Dr. Ram Manohar Lohiya/ રામમનોહર લોહિયા (courtesy : http://omaurkamala.blogspot.in/) |
લોહિયાનો આશય પણ ઇતિહાસના નામે ફેલાવાતાં જૂઠાણાં સામે સચ્ચાઇ રજૂ કરવાનો હતો. ગાંધીજીના જાણીતા સાથીદારોમાંના એક મૌલાના આઝાદની આત્મકથા ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’(૧૯૫૭)માં અનેક ગરબડો હતી. તેના પ્રતિભાવમાં લોહિયા કંઇક લખવા પ્રેરાયા. એ ‘કંઇક’ એટલે ડિસેમ્બર, ૧૯૬૦માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ગિલ્ટી મેન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’. તેમાં લોહિયાએ નોંઘ્યું કે ‘મૌલાના આઝાદના પુસ્તકમાં પાને પાને કમ સે કમ એક જૂઠાણું છે અને ઐતિહાસિક અર્થઘટનની બાબતમાં પણ તે સદંતર બિનભરોસાપાત્ર છે.’
ગાંધીયુગમાં ચઢતું લોહી ધરાવતા નેતાઓમાં રામમનોહર લોહિયાનું નામ જયપ્રકાશ નારાયણની સાથે પહેલી હરોળમાં લેવાય છે. આઝાદી પછીના સમયમાં લોહિયા નેહરુના આકરા ટીકાકાર તરીકે જાણીતા થયા, તો જયપ્રકાશ નારાયણને ઇન્દિરા ગાંધી સામે મોરચો માંડવાનો આવ્યો. એ હિસાબે વર્તમાન કોંગ્રેસને આ બન્ને નેતાઓનો ખપ ન હોય તે સમજી શકાય.
સાચકલા સમાજવાદી નેતા તરીકે જાણીતા લોહિયાએ જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન ભારતના મીઠાવેરા પર થીસીસ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. અંગ્રેજોની જેલમાં તેમને મોટા કોંગ્રેસી નેતાઓ જેવાં આદરમાન નહીં, પણ થર્ડ ડિગ્રીના અત્યાચારો સહન કરવા પડ્યા. આઝાદી પછી કોંગ્રેસી નેતાઓ સત્તાની પળોજણમાં પડ્યા ત્યારે લોહિયા તેમાં સામેલ ન હતા. તે સત્તાલક્ષીને બદલે લોકલક્ષી રાજકારણનું મૂર્તિમંત પ્રતીક હતા. તેમના પ્રજા સમાજવાદી પક્ષની સરકારના રાજમાં સામાન્ય નાગરિકો પર ગોળીબાર થયો, ત્યારે ‘મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઇએ’ એવું વલણ લોહિયાએ લીઘું અને તેના બદલામાં મળેલો પક્ષવટો રાજીખુશીથી સ્વીકારી લીધો હતો.
આઝાદી પછીની સરકારો-નેતાગીરીના લોહિયા અડીખમ આલોચક રહ્યા. આક્રમકતા તેમનો સ્થાયી ભાવ હોવા છતાં તેમનું વિશ્લેષણ આવેશમય ન હતું. ‘ગિલ્ટી મેન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’માં તેમણે પોતાના સહિત એ સમયના ઘણા નેતાઓની યાદ કરવી ન ગમે, છતાં જાણવી જોઇએ એવી અનેક વાતો જાહેરમાં મૂકી.
