છેલ્લા એકાદ વર્ષથી જાણે બધાં ન કરવાનાં કામ સાથે કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી હોય એવું લાગે છે. :-) પહેલાં વિદ્યાર્થી બન્યો, પછી પહેલી વાર નાટકમાં ભાગ લીધો ને મંચ પરથી નાટક કર્યું, એટલું ઓછું હોય તેમ એમાં ગીતો પણ ગાયાં, પછી પ્રકાશક બન્યો અને હવે..
ગઇ કાલે કોલેજમાં આખા દિવસનો ન્યૂ મીડિઆ વિશેનો એક સેમિનાર અને છેલ્લે `મીડિઆ મુશાયરો` હતો. તેમાં બે કવિતાઓ- બલ્કે, જૂની ક્લાસિકલ કવિતાઓની મીડિઆકેન્દ્રી પેરડી- પણ રજૂ કરી. બીજાં (દુઃ)સાહસો વિશે અહીં વિગતે લખ્યું છે, તો થયું કે આ પણ શા માટે બાકી રહી જાય? એટલે આ રહી એ ત્રણ અનુકૃતિઓ.
ગઇ કાલે કોલેજમાં આખા દિવસનો ન્યૂ મીડિઆ વિશેનો એક સેમિનાર અને છેલ્લે `મીડિઆ મુશાયરો` હતો. તેમાં બે કવિતાઓ- બલ્કે, જૂની ક્લાસિકલ કવિતાઓની મીડિઆકેન્દ્રી પેરડી- પણ રજૂ કરી. બીજાં (દુઃ)સાહસો વિશે અહીં વિગતે લખ્યું છે, તો થયું કે આ પણ શા માટે બાકી રહી જાય? એટલે આ રહી એ ત્રણ અનુકૃતિઓ.
(દલપતરામની ’ઊંટ કહે’ પરથી છાપાંની એડિટ મિટિંગની પેરડી.)
તંત્રી કહે-
તંત્રી કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડાં
અખબારી બીટ તણા રીપોર્ટર અપાર છે
’બજાર’નું મોઢું મોટું, `ક્રાઇમ`ની
કડદાબાજી
`એજ્યુકેશન`માં ’સિન્ડિકેટ’નો આધાર છે
`ધરમ`ના ધંધા, `પોલિટિક્સ` મહીં ફંદા અને
`વિધાનસભા`ને શીર દુનિયાનો ભાર છે
સાંભળીને ટ્રેઇની બોલ્યો,
દાખે હલકટરામ
અન્યોનો તો એક ’વહીવટ’, આપના અઢાર છે
***
(ઇન્દુલાલ ગાંધીની વિખ્યાત કવિતાઓ ’આંધળી માનો કાગળ’ અને ’દેખતા દીકરાનો જવાબ’ની પેરડીઃ અહીં શહેરમાં જઇને ટીવી ચેનલમાં રીપોર્ટર તરીકે કામે લાગેલા જણને તેના ગામના મિત્રનો ઇ-મેઇલ લખાવે છે)
ગામના દોસ્તનો ઇ-મેઇલ
અમૃત ભરેલું અંતર જેનું, આઘાતથી થયું ફેઇલ
પૂનમચંદના પાનિયા આગળ દોસ્ત લખાવે મેઇલ
ભેરૂ એનો અમદાવાદમાં
ભરાણો છે એક ચેનલમાં
લખ્ય કે ભઇલા, પાંચ વરસમાં કેમ નથી
એકેય મેઇલ
ચેનલ તારી એવું તે કેટલું
કાઢે છે તારું તેલ
રીપોર્ટિંગ જોઇને તારાં
રોવું મારે કેટલા દહાડા?
ભાણાનો ભાણિયો લખે છે કે
ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય બુલેટિનુંમાં, રાતે હોટેલનું ખાય
નીતનવાં લુગડાં પહેરે
અચ્છેઅચ્છાને ખંખેરે
હોટેલનું ઝાઝું ખાઇશ મા, એમાં રાખજે તું થોડું
માપ
માંદો પડ્યો તો દવાના રૂપિયા
કોણ દેશે, તારો બાપ?
