માણસ માટે શિક્ષણ અને આરોગ્ય એવા બે પાયાના મુદ્દા
છે, જે સૌ કોઇને
ડીઝલ-રાંધણગેસના ભાવ કરતાં કે શેરબજારના સેન્સેક્સ કરતાં કે નેતાઓના કૌભાંડ કરતાં
અનેક ગણા વધારે સ્પર્શે છે. છતાં, તેનાં મથાળાં બનવાનાં દૂર રહ્યાં, ભાગ્યે જ તે ચર્ચાય છે.
કોઇ ઓમપ્રકાશ ચૌટાલા મુખ્ય મંત્રીપદે રહીને 3,206 શિક્ષકોની ભરતીમાં ગોટાળા કરાવે, લાયકાત વગરના લોકોને યાદીમાં ઘુસાડી દે, એમનો જ કોઇ આઇએએસ સાગરિત ફુટી જઇને ફરિયાદ કરે,
દસ વર્ષે અદાલત ન્યાય કરે, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એવા ચૌટાલા, તેમના પુત્ર તથા બે આઇએએસ સહિતના ગુનેગારોને
દસ-દસ વર્ષની સજા થાય ત્યારે એ સમાચાર
માધ્યમોમાં ચમકે છે, પણ વચ્ચેનાં
વર્ષોમાં લાયકાત વગરના શિક્ષકોની મોટા પાયે ભરતીને કારણે હરિયાણામાં પ્રાથમિક
શિક્ષણની જે અવદશા થઇ હશે, તે બહુ ચર્ચા કે ચિંતા જન્માવતી નથી.
હરિયાણા કે ઉપ્રદેશ- બિહાર જેવાં રાજ્યો ન
હોત, તો આપણું શું થાત? એવો વિચાર ગૌરવઘેલી માનસિકતાના વાતાવરણમાં ઘણી
વાર આવી જાય. હરિયાણા છે એટલે જ્ઞાતિવાદી અત્યાચારો ને સ્ત્રી-પુરૂષ ગુણોત્તર જેવા મુદ્દે
"આપણું સાવ હરિયાણા જેવું નથી’ એમ કહીને કોલર ઊંચા રાખી શકીએ છીએ. કાયદો-વ્યવસ્થાની વાત આવે એટલે ગુજરાતની
સ્થિતિ "યુ.પી.-બિહાર જેવી નથી’ એ કાયમી આશ્ર્વાસનનો મુદ્દો બની રહે છે. બાહરી વિકાસની અને ધંધાઉદ્યોગોમાં મૂડીરોકાણની
વાત આવે ત્યારે રાજ્યની સરખામણી ચીન-જાપાન સાથે કરવાની અને નાગરિકોના હક-હિતની અને
તેમની અવદશાની વાત આવે ત્યારે યુ.પી.-બિહાર-હરિયાણા યાદ કરવાનાં, આ દંભ સૌને સદી ગયો છે. એટલે જ, ચૌટાલાના શિક્ષકભરતી કૌભાંડને લીધે હરિયાણામાં
પ્રાથમિક શિક્ષણની કેવી અવદશા થઇ હશે, એ વિચારતી વખત "વિકસિત’ ગુજરાતની કેવી હાલત છે એ વિચાર આવતો નથી.
ફ્લાયઓવર, રસ્તા અને વિદેશી મૂડીરોકાણ આવી જાય એટલે સારા
શિક્ષણની જરૂર નહીં પડે એવું તો ગુજરાતીઓ નહીં જ માનતા હોય.
-કે પછી એક વાર બનાસકાંઠામાંથી ક્રુડ ઓઇલ મળી આવ્યું
ત્યારે મુખ્ય મંત્રીએ તેમની હવા ભરેલા બલૂન જેવી શૈલીમાં કહ્યું હતું તેમ,
"લોકોના ઘરે નળ ખોલતાં ક્રુડ
ઓઇલ આવશે’, એટલે ભણવાનું ઠેકાણા
વગરનું હશે તો ચાલશે?
