૯૪ વર્ષની વયે ૨૩ એપ્રિલ, ૨૦૧૩ના રોજ વિદાય લેનારાં શમશાદબેગમની કારકિર્દી પર જરા જુદા ખૂણેથી એક નજર
હિંદી ફિલ્મોમાં પાર્શ્વગાયનનું પરોઢ ૧૯૩૫માં ‘ઘૂપછાંવ’થી થયા પછી ચાર-પાંચ વર્ષ સુધી ‘પાર્શ્વગાયક’ની અલાયદી હસ્તી બરાબર ઊભી થઇ ન હતી. એ સમયની પ્રખ્યાત ગાયિકાઓએ પરંપરા પ્રમાણે અભિનય અને ગાયનનું ટુ-ઇન-વન કામ ચાલુ રાખ્યું. કાનનદેવી, ખુર્શીદ જેવાં બન્ને ક્ષેત્રોમાં પ્રતિભાશાળી હતાં, જ્યારે દેવીકા રાણી અને લીલા ચીટનીસ જેવી નાયિકાઓ અભિનયપ્રતિભાના બળે જેમતેમ કરીને ગીતો ગબડાવી લેતી હતી. સરસ્વતીદેવી કે અનિલ બિશ્વાસ જેવાં સારો કંઠ ધરાવતાં સંગીતકાર પાર્શ્વગાયનમાં આંટો મારી આવતાં હતાં. પણ ફિલ્મના બીજા કોઇ પાસા સાથે સંકળાયા વિના, માત્ર ને માત્ર પાર્શ્વગાયનમાં નામ કાઢનાર કળાકાર તરીકે ફક્ત રાજકુમારીનું નામ લઇ શકાય એમ હતું (એમણે પણ થોડો અભિનય તો કર્યો હતો.)
ધોમધખતા મઘ્યાહ્ને પણ શમશાદબેગમ પ્રસિદ્ધિથી દૂર રહેવા માટે જાણીતાં હતાં. એટલે ‘ગુગલ પર બદ્ધું જ મળે છે’ના જમાનામાં પણ શમશાદબેગમની સક્રિય અવસ્થાની માંડ બે-ચાર તસવીરો મળે છે. પાછલાં વર્ષોમાં ટીવી ચેનલો પર થયેલા કવરેજ અને ‘પદ્મભૂષણ’ સન્માન જેવા પ્રસંગે કે પછી અમદાવાદમાં ત્રણેક વર્ષ પહેલાં એ ‘ગ્રામોફોન ક્લબ’નાં મહેમાન બન્યાં હતાં એવા પ્રસંગોની થોડી યાદગીરીઓ રહી ગઇ છે. પણ તેમની અસલી અને ચિરંજીવ યાદગીરી તો તેમના કંઠમાંથી અમરત્વનું વરદાન લઇને નીકળેલાં ગીતો છે.
shamshad begum/ શમશાદ બેગમ |
ફિલ્મસંગીતના ઇતિહાસને નવો- ખરેખર તો જેનો સમય આવી ગયો હતો એવો- વળાંક આપનારી ઘટના ૧૯૪૧માં બની. લાહોરના બેતાજ બાદશાહ ગણાતા ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલીની ફિલ્મ ‘ખજાનચી’માં સંગીતકાર માસ્ટર ગુલામહૈદરે નવી ગાયિકા શમશાદબેગમ પાસે ફિલ્મનાં આઠ ગીત ગવડાવ્યાં. ગાયિકાનું નામ હિંદી ફિલ્મો માટે નવું ખરું, પણ ગુલામ હૈદર અગાઉ પંજાબી ફિલ્મ ‘યમલા જટ’માં તેમના કંઠનો સફળતાપૂર્વક ઉપયોગ કરી ચૂક્યા હતા. હિંદી ગીતોમાં પણ એ અવાજ છવાઇ જશે એવો તેમને ભરોસો હશે. બાકી, ફિલ્મનાં એક સિવાયનાં તમામ ગીત એક જ અને એ પણ નવી ગાયિકા પાસે ગવડાવવાનું જોખમ તેમણે ન લીઘું હોય.
