તખ્તો શેરીયુદ્ધ કરતાં ખાસ જુદો નથી.
અમેરિકી પક્ષ જાણે કહી રહ્યો છે : ‘સંબંધ ને દોસ્તી ને બઘું ઠીક છે, પણ અમારી શેરીમાં અમારો કાયદો ચાલશે. હજુ સમજણ ન પડી હોય તો સમજી લેજો. પછી કહેતા નહીં કે કહ્યું ન હતું.’
ભારતીય પક્ષ જાણે કહી રહ્યો છે : ‘આજે તો એને બતાવી દેવું છે. રોજેરોજની શી માથાકુટ? એ સમજે છે શું એના મનમાં? ક્યારના બોલતા નથી એટલે?’
- અને આશ્ચર્યની વાત એ છે કે ઠાવકાશ અને સલુકાઇના પર્યાય જેવા ડિપ્લોમેટિક-રાજદ્વારી સંબંધોના ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે આવી સ્થિતિ સર્જાઇ છે. દેખાતું છે કે કોઇ એક પક્ષ તેના માટે સંપૂર્ણ જવાબદાર ન હોઇ શકે.
મૂળ વાત આટલી હતી : ઇન્ડિયન ફોરન સર્વિસનાં દેવયાની ખોબ્રાગડે અમેરિકામાં આવેલા ભારતીય દૂતાવાસમાં કામ કરતાં હતાં. ભારતીય પરંપરા પ્રમાણે તેમણે ઘરકામમાં મદદ માટે ભારતથી કામવાળાં બહેનને બોલાવ્યાં. ડિપ્લોમેટ-રાજદ્વારી તરીકે તે આ સુવિધા મેળવી શકે અને તેમના વિઝાની વ્યવસ્થા કરાવી શકે.
આ રીતે આવેલાં કામવાળાં બહેનને પગાર અમેરિકાના ધોરણ પ્રમાણે ચૂકવવાનો થાય. દેવયાની ખોબ્રાગડેએ અમેરિકાની સરકારમાં ત્યાંના કાયદા પ્રમાણેનો કરાર રજૂ કર્યો. તેમાં બીજી બાબતો ઉપરાંત અઠવાડિયે ૪૦ કલાક કામની અને ન્યૂ યોર્કના લધુતમ વેતન મુજબ કલાકના સવા સાત ડોલરનું મહેનતાણું ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી. એ પ્રમાણે કામવાળાં બહેનને અઠવાડિયે (૪૦ કલાકના હિસાબે) ૨૯૦ ડોલર અને મહિને અંદાજે ૧,૨૭૬ ડોલર ચૂકવવાના થાય. (ભારતીય ચલણમાં અંદાજે સિત્તેરેક હજાર રૂપિયા). પરંતુ દેવયાનીએ કામવાળાં બહેન સાથે બીજો કરાર કર્યો હતો. તેમાં કામવાળાં બહેનને ભારતીય ચલણના ફક્ત રૂ.ત્રીસ હજાર ચૂકવવાની વાત હતી.
બે જુદા કરાર બનાવીને અમેરિકન સરકાર સમક્ષ ખોટો કરાર રજૂ કરવામાં કાયદાનો ભંગ થતો હતો. ઉપરાંત, ખોટાં કાગળીયાં કરીને માણસને અમેરિકા બોલાવવા બદલ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો પણ ખરો. આ બન્ને ગુનાનો આરોપી સામાન્ય અમેરિકન નાગરિક હોય તો તેને ભારે પડી જાય. પરંતુ રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની વર્તણૂંક પરસ્પર નભાવી લેવાની વૃત્તિ ઘણી વાર જોવા મળે છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રિય કરારો પ્રમાણે, રાજદ્વારી અફસરોને કેટલીક વિશેષ છૂટછાટો- ડિપ્લોમેટિક ઇમ્યુનિટી- મળે છે. ગંભીર ગુનામાં ન સંડોવાયેલા હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાતી નથી. અલબત્ત, કયો ગુનો ગંભીર ગણવો તેનો આધાર સામાન્ય રીતે બન્ને દેશો વચ્ચેના સંબંધ પર હોય છે.
અમેરિકામાં તહેનાત ભારતીય રાજદ્વારી અફસરો ઘરકામ કરનારા ‘માણસો’ના મુદ્દે (યોગ્ય રીતે) ઠીક ઠીક બદનામ થયેલા છે. અમેરિકાના ધોરણ પ્રમાણેનો પગાર ન ચૂકવવો, વધારે કલાક કામ કરાવવું- આ બધી ભારતીય રાજદ્વારીઓની જાણીતી અને ઘણી હદે નભાવી લેવાતી ગરબડો છે. વાત એનાથી વધે- એટલે કે જાતીય શોષણનો આરોપ આવે અથવા કામ કરનાર પોતે કામના અઢળક કલાક-ઓછા વળતરથી ત્રાસીને ઉહાપોહ કરે ત્યારે મુશ્કેલી થાય.