‘ગિલ્ટી મેન...’ની વાત કરતાં પહેલાં બે સ્પષ્ટતા : મૌલાના કે નેહરુ તો ઠીક, ગાંધીજી વિશે પણ બિનધાસ્ત કડક ટીપ્પણી કરનાર લોહિયા ભાષાનું ઔચિત્ય ચૂક્યા ન હતા. બીજો, વઘુ અગત્યનો મુદ્દો એ કે આ લખાણ પાછળ લોહિયાનો હેતુ પોતાની લીટી લાંબી કરવાનો નહીં, પણ નાગરિકોને નવેસરથી વિચારતા કરવાનો હતો. તેમનાં લખાણમાંથી અનુકૂળ ભાગ ઉપાડીને તેને ચમકાવવાને બદલે, તેમના વિશ્લેષણમાંથી નીપજતો ઇતિહાસબોધ વધારે અગત્યનો છે. કેમ કે બધા ‘ગિલ્ટી મેન’ હવે સીધાવી ચૂક્યા છે. (હા, બધા ‘મેન’ જ છે - કોઇ સ્ત્રી ‘ગિલ્ટી’ની યાદીમાં નથી)
લોહિયાનાં તમામ વિધાન કે નિદાન સાથે પૂરેપૂરા સંમત થવું જરૂરી નથી. પરંતુ અસંમતિ માટે મજબૂત, તાર્કિક આધાર હોવો જરૂરી છે. રાજકીય પક્ષોની અને જૂના-નવા નેતાઓની દૃશ્ય-અદૃશ્ય કંઠી ધરાવતા લોકોને લોહિયાનું આકરાપણું ખટકી શકે, પણ વિભાજનના છ દાયકા પછી અને લેખક સહિતનાં બધાં પાત્રોની બિનહયાતીમાં નવેસરથી વિચારપ્રક્રિયા શરૂ કરવા માટે ‘ગિલ્ટી મેન...’ ઘણું ઉપયોગી બને એમ છે.
પ્રચલિત વિગતોનું ધારદાર વિશ્લેષણ
સૌથી પહેલાં વાત લોહિયાએ વિભાજન માટે જવાબદાર ગણાવેલાં આઠ પરિબળોની. પુસ્તકના આરંભે, બલ્કે પહેલા ફકરામાં જ તેમણે આપેલી યાદી આ પ્રમાણે છે : ૧. અંગ્રેજોના કાવાદાવા ૨.કોંગ્રેસી નેતાગીરીની ઉતરતી કળા ૩. હિંદુ-મુસ્લિમ હુલ્લડબાજીની વાસ્તવિક સ્થિતિ ૪.લોકોમાં દૃઢતા અને જોમનો અભાવ ૫.ગાંધીજીની અહિંસા ૬.મુસ્લિમ લીગનો અલગતાવાદ ૭. આવેલી તકો ન ઝડપી શકવાની નબળાઇ ૮.હિંદુ અહંકાર.
પરિબળોનો ક્રમ મહત્ત્વ પ્રમાણે અપાયો છે કે કેમ, એ વિશે લોહિયાએ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેમનું વિશ્લેષણ વાંચતાં ક્રમનો મુદ્દો ગૌણ લાગે છે. પુસ્તકના આરંભે લોહિયાએ સ્પષ્ટતા કરી છે કે ‘ઇરાદાને બદલે પરિણામ ઘ્યાન પર લેવામાં આવે તો, સૌથી બુલંદ અવાજે અખંડ ભારતની વાતો કરનારા વર્તમાન જનસંઘ અને તેમના... પૂર્વસૂરિઓએ ભાગલા પાડવામાં બ્રિટન તથા મુસ્લિમ લીગને મદદ કરી છે.’ જનસંઘના પૂર્વસૂરિઓના હિંદુત્વના ખ્યાલ વિશે લોહિયાએ વાપરેલા મૂળ શબ્દો છે : ‘ક્યુરિઅસલી અન-હિંદુ સ્પિરિટ ઑફ હિંદુઇઝમ’ (હિંદુ ધર્મ અંગેનો વિચિત્ર એવો બિનહિંદુ મિજાજ)
લોહિયાની દલીલ છે કે તેમણે (જનસંઘના - અને વર્તમાન ભાજપના- પૂર્વસૂરિઓએ) મુસ્લિમો-હિંદુઓ વચ્ચેનું અંતર ઘટાડીને એક દેશની લાગણી પેદા કરવાનો કશો પ્રયાસ ન કર્યો અને તેમને એકબીજાથી દૂર લઇ જવા માટે લગભગ બઘું જ કરી છૂટ્યા. આ પ્રકારની વિમુખતા ભાગલાના મૂળમાં રહેલું અસલી કારણ હોવાનું લોહિયાએ જણાવ્યું. ચોટદાર અભિવ્યક્તિ ધરાવતા લોહિયાએ નોંઘ્યું કે ‘જો આ લોકો (જનસંઘ-ભાજપના પૂર્વસૂરિઓ) પ્રામાણિક હતા એવું માની લઇએ તો, એક બાજુ હિંદુ-મુસ્લિમ વચ્ચે અંતર પેદા કરવાની ફિલસૂફી ધરાવવી અને બીજી તરફ અખંડ ભારતની વાત કરવી, એ ભયંકર આત્મવંચના- જાતની છેતરપીંડી- કહેવાય.’ (અને જો એ ‘હિંદુ’ નેતાગીરી પ્રામાણિક ન હોય તો એને શું કહેવાય, એ નક્કી કરવાનું લોહિયાએ વાચકો પર છોડ્યું હતું.) સૂત્રાત્મક શૈલીમાં લોહિયાએ લખ્યું હતું, ‘ભારતમાં મુસ્લિમોનો વિરોધી એ (હકીકતમાં) પાકિસ્તાનનો મિત્ર છે. (એ દૃષ્ટિએ) બધા જનસંઘીઓ અને હિંદુત્વની ભાત ધરાવતા બધા અખંડ ભારતવાળા પાકિસ્તાનના મિત્ર છે.’
