બળવંતરાય ક.ઠાકોર / B.K.Thakore (photo : જગન મહેતા / Jagan Mehta) |
તેજસ્વીતા અને બુદ્ધિમતા પર કોઇ પેઢીનો ઇજારો હોતો નથી. ટેકનોલોજી બદલાય તેમ જીવનધોરણ બદલાવાનાં- સાધનો બદલાવાનાં. તેના કારણે નવી પેઢી એવા ભ્રમમાં પડી શકે છે કે ‘જુઓ, અમે કેવા અમારા પૂર્વસૂરિઓ કરતા આગળ નીકળી ગયા.’ જૂની પેઢી પણ એવું વિચારી શકે છે કે ‘અમને આ બઘું તમારા જેવું ન આવડે.’ પરંતુ જ્ઞાન-વિદ્વત્તા, વૈચારિક સજ્જતા, વિશ્લેષણ કરવાની શક્તિ- આ બધી બાબતોને સ્થળકાળ સાથે સંબંધ હોતો નથી. દરેક જમાનામાં એવા તેજસ્વી લોકો પેદા થતા જ હોય છે, જેમની સાથે પચાસ-સો-દોઢસો વર્ષ પછી ‘પરિચય’ થાય તો પણ મનમાં અજવાળું થઇ જાય અને એ વ્યક્તિ હયાત ન હોવા છતાં, તેની સ્મૃતિને સલામ કરવાનું મન થઇ આવે.
ગુજરાતી સાહિત્ય અને વિચારજગતનું એવું એક વ્યક્તિત્વ એટલે બ.ક.ઠા.- પ્રો.બળવંતરાય ક. ઠાકોર. પાઠ્યપુસ્તકોમાં તેમનાં કાવ્યો ખાસ આવતાં નથી, એટલે ગણ્યાગાંઠ્યા અઘ્યાપકો સિવાય ભાગ્યે જ એમના નામ કે કામ વિશે વાત થતી હશે. સાહિત્યના ઇતિહાસમાં તેમની મુખ્ય ઓળખ ‘સોનેટ’ કાવ્યપ્રકારને ગુજરાતીમાં ઉતારનારા કવિ-વિવેચક તરીકેની. વ્યવસાયે તે ઇતિહાસના અઘ્યાપક. પરંતુ લાગણીશીલતા, મિથ્યાભિમાન કે પોચટપણા વગરની તેમની અભ્યાસનિષ્ઠા એટલી મજબૂત હતી કે લખાણ ઉપરાંત તેમનાં પ્રવચનોમાં પણ એ ઝળકી ઉઠે.
ઘણા વખતથી ગાંધી-ગીતા-મેનેજમેન્ટ-જીવન જીવવાની કળા પ્રકારના ચિંતન-ફિંતન ટાઇપ બબલગમી વિષયો પર ગળચટ્ટાં કે તમતમતાં પણ તત્ત્વતઃ છીછરાં ભાષણો ફટકારીને વક્તા તરીકે લોકપ્રિય થઇ શકાય છે. એટલે ‘વક્તા’ નામના પ્રાણીની આખી વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે. પરંતુ વિદ્વાન વક્તા ખરેખર કેવો હોય એનો ખરો ખ્યાલ પ્રકાશ ન.શાહ જેવાનું વક્તવ્ય સાંભળીએ ત્યારે કે પછી ‘વિવિધ વ્યાખ્યાનો’ જેવા બ.ક.ઠા.ના પ્રવચનસંગ્રહમાંથી પસાર થઇએ ત્યારે આવી શકે છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી જ્યારે કુખ્યાત નહીં પણ વિખ્યાત હતી ત્યારે બ.ક.ઠા.ના પ્રગટ-અપ્રગટ લખાણો-પ્રવચનોના સંગ્રહ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ‘વિવિધ વ્યાખ્યાનો’ એ શ્રેણીમાં ૧૯૫૬માં પ્રગટ થયું હતું. તેમાં ૧૯૫૧માં અવસાન પામેલા બ.ક.ઠા.નાં ૧૯૧૨થી ૧૯૪૯ સુધીમાં અપાયેલાં કેટલાંક પ્રવચન છાપવામાં આવ્યાં હતાં. તેમાંથી અડધાંઅડધ ગુજરાતી ભાષા અને લિપી, સાહિત્ય, સાહિત્ય પરિષદ(નું રાજકારણ), ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો, ગુજરાતી પ્રજા જેવા વિષયો અંગે હતાં. તેમના એક વ્યાખ્યાનનું મથાળું જ હતું ‘ગાંડી ગુજરાત’.