દેવયાની ખોબ્રાગડેના કિસ્સામાં, કામવાળાં બહેનને ઓછો પગાર ચૂકવાતો હતોં અને દેવયાનીએ અમેરિકાને ખોટો કરાર આપ્યો હતો, એ હકીકતનો ઇન્કાર ભારતીય પક્ષ કરતો નથી. એ કરી શકે એમ પણ નથી. પરંતુ તેની સામે અમેરિકાએ લીધેલાં પગલાં અને તેની રીત અપ્રમાણસરનાં આકરાં હતાં, એ મુખ્ય મુદ્દો બન્યો છે.
જેમ કે, ખોટા દસ્તાવેજ અને હ્યુમન ટ્રાફિકિંગના આરોપ બદલ દેવયાનીને જાતે અદાલતમાં હાજર થવાનું કહી શકાયું હોત. એને બદલે, દીકરીઓ સ્કૂલે મૂકવા ગયાં હતાં ત્યારે તેમની ધરપકડ થઇ, તેમની ‘સ્ટ્રીપસર્ચ’ (નિર્વસ્ત્ર તપાસ) થઇ, જે અમેરિકા માટે સામાન્ય પણ બીજા લોકોને આકરો લાગી શકે એવો રિવાજ છે. અદાલતમાં રજૂ કરતાં પહેલાં ચાર કલાક માટે તેમને સામાન્ય ગુનેગારો સાથે રાખવામાં આવ્યાં, હાથકડી પહેરાવવામાં આવી અને અદાલતમાં તેમણે પોતાની પરના આરોપ કબૂલ ન કરતાં, તેમને અઢી લાખ ડોલરના જામીન પર છોડી મૂકવામાં આવ્યાં. ‘નોટ ગિલ્ટી’ કહેવાથી તત્કાળ જામીન પર છોડી શકાય એવો ગુનો, એક રાજદ્વારીની ધરપકડ કરવી પડે એ કક્ષાનો ‘ગંભીર’ કહેવાય કે કેમ, એ એક સવાલ છે.
આ ઘટનાક્રમમાં ‘કેવિટી સર્ચ’ જેવા મુદ્દા લીધા નથી. ફક્ત એટલું જ નોંઘ્યું છે, જેનો અમેરિકાએ પણ સ્વીકાર કર્યો હોય. ભારતે જવાબી પગલા તરીકે અને અમેરિકાને બતાવી દેવા માટે, દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કર્મચારીઓના કેટલાક વિશેષાધિકારો અને કેટલીક સુવિધાઓમાં કાપ મૂકી દીધો. દૂતાવાસમાં કામવાળાને કેટલો પગાર ચૂકવાય છે તેની વિગતો માગવામાં આવી. એટલું જ નહીં, સલામતીના હેતુ માટે દૂતાવાસની બહાર ગોઠવાયેલી આડશો (બેરિકેડ્સ) ખસેડી લેવાઇ. (અલબત્ત, પછીથી એવો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો હતો કે આડશો ખસેડવાને આ કિસ્સા સાથે લેવાદેવા નથી. ઘણા વખતથી એ વિશે માથાકૂટ ચાલતી હતી.) રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની પ્રતિક્રિયા, ખાસ કરીને મૈત્રીપૂર્ણ સંબંધ હોય એવા દેશો સામે, ભાગ્યે જ અપાતી હોય છે.
ભારતની તીવ્ર પ્રતિક્રિયાથી અમેરિકા જાગ્યું અને ભડક્યું. અહીં ‘અમેરિકા’ એટલે કોણ, એ ચોખવટ પણ કરી લેવા જેવી છે. પહેલી વાત તો એ કે દેવયાની સામેનો કેસ ખુદ અમેરિકાની સરકારે- એટલે કે તેના ગૃહવિભાગે- કર્યો હતો. એ કરતાં પહેલાં ભારતના વિદેશી બાબતોના વિભાગને જાણ કરવામાં આવી હતી કે નહીં? ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ના અહેવાલ પ્રમાણે, સપ્ટેમ્બર, ૨૦૧૩માં ભારત સરકારને દેવયાની સામેની સંભવિત કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી. પરંતુ ભારતે તેમને પાછાં બોલાવી લીધાં નહીં. આવું કેમ કર્યું. એના જવાબમાં વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું, ‘આવું થશે એવી અપેક્ષા રાખી ન હતી.’ (ડિસેમ્બર ૧૯,૨૦૧૩)
ભારતની તીવ્ર પ્રતિક્રિયા પછી અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ્સ (ગૃહમંત્રી) જોન કેરીએ દિલગીરી વ્યક્ત કરતો ફોન કર્યો, જે વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે ધરાર ન લીધો. એટલે તેમણે ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર સાથે વાત કરી અને ‘દેવયાની જેવડી બે છોકરીઓના પિતા’ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી. પરંતુ એના થોડા સમય પછી ચિત્રમાં આવ્યા સધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યુયોર્કના સરકારી વકીલ (એટર્ની) પ્રીતિન્દરસિંઘ ‘પ્રીત’ ભરારા.
