વર્તમાન વડાપ્રધાનની અમેરિકાયાત્રાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવા માટે અગાઉના ભારતીય વડાપ્રધાનોની અમેરિકાયાત્રાની ઝલક ઉપયોગી નીવડી શકે છે.
‘મહાન દેશની આઝાદ પ્રજાના આદરણીય નેતાને આવકાર આપવાનો લાભ મને મળ્યો છે...આપણા બે મહાન દેશો એકબીજાના અને સમસ્ત માનવજાતના ફાયદા માટે, મૈત્રીપૂર્ણ અને ફળદાયી સહકાર અનેક રસ્તા ખોળી કાઢે એવી આશા રાખું છું.’
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઉપરનાં વાક્યો કોને કયાં હતાં? હાલના ઉત્તેજનાભર્યા માહોલમાં તેનો જે જવાબ સૂઝે તે, પણ વાસ્તવમાં ઓબામાએ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘને ૨૦૦૯માં આ રીતે આવકાર આપ્યો હતો.
આંતરરાષ્ટ્રિય રાજકારણમાં, ખાસ કરીને લોકશાહી દેશો વચ્ચેના સંબંધ બે વ્યક્તિ નહીં, પણ બે દેશ વચ્ચેના હોય છે. દેશના વડાની વ્યક્તિગત લાક્ષણિકતાઓનું મહત્ત્વ ખરું, પણ મૂળભૂત રીતે એ વ્યવહાર બે દેશો વચ્ચેનો હોય છે. ભારત આઝાદ થયું ત્યારથી અમેરિકા સહિતના દેશોમાં ભારતના ચૂંટાયેલા નેતાને ચોક્કસ પ્રકારનાં માનપાન આપવાનો ધારો છે. દેશ પ્રમાણે અને તેના દરજ્જા પ્રમાણે ભારતના વડા માટે રખાતા પ્રોટોકોલ થોડાઘણા બદલાતા રહે, પરંતુ એ માન વડાનું મોં કે તેણે રોકેલી પી.આર. એજન્સી કે તેનું ડ્રેસિંગ કે તેની વાક્છટા જોઇને નહીં, પણ એ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ કારણથી મળતું હોય છે.
આઝાદી પછી તરતના નેહરુયુગમાં વાત જરા જુદી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિઓ ત્યારે તાજી હતી. વડાપ્રધાન નેહરુ ખુદ આઝાદીના આંદોલનના અગ્રણી, જેલવાસ વેઠી ચૂકેલા, બૌદ્ધિક તરીકે જાણીતા. આ બધાં પરિબળો ઉપરાંત રશિયાતરફી ઝુકાવ ધરાવતા ભારતને અમેરિકા ભણી આકર્ષવાનું કારણ પણ હોય. આ બધાને લીધે જવાહરલાલ નેહરુને અમેરિકામાં ભારે માનપાન મળતાં હતાં- અને એ ત્યાંના ભારતીયો દ્વારા સ્પોન્સર્ડ ન હતાં.
નેહરુ ૧૯૪૯, ૧૯૫૬, ૧૯૬૦ અને ૧૯૬૧ - એમ ચાર વાર અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા અને અનુક્રમે ટ્રુમેન, આઇઝનહોવર તથા કેનેડી જેવા ત્રણ પ્રમુખો સાથે કામ પાડ્યું. ૪૪ વર્ષની વયે અમેરિકાના પ્રમુખ બનેલા કેનેડી નવા લોહીનું પ્રતીક ગણાતા હતા. પંડિત નેહરુની છેલ્લી અમેરિકાયાત્રા વખતે પ્રમુખ કેનેડી સજોડે રહોડ્સ આઇલેન્ડના ન્યુ પોર્ટ એરપોર્ટ પર વડાપ્રધાન નેહરુના સ્વાગત માટે ગયા હતા અને ત્યાંથી અમેરિકન પ્રમુખના ખાસ વિમાન ’એરફોર્સ વન’માં એ વડાપ્રધાન નેહરુ સાથે વોશિંગ્ટન પહોંચ્યા હતા. (મનમોહન સિંઘ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અમેરિકાનો નાયબ પ્રધાન કક્ષાનો કોઇ હોદ્દેદાર પણ ફરક્યો ન હતો.)
John Kennedy with Prime Minister Nehru. Jackie Kennedy with Indira Gandhi arriving at Washington DC airport |
અમેરિકાના છેલ્લા સત્તાવાર પ્રવાસ વખતે પંડિત નેહરુએ અમેરિકાના પ્રમુખને વિનંતી કરી હતી કે તેમના માનમાં ‘મઘ્યકાલીન ભપકાબાજી’ ન કરવામાં આવે. એ મુલાકાત વખતે ૭૨ વર્ષના વડાપ્રધાન નેહરુનું શીડ્યુલ એટલું વ્યસ્ત હતું કે ‘વડાપ્રધાનને અચકનમાં રહેલું લાલ ગુલાબ બદલવાનો સમય પણ મળ્યો ન હતો.’ (‘ટાઇમ’, ૧૦-૧૧-૧૯૬૧)
પહેલી વાર ૧૯૪૯માં પંડિત નેહરુ વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રમુખ ટ્રુમેનના મહેમાન થઇને જવાના હતા ત્યારે તેમને મૂંઝવણ હતી કે અમેરિકાના લોકો સમક્ષ કયો ચહેરો રજૂ કરવો? પાશ્ચાત્ય રંગે રંગાયેલા બૌદ્ધિકનો? કે પછી ભારતીય નેતાનો? તેમના માટે એક પડકાર એ પણ હતો કે અમેરિકામાં મિત્ર તરીકે રજૂ થવાનું છે, પણ પોતાના મૂળભૂત (સમાજવાદી) વલણ સાથે કોઇ પ્રકારનું સમાધાન કર્યા વિના.
