિસ્તાની સરકારોને એક હાથ અમેરિકા સાથે હાથ મિલાવેલો રાખવો પડે, તો બીજો હાથ ખાનગી રાહે તાલિબાનો સામે પણ લંબાયેલો હોય. ભારતમાં આતંક મચાવતા ત્રાસવાદીઓને પાકિસ્તાન મોકળું મેદાન પૂરું પાડે અને તેને દેશપ્રેમનો ભાગ ગણે. પાકિસ્તાન પોતે ‘સારા (પોતાના કામના) ત્રાસવાદી’ અને ‘ખરાબ ત્રાસવાદી’એવા ભેદ પાડે. પછી પાકિસ્તાન ત્રાસવાદીઓ અને તાલિબાનોનો અખાડો ન બને, તો બીજું શું થાય?
સરહદ પ્રાંત (હાલનું નામ ‘ખૈબર પખ્તુનવા’)માં તાલિબાની દાદાગીરી અવગણીને મલાલા યુસુફઝઇ ભણતી હતી અને ‘છોકરીઓએ નહીં ભણવાનું’ એવા તાલિબાની આદેશનું ઉલ્લંઘન કરીને, એની સામે ઝુંબેશ ચલાવતી હતી. તેની આ કામગીરીની આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાતાં તાલિબાનોના એક માણસે બાર વર્ષની મલાલાને કપાળમાં ગોળી મારી દીધી. સારવાર માટે તેને તત્કાળ બ્રિટન લઇ જવાતાં તે બચી ગઇ અને આ વર્ષે શાંતિના નોબેલ પારિતોષિકથી સન્માનિત થઇ. પરંતુ મલાલાના કિસ્સા વખતે પાકિસ્તાનમાં એવું કહેનારા પણ હતા કે આ તો પાકિસ્તાનને- તાલિબાનોને બદનામ કરવા માટેનો અમેરિકાનો સ્ટન્ટ છે.
જાણીતા પાકિસ્તાની લેખક નદીમ પરચાએ લખ્યું હતું તેમ, પેશાવરના હુમલા પહેલાંના તમામ પ્રસંગે હિંસા આચરનારા સિવાયના કોઇ ને કોઇ પરિબળનો હાથ શોધી કાઢવામાં આવતો હતો. જાણે, આખી વાતમાં પાકિસ્તાનનો કશો વાંક ન હોય. કેટલાક રાજકીય પક્ષો પણ આ પ્રકારની છેતરામણી વિચારસરણીને આગળ ધપાવીને, સચ્ચાઇ સ્વીકારવાનું કે તેની ચર્ચા કરવાનું ટાળતા હતા. છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાને કબીલાઇ ‘ફાટા’ વિસ્તારોમાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી આરંભી અને તાલિબાનોનો સફાયો શરૂ કર્યો, ત્યારે પણ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તલપાપડ ઇમરાનખાને કહ્યું હતું કે તેમની સરકાર હોત તો તે ‘ફાટા’માં લશ્કર ન મોકલત. કરાચીનું એરપોર્ટ કબજે કરી શકતા પાકિસ્તાની તાલિબાનો માટે ઇમરાનખાન જેવા નેતાઓ આટલી કૂણી લાગણી જાહેરમાં પ્રગટ કરી શકતા હતા. આમ કરવાથી તેમને કટ્ટરત તત્ત્વોના રાજકીય ટેકાની આશા રહેતી હતી.
પેશાવરના હુમલાની કરુણતા પછી પાકિસ્તાન માટે એક નવી તક ઊભી થઇ છે. તાલિબાનોને ‘પોતીકા’ ગણવા કે નહીં, તેની અવઢવમાંથી મુક્ત થઇને, ‘સારા’ અને ‘ખરાબ’ ત્રાસવાદીઓ વચ્ચે ભેદ પાડવાનું બંધ કરીને પાકિસ્તાન પોતાની શાંતિ મેળવી શકે છે.
બીજે અશાંતિ ફેલાવીને ઘરઆંગણે શાંતિ મેળવી શકાતી નથી, એ હજુ પણ ન સમજાય તો ક્યારે સમજાશે?

No comments:
Post a Comment