અત્યારે છીછરી ગુણગ્રાહિતા અને પોઝિટિવ થિંકિંગનો જબરો વેપલો ચાલે છે, પણ ‘ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો’ વિશેના પ્રવચનમાં બ.ક.ઠા.એ કહ્યું હતું, ‘નરી ગુણગ્રાહકતા નપુંસક છે. એનાથી નથી કૃતિને ન્યાય થતો નથી કર્તાને ન્યાય થતો, નથી વાંચનારની ઉન્નતિ સધાતી, નથી કલાશુદ્ધિ કે કલાપ્રગતિ સર્જાતી, નથી વિવેચના પોષાતી.’ આ જ લેખમાં ‘જનનીની જોડ સખી નહીં જડે’થી જાણીતા બોટાદકરની એક કવિતા ‘સૌરાષ્ટ્ર’ વિશે બ.ક.ઠા.એ લખ્યું ‘ખેડૂત અને ગામડિયા એટલે નિર્દોષ, વ્યવહારના છલપ્રપંચથી વિમુક્ત, શહેરીઓ તે શઠ, આ ખેડૂત અને ગામડિયા બિચારા ભોળા વગેરે વિધાન કવિઓ અમુક જાતની કવિતામાં ખાસ કરે છે. અને સામાન્ય રીતે પણ કરે છે. આ વિધાન વાસ્તવિક છે શું? કે કવિતામાં કવિપદાકાંક્ષી લેખકોને હાથે વારંવાર વપરાતી રૂઢપદાવલિ (પોએટિક ડિક્શન) માત્ર છે?’
બ.ક.ઠા.એ આટલો વહેલો ભાંગેલો ભ્રમ ગુજરાતી કવિઓ અને હિંદી ફિલ્મોના પ્રતાપે બહુ લાંબા સમય સુધી પોસાતો રહ્યો હતો. પરંતુ બ.ક.ઠા. અહોભાવમાં કે બિનજરૂરી, વિવેકપ્રેરિત આદરભાવમાં તણાય એવા ન હતા. એ વખતના અમદાવાદનાં અપ્રમાણસરનાં વખાણ કરનાર કવિ નાનાલાલની કવિતાનો ઉલ્લેખ કરીને તેમણે લખ્યું હતું, ‘અત્યારે પણ અમદાવાદ જે છે તે ક્યાં રમ્ય નથી, એવા મિથ્યાભિમાનીઓની હારમાં ન્હાનાલાલ જેવા કવિને એક ક્ષણ પણ ઉભા રહેતાં જોઇને જરા આશ્ચર્ય થાય છે અને દેશપ્રેમ અગર જન્મભૂમિ અગર નિવાસસ્થલના મોહમાં અંધ પક્ષપાતનું પાસું કેટલું જોરદાર હોઇ શકે તે અનુભવું છું.’
‘ગુજરાત તો ધનાઢ્ય છે’ એવા પ્રચલિત મત વિશે બ.ક.ઠા.એ લખ્યું છે, ‘એ ખોટું, છેક જ ખોટું મત... છે. પરંતુ ફુલણજી ગુજરાતની લગભગ આખી યે વસતી આ મત કેટલું ખોટું અને અપ્રમાણ છે તે હજી સુધી તો નથી જોઇ શકતી. અને પ્રજામાં સામાન્ય રીતે સ્વીકારાયલાં મત ગમે તેટલાં ખોટાં અને મોહમૂઢ હોય, તથાપિ અત્યંત સ્વતંત્ર વિચારણાવાળા ન હોય, એવા લેખકો તો આવી જ જાય...’
