ચૂંટણીના ઉમેદવારો પર અનેક પ્રકારની પાબંદી મુકતી આચારસંહિતા હોય કે મતદારોનાં ઓળખપત્રો- ચૂંટણીપ્રક્રિયાને વિશ્વસનીય બનાવતી આ જોગવાઇઓ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષનની દેન છે. ‘આલ્શેષન’ અને ‘બુલડૉગ’ જેવાં ઉપનામે ઓળખાતા શેષનની ચૂંટણીવિષયક કામગીરી ભારતીય લોકશાહીનું ઉજ્જવળ અને ન ભૂલવા જેવું પ્રકરણ છે.
ચૂંટણીના સમયમાં કયા શબ્દનો ઉપયોગ- અને ક્યારેક દુરુપયોગ- સૌથી વધારે થતો હશે? એ શબ્દ છેઃ ચૂંટણીપંચની આચારસંહિતા ઉર્ફે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ. તેનો ભંગ કરવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવા છતાં, ચૂંટણીપંચની સત્તાથી ખોફ ખાતા હોય એવા નેતાઓ પણ મોટા પ્રમાણમાં છે.
છેલ્લા લગભગ બે દાયકાથી ચૂંટણીપંચની સત્તાનો સિક્કો એટલો જામેલો છે કે તેને પડકારવાની હિંમત ભાગ્યે જ કોઇ કરે છે. આ સ્થિતિને સ્વાભાવિક ગણનારા ઘણાને અંદાજ પણ ન આવે કે આ જ ચૂંટણીપંચ ૧૯૮૦ના દાયકાના અંત સુધી કેવળ વઘુ એક સરકારી સંસ્થા હતી. બંધારણીય જોગવાઇઓ પ્રમાણે ચૂંટણીપંચ પાસે બહોળી સત્તાઓ હતી. તેનું અસ્તિત્ત્વ પણ સરકાર પર નિર્ભર ન હતું. તે સ્વતંત્ર બંધારણીય સંસ્થા હતી. પરંતુ નેતાઓ કે મતદારો સુધી એ સમાચાર પહોંચ્યા ન હતા. ખરેખર તો એમ કહેવું જોઇએ કે પહેલા નવ મુખ્ય ચૂંટણી કમિશનરોએ આ સમાચાર પહોંચવા દીધા ન હતા. તેમણે ચૂંટણીપંચને અપાયેલી સત્તાનો ઉપયોગ કદી કર્યો ન હતો.
તેનું પરિણામ એ આવ્યું કે ઘણાં સ્થળે ચૂંટણીઓ ફારસ જેવી બની ગઇ. બૂથ કેપ્ચરિંગ, ગુંડાગીરી, બોગસ વૉટિંગ, મતદારોને ધાકધમકી આપવી- આ બઘું જાણે ચૂંટણીપ્રક્રિયાનો હિસ્સો બની ગયું હતું. ચૂંટણીની કામગીરી માટે નીમાતા અધિકારીઓની પસંદગી પણ ચૂંટણીપંચ કરતું ન હતું. સરકાર દ્વારા મોકલવામાં આવેલી યાદી પર મુખ્ય ચૂંટણી કમિશનર મત્તું મારી આપે એટલે થયું. સત્તાધારી પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારમાં સરકારી સાધનસામગ્રીનો બેફામ અને બેરોકટોક દુરુપયોગ થતો હતો. બંધારણીય જોગવાઇ તો એવી પણ હતી કે ઉમેદવારે ચૂંટણી માટે કરેલા ખર્ચની વિગત ચૂંટણીપંચને ફરજિયાતપણે આપવી. પરંતુ ખુદ પંચ જ એ વિશે ઉદાસીન હોય, તો ઉમેદવારો શા માટે તસ્દી લે?
હદ તો ત્યારે આવી જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર પેરી શાસ્ત્રીના અવસાન પછી, સરકારે એ જગ્યાએ નવી નિમણૂંક કરવાને, કેન્દ્ર સરકારનાં કાયદાસચિવ વી.એસ.રમાદેવીને કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ આપી દીધો. આ તો એવી વાત થઇ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડે તો એ સ્થાને લાયક વ્યક્તિની નિમણૂંક કરવાને બદલે, કોઇ સરકારી બાબુને વધારાના ચાર્જ તરીકે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવામાં આવે.