કલ્પના નહીં,
વાસ્તવિકતા
ગુજરાતના પ્રાથમિક શિક્ષણને લગતા વિચારો આવવાનાં
ઘણાં કારણ છે. સૌથી તાજું કારણ એ કે આ વખતના "વાઇબ્રન્ટ ગુજરાત’ મેળાવડાના મુખ્ય વિષયોમાં એક હતો: શિક્ષણ. મુખ્ય
મંત્રીની બેશરમી કહો તો બેશરમી અને હિંમત કહો તો હિંમતને દાદ દેવી પડે. શરમાવું
જોઇએ એવા મુદ્દે છટાથી છવાઇ જવાનું તેમને ફાવી ગયું છે. એટલે ગુજરાતમાં રૂ.4,500 પગારના વિદ્યાસહાયકો દાખલ કરીને પ્રાથમિક
શિક્ષણની હાલત કફોડી બનાવનાર મુખ્ય મંત્રી "વાઇબ્રન્ટ’ના મંચ પરથી શિક્ષણને લગતી વાતો કરી શક્યા.
પાંચ વર્ષ સુધી સરકારની શોષણનો ભોગ બનતા અને
"વિદ્યાસહાયક’ જેવા રૂડારૂપાળા
નામથી ઓળખાતા "વેઠિયા’ શિક્ષકોના હાથમાં ગુજરાતની ભાવિ પેઢી સોંપવાનું પાપ મુખ્ય મંત્રીના માથે છે. એ
પેઢી કાચી રહી જાય તો એમાં કોનો વાંક કાઢીશું? પોતાના બે છેડા ભેગા ન કરી શકવાની ફિરાકમાં અડધા થઇ જતા
"વિદ્યાસહાયકો’નો કે પછી એક તરફ ગુજરાતની
સમૃદ્ધિનાં ગુણગાન ગાનારા અને બીજી તરફ પ્રાથમિક શિક્ષકોને પૂરો પગાર આપવા માટે
રાજ્ય પાસે નાણાં નથી એવી રીતે હાથ ઊંચા કરી દેનારા મુખ્ય મંત્રીનો?
મહત્ત્વની વાત: "ગુજરાતની ભાવિ પેઢી કાચી રહી
જાય તો?’ એ ભવિષ્યની અમંગળ
કલ્પના નથી, વર્તમાનની
વાસ્તવિકતા છે. વિકાસના ગૌરવની મખમલી રજાઇ ઓઢીને પોઢી ગયેલા લોકોને ન દેખાય,
પણ જાગ્રત અવસ્થા અને ખુલ્લી આંખો ધરાવતા લોકો
માટે પુરાવાનો તોટો નથી. બહુ ઊંડા ન ઉતરવું હોય તો કોઇ પણ સરકારી પ્રાથમિક
શાળામાં ભણતાં બાળકો સાથે સાદા સવાલજવાબ કરવા. તેની પરથી સ્કૂલમાં શું ચાલે છે- કેવું
ચાલે છે, તેનો ખ્યાલ આવી જશે.
એ સ્તરથી વધુ રસ ધરાવતા લોકો માટે દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થા "પ્રથમ’
2005થી શિક્ષણના સ્તરનો વાર્ષિક
અહેવાલ પ્રસિદ્ધ કરે છે. "એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ (રૂરલ)’
- ટૂંકમાં "અસર’
- તરીકે ઓળખાતો અહેવાલ
ભારતનાં તમામ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને ખાનગી શિક્ષણની હાલત કેવી
છે, તેનો તલસ્પર્શી ખ્યાલ મેળવે
છે. આ મહિને પ્રગટ થયેલા વર્ષ 2012ના કામચલાઉ છતાં વિસ્તૃત અહેવાલમાં સ્પષ્ટપણે નીકળતો સૂર એ છે કે ભારતભરમાં
શિક્ષણનું સ્તર ઉારોર સુધરવાને બદલે કથળી રહ્યું છે.
તેમાં "દેશભરમાં વિકાસનું મોડેલ’ તરીકે ઓળખાવાતું ગુજરાત ક્યાં છે? વાતોમાં ભલે છ કરોડ ગુજરાતીઓનો ઉલ્લેખ થતો હોય,
પણ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતી
વિદ્યાર્થીઓની અને એ જ્યાં ભણે છે તે શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કેવી છે? તેની ઉંઘ ઉડી જાય અને આંખ ઉઘડી જાય એવી વાતો
"પ્રથમ’ના અહેવાલમાંથી મળે
છે.