લોર્ડ માઉન્ટબેટને તેમનાં પત્નીના કામણનો ઉપયોગ કરીને નેહરુને જીતી લીધા-ભાગલા માટે મનાવી લીધા, એવી જૂના વખતથી ચાલી આવતી દંતકથાનું લોહિયાએ સ્પષ્ટ શબ્દોમાં અને વિગતે ખંડન કર્યું. અલબત્ત, એ ખંડન વર્તમાન કોંગ્રેસી નેતાઓ કે પરિવારવફાદારોને માફક આવે એવું નથી. લોહિયાની ટીપ્પણી એવી છે કે નેહરુના સ્ત્રીઓ સાથેના સંબંધો ફક્ત રાજકાજના ઉપયોગ પૂરતા જ મર્યાદિત હતા અને એ ઉપયોગ પૂરો થઇ ગયા પછી નેહરુ પથ્થરદિલ બની જતા હતા. આ દલીલના ટેકામાં તેમણે નેહરુનાં એક સમયનાં મિત્ર અને ચીની પ્રમુખ ચ્યાંગ કાઇ શેકનાં પત્નીનો દાખલો ટાંક્યો છે.
લોહિયાને એક મોટો ધોખો એ સમયની કોંગ્રેસના નેતાઓએ જે રીતે ભાગલાની દરખાસ્ત સ્વીકારી લીધી અને તેનો જોશભેર-અસરકારક વિરોધ ન કર્યો, તેની સામે હતો. વર્તમાન સંદર્ભે એક સ્પષ્ટતા : વિભાજન માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવનાર ગુજરાતના મુખ્ય મંત્રી એવું માનતા હોય કે આઝાદી વખતની કોંગ્રેસ અને વર્તમાન કોંગ્રેસ એક છે, તો તેમણે એટલી જ બુલંદીથી કહેવું જોઇએ કે દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. બીજી સ્પષ્ટતા : વિભાજન માટે જવાબદાર કોંગ્રેસમાં નેહરુ અને સરદાર પટેલ સરખા કદના અને સરખી જવાબદારી ધરાવતા નેતાઓ હતા.
જે બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી, તેનું લોહિયાએ કરેલું વર્ણન સચોટ અને ધારદાર હતું. તેમણે લખ્યું હતું કે બે દિવસની આ બેઠકમાં મૌલાના આઝાદ નાનકડા રૂમના ખૂણામાં એક ખુરશી પર બેસીને સતત સિગરેટ ફૂંકતા રહ્યા અને વિભાજનની દરખાસ્તની વિરુદ્ધમાં એક અક્ષર પણ બોલ્યા નહીં.‘તેમને બહુ દુઃખ થયું હશે, પણ વિભાજનનો વિરોધ કરનારા તે એકલા જ હતા એવું દેખાડવાનો તેમનો પ્રયાસ નાદાનીભર્યો હતો. આ બેઠકમાં એ કંઇ બોલ્યા નહીં એ તો ઠીક. ત્યાર પછી વિભાજિત ભારતમાં એક દાયકાથી વઘુ સમય સુધી તે મંત્રી પણ રહ્યા.’
કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપાલાણી એ મિટિંગમાં સુસ્ત અવસ્થામાં બેઠા હતા. તેના કારણમાં એમણે જણાવ્યું હતું કે તેમને માથાનો સખત દુઃખાવો હતો. સિંધ પ્રાંતના આચાર્ય કૃપાલાણી માટે ભાગલાનો ઘા અંગત પણ હતો. છતાં લોહિયાના મતે ‘આઝાદી માટે લડતા આ સંગઠન (કોંગ્રેસ) પર ખરી તનાવભરી સ્થિતિમાં વૃદ્ધાવસ્થાનો વ્યાધિ અને થકાવટ વ્યાપેલાં હતાં.’ એ સિવાય બોલનારા લોકોમાં ‘સરહદના ગાંધી’ જેવી અઘૂરી ઓળખથી જાણીતા બાદશાહખાન હતા. કોંગ્રેસી સાથીદારોએ વિભાજનનો સ્વીકાર કરી લીધો એ વિશે તેમણે દુઃખ પ્રગટ કર્યું અને સરહદપ્રાંતમાં લેવાનારા લોકમતમાં ભારત કે પાકિસ્તાન સાથે જોડાવા ઉપરાંત અલગ રહેવાનો વિકલ્પ શક્ય છે કે નહીં, એ વિશે જાણવા તેમણે કહ્યું.
સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણે બે દિવસની મિટિંગમાં એક જ વાર કરેલા પ્રવચનમાં ભાગલાનો વિરોધ કર્યો. બાકીનો સમય એ ચૂપ રહ્યા. એ વિશે પણ લોહિયાએ ટીકા કરી હતી. લોહિયા પોતે સતત અને બુલંદ વિરોધ કરતા રહ્યા, પણ તેમના વિરોધનું મોટા સમુહગાનમાં એક વિસંવાદી સૂરથી વધારે મહત્ત્વ ન હતું. ખુદ લોહિયા પણ તેનાથી સંતુષ્ટ ન હતા. તેમણે લખ્યું કે ‘મારા જેવો કોઇ જાતનું સ્થાપિત હિત નહીં ધરાવનારો માણસ પણ ભાગલાનો ગંભીર વિરોધ કરી શક્યો નહીં એ દર્શાવે છે કે મારા સહિતના આપણા લોકોમાં નબળાઇ અને ભય કઇ હદે ઘર કરી ગયાં હશે.’
ભારતીય સામ્યવાદીઓએ દેશના ભાગલાને ટેકો આપ્યો હતો. ડો.લોહિયાના મતે, આમ કરવા પાછળના તેમના આશય : નવા જન્મેલા દેશ પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવી શકાય, ભારતમાં રહેલા મુસ્લિમો પર પ્રભાવ પાડી શકાય અને કશા નિર્ધાર વગરના હિંદુ માનસથી અળગા થવાનું મોટું જોખમ પણ નહીં. સામ્યવાદી વ્યૂહરચના વિશે ટીપ્પણી કરતાં લોહિયાએ લખ્યું, ‘સામ્યવાદ સત્તામાં ન હોય ત્યારે જ એ ભાગલાવાદી હોય છે, જેથી તે મજબૂત રાષ્ટ્રવાદના નામે પોતાના શત્રુને (સત્તાધીશોને) નબળા પાડી શકે. સામ્યવાદ જ્યારે પોતે જ રાષ્ટ્રવાદનો પ્રતિનિધિ બને (એટલે કે સત્તામાં આવે) ત્યારે તે ભાગલાવાદી મટી જાય છે.’