અમેરિકામાં નેહરુ બન્ને મુખ્ય પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ, કામદારો, સ્ત્રીઓ અને બીજા સંખ્યાબંધ લોકોને મળીને તેમને પ્રભાવિત કરી શક્યા. નેહરુ અમેરિકાના પ્રમુખને ‘મુક્ત વિશ્વના નેતા’ તરીકે સ્વીકારતા ન હતા અને એ બાબતે અમેરિકાના ગૃહખાતાને નેહરુ સામે કચવાટ હતો. છતાં, સરકારી તંત્ર સિવાયના અમેરિકાને- એટલે કે તેમાં વસતા એન.આર.આઇ. લોકોને નહીં, પણ અમેરિકાનાં વિવિધ જૂથોને- નેહરુ પ્રભાવિત કરી શક્યા.
વિદેશીઓને પ્રભાવિત કરવા માટે નક્કર કામગીરી જરૂરી નથી. થોડી અદા, થોડી વાચાળતા, થોડો પ્રભાવ અને થોડો અભિનય આવડવાં જોઇએ. નેહરુમાં આ બધા ઉપરાંત બૌદ્ધિકતા પણ હતી. તેમ છતાં, રશિયા સાથેની નજદીકીના નેહરુ-વારસાને કારણે ભારત-અમેરિકાના સત્તાવાર સંબંધો ઉબડખાબડ રહ્યા.
ઇંદિરા ગાંધી પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાના એક મહિના પહેલાં વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રવાસે ગયાં હતાં. એ તેમનો બીજો અને ભારતના કોઇ પણ વડાપ્રધાન માટે સૌથી કઠણ કહી શકાય એવો પ્રવાસ હતો. અમેરિકાના પ્રમુખપદે ત્યારે રિચાર્ડ નિક્સન બિરાજતા હતા અને તેમના જમણા હાથ જેવા ગૃહપ્રધાન હેન્રી કિસિન્જરનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનને પાંખમાં લેનારા નિક્સન અને તેમનું અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં વચ્ચે આવે તે ભારતને પોસાય એમ ન હતું. ઇંદિરા ગાંધી વિદેશોમાં ફરીને ભારતની તરફેણમાં - અને હકીકતમાં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની તરફેણમાં- વિશ્વમત ઊભો કરી રહ્યાં હતાં. તેમની હિલચાલોથી નિક્સનના પેટમાં તેલ રેડાતું હતું. ઇંદિરા ગાંધી નિક્સનને મળ્યાં ત્યારે નિક્સને તેમને પાકિસ્તાન સામે કોઇ જાતનાં લશ્કરી પગલાં ન લેવાં કહ્યું અને એવું થશે તો અમેરિકા વચ્ચે પડશે એવી આડકતરી ધમકી પણ આપી. છતાં ઇંદિરા ગાાંધીએ મહિના પછી યુદ્ધ છેડીને નિશ્ચિત સમયગાળામાં બાંગલાદેશને પાકિસ્તાનથી છૂટું પાડી દીઘું. સ્વતંત્રમિજાજી ઇંદિરા ગાંધી પર નિક્સન મનોમન કેવા ભડક્યા હશે તેનો અંદાજ આગળ જતાં જાહેર થયેલા દસ્તાવેજો પરથી આવી શકે છે. તેમાં નિક્સને ઇંદિરા માટે ચુનંદા શબ્દો વાપર્યા હતા. (તેમાંનો એક : ‘બુઢ્ઢી ડાકણ’)
Prime Minister Indira Gandhi with President Richard Nixon (Image : Corbis) |
ઇંદિરા ગાંધીની મુત્સદ્દીગીરીની મહાન ફતેહ પછી પણ તેમનું મૂલ્યાંકન થાય ત્યારે તેમના રાજમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર અને મૂલ્યોનું મોટા પાયે થયેલું ધોવાણ જ (વાજબી રીતે) યાદ કરવામાં આવે છે. બાકી, નિક્સનને ન ગાંઠેલાં ઇંદિરા ગાંધી કટોકટી પછીની ચૂંટણી હાર્યા પછી, ફરી એક વાર ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યાં ત્યારે તે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. ત્યારે પ્રમુખ રોનાલ્ડ રેગને વ્હાઇટ હાઉસની લોનમાં તેમનો સત્તાવાર સ્વાગત સમારંભ રાખ્યો હતો અને તેમના માનમાં ભોજન પણ રાખ્યું હતું. એ વખતે સાથે સંગીતનો કાર્યક્રમ પણ હતો, જેમાં ઑર્કેસ્ટ્રાનું સંચાલન ઝુબિન મહેતાએ કર્યું હતું. (અહીં મૂકેલી કેટલીક વિડીયો જુઓ)
(વડાપ્રધાન ઇંદિરા ગાંધીના માનમાં પ્રમુખ રેગને યોજેલો ભોજન સમારંભ, સાથે ઝુબિન મહેતાનું ઓરકેસ્ટ્રા સંચાલન)
વ્હાઇટ હાઉસના પ્રાંગણમાં સત્તાવાર સમારંભમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીનું સ્વાગત
અમેિરકાની નેશનલ પ્રેસ ક્લબમાં સવાલોના જવાબ આપતાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી
વર્તમાન વડાપ્રધાન મોદીની અમેરિકાયાત્રા નક્કી થઇ ત્યારે પ્રસાર માઘ્યમોમાં એવા સમાચાર વહેતા થયા હતા કે તે અમેરિકાની સંસદ (કોંગ્રેસ)નાં બન્ને ગૃહોને સંબોધન કરશે અને એવું થાય તો તેમને મોટું માન મળ્યું ગણાશે. તેમને આવું ‘માન’ મળ્યું નહીં, એટલે હવે ભક્તો એની ચર્ચા કરતા નથી. પરંતુ હકીકત એ છે કે ભૂતકાળમાં રાજીવ ગાંધી (૧૯૮૫માં), નરસિંહરાવ (૧૯૯૪માં), વાજપેયી (૨૦૦૦માં) અને મનમોહનસિંઘ (૨૦૦૫માં) અમેરિકી સંસદની સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યા છે.
Atal Bihari Vajpayee addressing joint session of US congress |
દાયકાઓ સુધી અમેરિકા-ભારત વચ્ચેના સત્તાવાર સંબંધ આપનાર-લેનાર વચ્ચેના હોય એવા હતા. નહેરુ ત્યાં જઇને ગમે તેટલાં છવાઇ જાય કે ઇંદિરા ગાંધી ગમે તેટલાં મજબૂત હોય, પણ તેનાથી અમેરિકાની સત્તાવાર નીતિ પર ભાગ્યે જ કશી અસર પડતી હતી. ભારતે કરેલા પરમાણુપરીક્ષણ પછી અમેરિકા સાથેના મદદના સંબંધ શીતયુગમાં પ્રવેશી ગયા. વડાપ્રધાન તરીકેની પહેલી મુદતમાં મનમોહનસિંઘે ડાબેરીઓની નારાજગી વહોરી લઇને ભારત-અમેરિકા વચ્ચે પરમાણુસંધિ કરી, તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં નવેસરથી ગરમાટો આવ્યો. ત્યાં લગીમાં અમેરિકાને પણ (ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી) બહારની દુનિયાના અસ્ત્તિત્ત્વ વિશે જાણ થઇ હતી.
હવેનું અમેરિકા સુપરપાવર રહ્યું નથી. ‘અમેરિકાનો પ્રમુખ મુક્ત વિશ્વનો નેતા છે’ એવી માન્યતામાં ઓબામા પોતે ડગુમગુ હોવાનું કહેવાય છે. આમ સાતત્યપૂર્વક બદલાયેલી પરિસ્થિતિમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છે. વર્તમાન વડાપ્રધાન તેને હવે પછીના સ્વાભાવિક તબક્કામાં લઇ જાય તે અપેક્ષિત, ઇચ્છનીય અને શક્ય છે. પરંતુ લાંબા ગાળાની આ પ્રક્રિયાને પુખ્ત વયના નાગરિકની જેમ જોવાને બદલે, ‘મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..કે એમણે તો અમેરિકા જઇને ઓબામાને ચીત કરી દીધા’ એવી કાલીઘેલી મુગ્ધતામાંથી બહાર આવવાની જરૂર છે. ભારતીય તરીકેનું ખરું ગૌરવ એવી પુખ્તતામાં રહેલું છે.
મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર.. ke e vakhat ave tamne tapori ni bhashama tapkai pan nakhe, ne મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..ke e koi nu pan sambhade nai, Indian LAWS ne to ghodi ne pi jay...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..ke emne man fave tevo bakwas kare, ne ji hajoori bi karave...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..facebook per emna bhakto emnu nakahelu pan chapi mare..મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..ke e komi ramkhano no labh levanu chuke nai...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર...ke menuplate kare ne to bi bhakto ne khabarna pade...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર...ke koi emanaVAKHAN na kare to game nai..મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..ke e upvas kare pap dhovaj to...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..ke vare vare facebook per pragat thay..PR Agency throgh...મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર....mane to emj ke e 3D avatar maj obama ne madat ne new york ma pan dekhat ek sathe..
ReplyDeleteExcellent Urvishbhai. I liked such balanced and factual articles which provides a yardstick and reminder to judge Namo or even help him to be better.
ReplyDelete