કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે. નુકસાનમાં નફાની આશ્વાસનકારી દૃષ્ટિએ વિચારીએ તો, હજારોનાં સ્વજન છીનવી લઇને ક્રૂર આંચકો આપનારી આ દુર્ઘટનાએ હિમાલયના છીનવાઇ રહેલા પ્રાકૃતિક સંતુલન વિશે લોકોનું ઘ્યાન દોર્યું છે. નરી આંખે જોઇ શકાય એવી ઉત્તરાખંડની અવદશા છતી કરવા માટે મોટી દુર્ઘટનાની જરૂર પડે એ શરમજનક સચ્ચાઇ છે. પરંતુ તેમાંથી પણ કશો બોધપાઠ લેવામાં ન આવે તો એ ગુનાઇત સ્વાર્થઅંધતા ગણાય.
ઉત્તરાખંડના પહાડી ઇલાકામાં પ્રવાસન મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. રાજ્યમાં પ્રવાસીઓ જેટલા વધારે એટલા સ્થાનિક લોકો પણ રાજી ને શાસકો પણ ખુશ. એમાં પ્રવાસીઓની સંખ્યા પર અંકુશ રાખવા જેવો ‘ખોટનો ધંધો’ કોણ વિચારે? ઉલટું, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવાના શક્ય એટલા વઘુ પ્રયાસ થાય. પ્રવાસીઓ માટે સૌથી પાયાની જરૂરિયાત ઉતારાની. વર્ષ ૨૦૦૬ના એક અભ્યાસ પ્રમાણે, એ વર્ષે ઉત્તરાખંડમાં આવતા દર ૧૦ લાખ પ્રવાસીઓ દીઠ હોટેલ-ગેસ્ટ હાઉસની સંખ્યા માંડ ૧૦૨.૫ હતી અને ફક્ત ૩૩૭ પથારીઓ ઉપલબ્ધ હતી.
આ સ્થિતિમાં સૌથી પહેલો વિચાર પ્રવાસીઓની સુવિધા - અને પોતાની કમાણી- ખાતર નવાં બાંધકામ ઊભાં કરવાનો આવે. હોટેલ-ગેસ્ટહાઉસ-ભાડાનાં ઘર...આમાંથી ઘણુંબઘું કાયદેસર ન પણ હોય. જમીનો પચાવીને ગેરકાયદે બાંધકામ કરવામાં સરેરાશ ભારતીયો વિશેષ પ્રતિભાશાળી હોય છે- પછી તે ગામડું હોય કે શહેર. કમાઇ લેવાના આશયને કારણે સલામતી કે નિયમોનો વિચાર કર્યા વિના, જ્યાં તક અને જગ્યા મળે ત્યાં મકાનો તાણી બાંધવામાં આવે. છતાં ઉતારા ઓછા જ પડે.
ધંધાનો આવો ધીકતો મોકો હોય ત્યારે પર્યાવરણ તો ઠીક, સામાન્ય સુરક્ષાના કે પોતાની લાંબા ગાળાની સલામતીના વિચાર પણ ક્યાંથી આવે? જાતે તો ઠીક, સરકારી હુકમનામા પછી પણ લોકો સમજતા નથી અને સરકાર તેનો નિષ્ઠાપૂર્વક-કડકાઇથી અમલ કરાવી શકતી નથી. બાકી, ઉત્તરાખંડની સરકારે સત્તાવાર રીતે ઠરાવેલું છે કે નદીના પટના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ થઇ શકે નહીં. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે નદીઓમાં ભારે પૂરની નવાઇ નથી. નદીના તટથી સલામત અંતર રાખવામાં પર્યાવરણ કરતાં પણ પહેલો મુદ્દો જાનના જોખમનો આવે છે. પરંતુ ચોમાસા સિવાયની મોસમમાં એ જમીન આકર્ષક રીતે ખાલી લાગતી હોવાથી, ત્યાં પણ બિનધાસ્ત મકાનો ઊભાં કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારના આંખ આડા કાન પછી, ઉત્તરાખંડની વડી અદાલતે કડકાઇ દાખવી હતી. આ વર્ષના આરંભે અદાલતે નદીકાંઠે ૨૦૦ મીટરની હદમાં બંધાયેલાં તમામ ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ કોઇ પણ પ્રકારની જમીનને કેવળ રીઅલ એસ્ટેટ તરીકે જોવા ટેવાયેલા લોકો હાઇકોર્ટનો ચુકાદો ઘોળીને પી ગયા અને સરકારે કદી તેના અમલમાં ઉત્સાહ દેખાડ્યો નહીં. એમાંનાં ઘણાં મકાનનો કેદારનાથના પુરમાં વારો ચડી ગયો. પુર ભલે કુદરતી હોય પણ તેમાં થયેલા ભારે નુકસાનમાં માણસોનો ફાળો મોટો હતો.