હિંદુ-મુસ્લિમ અલગાવ વિશે લોહિયાનાં નિરીક્ષણ ‘ભાઇ-ભાઇ’ની આદર્શ કલ્પનાને બદલે વાસ્તવની નક્કર ભોંય પર આધારિત હતાં. તેમના મતે ‘પોતાના સહિયારા ઇતિહાસ અંગે હિંદુઓ અને મુસ્લિમોના જુદા અભિપ્રાય તેમની વચ્ચે ઓળખ અને કાર્યોમાં રહેલા અલગાવનું મુખ્ય કારણ છે...મઘ્ય યુગનો ઇતિહાસ હિંદુ-મુસ્લિમ જેટલો જ મુસ્લિમ-મુસ્લિમ વચ્ચેનાં યુદ્ધોનો છે. સ્થાનિક મુસ્લિમો તૈમુર અને નાદિરશાહના મોટા હત્યાકાંડોનો ભોગ બન્યા છે. મોગલ તૈમુરે સ્થાનિક પઠાણોની કતલ કરી અને ઇરાની નાદિરશાહે સ્થાનિક મોગલોને રહેંસી નાખ્યા. જે લોકો (મુસ્લિમો) હુમલાખોરો અને હત્યારાઓને પોતાના પૂર્વજ માનતા હોય તે આઝાદીને લાયક નથી અને તેમનું આત્મગૌરવ પોકળ છે. કારણ કે સળંગપણે જાળવી શકાય એવી તેમની કોઇ ઓળખ જ નથી...બળાત્કારનો સ્વીકાર ન કરવો એક વાત છે અને તેનાં પરિણામ ન સ્વીકારવાં એ સાવ બીજી વાત છે. મુસ્લિમોએ બન્નેના સ્વીકારની અને હિંદુઓએ બન્નેના અસ્વીકારની ભૂલ કરી.’
ઇતિહાસ ભણી જોવાનો માર્ગ ચીંધતાં લોહિયાએ લખ્યું કે રઝિયા, શેરશાહ, જાયસી, રહીમન, વિક્રમાદિત્ય, અશોક, હેમુ, રાણા પ્રતાપ જેવાં પાત્રો હિંદુ-મુસ્લિમોના સહિયારા પૂર્વજ બની શકે અને ગઝની, ઘોરી, બાબર જેવા બન્ને માટે લૂંટારા તથા હત્યારા હોવા ઘટે.
ભાગલાના પાયામાં રહેલો એક મોટો મુદ્દો મુસ્લિમ હિતનો હતો. હિંદુત્વના રાજકારણવાળા એવી જ રીતે હિંદુ હિતનો મુદ્દો આગળ કરી રહ્યા હતા. લોહિયાએ પાયાનો સવાલ ઉઠાવ્યો, ‘ભાગલા પહેલાં હિંદુ અને મુસ્લિમ હિત કયાં હતાં?’ તેમણે નોંઘ્યું કે સંસદીય, સરકારી તથા વ્યાપારી બાબતોમાં બન્નેનાં હિત અલગ હોઇ શકે. આ ત્રણે બાબતોમાં એવું પણ બને કે એક જૂથના ફાયદાથી બીજા જૂથને નુકસાન થતું લાગે, પરંતુ વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સંસદીય-સરકારી અને વ્યાપારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ કેટલું ઓછું હોય? તેની સરખામણીમાં ભાવવધારાથી માંડીને કામદારો-કારીગરો અને ખેડૂતોની અવદશા જેવી બાબતોમાં હિંદુ હિત અને મુસ્લિમ હિત જેવા અલગ ભાગ પાડી શકાય એમ ન હતા.
ટૂંકમાં, રોજબરોજની જિંદગીની મોટા ભાગની સમસ્યાઓ હિંદુઓ અને મુસ્લિમોને એકસરખી લાગુ પડતી હતી અને તેના ઉકેલથી બન્નેને એકબીજાનું હિત જોખમાવ્યા વિના, સર્વસામાન્ય ફાયદો થવાનો હતો. એવી જ રીતે, આ સમસ્યાઓનો ઉકેલ ન આવે તો બન્ને જૂથોને નુકસાન પણ ધર્મના ભેદભાવ વિના થવાનું હતું. તેમ છતાં રાજકીય નેતાગીરીએ મર્યાદિત બાબતોના મુસ્લિમ હિતને એકંદર, વ્યાપક મુસ્લિમ હિત તરીકે રજૂ કર્યું અને ભાગલાની નોબત આવી.
