આસામના મુખ્ય મંત્રીએ તેમના રાજ્યની ઘડિયાળ ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં એક કલાક આગળ મૂકવાનો નિર્ણય લેતાં, જૂની ચર્ચા ફરી ઉપડી છે : ભારતમાં બે સ્ટાન્ડર્ડ ટાઇમ હોવા જોઇએ? કે સમગ્ર દેશની ઘડિયાળ ૩૦ મિનીટ આગળ કરવાથી ફાયદો થશે? કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું?
(courtesy : bloomberg) |
‘ચાયબાગાન ટાઇમ’- આ મિત્રમંડળીની કે વેપારધંધાની વાતચીતમાં વપરાતો શબ્દપ્રયોગ નથી. આ નામ છે આખેઆખા આસામ રાજ્યના ‘સ્ટાન્ડર્ડ ટાઇમ’નું. આસામના મુખ્ય મંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે, તેમનું રાજ્ય ‘બાગાન (કે ચાયબાગાન) ટાઇમ’નો અમલ કરવાનું છે.
ભારતનો સ્ટાન્ડર્ડ ટાઇમ વૈશ્વિક સ્ટાન્ડર્ડ સમય કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પરંતુ આસામના ચાના બગીચાનું સમયપત્રક એના કરતાં જુદી ઘડિયાળ પ્રમાણે ચાલે છે. સંખ્યાબંધ દેશોમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય અને વીજળીની બચત થાય, એ માટે સરકારી રાહે ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ/ Day Light Saving Time’નો અમલ થાય છે. એટલે કે વર્ષમાં સુર્ય વહેલો ઉગીને વહેલો આથમી જતો હોય, એવી ૠતુમાં ઘડિયાળના કાંટા આગળ ફેરવી દેવાનો રિવાજ છે. ઉત્તર ગોળાર્ધના દેશોમાં આ સમય માર્ચથી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીનો અને દક્ષિણ ગોળાર્ધના દેશોમાં એ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે.
કંઇક એવી જ રીતે, આસામના ચાના બગીચાના માલિક કે મેનેજર અંગ્રેજ સાહેબો ઘડિયાળ એક કલાક આગળ મૂકી દેતા હતા. સુરજ ચાર વાગ્યામાં ઉગી જતો હોય તો કામનું સમયપત્રક પણ વહેલું શા માટે શરૂ કરી ન દેવું? સવારે પાંચ વાગતાંમાં કામે જવાના ખ્યાલથી માણસોને તકલીફ પડતી હોય તો, તેમની માનસિકતા બદલવાને બદલે ઘડિયાળને એક કલાક આગળ મુકી દેવાનું વધારે સહેલું ન પડે?
‘બાગાન ટાઇમ’ અત્યાર લગી ફક્ત ચાના બગીચા કે અમુક ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પુરતો સીમિત હતો. એટલે, તેમાં સરકારી પરવાનગીની જરૂર નહીં ને સરકારી દખલઅંદાજીનો અવકાશ પણ નહીં. પરંતુ આખા આસામની ઘડિયાળ એક કલાક આગળ મૂકવાની થાય તો ટ્રેનો અને વિમાનોના સમયપત્રકથી માંડીને સરકારી કચેરીઓના સમયના પ્રશ્નો થઇ શકે.
પૂર્વોત્તર (ઇશાન) ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યો આમ પણ ભારત પ્રત્યે પોતીકાપણું અનુભવતાં નથી. આસામ આવું પગલું ભરે ને ઇશાન ભારતનાં બાકીનાં રાજ્યો, કંઇ નહીં તો ભારત પ્રત્યેનો વાંધો વ્યક્ત કરવા, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં અલગ સમય અપનાવે તો?
બીજી શક્યતા : એક જ ટ્રેન બે ટાઇમઝોનમાં સફર કરતી હોય ત્યારે તેના સમયપત્રકના ફેરફારોથી માંડીને રેલવે સિગ્નલ જેવી ઓટોમેટિક મશીનરીમાં પણ ગોટાળા થઇ શકે અને અકસ્માતોની સંભાવના ઊભી થાય. પશ્ચિમી દેશોમાં ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ’નો અમલ વર્ષોથી થતો હોવા છતાં, એ સમયે અકસ્માતોની શક્યતા સામાન્ય સંજોગો કરતાં વઘુ હોવાનું નોંધાયું છે.