વૉલસ્ટ્રીટમાં આર્થિક ગોટાળા કરનારા સહિત અનેક મોટાં માથાંની પાછળ પડી જનારા પ્રીત ભરારા કાયદાપાલનમાં કડક-પ્રામાણિક-ઉત્સાહી તરીકે જાણીતા છે. તે અમેરિકાના ગૃહખાતાના નહીં, પણ ન્યાયખાતાના અધિકારી ગણાય. તેમણે દેવયાની ખોબ્રાગડેના કેસમાં ભારે કડકાઇ તો દાખવી, પણ જોન કેરીની દિલગીરીના થોડા સમય પછી, ન્યાયતંત્ર તરફથી કડક અને આક્રમક બચાવ રજૂ કર્યો. સામાન્ય આરોપીઓની સરખામણીમાં દેવયાની ખોબ્રાગડે સાથે કેવો ઉદાર વ્યવહાર કરવામાં આવ્યો હતો-પોલીસે કોફી પીવડાવી, ફોન રાખવા અને કરવા દીધા, સ્કૂલની બહાર હાથકડી ન પહેરાવી - તેની વિગતો આપવાની સાથે ભરારાએ કામવાળાં બહેનના શોષણનો મુદ્દો ઉભો કર્યો અને ‘એ વિક્ટિમની અને તેમનાં કુુટુંબીજનોની ખરાબ દશા વિશે કેમ કશો ઉહાપોહ નથી થતો’ એવો ટોણો માર્યો. તેમના નિવેદનનો સાર હતો કે દેવયાની ખોબ્રાગડે કાયદાનો ભંગ કરે તો અમારે શું આંખ આડા કાન કરવાના? કાયદાના અમલની બાબતમાં અમે કોઇની સાડા બારી રાખતા નથી.
પ્રીત ભરારાનો કાયદાપાલનનો જોસ્સો આવકાર્ય છે, પણ તેમના પત્રમાં રહેલો મૂળભૂત વિરોધાભાસ એ ચૂકી ગયા. એક તરફ તેમણે દેવયાની રાજદ્વારી અફસર છે અને એ રૂએ તે કેટલીક વિશેષ છૂટછાટો મેળવવાના હકદાર છે, એનો ઉલ્લેખ ન કર્યો. સામાન્ય આરોપી તરીકે જ તેમનું વર્ણન કર્યું. પરંતુ બીજી તરફ તેમણે દેવયાની સાથે બીજા આરોપીની સરખામણીમાં કેવું (એમના મત પ્રમાણેનું) ‘કૂણું’ વલણ દાખવ્યું એની વિગતો પણ આપી. સવાલ એ થાય કે ભરારા દેવયાની ખોબ્રાગડેને રાજદ્વારી ગણતા હોય તો તેમણે કેમ ફક્ત નાની બાબતોમાં કેમ છૂટછાટો આપી અને મોટાં અપમાન થવાં દીધાં? (દેવયાની પર ખૂન કે દાણચોરી પ્રકારનો આરોપ તો હતો નહીં.) અને જો એ દેવયાનીને સામાન્ય નાગરિક ગણતા હોય, તો પછી એક સામાન્ય અમેરિકનને આરોપીને ન મળે એવી છૂટછાટો, ભરારા જેવા ચુસ્ત કાયદાપાલકે દેવયાનીને શા માટે આપી?
પ્રીત ભરારા ઉત્સાહમાં વઘુ પડતા તણાયા છે, એવું માનતી વખતે એ યાદ રાખવું પડે કે ગૃહવિભાગની સંમતિ વિના તેમનું આ વલણ સંભવે નહીં. ગૃહવિભાગે ભરારાના નિવેદનમાં ટાપસી પુરી નથી કે તેનો વિરોધ પણ કર્યો નથી. પરંતુ ભારતની માગણી મુજબ માફી માગવાનો અને દેવયાની સામેના કેસ પાછા ખેંચવાનો સાફ ઇન્કાર કર્યો છે. આ જાતના કેસમાં બંધબારણે સમજૂતી થઇ શકે, પણ ઉઘાડેછોગ તે પાછા ખેંચી શકાય કે કેમ, એ પણ સવાલ છે.
છેલ્લે, બીજા બે અગત્યના મુદ્દા ટૂંકમાં : ઘરકામ કરનારા પ્રત્યે સરેરાશ ભારતીયોનું વર્તન માણસ જેવું નથી હોતું. તેમનું મહત્તમ શોષણ કરી લેવાની શરમજનક ભાવના જાણે ભારતીયતાનો પર્યાય હોય એવી બની ગઇ છે. એવી જ રીતે, આઇ.એ.એસ.પિતાનાં પુત્રી અને અઢળક સંપત્તિ ધરાવતાં દેવયાની જન્મે દલિત છે, એટલા માત્રથી તેમના દલિતપણાને ઉછાળવાનું બિલકુલ યોગ્ય નથી. એમ કરવાથી, દલિતો સાથે થતા વાસ્તવિક ભેદભાવનો ઇન્કાર કરનારા, ‘દલિતો ખોટી બૂમાબૂમ કરે છે’ એવું કહેનારા દલિતદ્વેષીઓને મોકળું મેદાન મળે છે.

No comments:
Post a Comment