કાયા તારી રાખજે રૂડી
રીપોર્ટરની ઇ જ છે મૂડી
જમીન વેચી, બળદ વેચ્યા, કર્યો છે ફ્લેટમાં વાસ
ખિચડીનો જોગ થાય નહીં તો પીઉં છું ડેરીની છાશ
તારે પકવાનનાં ભાણાં
મારે તો એક જ ટાણાં
તું તો થયો મોટો ચેનલવારો, ઘૂમતો ગામેગામ
નથી રહી હવે મારામાં ઘરની બાર નીકરવાની હામ
તારે તો ’પ્રેસ’ના જલસા
મારે બે ટંકનાં સાંસાં
(’પ્રેસ’- પ્રેસ કોન્ફરન્સ)
લિખિતંગ તારા જિગરી દોસ્તના વાંચજે ઝાઝા જુહાર
રહ્યું નથી એકે સુખનું કારણ, જીવન થયું છે અસાર
***
શહેરી ચેનલ-મિત્રનો જવાબ
કામ કરી જેના નીકળ્યા ગાભા, જાણે બેઠી છે ઘાત
ગામના ભેરૂનો શહેરી જિગર, કરતો મનની વાત
વાંચી તારાં દુખડાં ભારી
ભીની થઇ આંખડી મારી
પાંચ વરસમાં કાગળ નથી, એમ તું નાખતો ધા
આવ્યો છું ત્યારથી મારે તો ઓફિસ એક જ બંધુ-સખા
બાંધ્યાં રૂડાં ખોપચાં જેણે
રાખ્યો રંગ રાતનો એણે
(ખોપચાં- ઓફિસનાં ક્યુબિકલ્સ)
ભાણિયો તો દોસ્ત થાય ભેળો મને, મળે જો કદી
રજા
સ્ટુડિયોનાં મારાં લૂગડાંમાં એણે જોઇ લીધી શી મજા?
કેમેરામાં લાગીએ મોંઘા
કેમેરાની પાછળ સોંઘા
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, મળતી નહીં કદી લીવ
રાત ને દિવસ પાળીયું ભરીને ચૂંથાય છે મારો જીવ
ખુરશીમાં નીંદર ના’વે
ગોદડાંની યાદ સતાવે
ખીચડીને ઝાઝા જુહાર કે’જે, અહીં તો ચાનો જ
જોગ
ગામ છોડીને આવીયો એમાં તો લાગ્યા છે મારા ભોગ
શહેરની ઓફિસો મોટી
પાયામાંથી સાવ છે ખોટી
ઓફિસમાં ભીંસ વધી પડી ને, રોજ પડે પસ્તાળ
ચેનલ કરતાં કારીગરીમાં દેખાય છે ઝાઝો માલ
નથી જાવું ’પ્રેસ’માં મારે
દિવાળીએ આવવું ઘેરે
મેઇલનું શું કામ છે તારે, વાવડ સાચા જાણ
પ્રેસની માયાવી નગરીમાં મારા કંઠે રે આવ્યા પ્રાણ
હવે નથી ગોઠતું મને
આવી જવું તારી કને
હા હા હા... વાહ "કવી"(કાયદેસર), તમને તો ફાવે છે...
ReplyDeleteParody satires with soft words some time play mimicri and allows to think on condition. Some satirist like Poet Akbar Allahabadi's sattire differently.
ReplyDeleteMaja avi gai. hon.
હા હા હા... પ્રેસવાળાની જિંદગીની આબાદ કલ્પના કરી છે.
ReplyDeleteMaja padi....somewhere it relates to each & every journalists
ReplyDeleteકંઈક અલગ રચના મનને આનંદ આપી ગઈ ! સાથે વાસ્તવિકતા નું દુઃખ પણ છે!
ReplyDelete