ગાંધીજી કરતાં ત્રણ અઠવાડિયાં મોડા જન્મેલા અને રાજકોટની સ્કૂલમાં તેમની સાથે ભણેલા બ.ક.ઠા. ગાંધીજીના જૂના અને છેવટ સુધી રહેલા જૂજ મિત્રોમાંના એક હતા. ગાંધીજી મોહનદાસ તરીકે ભણવા માટે બ્રિટન (‘વિલાયત’) ગયા ત્યારે તેમને સ્ટીમર પર વિદાય આપવા જનારા લોકોમાં બ.ક.ઠા. પણ એક હતા. ગાંધીજી ભારત આવ્યા ને ‘મહાત્મા’ બન્યા ત્યાર પછી પણ બ.ક.ઠા.નો તેમની સાથે પત્રસંપર્ક હતો. ભારત પાછા ફરેલા ગાંધીજીનો ઉલ્લેખ ‘મોહનભાઇ’ તરીકે કરનારા કદાચ બ.ક.ઠા. એકમાત્ર મિત્ર હશે.
લેખક તરીકે ગાંધીજીનું મૂલ્યાંકન કરતાં બ.ક.ઠા.એ ‘હું ગાંધીજીનો અનુયાયી છું નહીં, કદાપિ હતો નહીં’ એવી સ્પષ્ટતા કરીને કહ્યું હતું,‘કોઇ પણ બાબત કે કસબ શીખવાનો ઉત્તમોત્તમ માર્ગ તે ત્હમારી તમામ શક્તિઓના સમર્પણે કર્યે જવાનો છે. ગાંધીજી આ સત્યનો જીવન્ત દાખલો છે...મોહનભાઇ તો મંડ્યા જ રહ્યા અને ભાષાપ્રભુત્વરૂપ વિજય એમને વર્યો છે...યુવાવસ્થામાં આરંભ કર્યો ત્યારે એમની કેળવણી અને એમનું જ્ઞાન છેક કાચાં હતાં. લેખકકલાનો એકડો પણ એ ન્હોતા જાણતા, પરંતુ મંડ્યા જ રહ્યા. પોતાનું તમામ બળ આ વ્યવસાયમાં રેડ્યું, ઉત્તમ કર્તાઓનો અભ્યાસ કર્યો, તરજુમા કર્યા...મોહનભાઇનું ચરિત્ર આમ આ લાંબો કાળ પ્રજ્જવળતા યજ્ઞાગ્નિમાં તવાતું, સંશોધાતું અને પોલાદી નક્કરતા પામતું ગયું અને એમની કલમ-એક શિખાઉની કાચી કલમ...પણ તવાતી, સંશોધાતી અને પોલાદી નક્કરતા પ્રાપ્ત કરતી ચાલી...ચારિત્રબળમાંથી અને તેની સાથે સાથે તેના એક અનિવાર્ય પરિણામ લેખે લેખિનીબળ કેવી રીતે ઘડાતું આવે છે તેનો એક આખા ઝમાનાપર્યંત ચાલી રહેલો આ દાખલો ખરે જ મનનીય અને પ્રતીતિજનક ગણવાને પાત્ર છે.
માતૃભાષાના શિક્ષણમાં ઘ્યાન અપાતું નથી, એવી વિદ્યાર્થીઓ તરફથી થતી બચાવદલીલ અંગે બ.ક.ઠા.એ કહ્યું હતું, ‘અમારા અભ્યાસક્રમોમાં માતૃભાષા કે તેના સાહિત્યને સ્થાન જ અપાયેલું ન્હોતું. એ અભ્યાસ અમારે જાતે કરી લેવા પડેલા, ફાલતુ સમયમાં અથવા તો વિદ્યાપીઠના વર્ગો અને પરીક્ષામંડળોમાંથી બ્હાર આવી ગયા તે પછી. અને તો પણ જે અત્યારે સાક્ષરયુગને નામે ઓળખાયો છે, તેના સર્જકો અમે.’