આમ, ભારતમાં બે ટાઇમઝોનના વિરોધ અને એક જ સ્ટાન્ડર્ડ સમય રાખવા પાછળ વહીવટી સરળતા જેવા દેખીતા પરિબળથી માંડીને રાષ્ટ્રિય એકતા જેવી અમૂર્ત લાગણી કારણભૂત હોઇ શકે છે. પરંતુ આખા દેશની ઘડિયાળને જ અડધો કલાક આગળ મૂકી દેવામાં આવે તો? સુર્યપ્રકાશનો વધારે ઉપયોગ અને વીજળીની બચત થઇ શકે?
તેનો જવાબ મેળવતાં પહેલાં ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમ વિશે અછડતી જાણકારી મેળવી લઇએ. બીજી ઘણી બાબતોની જેમ ભારતનો સ્ટાન્ડર્ડ સમય બસો વર્ષ પહેલાં અંગ્રેજી રાજના મદ્રાસમાં નક્કી થયો હતો. ત્યાં ભારતની પહેલી વેધશાળા સ્થપાઇ અને ઇ.સ.૧૮૦૨માં જોન ગોલ્ડિંગહેમે મદ્રાસના રેખાંશ ગણી કાઢ્યા. ત્યારથી ભારતમાં ‘સ્ટાન્ડર્ડ ટાઇમ’નો ખ્યાલ ઊભો થયો. પરંતુ મોટાં શહેરોમાં પોતપોતાના ટાઇમ હતા. જેમ કે, મુંબઇ ટાઇમ (ગ્રેનિચ મીન ટાઇમ- વૈશ્વિક સ્ટાન્ડર્ડ સમય-કરતાં ૪ કલાક ૫૧ મિનીટ આગળ), કલકત્તા ટાઇમ (જીએમટી કરતાં ૫ કલાક ૩૦ મિનીટ ૨૧ સેકન્ડ આગળ), મદ્રાસ ટાઇમ (જીએમટી કરતાં ૪ કલાક ૫૭ મિનીટ ૩૨ સેકન્ડ આગળ).
ઓગણીસમી સદીના અંત સુધીમાં રેલવેનું તંત્ર ‘મદ્રાસ ટાઇમ’ પ્રમાણે ચાલવા લાગ્યું. વીસમી સદીના આરંભે, ૧૯૦૫માં અલાહાબાદ નજીકથી પસાર થતી ૮૨.૫ અંશ રેખાંશની કાલ્પનિક રેખાને ભારતના સ્ટાન્ડર્ડ સમય માટે આધારરૂપ ગણવામાં આવી અને જાન્યુઆરી ૧, ૧૯૦૬ના રોજ ભારતનો સ્ટાન્ડર્ડ ટાઇમ ગ્રેનિચ મીન ટાઇમ/ Greenwich Mean Timeથી સાડા પાંચ કલાક આગળ નક્કી કરવામાં આવ્યો. (‘ગ્રેનિચ’નો સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર ‘ગ્રિનવિચ’ વંચાય છે.) એ સમય ભારત ઉપરાંત અંગ્રેજોના તાબામાં રહેલા શ્રીલંકાને પણ લાગુ પડતો હતો. અલબત્ત, અંગ્રેજી રાજની જૂની રાજધાની જેવા કલકત્તાનો અલગ ટાઇમ છેક ૧૯૪૮ સુધી ચલણમાં રહ્યો. આઝાદી પછીનાં ત્રણ વર્ષ સુધી ભારત અને પાકિસ્તાનના સ્ટાન્ડર્ડ સમય સરખા હતા. (૧૯૫૧માં પાકિસ્તાને ગ્રેનિચ મીન ટાઇમ કરતાં પાંચ કલાક આગળનો સમય અપનાવ્યો.) ૧૯૭૨માં ‘ગ્રેનિચ મીન ટાઇમ’નું સ્થાન ‘કો-ઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ’ (યુટીસી)એ લીઘું અને તે વૈજ્ઞાનિક માન્યતા ધરાવતો વૈશ્વિક સમય બન્યો.