પરંતુ સરકારને મન ચૂંટણીપંચનું કેવું અને કેટલું મહત્ત્વ હતું, તે વઘુ એક વાર જણાઇ આવ્યું. વક્રતા એ વાતની હતી કે કાયદાસચિવ તરીકે રામદેવીએ પોતે સરકારનું ઘ્યાન દોરવું જોઇતું હતું કે એક સ્વતંત્ર બંધારણીય હોદ્દાનો ચાર્જ સરકારી બાબુને ભળાવવામાં બંધારણનો છડેચોક ભંગ થાય છે. પરંતુ તેમને કે સરકારને કે ચૂંટણીપંચમાંથી કોઇને એવું સૂઝ્યું નહીં. એ વખતે રાજીવ ગાંધીની કોંગ્રેસના ટેકાથી ચંદ્રશેખરની લઘુમતી સરકાર ચાલતી હતી. તેના કાયદા મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ સ્વામી હતા અને તેમના શિષ્ય- આઇ.એ.એસ. થયેલા ટી.એન. શેષન આયોજન પંચના સભ્ય હતા. ત્યાર પહેલાં રાજીવ ગાંધીની સરકારમાં તે કેબિનેટ સચિવ અને આંતરિક સુરક્ષા વિભાગના સચિવ પણ રહી ચૂક્યા હતા.
રાજકારણની આંટીધૂંટીમાં અને બેફામ બોલવામાં પાવરધા ડૉ.સ્વામી વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટી.એન.શેષનના ગુરુ રહી ચૂક્યા હતા. તેમને લાગતું હતું કે શેષનની પ્રતિભાનો વધારે સારો ઉપયોગ થવો જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનરનો ચાર્જ રમાદેવીને આપીને વિવાદમાં ફસાયેલા ચંદ્રશેખરને એ હોદ્દે કોઇ સારો માણસ નીમીને માનભેર વિવાદમાંથી બહાર નીકળવું હતું. તેમણે સ્વામીને વાત કરી. એટલે ડિસેમ્બર (૧૯૯૦)ની એક મોડી રાત્રે સ્વામી સજોડે શેષનના ઘરે ગયા અને આ દરખાસ્ત મૂકી. બે કલાક સુધી સમજાવટ કર્યા પછી સ્વામી ઊભા થયા ત્યારે રાતના (એટલે કે સવારના) ત્રણ વાગ્યા હતા. તેમણે નિર્ણય લેવા માટે શેષનને સાંજ સુધીનો સમય આપ્યો.
સ્વામીના ગયા પછી જરાય રાહ જોયા વિના શેષને રાજીવ ગાંધીને ફોન કર્યો અને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આવા અસુરા સમયે પોતાના ભૂતપૂર્વ કેબિનેટ સચિવને વળી શું કામ પડ્યું હશે? રાજીવે તેમને કહી દીઘું કે પરમ દિવસ સુધી મળાય એવી કોઇ શક્યતા જ નથી. સામે છેડે શેષન કંઇ બોલ્યા નહીં, એટલે રાજીવે તેમને કહ્યું, ‘યુ આર અ રાસ્કલ.’ શેષને કહ્યું, ‘યસ સર.’ એમને ખબર હતી કે આ રાજીવ ગાંધીની સ્ટાઇલ હતી. પહેલાં ના પાડે, પણ પછી માની જાય. એમ જ થયું. રાજીવે શેષનને કહ્યું, ‘અત્યારે જ આવી જાવ.’
T.N.Sheshan meets Prime Minister Rajiv Gandhi as a cabinet Secretary |
રાજીવે ફક્ત પાંચ મિનીટ આપી હતી, પણ વાતો લાંબી ચાલી. રાજીવે પોતાના માટે અને શેષન માટે પણ ચોકલેટ મંગાવી. (બન્નેને ચોકલેટ બહુ પસંદ હતી.) રાજીવ ગાંધીને એ સમજાતું ન હતું કે શેષન જેવા માણસને મુખ્ય ચૂંટણી કમિશનર જેવો (એ વખતે ફાલતુ ગણાતો) હોદ્દો શા માટે આપવામાં આવે છે, પણ તેમણે શેષનને સલાહ આપી કે એ હોદ્દો સ્વીકારી લેવો જોઇએ. એટલું જ નહીં, શેષનના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ ‘શેષન : એન ઇન્ટીમેટ સ્ટોરી’માં નોંઘ્યું છે તેમ, રાજીવ ગાંધીએ જાતે દરવાજો ખોલીને શેષનને વિદાય આપતી વખતે કહ્યું, ‘તમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા બદલ દાઢી (ચંદ્રશેખર) બહુ પસ્તાશે.’
ભૌતિકશાસ્ત્રના અઘ્યાપક એવા શેષનના સસરાએ ફેમિલી જ્યોતિષીની સલાહ ટાંકીને શેષનને આ હોદ્દો સ્વીકારી લેવાની સલાહ આપી. શેષન પોતે જ્યોતિષમાં બહુ માને, પરંતુ આખરી ફેંસલો તેમણે પોતાના ગુરુ, કાંચી કામકોટીના શંકરાચાર્ય પર છોડ્યો. માનવમનનો આ વિરોધાભાસ હંમેશાં નવાઇ પમાડે એવો હોય છે. શેષન જેવા અક્કડતાની હદે મક્કમ અને આત્મવિશ્વાસથી ભરેલા માણસ શંકરાચાર્યને પોતાની ‘સુપ્રીમ કોર્ટ’ તરીકે ગણાવે અને તેમના નિર્ણયને કશી અવઢવ વિના સ્વીકારી લે. પરંતુ આ કિસ્સામાં શેષનની શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, લોકશાહી માટે ફળદાયી નીવડી. શંકરાચાર્યે શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારી લેવા કહ્યું, એટલે તેમને બીજું કશું વિચારવાનું ન હતું.