દુર્ઘટના થકી થતી તબાહીને વધારે ગંભીર બનાવતો બીજો મોટો મુદ્દો છે : નદીના પટમાં થતું ખોદાણ અને ખાણકામ. સામાન્ય માન્યતા એવી હોય કે પહાડી વિસ્તારોમાં ડાયનેમાઇટથી ધડાકા કરીને ખનીજ શોધવાની પ્રવૃત્તિથી પહાડી ભૂસ્તરોને ખલેલ પહોંચે છે અને તે અસ્થિર બને છે. આ તો ખરૂં જ, પણ પ્રવાસનને કારણે રીઅલ એસ્ટેટમાં તેજી આવે એટલે બાંધકામ માટે સામગ્રીની જરૂર પડે. એટલે રેતી અને પથ્થરો જેવી માટે કોન્ટ્રાક્ટરો કાયદેસર કે સ્થાનિક સત્તાધીશોને સાધીને નદીના પટ ખોદી કાઢે છે.(હિમાલયની નદીઓમાં કાંપની સાથોસાથ નાનામોટા કદના પથ્થરોનો કાટમાળ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.) જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યની ભૂમિકા ધરાવતાં જંગલોની પણ સરકારને પરવા નથી. ખનીજના ખાણકામ માટે જંગલો લીઝ પર આપી દેવામાં આવે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં ટાંકેલા આંકડા પ્રમાણે, ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું, તેના પહેલા દાયકામાં (૨૦૦૦-૨૦૧૦) રાજ્ય સરકારે જંગલ વિસ્તાર ગણાયેલી આશરે ૩૯૦૦ હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવી દીધી હતી.
સ્વામી નિગમાનંદ જેવા સન્યાસી નદીઓના પટમાં આડેધડ સરકારી ખાણકામનો વિરોધ કરતા રહ્યા અને તેના વિરોધમાં ઉપવાસ કરીને મોતને ભેટ્યા. પરંતુ સરકારો પર તેની કશી અસર પડી નહીં. ઉલટું, સરકારે પહાડી ઇલાકાની મપાયા વગરની જમીન જંગલવિભાગ પાસેથી લઇને મહેસૂલવિભાગને હસ્તક કરી દીધી, જેથી એ ગેરકાયદે ખાણકામ અટકાવી શકે અને કાયદેસર રીતે ખાણકામ માટે જમીનોની હરાજી કરીને રાજ્ય માટે તગડી રકમ ઉપજાવી શકે.
ભારતમાં સામાન્ય રીતે બને છે તેમ, ઉત્તરાખંડનાં કુદરતી સંસાધનનો આડેધડ ઉપયોગ અટકાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકસરખાં નકામાં પુરવાર થયાં છે. વિકાસની લ્હાયમાં ઘણી વાર તે રાજ્યની ભૂગોળને અને તેના તકાદાને વિસારે પાડી દેતાં હોય એવી છાપ ઉભી થાય છે. ‘ડાઉન ટુ અર્થ’નાં તંત્રી અને જાણીતાં પર્યાવરણવિદ્ સુનીતા નારાયણે એક લેખમાં નોંઘ્યું છે કે (નદીઓના ધસમસતા પ્રવાહની સંપત્તિ ધરાવતા) ઉત્તરાખંડમાં હાઇડ્રોઇલેક્ટ્રિક-જળવિદ્યુત પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે, એ મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ ‘અત્યારે ગંગા નદી પર બની ચૂકેલા અને સૂચિત પ્રોજેક્ટનો કુલ આંકડો ૭૦ની આસપાસ છે.’ મર્યાદિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ માટે તેમણે વાપરેલો શબ્દપ્રયોગ છેઃ બમ્પર ટુ બમ્પર. અડોઅડ.