આમ, ભારત જેવા વિશાળ, પૂર્વથી પશ્ચિમ વચ્ચે ૨,૯૦૦ કિલોમીટરનું અંતર ધરાવતા દેશમાં એકથી વઘુ ટાઇમઝોન હોઇ શકે, એ વાત નવી નથી. સાથોસાથ, એ પણ યાદ રાખવું જોઇએ કે દેશમાં એકથી વઘુ ટાઇમઝોન રાખવા કે નહીં તેનો આધાર દેશોની મુન્સફી પર હોય છે. અમેરિકા-રશિયા જેવા દેશોમાં એકથી વધારે ટાઇમઝોન છે, છતાં અંધાઘૂંધી વિના તંત્ર ચાલે છે. બીજી તરફ, પૂર્વ-પશ્ચિમ છેડા વચ્ચે આશરે ૫,૨૦૦ કિલોમીટરનું અંતર ધરાવતા ચીનમાં ૧૯૪૯થી ફક્ત એક જ સ્ટાન્ડર્ડ ટાઇમ ચાલે છે. છતાં અવ્યવસ્થા સર્જાતી નથી.
તો પછી ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફાર કે બે ટાઇમ ઝોનનાં ઉંબાડિયાં કરવાની શી જરૂર? તેનો જવાબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એડવાન્સ સ્ટડીઝ’ના બે સંશોધકોના અભ્યાસલેખમાંથી મળે છે. ‘બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી’ માટે તેમણે કરેલા વિગતવાર અભ્યાસમાં સંશોધકો ડી.પી.સેનગુપ્તા અને દિલીપ આહુજાએ જણાવ્યું છે કે વિશ્વભરના ૯૭ ટકા દેશો વૈશ્વિક સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં કલાકના હિસાબે આગળ કે પાછળ છે. ભારત જેવા માંડ ત્રણ ટકા દેશો જ અડધા કલાકના માપમાં પડ્યા છે. એટલે ભારત સાડા પાંચને બદલે છ કલાક આગળ થઇ જાય તો કશી હરકત નથી. આ નિર્ણયની ઉપયોગીતા સાબીત કરવા માટે તેમણે ઉર્જાબચતનો મુદ્દો આગળ કર્યો છે.
તેમની દલીલ પ્રમાણે, સવારે સાત વાગ્યે ઉઠનારો માણસ, ઘડિયાળ અડધો કલાક આગળ કરી દીધા પછી સાત વાગ્યે ઉઠે ત્યારે ખરેખર સાડા છ વાગ્યા હોય, પણ સૂર્યપ્રકાશ શરૂ થઇ ગયો હોય. એટલે એ પ્રકાશનો ઉપયોગ થઇ શકે. એવી રીતે રાત્રે દસ વાગ્યે સુનારો માણસ ઘડિયાળના કાંટા આગળ કર્યા પછી દસ વાગ્યે સુએ ત્યારે ખરેખર સાડા નવ વાગ્યા હોય. એટલે તેના વીજવપરાશમાં અડધા કલાકની બચત થઇ શકે.
સંશોધકોએ ગણતરી માંડીને કહ્યું કે વીજળીમાં રોજ અડધા કલાકની બચત થાય તો દેશભરમાંથી ૨.૩ અબજ યુનિટ વીજળી બચે. તેમણે રાજ્યોમાં થનારી અંદાજિત રોજિંદી બચતના આંકડા પણ આપ્યા હતા. જેમ કે, ઘડિયાળ અડધો કલાક આગળ હોય તો ગુજરાતમાં રોજની ૩.૩ લાખ યુનિટ વીજળી બચે. આંધ્ર, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં રોચની પાંચથી સાડા પાંચ લાખ યુનિટ વીજળીની બચત થાય. તેના લીધે વીજળીમાં અછતની સ્થિતિ, કોઇ મોટા મૂડીરોકાણ વિના, થોડી હળવી બને. ‘ધ એનર્જી એન્ડ રીસોર્સ ઇન્સ્ટિટ્યુટ’ના અહેવાલમાં જોકે એવું સૂચવાયું છે કે સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફાર કરવાથી ઝાઝો ફરક પડી જવાનો નથી.
છેલ્લા એકાદ દાયકાથી સરકાર સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફારની સંભાવના અને તેના ફાયદા-નુકસાન વિશે અભ્યાસ કરાવી રહી છે. પરંતુ મુખ્યત્વે વહીવટી અડચણો અને ખાતરીદાયક પરિણામોનો અભાવ આગળ ધરીને સરકાર સ્ટાન્ડર્ડ ટાઇમમાં છેડછાડ કરતાં ખચકાય છે. આસામે આ દિશામાં પહેલ કર્યા પછી કેન્દ્ર સરકાર તેનો વિરોધ કરે છે કે પછી મન કઠણ કરીને આખા દેશને ‘ચાયબાગાન ટાઇમ’ના કાંટે દોરી જાય છે, એ જોવાનું રહે છે.
No comments:
Post a Comment