એકાદ-બે દાયકાથી ભારતમાં રાજકીય કાર્ટૂન ક્ષેત્રે ભારે મંદી ચાલે છે. દેશની રાજકીય વાસ્તવિકતાઓને ધારદાર ઢબે ઉજાગર કરી આપતા કાર્ટૂનિસ્ટોની સંખ્યા બે આંકડામાં પણ માંડ પહોંચે એટલી છે. કેવી ઉજ્જવળ હતી આ પરંપરા? અને તેની અવદશા કેમ થઇ?
એક તસવીર બરાબર એક હજાર શબ્દો- એવું સમીકરણ જાણીતું છે. પરંતુ એક કાર્ટૂન - અને એમાં પણ રાજકીય કાર્ટૂન કેટલા શબ્દો સામે ભારે પડે? નક્કી કરવું અઘરું છે. કારણ કે ઘણી વાર જે અસર આકરામાં આકરા શબ્દોથી પેદા થતી નથી, તે થોડા લસરકા અને એકાદ લીટી દ્વારા નીપજી આવે છે. જોનાર સમભાવી હોય તો તેને ઇથર લગાડેલો છરો વાગ્યો હોય એવી અનુભૂતિ થાય.
આકરા કટાક્ષથી કે હળવા વ્યંગથી કામ લેતાં રાજકીય કાર્ટૂન જોયા પછી હસવું કે રડવું, એની ખબર ન પડે. કારણ કે તેમાં વક્રતાનો સહારો લઇને વાસ્તવિકતા દર્શાવાય છે. કાર્ટૂનિસ્ટના ભાથામાં શબ્દો ઉપરાંત ચિત્ર અને ઠઠ્ઠાચિત્ર જેવાં વધારાનાં આયુધ હોય છે. તેમનો અસરકાર વિનિયોગ થાય તો ઘણી વાર શબ્દવિહોણાં કાર્ટૂન જોઇને વાંચનાર પણ ઘડીભર મંત્રમુગ્ધ અને નિઃશબ્દ થઇને વિચારે છે કે કાર્ટૂનિસ્ટે વીજળીના ઝબકારે મોતી પરોવ્યું શી રીતે? કમાલની વાત એ છે કે આ બધી પ્રક્રિયા વખતે મોં પર સ્મિત કે ખડખડાટ હાસ્ય અટકતું નથી.
ઉદાહરણ તરીકે, વિખ્યાત કાર્ટૂનિસ્ટ અજિત નિનાને દોરેલું ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષાન વિશેનું કાર્ટૂન. બે દાયકા પહેલાંના આ કાર્ટૂનમાં શેષાને નિયમોનો કોરડો વીંઝીને ઉમેદવારો માટે ખર્ચમર્યાદા જાહેર કરી. (વિધાનસભા માટે રૂ.૫૦ હજાર અને લોકસભા માટે રૂ. દોઢ લાખ). શેષાનનું કેવળ ઠઠ્ઠાચિત્ર દોરીને તેની સાથે આ સમાચાર લખી દેવાયા હોત, તો એ ‘કેરિકેચર’ કહેવાત- કાર્ટૂન નહીં. પરંતુ આ સમાચાર, એ જાહેરાત કરનાર શેષાનનો મિજાજ, તેમની કડકાઇ અને એ નિયમથી થનારી અસરો- આ બધી બાબતોનું અતિશયોક્તિભર્યું રમુજી ચિત્રણ થયું હોવાથી, તે સંપૂર્ણ કાર્ટૂન બન્યું છે.
cartoonist: Ajit Ninan |
સુધીર દરનું કાર્ટૂન ‘સીટ શેરિંગ’ પણ રાજકીય કાર્ટૂનનો ઉત્તમ નમૂનો છે. વાત એટલી છે કે તત્કાલિન કોંગ્રેસી વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે જયલલિતા સાથે બેઠકો અંગે સમજૂતી કરી હતી. અંગ્રેજીમાં ‘સીટ શેરિંગ’ કહેવાતી આ ગોઠવણ ખરેખર કેવી હતી અને તેમાં નરસિંહરાવની દશા કેવી હતી-જયલલિતાની કેવી દાદાગીરી હતી, એ બઘું ચિત્રોની મદદથી દર્શાવાયું છે.
cartoonist : Sudhir Tailang |
નરસિંહરાવ વડાપ્રધાન બન્યા તે પહેલાં અને રાજીવ ગાંધીની હત્યા પછી ગાંધી પરિવાર પર આધારિત બની ગયેલી કોંગ્રેસ મુંઝાઇ. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીને રાજકારણમાં જોડાવા માટે આગ્રહ કરવા લાગ્યા. પરંતુ એ વખતે રાજકારણથી દૂર રહેવા માટે કૃતનિશ્ચયી સોનિયા રાજી ન હતાં. કોંગ્રેસમાં જોડાવાની ના તેમણે કેવી રીતે પાડી, એ રાજિન્દર પુરીએ તેમના કાર્ટૂનમાં કેવી ચોટદાર રીતે દર્શાવ્યું છે. તેમાં રાજકારણ અને કોંગ્રેસ પ્રત્યેનો સોનિયાનો તીવ્ર અભાવ ચોટદાર રીતે છતો થાય છે- જાણે કે કૂતરાને ‘હડે હડે’ કરી રહ્યા છે.