‘ખજાનચી’નાં ગીતો વિવિધ રસનાં હતાં. કોઇ કરૂણ રસપ્રધાન, તો કોઇ સખીસહેલીઓ સાથે મસ્તીનું, કોઇ કિશોરીની ચંચળતાથી છલકતું, તો કોઇ યુવાનીમાં પગ મૂકતી કન્યાની અલ્લડતા દર્શાવતું.. આ બધાં ગીતોમાં મુંબઇ-પૂણે-કોલકાતાની સંગીત પરંપરાથી અજાણ્યો એવો ગુલામ હૈદરનો પંજાબી ઠેકો એક જુદો કેનવાસ પૂરો પાડતો હતો, જેની પર શમશાદબેગમે પોતાના જાનદાર અવાજની પીંછી વડે ધબકતાં સૂરચિત્રો સર્જ્યાં. એ ફિલ્મનું સુપરહિટ ગીત હતું ‘સાવનકે નઝારે હૈ..આહા..આહા’. શમશાદબેગમ, ગુલામ હૈદર અને સાથીઓએ ગાયેલું આ ગીત ફિલ્મસંગીતમાં પંજાબી ઠેકાની સાથોસાથ શમશાદબેગમની ધમાકેદાર એન્ટ્રીની છડી પોકારનારું બની રહ્યું. કેવળ એક ગીતને કેન્દ્રમાં રાખીને ફિલ્મની જાહેરખબર કરાઇ હોય એવો પણ કદાચ આ પહેલો કિસ્સો હશે. (જાહેરખબરની મઝા માટે ફોટો પર ક્લિક કરીને તેને મોટા કદમાં જુઓ)
sawan ke nazare hain- ad, (film india) |
બીજા વર્ષે ગુલામ હૈદર દલસુખ પંચોલીની જ ફિલ્મ ‘ખાનદાન’(૧૯૪૨) માં નૂરજહાંને લઇ આવ્યા, જે પહેલી જ ફિલ્મથી ગાયિકા-અભિનેત્રી તરીકે ઝળહળી ઉઠ્યાં. નૂરજહાં અને શમશાદબેગમ વચ્ચે કોઇ સ્પર્ધાનો પ્રશ્ન ન હતો. શમશાદબેગમની એકમાત્ર ઓળખ પાર્શ્વગાયિકા તરીકેની હતી, જે બદલાઇ રહેલા યુગમાં તેમને વઘુ ઉપયોગી થવાની હતી. ગાયિકા-અભિનેત્રીઓ મોટા ભાગના કિસ્સામાં પોતાના પર ચિત્રિત થયેલાં ગીતો જ ગાતી, જ્યારે પાર્શ્વગાયિકા શમશાદબેગમ માટે મેદાન મોકળું હતું. રણકતા, વજનદાર, માઘુર્યભર્યા અવાજના બળે તેમને એ મેદાન સર કરતાં વાર ન લાગી.
આજે વિચારતાં નવાઇ લાગે, પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે નૌશાદની કારકિર્દી લગભગ શમશાદ બેગમની સમાંતરે પાંગરી. છતાં એ બન્નેનો પહેલો મેળાપ છેક ‘શાહજહાં’(૧૯૪૬)માં થયો. ત્યાં સુધીમાં નૌશાદે રાજકુમારી, અમીરબાઇ કર્ણાટકી, ઝોહરાબાઇ અંબાલાવાલી, નસીમ અખ્તર જેવી બીજી પ્રતિભાશાળી ગાયિકાઓ પાસે ગવડાવ્યું હતું અને ‘રતન’ જેવી ફિલ્મને સંગીતના જોરે સુપરહિટ બનાવી હતી. અનિલ બિશ્વાસ જેવા મુંબઇના એ સમયના અગ્રણી સંગીતકારે પણ શમશાદબેગમ પાસે મોડેથી (અને ઓછું) ગવડાવ્યું. છતાં હરમંદિરસિંઘ ‘હમરાઝ’ સંકલિત, સંગીતપ્રેમીઓની ભગવદ્ગીતા જેવા હિંદી ફિલ્મ ગીતકોશના ખંડ-૨ (૧૯૪૧-૫૦) પર નજર ફેરવતાં શમશાદબેગમના કામનો ખ્યાલ આવે છે. અત્યારે અજાણ્યા બની ચૂકેલા ઘણા સંગીતકારો માટે શમશાદબેગમે ત્યારે સંખ્યાબંધ ગીત ગાયાં હતાં. ઉપરાંત ગુલામ હૈદરની હિટ ફિલ્મો ‘ઝમીંદાર’, ‘પૂંજી’, ‘બહેરામખાન’, ‘હુમાયું’, ‘શમા’ જેવી ફિલ્મોમાં શમશાદબેગમનાં ગીત ભારે આકર્ષણરૂપ રહેતાં. રાજ કપૂરે પોતાનું નિર્દેશન ધરાવતી પહેલી ફિલ્મ ‘આગ’(સંગીતઃ રામ ગાંગુલી, ૧૯૪૮)માં સ્ત્રીસ્વરનાં બધાં ગીત શમશાદબેગમ પાસે ગવડાવ્યાં, એ હકીકત પરથી શમશાદબેગમના સ્થાનનો અંદાજ આવશે.
