‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ કરતા ચોથા-પાંચમા ભાગના ખર્ચે તૈયાર થયેલું ‘ઇસરો’નું મંગળયાન ભારતીય ઇજનેરોએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ છે
Click to Enlarge - Original figure : ISRO |
‘ઇસરો’નો પ્લાન યાનને મંગળ ગ્રહ પર ઉતારવાનો નહીં, પણ તેની ફરતે યાને પ્રદક્ષિણા કરતું રાખવાનો છે. એ અવસ્થામાં યાન મંગળ પર મિથેન વાયુની હાજરી પારખવાની કોશિશ કરશે. અગાઉ બીજા દેશો ચંદ્રની તપાસ કરી ચૂક્યા હોવા છતાં, ‘ઇસરો’ના ચંદ્રયાને પહેલી વાર ચંદ્ર પરથી બરફ (પાણી) હોવાની મોટી શોધ કરી હતી. એટલે મંગળની સપાટી પર અમેરિકાનું એક વાહન ઘૂમી રહ્યું હોવા છતાં, મંગળનું પરિભ્રમણ કરી રહેલા ‘ઇસરો’ના મંગળયાન પર સૌની નજર રહેશે.
‘ઇસરો’એ મંગળયાનનો આખો પ્રોજેક્ટ ફક્ત ૭.૩ કરોડ ડૉલરમાં (કેટલાક અંદાજ પ્રમાણે સંપન્ન કર્યો. આ આંકડાની આગળ ‘ફક્ત’નું વિશેષણ કેમ લગાડ્યું, એ સમજવા માટે આ રકમો જુઓ : ‘નાસા’ને તેનું મંગળયાન મુંબઇનો બહુ વખણાયેલો અને તેના ટ્રાફિકઘટાડા માટે ઉપયોગી સિદ્ધ થયેલો પુલ વાંદ્રા-વર્લી સી લિન્ક નવ વર્ષમાં ૩૪ કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયો. (આટલા તોતિંગ ખર્ચ પાછળ એક કારણ વિલંબનું પણ ખરું. ‘ફૉર્બ્સ’ મેગેઝીનના અહેવાલ પ્રમાણે, ૪.૭ કિલોમીટર લાંબા વાંદ્રા-વર્લી સી લિન્ક કરતાં ક્યાંય મોટો, ૩૬ કિલોમીટર લાંબો પુલ ફક્ત ચાર વર્ષમાં ઊભો કરી દીધો હતો.)
સી લિન્ક પર ‘વધારાના ખર્ચ’નો આરોપ થઇ શકે, નકામા ખર્ચનો નહીં. એવો આરોપ વાજબી રીતે જેની પર થઇ રહ્યો છે તે વડાપ્રધાનનો પ્રિય ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ છે. દુનિયામાં સૌથી ઊંચું પૂતળું બનાવવાની ઘેલછા પાછળ રૂ.૨૦૬૩ કરોડનો ખર્ચ થશે, એવું ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું છે. ૧ ડૉલરના રૂ.૬૧ના હિસાબે આ રકમ અંદાજે ૩૩ કરોડ ડૉલર જેટલી થાય. તેની સરખામણીમાં ‘ઇસરો’ મંગળ સુધી યાન પહોંચાડવા માટે ૭.૬ કરોડ ડૉલર ખર્ચતું હોય તો તેને ‘ફક્ત’ કહેવામાં શું ખોટું છે? પ્રચારપટુ વડાપ્રધાને મંગળયાન હોલિવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતાં પણ ઓછા ખર્ચમાં તૈયાર થઇ ગયું, એવી વાત કરી હતી અને એ સાચી હતી. પરંતુ હોલિવુડની ફિલ્મ કરતાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું ઉદાહરણ વધારે નજીક ન પડે?
પહેલી વાર ‘ઇસરો’એ મંગળયાનનું બજેટ જાહેર કર્યું ત્યારે અવકાશક્ષેત્રના લોકોને પણ નવાઇ લાગી હતી. કેમ કે, અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’ હોય કે પછી ચીનનો અવકાશ કાર્યક્રમ, તેમની સરકારો કરોડો ડૉલરનાં બજેટ ફાળવે છે. બેફામ ખર્ચ કરવાના આરોપની ‘નાસા’ માટે નવાઇ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં તેને એ આરોપ ગંભીરતાથી કાને ધરીને, ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવાની ફરજ પડી છે. સ્ટાફ ઘટાડીને ઘણું કામ કોન્ટ્રાક્ટ પર આપવું એ નિર્ણય‘નાસા’ની ‘ડૉલર બચાવો ઝુંબેશ’નો હિસ્સો હતો. તેમ છતાં, ‘ઇસરો’ ‘નાસા’ કરતા લગભગ દસમા ભાગના ખર્ચમાં મંગળમિશન ઊભું કરી દે, તેનો ખુલાસો શી રીતે આપવો? કેટલાક વિદેશી નિષ્ણાતોએ ઝાઝી તસ્દી લીધા વિના પરબારો વેતનનો મુદ્દો ઊભો કર્યો અને કહ્યું કે અમેરિકાની સરખામણીમાં ભારતમાં ઇજનેરોને મળતું વેતન ઘણું ઓછું છે. તેના કારણે ભારતનો પ્રોજેક્ટ સસ્તામાં થયો છે. કેટલાકે ખુલાસો આપ્યો કે અમેરિકાનું મંગળ-મિશન વધારે અટપટું હોવાથી, તેમાં સાધનસામગ્રીનો ખર્ચ વધારે બેસે.