લોહિયાને જોકે સૌથી વઘુ ખટકેલી બાબતોમાંની એક હતી : કોંગ્રેસી નેતાગીરીએ કરી લીધેલો ભાગલાનો સ્વીકાર. પોતાના ફાયદા માટે ભારતને શક્ય એટલું નીચોવી લેનાર અંગ્રેજો જતાં જતાં પણ ભારતને થનારા નુકસાનની પરવા કર્યા વિના, શક્ય એટલો ફાયદો રળી લેવા ઇચ્છતા હતા. ભારતના ભાગલા પડે અને મુસ્લિમોનો અલગ દેશ પાકિસ્તાન બને તો પાશ્ચાત્ય સત્તાઓ માટે એક થાણું ઊભું થાય તથા બીજા મુસ્લિમ દેશો સાથેની ધરીમાં એ મદદરૂપ નીવડે, એવી અંગ્રેજોની ગણતરી ભાગલા માટેનું પ્રેરક બળ બની હોવાનું મનાય છે. પરંતુ લોહિયાનો સવાલ એ છે કે અંગ્રેજોની આ ચાલબાજીમાં કોંગ્રેસી નેતાઓ કેવી રીતે હોંશે હોંશે જોડાઇ ગયા?
ભાગલાની દરખાસ્ત કોંગ્રેસની જે બેઠકમાં સ્વીકારાઇ તેમાં લોહિયા હાજર હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ગાંધીજીએ આ બેઠકમાં આપેલા પ્રવચનમાં સરદાર અને નેહરુ સામે જોઇને એવો ધોખો કર્યો હતો કે ભાગલાનો સ્વીકાર કરતાં પહેલાં તેમણે (ગાંધીજીને) જાણ ન કરી. શરૂઆતમાં નેહરુએ કહ્યું કે તેમણે ગાંધીજીને પૂરેપૂરા વાકેફ રાખ્યા હતા, પરંતુ ગાંધીજીએ ઇન્કાર કરતાં નેહરુએ (કે પટેલે) કહ્યું કે ગાંધીજી તેમનાથી બહુ દૂર નોઆખલીમાં હતા અને એમને વિગતો નહીં જણાવી હોય તો પણ એકંદર યોજનાની માહિતી આપી હતી. લોહિયાએ નોંઘ્યું કે નેહરુ-સરદારે ભાગલાની યોજના પર મંજૂરીની મહોર મારતાં પહેલાં ગાંધીજીને જાણ કરી ન હતી, બલ્કે ત્યાં સુધી ગાંધીજીને દૂર રાખવાનું નક્કી કર્યું હતું.
એ બેઠકમાં ગાંધીજીએ કહેલી - અને લોહિયાએ નોંધેલી- બીજી યાદગાર વાત હતી : અંગ્રેજોને બાકાત રાખીને દેશના ભાગ પાડવાની દરખાસ્ત. ગાંધીજીએ કહ્યું હતું, ‘કોંગ્રેસના નેતાઓ ભાગલા માટે સંમતિ આપી દીધી છે, તો કોંગ્રેસે તેનો આદર કરવો રહ્યો. પરંતુ ભાગલાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી કોંગ્રેસે અંગ્રેજો અને વાઇસરોયને બાજુ પર ખસી જવા કહેવું જોઇએ. દેશના ભાગલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સાથે મળીને કોઇ ત્રીજા પક્ષની દરમિયાનગીરી વિના પાડવા જોઇએ.
લોહિયા ગાંધીજીની આ દરખાસ્તને ‘ગ્રાન્ડ ટેક્ટિકલ સ્ટ્રોક’ (અદ્ભૂત વ્યૂહાત્મક પગલું) ગણાવી હતી. બીજા લોકોની જેમ એ પણ માનતા હતા કે સાથે રહીને સરકાર ન ચલાવી શકેલાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દેશના ભાગલા કેવી રીતે પાડવા, એ અંગે એકમત થઇ શકવાનાં નથી. પરંતુ આ દરખાસ્તની અવ્યવહારુતા જ તેની સૌથી મોટી તાકાત હોવાનું લોહિયા માનતા હતા. અંગ્રેજો ખસી ગયા હોય અને કોંગ્રેસ-લીગ વચ્ચે ભાગલા અંગે એકમતી ન થાય, એટલે ભાગલા ટળવાની શક્યતા બહુ વધી જાય એવું લોહિયાને લાગતું હતું. એવી જ રીતે ઝીણાને ‘કોરો ચેક’ આપવાની વાતને પણ લોહિયાએ આ જ સંદર્ભમાં મૂકી અને કહ્યું કે કોગ્રેસી નેતાઓના સાથ વિના આખા ભારત પર રાજ ચલાવવાનું ઝીણા માટે શક્ય ન હતું. પરંતુ કોંગ્રેસી નેતાઓએ- ખાસ કરીને સરદાર અને નેહરુએ- ગાંધીજીની આ બન્ને દરખાસ્તોને ગણકારી જ નહીં. લોહિયાએ આકરા શબ્દોમાં લખ્યું કે ‘મિટિંગ દરમિયાન મેસર્સ નેહરુ અને પટેલ ગાંધીજી સામે અપમાનજક આક્રમકતાથી વર્તતા હતા.’