ચોથી ચોપડી ગુજરાતીમાં બધા વિષયોમાં પાસ નહીં થઇ શકેલા બ.ક.ઠા. ઇતિહાસના અઘ્યાપક તરીકે પણ પરંપરાભંજક અથવા અભ્યાસનિષ્ઠ હતા. રાણા પ્રતાપ-અકબર વિશે તેમણે લખ્યું હતું, ‘રાણા પ્રતાપ સામેની લડાઇ આ લશ્કરી મહત્ત્વનો આગ્રાને અમદાવાદ સાથે સાંધતો ટૂંકામાં ટૂંકો માર્ગ હસ્તગત કરવા પૂરતી જ હતી. એ માર્ગ પૂરેપૂરી સલામતી જળવાય એમ હાથ આવી ગયો પછી અકબરે જ લડાઇને મંદાવી દીધી. પ્રતાપ પોતાની બહાદુરીથી મુઘલાઇના ડાચામાં મારીને પણ સ્વતંત્રતા ટકાવી રહ્યો, એ ખ્યાલ જ ખોટો છે...આવી આવી ઊર્મિલતાઓથી વિમુક્ત આપણો કે હિંદનો ઇતિહાસ નવેસરથી નહીં સર્જાય ત્યાં લગી પ્રજાનો શુક્રવાર થવાનો નથી.’
‘ગાંડી ગુજરાત’ પ્રવચનમાં બ.ક.ઠા.એ કહ્યું હતું,‘દાદાભાઇ નવરોજજી ગુજરાતી જ છે, પણ એમનો મહિમામિનાર બહારથી બંધાઇને આવ્યો ત્યારે જ ગુજરાતે તેને વધાવ્યો. મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી જ છે, પણ એમની મહાભારત સેવા અને એમના લોકોત્તર ચારિત્રબલની કદર હિંદના કોઇ પણ ભાગમાં સૌથી ઓછી હોય તો તે ભાગ ગુજરાત જ છે. દયાનંદ સરસ્વતી ગુજરાતી જ હતા, પણ એમને પોતાના કાર્યક્ષેત્ર તરીકે પંજાબની ભૂમિ જ ફાવી... ’
‘સર્જક વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય તો પણ પોતાના ઝમાનાનું બાલક રહે જ છે’ એવું ભાર દઇને કહેનારા બ.ક.ઠા.ના કેટલાક મત કે અભિપ્રાયો અત્યારે ચર્ચાસ્પદ લાગે, તેમનાં ઐતિહાસિક નિરીક્ષણો વિશે ત્યાર પછી થયેલાં સંશોધનોના આધારે નવેસરથી ચર્ચા થઇ શકે, પરંતુ બ.ક.ઠા.ની વિદ્વત્તાપૂર્ણ સ્પષ્ટવાદિતાનો પ્રભાવ તેમના ‘ઝમાના’થી બહાર નીકળીને, છેક અત્યાર સુધીના વાચકોને વિચારતા કરી શકે છે.
બ.ક.ઠા.ના વિચારો પ્રભાવિત કરે એવા છે. એમનું વિધાન કે "સર્જક વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય તો પણ પોતાના ઝમાનાનું બાલક રહે જ છે" સાચું જ છે અને એ માત્ર સાહિત્યમાં નહીં બધાં ક્ષેત્રોમાં લાગુ પડે છે. સમયની માંગ એટલે સામાન્ય જનતાની આકાંક્ષાઓનો સંપુટ. આ માંગને ઓળખીને રસ્તા શોધે એ નેતા બને છે. જનતાની આકાંક્ષાઓ હંમેશાં સાચી અને સારી હોય એવું નથી હોતું, પણ એ ઘનીભૂત થવાથી એને અનુકૂળ નેતા પેદા થતો હોય છે.