ડિસેમ્બર ૧૨, ૧૯૯૦ના રોજ ટી.એન.શેષને ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યો. એ વખતે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. દિલ્હીનાં રાજકારણીઓ અને બાબુશાહી વર્તુળો સિવાય બીજા કોઇએ ભાગ્યે જ શેષનનું નામ સાંભળ્યું હતું, પરંતુ હાર્વર્ડમાં લીધેલી પબ્લિક એડમિનિસ્ટ્રેશન- જાહેર વહીવટની તાલીમમાં શેષનની વ્યક્તિગત લાક્ષણિકતાઓ ભળવાથી ભારે વિસ્ફોટક સામગ્રી સર્જાઇ.
T.N.Sheshan |
મઝાની વાત એ છે કે જ્યોતિષમાં ભારે વિશ્વાસ ધરાવતા અને તેમના ચરિત્રકારના મતે રાજીવ ગાંધીના મૃત્યુની આગાહી કરી ચૂકેલા શેષન, શંકરાચાર્ય અને સત્ય સાંઇબાબાના ચરણોમાં બેસતા શેષન વ્યક્તિગત આસ્થા અને આસ્તિકતાને જાહેર વહીવટમાં તાણી લાવ્યા નહીં. નિર્વાચન સદન (ચૂંટણીપંચ)ની ઓફિસમાં હોદ્દો સંભાળ્યા પછી તેમણે સૌથી પહેલું કામ પોતાની કેબિનમાં રહેલાં દેવીદેવતાઓનાં કેલેન્ડર-તસવીરોને હટાવવાનું કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસની દીવાલો પર સંખ્યાબંધ ભગવાનોની છબીઓ લટકતી હતી. અગાઉના ચૂંટણી કમિશનરોને ભારત જેવા દેશમાં ચૂંટણી યોજવાનું કામ દૈવી મદદ વિના કદાચ અશક્ય લાગ્યું હશે અથવા તેમને ‘છંછેડવાની’ હિંમત નહીં ચાલી હોય. પણ ચૂંટણી કમિશનર તરીકે શેષન કોઇને ગાંઠવાના મૂડમાં ન હતા. હોદ્દો સંભાળ્યા પછીના પહેલા જ કલાકમાં તેમણે દેવીદેવતાઓની તસવીરો દૂર કરાવી. દીવાલો ખુલ્લી અને ચોખ્ખી લાગી.
આ તો હજુ શરૂઆત હતી. પહેલાં તેમણે ઓફિસના દેદાર ઠીક કર્યા. ભંગાર કાઢ્યો. કચરો સાફ કરાવ્યો. કર્મચારીઓ સાથે કડકાઇથી કામ લેવાનું શરૂ કર્યું. બિનજરૂરી ઓવરટાઇમ બંધ કરાવ્યા. કેન્ટીન હોય કે શૌચાલય, ખરા અર્થમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું. જોતજોતાંમાં નિર્વાચન સદનની શકલ બદલાઇ ગઈ. હવે ચૂંટણીઓનો વારો હતો.
દરેક ઉમેદવારે ચૂંટણીમાં થયેલા ખર્ચની વિગત નક્કી કરેલા માળખામાં આપવી ફરજિયાત હતી. રિટર્નિંગ ઑફિસર કશી ચૂંથ વિના તેને સાચી માની લેતા હતા. તેમ છતાં, આટલી વિધિ કરવામાં પણ ઉમેદવારોને ચૂંક આવતી હતી. એવા ૪૦ હજાર કેસ ચૂંટણીપંચ સમક્ષ પડ્યા હતા. તેમાંથી ૧૪ હજાર ઉમેદવારોને શેષને ચૂંટણીખર્ચની વિગત ન આપવા બદલ ચોક્કસ સમયગાળા સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી દીધા. તેમનું આ પગલું અભૂતપૂર્વ, ઐતિહાસિક અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની એંધાણી જેવું હતું. રાજીવ ગાંધીની આગાહી પ્રમાણે, ચંદ્રશેખર તો નહીં, પણ બીજા ઘણા લોકો શેષનની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂંકથી બહુ દુઃખી થવાના હતા.
(ક્રમશઃ)
(મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી
fine quote.
ReplyDeleteEagerly waiting for next...
ReplyDelete