લોહિયાના મતે, સરદાર-નેહરુ સહિતના થાકેલા કોંગ્રેસી નેતાઓ દેશની અખંડતાના ભોગે આઝાદી મેળવવાનું નક્કી કરી ચૂક્યા હતા. મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવવાના નિષ્ફળ અનુભવ પછી, તેની સાથે કામ પાડવાનું અશક્ય છે, એવું જાહેર કરીને તેમણે ભાગલાને અનિવાર્ય ગણી લીધા હતા. એ માટે હોદ્દાની ભૂખ જવાબદાર હશે? એવું તો સીધેસીઘું ન કહી શકાય, પણ લોહિયાએ એવી શંકા વ્યક્ત કરી છે કે કોંગ્રેસી નેતાઓને નિષ્ફળ ગણાઇ જવાની બીક હતી અથવા એવું લાગતું હતું કે દેશમાં પરિવર્તન આણીને ઇતિહાસ પર અમીટ છાપ છોડવી હોય તો મરણ પહેલાં થોડો સમય સરકારમાં બેસવું જરૂરી છે.
લોહિયા માનતા હતા કે કોંગ્રેસની થાકેલી નેતાગીરીએ ઉતાવળે ભાગલા સ્વીકારી લેવાને બદલે એ વિશેનો નિર્ણય પછીની પેઢી પર છોડવા જેવો હતો. કોંગ્રેસની બેઠકમાં આવેલા નેહરુના વિભાજન અંગેના ઠરાવના ખરડામાં દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો ક્યાંય વિરોધ ન હતો. એ ગાંધીજીની મદદથી લોહિયાએ દાખલ કરાવ્યો. અલબત્ત, તેનું મૂલ્ય ઔપચારિકતાથી વિશેષ ન હતું. હિંદુ-મુસ્લિમ હુલ્લડબાજી બંધ કરવા માટે દેશના ભાગલાની દરખાસ્ત સ્વીકારવામાં આવી, પરંતુ જે અટકાવવા માટે ભાગલા પડ્યા એ હુલ્લડબાજી ભાગલાને કારણે એટલા મોટા પાયે થઇ કે આ નિર્ણય લેનારની નિષ્ઠા અથવા બુદ્ધિમતા પર શંકા જાગે. બન્ને કોમો વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ નિવારવા માટે હિંદુઓ અને મુસ્લિમોની પછાત જ્ઞાતિઓને પહેલેથી જ્ઞાતિવ્યવસ્થાનો ખાત્મો બોલાવીને સમાનતા સ્થાપવાનું પ્રોત્સાહન અપાયું હોત અને અસહકારની ચળવળના જમાનાથી જ આ દિશામાં કામ થયું હોત તો કદાચ ભારતના ભાગલા ન પડ્યા હોત, એવી અટકળ પણ લોહિયાએ કરી છે.
ભાગલા જેવી કરૂણ ઘટનાનો વિરોધ કરીને કોઇએ જેલવાસ ન વેઠ્યો- પોતે પણ તેનો વિરોધ કરીને જેલમાં ન ગયા, તેનો ભારે વસવસો વ્યક્ત કરનાર લોહિયાનાં ઘણાં નિરીક્ષણ અને તેમણે વ્યક્ત કરેલી સંભાવનાઓ દેશના વિભાજનની કારૂણી વિશે જુદી રીતે વિચારવા ફરજ પાડી શકે એવાં છે.
(19-11-13 અને 26-11-13ના ’દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલા બે લેખોનો સંયુક્ત લેખ)
No comments:
Post a Comment