ચેતવણી: ગુજરાતનું ગૌરવ બધા ગુજરાતીઓને હોય છે,
પરંતુ મુખ્યમંત્રીપ્રેમને "ગુજરાત માટેનું
ગૌરવ’ ગણતા લોકોએ "પ્રથમ’નો અહેવાલ મન કઠણ કરીને વાંચવો. તેનાથી આંખ ઉઘડી
જવાની અને સુખભ્રાંતિમાં ભંગ પડવાની ભારે સંભાવના છે.
પરિવર્તન અને અધ:પતન
ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને વિશાળ દેશમાં સર્વેક્ષણોની વિશ્ર્વસનિયતા સામે હંમેશાં પ્રશ્ર્નાર્થ રહે છે. પરંતુ "પ્રથમ’નાં સર્વેક્ષણો બીજાની સરખામણીમાં વ્યાપક જનસમુદાય આવરી લેતાં હોવાથી, તેની પરથી મળતું ચિત્ર સંપૂર્ણ ન હોય તો પણ, એ સાચી દિશા ચીંધનારું અવશ્ય હોય. જેમ કે, વર્ષ 2012ના સર્વેક્ષણ માટે સંસ્થા સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને કાર્યકરોએ ભારતભરનાં રાજ્યોની 14,951 શાળાઓની મુલાકાત લીધી હતી.
બીજો અગત્યનો મુદ્દો: આ અહેવાલ કેવળ દોષદર્શન
માટેનો નથી હોતો. એટલે તેમાં વર્ષોવર્ષ થતાં હકારાત્મક પરિવર્તનો પણ નોંધવામાં આવે
છે. જેમ કે, ભારતભરમાં 6 થી 14 વર્ષની ઉંમરનાં (એકથી નવ ધોરણમાં ભણતાં) શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધ્યું છે. વીતતી સમયની સાથે નિશાળોમાં પીવાના પાણીની અને શૌચાલયની સુવિધા પણ
વધ્યાં છે. ભારતની સરેરાશની વાત કરીએ તો, 2010માં સર્વેક્ષણમાં આવરી લેવાયેલી શાળાઓમાંથી 47.2 ટકા પાસે ઉપયોગમાં લઇ શકાય એવાં શૌચાલય હતાં.
તેમનું પ્રમાણ 2012માં વધીને 56.5 ટકા થયું છે.
આખા દેશમાં વિદ્યાર્થીઓ સરકારીને બદલે ખાનગી
શાળાઓ તરફ વધુ ને વધુ પ્રમાણમાં વળી રહ્યા છે. "પ્રથમ’ના અહેવાલમાં જણાવાયા પ્રમાણે, વર્ષ 2006માં 6 થી 14 વર્ષની વયજૂથનાં
કુલ બાળકોમાંથી 18.7 ટકા ખાનગી
નિશાળોમાં પ્રવેશ લેતાં હતાં. વર્ષ 2012માં એ પ્રમાણ વધીને 28.3 ટકા સુધી પહોંચ્યું છે.
વર્ષ 2012ના અહેવાલનો સૌથી ચિંતાજનક સૂર એ છે કે (ફરજિયાત શિક્ષણના
કાયદા જેવાં પરિબળોને લીધે) શિક્ષણક્ષેત્રે આંકડાકીય પ્રગતિ દેખાઇ રહી છે, પરંતુ ગુણવત્તામાં ભારે ધબડકો છે. "પ્રથમ’ના સ્વયંસેવકો એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓનાં
વાચન, ભાષા અને ગણિતનાં કૌશલ્યની
પણ ચકાસણી કરે છે. તેમાં ગુજરાતનો દેખાવ દેશભરમાં સૌથી તળિયે ન હોય, તો ટોચે પણ નથી અને બીજાં રાજ્યો સાથેની સરખામણી
છોડીએ તો, ગુજરાતના ગ્રામ્ય
વિસ્તારોના પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓની મર્યાદા શરમ ઉપજાવે એવી છે.