ચાળીસીના દાયકાના ઉત્તરાર્ધનાં થોડાં વર્ષ શમશાદબેગમ માટે ટોચ પર રહ્યાં. એ સમયગાળો લતા મંગેશકરનાં અવાજ અને પ્રભાવની ચડતી કળાનો હતો. પચાસના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં લતા મંગેશકરનું કંઠ્ય અને કંઠ્યેતર વર્ચસ્વ લગભગ સંપૂર્ણતાની નજીક પહોંચ્યું. તેની સીધી અસર શમશાદબેગમ જેવી ગાયિકાઓની કારકિર્દી પર પડી. ૧૯૪૮-૪૯ની આસપાસ લતા મંગેશકરના અવાજમાં રહેલા જાદુનો ખેમચંદ પ્રકાશ (મહલ), ગુલામ હૈદર (મજબૂર), નૌશાદ (અંદાઝ), અનિલ બિશ્વાસ (અનોખા પ્યાર), શંકર જયકિશન (બરસાત), સી. રામચંદ્ર (નમૂના) જેવા સંગીતકારોએ ભરપૂર ઉપયોગ શરૂ કર્યો, ત્યારે શમશાદબેગમ અડીખમ હતાં.
બન્ને વચ્ચે કે ખરૂં પૂછો તો કોઇ પણ મહાન ગાયક-ગાયિકાની બીજા સાથે સરખામણી થઇ ન શકે. કરવી ન જોઇએ. છતાં, લતા મંગેશકર પહેલાંના યુગમાં ગાયિકાઓનું ઘણું વૈવિઘ્ય હતું- અને વિશાળ રેન્જ ધરાવતી ગાયિકાઓમાં શમશાદબેગમ મોખરે હતાં. નૌશાદે ‘અનોખી અદા’, ‘મેલા’, ‘બાબુલ’, ‘ચાંદની રાત’, ‘દુલારી’ ‘જાદુ’ જેવી ફિલ્મોમાં શમશાદબેગમના કંઠનો ભરપૂર ઉપયોગ કર્યો. ‘મેલા’માં ઝોહરાબાઇના એક ગીતને બાદ કરતાં, મહિલા સ્વર ધરાવતાં તમામ ગીતોમાં શમશાદબેગમનો અવાજ હતો. આ ફિલ્મનું ‘ધરતીકો આકાશ પુકારે’ આખા યુગનું પ્રતિનિધિત્વ કરે એવું ગીત બની રહ્યું. પચાસના દાયકામાં નૌશાદે દીદાર, આન, બૈજુ, શબાબ, મધર ઇંડિયા, મુગલે આઝમ જેવી ફિલ્મોમાં શમશાદબેગમ પાસે યાદગાર ગીતો ગવડાવ્યાં, પરંતુ તેમની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી ઓછી હતી. નૌશાદ અને શમશાદબેગમની યુતિનું છેલ્લું યાદગાર ગીત ‘તેરી મહેફિલમેં કિસ્મત આજમાકર’ (મુગલે આઝમ, ૧૯૬૦) હતું.
નૌશાદના સહાયક તરીકે કામ કરતા, પણ સ્વતંત્રપણે ઉત્તમ સંગીતકાર એવા ગુલામ મહંમદે શમશાદબેગમ પાસે અનેક વિશિષ્ટ ગીત ગવડાવ્યાં. ‘લાદે મોહે બાલમા આસમાની ચુડિયાં’ જેવું એ જમાનાનું ‘રેપ’ ગીત હોય, ‘મેરે ધુંઘરવાલે બાલ હો રાજા’ જેવું ‘આઇટેમ સોંગ’ હોય કે પછી ‘રોતે હૈં નૈના ગમકે મારે...ઘુમચકારે’ (અંબર) જેવું આક્રંદગીત- ગુલામ મહંમદનાં આવાં બધાં ગીત શમશાદબેગમનો કંઠ પામીને સંગીતપ્રેમીઓમાં અમરત્વ પામ્યાં.