ઉત્તરાખંડમાં બિલાડીના ટોપની જેમ ઉભા થયેલા-થઇ રહેલા જળવિદ્યુતના પ્રોજેક્ટ (wildlife institute of India/ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા) |
બંધ બની જાય એટલે નદીઓમાં વહેતો પાણીનો પ્રવાહ સરોવરમાં સંઘરાય અને ચોમાસા સિવાય નદીઓના પટ કોરા બને. એટલે તેમાં બેફામ ખોદકામની ભીતિ રહે છે. એ ઉપરાંત, ભારતમાં હવે થતાં બાંધકામમાં સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. બ્રિટિશ રાજમાં બંધાયેલો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ અડીખમ રહીને એક સદી પૂરી કરી શકે છે, પરંતુ સ્વ-રાજમાં અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઇ જેવાં મહાનગરોમાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્લાય ઓવર કે રસ્તામાં ગમે ત્યારે તિરાડો ને ગાબડાં પડે છે. ઉત્તરાખંડ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં પણ સરકારો કશી વિશેષ સાવચેતી રાખતી હોય એવું હજુ સુધી લાગ્યું નથી.
કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસે હિમાલય જેવી પ્રાકૃતિક જગ્યાએ સલામત રહેવું હોય તો પ્રકૃતિની અદબ જાળવતાં શીખવું પડશે. ખાસ કરીને રાજ્ય સરકારોએ ટૂંકા ગાળાના ફાયદાની સંકુચિત દૃષ્ટિથી વિચારવાને બદલે, આખા વિસ્તારના ઇતિહાસ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વિચારતાં શીખવું પડશે. હિમાલય જેવા જણસરૂપ પ્રદેશને જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અલાયદી ‘હિમાલયન પોલિસી’ તૈયાર કરે અને તેને અમલમાં મૂકે, એવી માગણી લાંબા સમયથી થઇ રહી છે. આવી માગણી કરનારાને પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી તરીકે ખતવી કાઢવાને બદલે, તેમની માગણીઓમાં રહેલાં વાજબી અને વૈજ્ઞાનિક તથ્યો ઘ્યાન પર લેવાં જોઇએ અને એ પ્રમાણે નીતિ ઘડીને અમલમાં મૂકવી જોઇએ. આ દિશામાં સૌથી પહેલા પગલા તરીકે ગેરકાયદે ખાણકામ-ખોદકામ તત્કાળ બંધ થવાં જોઇએ અને કાયદેસર અપાયેલી લીઝમાં નફા-નુકસાનની ગણતરી કેવળ રૂપિયાપૈસામાં કરવાને બદલે, પર્યાવરણને થતું નુકસાન પણ લેખામાં લેવું જોઇએ.
ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાના ધંધા મેદાની ઇલાકામાં ઠીક છે, પણ હિમાલયમાં એ કામ લાગતા નથી. કુદરત પોતાની ‘ઇમ્પેક્ટ ફી’ બહુ ક્રૂર રીતે વસૂલી શકે છે. કેદારનાથ દુર્ઘટનાનો એ પણ એક બોધપાઠ છે.
Nature's Impact fee :), :(
ReplyDeleteImpact of political and black-Swan Economy is endangering, despite Academic Study/ies and warnings given by Environmentalist and Experts who forsee danger, resulted due to haphazard Infrastructure. We only care for penny!
ReplyDeleteAbsolutely correct!
ReplyDelete'કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે.'
ReplyDeleteઉર્વીશના આ અવતરણમાથી હું ફરીથી 'તેના બોધપાઠ' એવા બહુવચનમા વપરાયેલા શબ્દસમૂહ પર આપ સૌ વાચકોનું ધ્યાન દોરવા માગું છુ. મને એમ હતું કે કમસેકમ સમાપનમાં સૂચવાયેલો 'કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ' તો મારી ધારણા મુજબ એ જ હશે કે જે સૌએ, પણ સવિશેષ તો આ દેશની બહુમતી પ્રજા કે જે ગરીબાઈ અને અજ્ઞાનતાના અંધકારમાં ખૂપેલી છે એના માટે ખાસ કાને ધરવા લાયક હશે.