ReplyDeleteહિટલર એ વખતની જર્મન પ્રજાના મનમાં ભરેલા યહુદીઓ પ્રત્યેના તિરસ્કારને મૂર્તિમંત કરી શક્યો એટલે જ એ નેતા બની શક્યો. હિટલરે જર્મનીના વિકાસમાં પણ મોટો ફાળો આપ્યો હતો, પણ આ વિકાસનો આધાર યહૂદી દ્વેષ હતો.
૧૮૫૭નો સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયા પછી માત્ર બાર વર્ષે ગાંધી પેદા થાય છે અને એ તદ્દન નવો જ રસ્તો દેખાડે છે. જનતાની આઝાદીની આકાંક્ષા કેમ પૂરી કરવી એનો રસ્તો ચીંધનાર મહાત્મા ગાંધી સમયને માંગની જ પેદાશ હતા.
બકઠાના નિવેદનના અનુસંધાનમાં એ પણ વિચારવા જેવું છે કે ગુજરાતમાં રવીન્દ્રનાથ ટાગોર, શરત ચન્દ્ર કે પ્રેમચંદ કેમ પેદા ન થયા.સચિન તેંડૂલકર, ભીમસેન જોશી કેમ પેદા ન થયા? માત્ર હર્ષદ મહેતા કેમ પેદા થયા?
બકઠાનું મંતવ્ય આજે પણ સાચું છે.
ગાંધીજી વિશે વાંચતી વખતે ‘મહાત્મા’ કે ‘પૂ.બાપુ’ જેવા સંદર્ભોથી ટેવાયેલી આંખને એ યુગપુરુષનો ઉલ્લેખ ‘મોહનભાઇ’ તરીકેનો અતડો જરૂર લાગે. પણ બ.ક.ઠા.એવી સહજતાથી કરી શકે એવી તેમની વિદ્વતા કરતાં પણ શાળાજીવન દરમિયાનની ગાંધીજી સાથેની તેમની સહાધ્યાયિતા હોઇ ખટકતી નથી. સિનેમાના અનેક એક્ટર્સ બ.ક.ઠા.ની આ સમીક્ષામાં સમાઇ શકે, જેમાં પડદા ઉપર ‘ગાંધીગીરી’ કરનાર સંજયદત્ત મુખ્ય કહી શકાય..... ‘કોઇ પણ બાબત કે કસબ શીખવાનો ઉત્તમોત્તમ માર્ગ તે ત્હમારી તમામ શક્તિઓના સમર્પણે કર્યે જવાનો છે. ગાંધીજી આ સત્યનો જીવન્ત દાખલો છે...મોહનભાઇ તો મંડ્યા જ રહ્યા અને ભાષાપ્રભુત્વરૂપ વિજય એમને વર્યો છે...યુવાવસ્થામાં આરંભ કર્યો ત્યારે એમની કેળવણી અને એમનું જ્ઞાન છેક કાચાં હતાં. લેખકકલાનો એકડો પણ એ ન્હોતા જાણતા, પરંતુ મંડ્યા જ રહ્યા. પોતાનું તમામ બળ આ વ્યવસાયમાં રેડ્યું, ઉત્તમ કર્તાઓનો અભ્યાસ કર્યો, તરજુમા કર્યા...મોહનભાઇનું ચરિત્ર આમ આ લાંબો કાળ પ્રજ્જવળતા યજ્ઞાગ્નિમાં તવાતું, સંશોધાતું અને પોલાદી નક્કરતા પામતું ગયું અને એમની કલમ-એક શિખાઉની કાચી કલમ...પણ તવાતી, સંશોધાતી અને પોલાદી નક્કરતા પ્રાપ્ત કરતી ચાલી..” (આમાં ‘મોહનભાઇ’ની જગ્યાએ સંજયભાઇ મૂકી જુઓ!)
ReplyDeleteThis is an eye-opener, especially for someone like me who has not had any clue about this giant's perspectives. Not only is he a true iconoclast, I love the way he has demolished prevalent truisms of the time. Urvish, you must write more about him (maybe a series of sorts). I, for one, will definitely be lapping it up.
ReplyDelete