ગુરુવારે, ૨૮ ફેબ્રુઆરી, અમારી પંદર દિવસની થિએટર વર્કશોપનો છેલ્લો દિવસ હતો.
નિમેષ દેસાઇએ અમારી પાછળ કરેલી મહેનત અને અમારી પાસેથી કઢાવેલા કામની એ દિવસે
જાહેર રજૂઆત હતી. અમારી ટીમનાં પંદર-પંદર મિનીટનાં ત્રણ નાટક (ગીતો સહિત) રજૂ
થવાનાં હતાં.
રીહર્સલની મસ્તીઓઃ નો'તું કહ્યું? જરા સાચવીને.. વાગ્યું તો વાગ્યું... સો વોટ? |
માથા પ્રમાણે ફ્રેમ કે ફ્રેમ પ્રમાણે માથું? |
ખાલી બેસી રહે એ આશિષ કક્કડ નહીં...યમદૂતન મદદ કરતા આશિષભાઇ |
ભોલારામકા જીવઃ (ડાબેથી) ચિત્રગુપ્ત, યમદૂત, યમરાજ અને નારદ |
સહપાઠીઓ અને બીજા મિત્રોનું ઓડિયન્સ |
'વિરોધાભાસ' - ફાઇનલ શોનો ગ્રુપ ફોટો |
મંડાયો છે યજ્ઞ, આપો આહુતિ
લોકો વિકાસમજ્ઞ, આપો આહુતિ
પહોળા પહોળા રસ્તા, બખોલ જેવડાં મન
લાળ ટપકતી જીભે માગે આહુતિ
ફાટી આંખે તમે આપો આહુતિ
ઓમ ઝૂંપડપટ્ટી સ્વાહા
પોશ એરિયાની શરમ સ્વાહા
ગરીબોદ્ધારના ભરમ સ્વાહા
ઓમ ટાબરિયાંની નિશાળ સ્વાહા
બુઢ્ઢાંનો સંધ્યાકાળ સ્વાહા
ઓમ વિકાસાય નમઃ
નિમેષભાઇએ આ શબ્દોને અસરકાર રીતે લયબદ્ધ રીતે તૈયાર કરાવ્યા હતા, જે મારે ઉચ્ચારવાના હતા અને સાથે કોરસ હતું.
બીજાં પણ થોડાં સંગીતતત્ત્વો આ નાટકમાં હતાં, જેમ કે, કાકા બનેલા દીપકે ગાયેલી બે લીટી
ભંગારપુરામાં કો’ક દિ’ ભૂલો પડ ભગવાન,
તું થા ને મારો મહેમાન, તને નરક ભૂલાવું શામળા
પણ આખા નાટકમાં સંગીતની રીતે સૌમાં શિરમોર હોય તો એ, નિમેષભાઇએ એક ડાયલોગના પ્રતિભાવ તરીકે તત્કાળ બનાવી
કાઢેલું બે લીટીનું ’ગીત’. એકથી એક ચડિયાતા ડાયલોગ ધરાવતા દારૂડિયાના પાત્રનો છેલ્લો ડાયલોગ હતો, ’બકા, વિકાસની લાયમાં ચ્યારનું પીધું
નથી. તું કંઇ નહીં આલે?’ અને ત્યાંથી નિમેષભાઇએ ગીત ઉપાડ્યું હતું-
નહીં આલે, નહીં આલે, નહીં આલે,
એ કંઇ નહીં આલે,
લેવા માટે બેઠા છે એ,
કંઇ નહીં આલે,..એ કંઇ નહીં આલે..
વાંચવામાં સીધુંસાદું લાગતું આ ગીત પહેલી વાર થયું
ત્યારથી જ અમારા સૌના મનમાં ઉતરી ગયું. એનું મુખ્ય કારણ હતું ઝટ જીભે ચડી જાય એવી
સરસ ધૂન અને સીધાસાદા છતાં નાટકને અનુરૂપ સોંસરવા શબ્દો...નાટકના પઠન વખતે ગવાયા
પછી બધા દિવસ આ ગીત અમારા સૌના ચિત્તતંત્રમાં છવાયેલું રહ્યું -અને હજુ પણ એ
નીકળવાનું નામ લેતું નથી. સ્કૂટર ચલાવતાં ચલાવતાં કે ક્લાસમાં બેઠાં બેઠાં કે
લખતાં લખતાં પણ એ મનમાં ધસી આવે છે.
.
છેલ્લા બે દિવસ પહેલાં થયું કે ’નહીં આલે’ સરસ ’થીમ સોંગ’ હોવા છતાં આટલું ઝડપથી પૂરું થઇ
જાય એ ખટકે છે. એટલે સ્કૂટર ચલાવતાં ચલાવતાં જ થોડી લાઇનો વિચારી.અને મણિનગર
સ્ટેશનના પાર્કિંગમાં પહોંચીને સૌથી પહેલાં ડાયરીમાં ઉતારી લીધી. બીજા દિવસે તેમાં
થોડા સુધારાવધારા કરીને નિમેષભાઇને સંભળાવી. એમણે રાજીપો બતાવતાં એ લાઇનો પણ અમારી
વર્કશોપના ’બિનસત્તાવાર રાષ્ટ્રગીત’ એવા ’કંઇ નહીં આલે’ માં ઉમેરાઇ ગઇ. એ લાઇનો હતીઃ
વિકાસને એ ગજવે ઘાલે
માગીએ જો અબ્બી, કહેશે કાલે
એ જ અહીં ચાલે...