વેતનનો કે મિશનના હેતુનો તફાવત ચોક્કસ એક મુદ્દો છે, પણ તેને બચત માટે જવાબદાર એક માત્ર મુદ્દા તરીકે રજૂ કરવામાં ‘ઇસરો’ના ઇજેનેરોની પ્રતિભાની અને કરકસર માટેના તેમના આગ્રહની ધરાર અવગણના થાય છે. ડૉ.વિક્રમ સારાભાઇના જમાનાથી ભારત જેવા આર્થિક રીતે ગરીબ દેશના અવકાશ કાર્યક્રમ માટે કેટલું બજેટ ફાળવવું જોઇએ, એ ચર્ચાનો અને કંઇક અંશે વિવાદનો મુદ્દો રહ્યો છે. રોકેટનો આગળનો હિસ્સો સાયકલ પર લઇ જવાતો હોય કે અહીં તસવીરમાં દર્શાવ્યું છે તેમ, આખેઆખો ‘એપલ’ ઉપગ્રહ બળદગાડામાં લઇ જવાતો હોય, એની ‘ઇસરો’ની પરંપરામાં નવાઇ નથી.
તેમ છતાં, પ્રતિકૂળતાઓ વચ્ચે ‘ઇસરો’એ આગેકૂચ જારી રાખીને ઉપગ્રહો તરતા મૂકવાના ક્ષેત્રે ઇર્ષ્યાજનક સિદ્ધિ હાંસલ કરી છે. સકરકસરનાં ઉદાહરણો આપતાં ‘ઇસરો’ના અઘ્યક્ષ રાધાકૃષ્ણને ગયા વર્ષે ‘ફોર્બ્સ’ સામયિકને કહ્યું હતું કે ‘ઇસરો મૉડ્યુલર અપ્રોચથી કામ કરે છે. એટલે કે જુદા જુદા પૂરજામાં પારંગતતા મેળવીને અંતે એ લૉન્ચ વેહીકલ જેવું પેચીદું સાધન તૈયાર કરી શકે છે. તેમણે સિત્તેરના દાયકામાં ફ્રેન્ચ ઇજેનેરોના સહયોગથી વિકસાવયેલાં ‘વિકાસ’ એન્જિનનો હવાલો આપીને કહ્યું હતું કે એ જાણકારી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મળી હતી. તેના આધારે ‘ઇસરો’એ કામ શરૂ કર્યું અને સંપૂર્ણપણે ભારતીય સામગ્રીથી, ૧૨૦ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એન્જિન તૈયાર કર્યાં. પછી ટેક્નોલોજી આગળ વધે અને એન્જિનમાં પ્રવાહી બળતણ ઉમેરવાનું આવે કે પછી ઉપગ્રહોનાં વજન કે તેમની સંખ્યામાં વધઘટ થાય ત્યારે, આગળનું સફળ ‘મૉડ્યુલ’ તો તૈયાર જ હોય, એટલે તેની પર વધારાના ‘માળ ચણવાના’ રહે. એ સહેલું નથી, પણ આ રીતે ક્રમિક ઢબે આગળ વધતાં વધતાં ‘ઇસરો’ મંગળ સુધી પહોંચ્યું છે.
‘ઇસરો’ અગાઉ વપરાયેલાં સાધનોમાં સતત ફેરફાર અને સુધારાવધારા કરીને તેને ફરી ઉપયોગમાં લે છે. એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, મંગળયાનને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટની ડિઝાઇન ‘ઇસરો’એ પહેલી વાર ૧૯૯૩માં તૈયાર કરેલા લૉન્ચ વેહીકલમાં થોડો ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી હતી. મંગળયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મંગળની ભ્રમણકક્ષામાં ધકેલવા માટે પણ ‘ઇસરો’એ બળતણમાં જંગી બચત કરાવે એવી કેટલીક વ્યૂહરચનાઓ પ્રયોજી હોવાનું પણ રાધાકૃષ્ણને કહ્યું. ‘ઇસરો’ ફિલ્ડ ટેસ્ટિંગ એટલે કે સાધનોનાં મૉડેલ બનાવીને તેમનું મોંઘુંદાટ વાસ્તવિક પરીક્ષણ કરવાને બદલે ટેસ્ટિંગ માટે સૉફ્ટવેર પર મોટા પાયે મદાર રાખે છે, એ પણ ઓછા ખર્ચનું એક કારણ મનાય છે.
ટેક્નલોજી ઉપરાંત કરકસરનો બીજો મહત્ત્વનો મોરચો એટલે સમયપાલન. ભારતના સરકારી તંત્રને સમયપાલન સાથે આડવેર છે, પરંતુ ‘ઇસરો’ એ નિયમમાં અપવાદ છે. તેને કારણે મંગળયાનનો પ્રોજેક્ટ ફક્ત ૭.૬ કરોડ ડૉલરમાં પડ્યો.
આ બધી હકીકતો નજરઅંદાજ કરીને મંગળયાનના ઓછા ખર્ચને ‘જુગાડ’ ગણાવી દેવાનું સદંતર અયોગ્ય છે. મેનેજમેન્ટવાળાઓ નવેસરથી ‘હાજર સો હથિયાર’ ઉર્ફે ‘જુગાડ’ને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને, તેને ગ્લેમરસ બનાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે ‘જુગાડ’ હંમેશાં હકારાત્મક કે આવકાર્ય ગણાતો નથી. એ સંજોગોમાં મંગળયાન જેવી ટેક્નોલોજીની મહા સિદ્ધિને કેવળ તેનો ખર્ચ ઓછો હોવાને કારણે ‘જુગાડ’માં ખપાવી દેવી, એ ભારતીય ઇજનેરોના કૌશલ્યનું અપમાન - અને ‘જુગાડ’ની દલીલ કરનારનું અજ્ઞાન- ગણાય.