સંસ્થાના કાર્યકરોએ વર્ષ 2012માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની 692 શાળાઓની તપાસ કરી હતી. તેમની પદ્ધતિ એવી છે કે
નક્કી કરેલા ગામમાં ગયા પછી એ ગામની જે સૌથી મોટી સરકારી પ્રાથમિક શાળા હોય એને તે
સર્વેક્ષણ માટે પસંદ કરે. ત્યાં વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરી, વર્ગદીઠ અને શિક્ષકદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા
જેવી સંખ્યાત્મક બાબતોથી માંડીને વિદ્યાર્થીઓને ભણતર કેવું ચડ્યું છે તે પણ
માપવામાં આવે. એ માટેની સામાન્ય પદ્ધતિઓ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે,
જેના થકી દેશભરમાં શિક્ષણના સ્તરને સર્વસામાન્ય
"ફુટપટ્ટી’થી માપી શકાય. વર્ષ 2012માં ગુજરાતના તમામ 26 જિલ્લામાં સંસ્થાએ એકથી ચાર-પાંચ ધોરણની 70 અને એકથી સાત-આઠ ધોરણની 622 શાળાઓમાં સર્વેક્ષણ કર્યું. તેમાંથી જાણવા
મળ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં 6 થી 14 વર્ષનાં 85 ટકા બાળકો હજુ સરકારી શાળાઓમાં ભણે છે.
યાદ રહે કે રાજ્યમાં અને દેશમાં સરકારીમાંથી
ખાનગી શાળાઓ તરફનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ છતાં, આ સ્થિતિ પ્રવર્તે
છે. 15-16 વર્ષનાં
વિદ્યાર્થીઓમાંથી ફક્ત 52.5 ટકા સરકારી શાળાઓમાં અને 24 ટકા ખાનગી શાળાઓમાં ભણવા જાય છે. 3 વર્ષની ઉંમરનાં 76.2 ટકા બાળકો અને 4 વર્ષનાં હોય એવાં 77 ટકા બાળકો
કે.જી.માં નહીં, પણ બાલવાડી કે
આંગણવાડીમાં ભણવા જાય છે.
ખરી આઘાતજનક હકીકત સ્કૂલમાં - અને એ રીતે
સરકારના સાક્ષરતા રેકોર્ડમાં- દાખલ થઇ ગયેલાં વિદ્યાર્થીઓની આવડત વિશેની છે.
સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે, પાંચમા ધોરણમાં ભણતાં બધાં બાળકોમાંથી અડધોઅડધ (47.6 ટકા) બાળકો એવાં છે, જેમને બીજા ધોરણથી આગળના સ્તરનું ગુજરાતી વાંચવામાં ફાંફાં
પડે છે. બીજાં 28.6 ટકાને તો વળી પહેલા
ધોરણથી આગળનું - એટલે કે બીજા ધોરણનું- ગુજરાતી વાંચવાનાં ઠેકાણાં નથી. ગ્રામ્ય
વિસ્તારમાં પાંચમાં ધોરણમાં ભણતાં 13.6 ટકા એટલે કે 100માંથી 13 બાળકોને ગુજરાતી ભાષામાં ફક્ત શબ્દો વાંચતાં જ
આવડે છે- એ આખું વાક્ય વાંચી શકતાં નથી અને પાંચમા ધોરણનાં 100માંથી 8 બાળકો એવાં પણ છે, જેમને શબ્દના પણ વાંધા છે. એ કેવળ અક્ષર વાંચી શકે છે.
ધોરણનાં પગથિયાં ચડીએ તેમ સ્થિતિ સુધરવાને
બદલે બગડતી જાય છે. આઠમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓમાંથી 80.9 ટકા વિદ્યાર્થીઓ ફક્ત બીજા ધોરણના સ્તરનું જ ગુજરાતી
વાંચી શકે છે. બીજા 13.2 ટકા વિદ્યાર્થીઓ તો છેક આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ પહેલા ધોરણના ગુજરાતીથી
આગળ વધી શકતા નથી.
ગુજરાતીમાં આવી સ્થિતિ હોય તો અંગ્રેજી અને
ગણિતમાં કેવી હાલત હશે? તેની વિગતો સાથેની વધુ ચર્ચા આવતા સપ્તાહે.