એ કંઇ નહીં આલે
’નહીં આલે’ નાટક જોનારા ઘણા મિત્રોને પણ એ
ગીત અડ્યું એનો વધારે આનંદ થયો. બાકી, એમએમસીજે-સેમેસ્ટર-૨નું તો એ
આઇ-કાર્ડ, ના ’વી-કાર્ડ’, બની ગયું. નાટકના ફાઇનલ શો વખતનાં છેલ્લાં દૃશ્યો અને ગીત. ( તત્કાળ ધોરણે એડિટ થયા વગરનું રેકોર્ડિંગ મૂક્યું છે.)
ત્રીજું નાટક ચિત્રવિચિત્ર ટેવો વિશેનું હતું. એમાં
પહેલાં સાવ બાહરી આદતોની મસ્તી કરવાનું વિચાર્યું હતું. એ પ્રમાણે સૌએ એક
પરિવારનાં થોડાં પાત્રો વિચાર્યાં. એક દાદા જે કહેતા હોય, ’મારાથી બદ્ધું સહન થાય પણ..’, એક તંત્રી જે છાપાંનાં કપડાં
પહેરીને ફરતો હોય અને એના હાથમાં કાતર હોય, એક કામવાળી જે ભૂતકાળમાં મુંબઇમાં બાર ડાન્સર હોય અને મહેમાનો માટે પાણી
લાવવાનું થાય ત્યારે પૂછે, ’સોડા સાથે કે નીટ?’, એક ફાંકોડી સંગીતકાર (હાર્મોનિયમ વગાડી શકવાને કારણે
એ પાત્રમાં મારું કાસ્ટિંગ તત્કાળ થઇ ગયું), એક પંચાતિયણ વહુ, એક નિવૃત્ત કામચોર સરકારી
કર્મચારી સાસુ, એક દેવદાસ પુત્ર, એક શિક્ષિકા વહુ...
એકાદ નાનો સીન લખ્યો. બીજા દિવસે નિમેષભાઇને
સંભળાવ્યો, એટલે એમણે કહ્યું કે આ બધું તો
બરાબર:છે, પણ હજુ જોઇએ એવું જામતું નથી.
એકદમ બાહરી બાબતો પકડવાને બદલે ’વૃત્તિ’ કહેવાય એવી બાબતો પકડવી, એવું એમણે સૂચવ્યું. એટલે અમે
અગાઉના સીનમાં ફેરફાર કર્યા, બાર ડાન્સર સહિતનાં થોડાં પાત્રો
રવાના કર્યાં અને થોડું નવું લખ્યું. પછી અમે વિરોધાભાસના નાટકમાં મશગૂલ થયા. એ
સિવાયની બીજી થોડી પ્રવૃત્તિઓ-ગુલઝારની કવિતાનું ભાવાત્મક પઠન વગેરે. બધાના મનમાં ઉંડે ઉંડે આશા હતી કે એક હિંદી અને
એક ગુજરાતી નાટક કરી લઇશું તો ચાલશે. પણ નિમેષભાઇએ છેલ્લા ચાર-પાંચ દિવસ બાકી હતા
ત્યારે લક્ષણોવાળું નાટક વાંચવા કહ્યું. મેં ’એમાં કંઇ બહુ કાઢી લેવાનું નથી’ એવા ભાવથી વાંચ્યું, પણ એમાં પાત્રો અને તેને અનુરૂપ ગીતો હતાં.
એ
સાંભળીને નિમેષભાઇ કહે,`આ તો મઝાનું છે. પૂરું કરવું જ
પડશે.’ એટલે ઓછા સમયમાં ઝડપથી થાય એવા ઓટણ તરીકે તેનો અંત કરી નાખ્યો અને
રીહર્સલમાં વિરોધાભાસ કરતાં પણ વધારે ઝડપથી એ તૈયાર થઇ ગયું. તેનું એક ગીત ’આ દુનિયા કાંકરિયાનું ઝૂ છે’ પહેલા જ વાચનમાં નિમેષભાઇએ એટલું સરસ ગાઇ બતાવ્યું કે એ બધાના મનમાં રમતું થઇ ગયું. તેના રીહર્સલની વિડીઓ.
'એવા રે અમે એવા' નો ગ્રુપ ફોટો |
વર્કશોપની સાવ શરૂઆતમાં ત્રણ ગ્રુપ પાડ્યાં હતાં.