cartoonist : Rajinder Puri |
cartoonist : Surendra/ The Hindu |
ગાંધીજીની રમૂજવૃત્તિ ઉત્તમ કહી શકાય એવી હતી. ભારતના ટોચના કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમે ‘ધ પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ (૧૯૮૮)માં નોંઘ્યું છેે તેમ, સરોજિની નાયડુ અને સી.રાજગોપાલાચારી પણ પોતાની ખિલ્લી ઉડાવતાં કાર્ટૂન માણતાં હતાં. નેહરુ પોતાની જાતને હળવાશથી લઇ શકતા નહીં. છતાં તે પોતાનાં વિશેનાં કાર્ટૂન બરાબર માણી શકતા હતા. એટલું જ નહીં, તેમણે પોતાની રમૂજ કરતાં કેટલાંક કાર્ટૂન કાર્ટૂનિસ્ટો પાસેથી ચહીને મેળવ્યાં હતાં. તેમના સમયગાળામાં ભારતના વિખ્યાત રાજકીય કાર્ટૂનિસ્ટ શંકર (કે.શંકર પિલ્લઇ) લગભગ રાજકાર્ટૂનિસ્ટનો દરજ્જો પામ્યા હતા - નેહરુની પ્રશંસા કરતાં નહીં, પણ તેમની ખિલ્લી ઉડાડતાં કાર્ટૂન દોરીને. ‘શંકર્સ વિકલી’ના આરંભ વખતે મુખ્ય અતિથી નેહરુએ કહ્યું હતું, ‘ડોન્ટ સ્પેર મી, શંકર.’ (શંકર મને છોડીશ નહીં) અને શંકરે નેહરુની આ સૂચનાનું વફાદારીથી પાલન કર્યું હતું.
અંગ્રેજોના રાજમાં રાષ્ટ્રવાદી અખબારોનાં લખાણને ઘણી વાર સેન્સરશિપનો ભોગ બનવું પડતું હતું, પરંતુ કાર્ટૂનનો નંબર પ્રમાણમાં ઓછો લાગતો. (ઉત્કૃષ્ટ હાસ્યવૃત્તિ ધરાવતા ગાંધીજીનાં એકેય પ્રકાશનમાં કાર્ટૂન આવતાં ન હતાં, એ જરા નવાઇ ઉપજાવે એવું લાગે છે.) આઝાદી મળ્યા પછી પહેલી વાર ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી, ત્યારે સેન્સરશિપનું રાજ પાછું આવ્યું. (અલબત્ત, આઝાદી પછી તરતના અરસામાં સરદાર પટેલ સામે પણ જરૂર કરતાં વધારે કડકાઇનો આરોપ થયો હતો. પરંતુ એ સમયની સંવેદનશીલ સ્થિતિ જોતાં સરદાર પર એ આરોપ ઝાઝો ચોંટ્યો નહીં.)
ઇંદિરા ગાંધીની કટોકટી વખતે માહિતી પ્રસારણ મંત્રી વી.સી.શુક્લે ક્યારેક તો ચા કરતાં પણ વધારે ગરમ કીટલીની ભૂમિકા ભજવી. અખબારોમાં છપાતા સમાચારો ‘પ્રી-સેન્સરશીપ’ માટે સરકારી કચેરીમાં મોકલવા પડતા અને સરકાર માઇબાપ મંજૂરી આપે તો જ એ સમાચાર છપાતા. પરંતુ અબુ અબ્રાહમની નોંધ પ્રમાણે, ત્રણ જ મહિનામાં કાર્ટૂન પરની પ્રી-સેન્સરશિપ હટાવી લેવામાં આવી હતી. એટલે રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી અહમદ બાથટબમાં બેઠા બેઠા કટોકટીના વટહુકમ પર સહી કરી આપી રહ્યા છે, એવું ઐતિહાસિક કાર્ટૂન ૧૦ ડિસેમ્બર, ૧૯૭૫ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયું હતું. તેમાં રાષ્ટ્રપતિના મોઢે અબુએ મૂકેલો માર્મિક સંવાદ હતો, ‘એમને કહેજો કે હવે બીજા વટહુકમો પર સહી કરવાની હોય તો થોડી વાર રાહ જુએ.’
cartoonist : Abu Abraham |
નોંધ - મૂળ છપાયેલા લેખમાં સુધીર દરને બદલે સરતચૂકથી સુધીર તેલંગનું નામ લખાયું હતું. એ બદલ દિલગીરી.
Vaah ! Majja padi gai.
ReplyDeletemast article
ReplyDeletei have had many ocassions to meet shankar and also had some chances to participate in an international painting and drawing competitions with which his name has been associated . yr article is a wonderful piece of editing and research work . kudos !!
ReplyDelete