અરે ભાઈ, રિટાયર્ડ જસ્ટિસ કાતજુની ભાષામાં આવરી લેવાયેલી આ 90 % પ્રજાને એ તો બોધપાઠ આપો કે તમને પરવડતું હોય તો આનંદ-પ્રમોદ માટે પ્રવાસ-પર્યટને મજેથી જાવ, પણ આવી કોઈ પ્રકૃતિક કે માનવસર્જિત આપદામાં કેદારનાથ કે બદરીનાથ કે એવા કોઈ પણ ભગવાન/દેવ/દેવી તમારા જાનમાલની રક્ષા નહીં કરી શકે. કારણ કે એ પોતે જ આવી કટોકટીની ક્ષણોએ પોતાનું ખુદનું રક્ષણ કરી શકતા નથી, અયોધ્યાના ભગવાન રામ પોતાનું ઘર એટલે કે રામમંદિર ણ બચાવી શક્યા, ન તો અલ્લાહ પોતાનું ઘર એટલે કે બાબરી મસ્જિદ બચાવી શક્યા અયોધ્યામાં--- જે તો આપણે સૌએ સાંભળેલી-જોયેલી વાત છે ને ! કડિયા-સલાટ-ઇજનેર-મજૂરોએ ભેગા મળીને રચેલા પત્થરના પૂતળા સિવાય કઈ નથી, એમની મજબૂતી તો એ સૌના સહિયારા કૌશલ્ય અને એ પૂતળા માટે વપરાયેલા સ્ટીલ-કોંકરિટ જેવા બિલ્ડીંગ મટિરિયલ્સ પર જ આધારિત છે. બ્રાહ્મણો અગડમ-બગડમ શ્લોકોચ્ચાર અને વિધિવિધાનો કરી આ પૂતળાઓમાં 'પ્રાણપ્રતિષ્ઠા' કરી એમને ભગવાન કે દેવિદેવતા બનાવી દે છે ! શું આ જાદુગરોને તમે હજી 21મી સદીના જ્ઞાનવિજ્ઞાન છતાં સમજી શકતા નથી ?
ઉર્વીશ, તમે આપણા દેશના આ બહુજન સમાજને આવો કોઈ સાચો બોધપાઠ લેવાનું કહ્યું હોત તો આવી કરુણાંતિકાઓ ભવિષ્યમાં અટકી શકે.
You have approvingly quoted Sunita Narayan.
ReplyDeleteI would like to read the link below. Also I am separately putting the relevant para for Sunita Narayan's role:
http://sandrp.wordpress.com/2013/06/21/uttarakhand-deluge-how-human-actions-and-neglect-converted-a-natural-phenomenon-into-a-massive-disaster/
I am quoting below from the report the relevant para which highlights the role of Sunita Narayan -
"IMG report also did not mention the increased vulnerability of the region to climate change and how the projects would affect the adaptation capacity and increase the disaster potential. CSE Director General Sunita Narian, member of the IMG, filed what she called “An alternate view” but closer scrutiny reveals that it is not much of an alternate view. It says adoption of three principles would make hydropower development in Ganga basin sound, but does not bother to apply two of the principles to the projects under review. She also does not mention the numerous environmental destruction this projects would cause, how it will impact the disaster potential, nor the increased vulnerability of the region to climate change. She is the member of the Prime Minister’s advisory committee on climate change and in that context, this is most glaring. She was also a member of the High Level Working Group Chaired by Dr Kasturirangan on Western Ghats and she signed on a report that certified all hydro projects as green and renewable. Something that most other countries wont do."
By the way, I attended her Power Point presentation on her very informative book 'Excreta matters'. It does certainly add to one's knowledge. But if you read in between the lines you realize such a huge investment is hard to come by. This report is actually an invitation to the transnational companies to come in a big way and make money in the name of improving our lakes and ponds and rivers. Why so many dams in Uttarakhand? for electricity? Who will get it. Most of the power would go to the urban areas. The poor subsidize the rich by the loss of their lifeline rivers.
Nice sum-up Urvish. Unless we have a political will to identify the root of these disasters, we are doomed to have more of the same.
ReplyDeleteIncidentally have you read the balderdash that Tavleen Singh handed out just after this tragedy. It was to be read to be believed: http://www.indianexpress.com/news/environmental-frauds/1135641/0