એમાં વિરોધાભાસ અને ટેવ ઉપરાંત ત્રીજો વિષય હતો ક્રાઇસિસ. બે ગ્રુપમાં હું ’સત્તાવાર’ રીતે સંકળાયેલો હતો, પણ પહેલી તકે, હું જેમાં સીધો સામેલ ન હતો એવા, ટેવો વિશેના નાટકમાં મઝાથી રસ
લઇને- સંકળાઇને ગ્રુપના અલગાવનો વીંટો વાળી દીધો. ત્યાર પછી બધાં તમામ નાટકો સાથે
સંકળાયેલાં થઇ ગયાં. ક્રાઇસિસ વિશેના થીમમાં ’ક્રાઇસિસ ઓફ કોન્શ્યન્સ’ અંતર્ગત અમે
એવી કાચી કથા વિચારી કે દિલ્હીઘટના જેવા કોઇ બનાવના વિરોધમાં એક સરઘસ નીકળ્યું છે.
એમાં થોડા સારા લોકો છે ને થોડા વિચિત્ર પણ ખરા, જેમને વિરોધ કરવા કરતાં વિરોધનો ફોટો ફેસબુક પર મુકવામાં કે ન્યૂઝચેનલવાળા
આવે ત્યારે હડી કાઢવામાં વધુ રસ છે. એવા ચાર લોકો ઘરે જઇને તેમની પત્ની કે
પ્રિયતમા કે સ્ત્રી-મિત્ર સાથે કેવું વર્તન કરે છે અને સ્ત્રીઓના અધિકાર કે સમાનતા
વિશેનો તેમનો ખ્યાલ કેવો વાંધાજનક છે, એની તેમાં વાત હતી. ચારેયના
સંવાદોમાં સ્ત્રીઓ પુરૂષ સાથે દલીલ કરે અને સામેવાળાને આ વાતનો અહેસાસ કરાવે. આ
કથાની વન લાઇન સ્ટોરી એવી હતી કે ’એક મીણબત્તી આપણા ઘરમાં સળગાવીએ. અંધારું દૂર
કરવાની શરૂઆત ઘરથી કરીએ.’ અને ’ઘરનું અજવાળું રસ્તા પર પડશે તો રસ્તાનું અંધારું ઓછું જ થવાનું છે.’
બે નાટકો લખવામાં સંકળાઇ ગયા પછી આ ત્રીજું લખવાની
માનસિક જગ્યા ન હતી અને લખવાની જવાબદારી લેનાર એક ક્લાસમેટની સતત અનિયમિત હાજરી
રહેતી હતી. એટલે એ નાટક આગળ વધાર્યું નહીં.
અમારાં ત્રણે નાટકો અને કાવ્યના વાચન પછી આશિષ કક્કડ, અભિષેક શાહ, ધૈવત ત્રિવેદી, બિનીત મોદી, મયુરિકા જેવાં મિત્રોએ બે સારા શબ્દો કહીને અમારા
પ્રયાસને પ્રોત્સાહન આપ્યું.
આશિષભાઇએ એવું પણ સૂચવ્યું કે ત્રણે નાટકોનું ’રંગમંડળ’ જેવી જગ્યાએ ફરી એક વાર કરવાં
જોઇએ. એ વિશે અમે વિચારીએ છીએ. નિમેષભાઇ, આશિષભાઇ-અભિષેક અને કબીરભાઇ
(ઠાકોર) જેવા મિત્રોના સહકારથી એ શક્ય બને તો મઝાનું એક્સેટેન્શન થાય. એથી વધારે
કશું એના વિશે - કે નાટકની દિશામાં પણ- ધારવાની જરૂર નથી. હા, અત્યારે ક્લાસના સૌને એટલું
તો લાગે છે કે આવતા વર્ષે આઇએનટીની સ્પર્ધામાં ડીપાર્ટમેન્ટ તરફથી ભાગ લેવો. આવતા વર્ષ સુધી એ ઉત્સાહ કેટલોક ટકે છે એ જોવાનું, પણ અમારું આ વર્ષ તો થિએટરની વર્કશોપને કારણે યાદગાર બની ચૂક્યું છે - અને એમાં કોઇ અતિશયોક્તિ કે ઉભરો નથી.
નાટકો પૂરાં થયાં પછી નિમેષભાઇએ બધાની ફરમાઇશ પર 'નહીં આલે' ગાયું |
બધા વિદ્યાર્થીઓ અને આશિષ કક્કડ, અભિષેક શાહ, ધૈવત ત્રિવેદી, હિતેન ભટ્ટ જેવા મિત્રો, સોનલબેન, કુસુમ કૌલ, પ્રશાંત, દીપકભાઇ જેવા ડીપાર્ટમેન્ટના મિત્રો |
..અને છેલ્લે આનંદની ઉજવણી |
રીહરસલના સરસ વિડીઓ સાથે નાટકના અંશોને નિહાળવાની મજા માણી. આવા અનુભવો જીવનની યાદગાર ક્ષણો સમ બની જતા હોય છે.
ReplyDeleteજમાવટ છે...
ReplyDeleteકેટલાંક "પાત્રો"ને રૂબરૂ મળ્યા પછી ફરી આ વાંચવાની મજા પડી..
ReplyDelete