લતા મંગેશકરની સમાંતરે સંગીતકાર તરીકે નામ કાઢી રહેલા સી.રામચંદ્ર ચાળીસીના ઉત્તરાર્ધમાં મ્યુઝિકલ કોમેડી ફિલ્મોમાં ઘૂમ મચાવી રહ્યા હતા. નિર્દેશક-ગીતકાર પી.એલ.સંતોષી સાથે તેમની જોડી જામી હતી. તેમણે શમશાદબેગમ પાસે આના મેરી જાન મેરી જાન સન્ડેકે સન્ડે, જલનેવાલે જલા કરે, મેરે પિયા ગયે રંગૂન, ફિફ્ટી ફિફ્ટી, ટમટમસે ઝાંકોના રાનીજી, પહલી હી મુલાકાતમેં જેવાં નખરાળાં-મસ્તીભર્યાં ગીત ગવડાવ્યાં. પરંતુ લતાયુગ શરૂ થયા પછી ‘અલબેલા’થી સી.રામચંદ્રની યાદીમાંથી શમશાદબેગમ ગાયબ થઇ ગયાં. ‘સૈંયા દિલમેં આના રે’થી જાણીતી ફિલ્મ‘બહાર’ (૧૯૫૧)માં સંગીતકાર એસ.ડી.બર્મને હીરોઇનનાં તમામ ગીત શમશાદબેગમ પાસે ગવડાવ્યાં, પણ તેમની યુતિનું બહુ પુનરાવર્તન થયું નહીં.
શમશાદબેગમની કારકિર્દીનો ઉત્તરાર્ધ ઘણુંખરું ઓ.પી.નૈયરનાં ગીતોથી જાણીતો બન્યો. ‘આરપાર’, મિસ્ટર એન્ડ મિસિસ ’૫૫’ જેવી ગુરૂદત્તની ફિલ્મોથી સફળતાની ટોચે પહોંચનાર નૈયરનાં મુખ્ય ગાયિકા ગીતા દત્ત અને પછી આશા ભોસલે રહ્યાં, પણ શમશાદબેગમના કંઠનો તેમણે સરસ ઉપયોગ કર્યો. ઓ.પી.નૈયર લાહોરમાં કિશોરાવસ્થામાં હતા ત્યારે શમશાદબેગમ ગાયિકા તરીકે સ્થાપિત થઇ ચૂક્યાં હતાં અને નૈયર તેમના ચાહક હતા. એટલે શમશાદબેગમ પાસે ગવડાવવાની તક મળે એ નૈયર માટે રોમાંચની વાત હતી. એમના કંઠને નૈયર ‘કાંસાના રણકાર જેવો’ કે ‘મંદિરના ઘંટના ગુંજારવ જેવો’ ગણાવતા હતા. પચાસના દાયકામાં નૈયરે બનાવેલું ‘લેકે પહેલા પહેલા પ્યાર’ (રફી સાથે,સીઆઇડી) શમશાદ બેગમનાં સૌથી જાણીતાં ગીતોમાંનું એક બની રહ્યું. તેમનું છેલ્લું યાદ રહી ગયેલું સુપરહિટ ગીત ‘કજરા મોહબ્બતવાલા (કિસ્મત, ૧૯૬૮) નૈયરે જ સ્વરબદ્ધ કર્યું હતું. એ શમશાદબેગમની કારકિર્દીનો સંઘ્યાકાળ હતો.
અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના કાર્યક્રમમાં, સૌની અપેક્ષાથી વિપરીત, છેવટ સુધી બેઠેલાં અને કાર્યક્રમ પછી ચાહકોનું અભિવાદન ઝીલતાં શમશાદ બેગમ |
(આ લેખમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો યુટ્યુબ પર ફિલ્મનું અને શમશાદબેગમનું નામ લખવાથી જોવા-સાંભળવા મળી શકશે.)
બહુજ સરસ અને વિગતવાર શમશાદ બેગમની ગીતયાત્રા રજૂ કરી. આપની બધી રજૂઆત કઇક હટકેજ હોય છે જેથી પરિતૃપ્તીનો આનન્દ અનુભવાય છે---મજા આવી વાચવાની.
ReplyDeleteGood job, Urvish for writing such detailed article on her. My dad was big fan of her. The start "Dharati ko aakash pukare" gives one goose bumps! In general her voice was as mentioned like "kansu" and filled with punch, in that song her voice is just simply soothing and mesmerizing...
ReplyDeleteSP
I express thanks for your details on narration. May i request to provide detail and or link of interview, please.
ReplyDeleteJabir