ચૂંટણીવિજય પછી ગુજરાતના મુખ્ય મંત્રીને ચોતરફથી અભિનંદન મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં જીતને ‘કેરળથી કાશ્મીર સુધીના લોકોની જીત’ તરીકે ઓળખાવનાર મુખ્ય મંત્રીની કલ્પનાશક્તિને છાજે એવા કેટલાક કાલ્પનિક અભિનંદનપત્રો.
***
કેશુભાઇ પટેલનો પત્રચૂંટણી જીતવા બદલ મારાં અભિનંદન સ્વીકારશો. અભિનંદન સ્વીકારવા તમે રૂબરૂ ન આવ્યા હોત તો ચાલત. પરિણામ પછી હું કેવો દેખાઉં છું એ તો તમને ટીવી ઉપર પણ જોવા મળી જાત. તમે ઘરે આવ્યા એ વિશે શું કહું? આપણા ઘરે કોઇ આવે તો ના થોડી પડાય? મહેમાન તો ભગવાન કહેવાય. પણ તમે થોડા મહિના વહેલા ઘરે આવ્યા હોત તો? કદાચ ખરેખર ભગવાન જેવા લાગત.
કંઇ નહીં. જે થઇ ગયું તે થઇ ગયું. હું તો ખવાયેલો પેંડો- એટલે કે ખરેલું પાન- છું. છેલ્લે છેલ્લે હવામાં ઉડી લીઘું. હવે તમે દિલ્હીભેગા થવાના હો ત્યારે ગુજરાતનું કંઇ કામકાજ પડે તો કહેજો. માથાં કાપ્યા પછી પાઘડી પહેરાવવા માટે તમને દિલ્હીમાં પણ આપણા પક્ષમાંથી ઘણા મળી રહેશે. એટલે મને ખાતરી છે કે તમને મારા જેવાની ખોટ નહીં પડે.
કાઠિયાવાડમાં માથું કપાયા પછી લડતાં ધડની પરંપરા રહી છે. એ જાળવી રાખવાની મને તક આપવા બદલ આપનો ૠણી છું. દિલ્હીમાં સંપીને અને જંપીને રહો એવી શુભેચ્છા સાથે.
***
શક્તિસિંહ ગોહિલનો પત્ર
તમારી જ બેઠક પરથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મુખ્ય મંત્રીપદું તો દૂરની વાત છે, સૌથી અગત્યની અને પ્રાથમિક વાત આપણી બેઠક પરથી ચૂંટણી જીતવી એ હોય છે. મને મારા મતદારોએ આ બહુમૂલ્ય જ્ઞાન આપ્યું છે. રાજકારણમાં શીખવા માટે કોઇ ઉંમર નાની નથી અને હજુ મારી ગણતરી તો યુવાન રાજકારણી તરીકે થાય છે.
તમે તો વડીલ છો. આપણે ઘણી વાર સાથે જમ્યા છીએ. તમે જમો છો અને જમાડો પણ છો એનો હું સાક્ષી છું અને એનું મને ગૌરવ છે. રાજકારણમાં પક્ષ-વિપક્ષ બઘું માયા છે. અસલી ચીજ છે પ્રજાની સેવા અને એ કરવા માટે મળનારી તક. તમને વઘુ એક વાર પ્રજાની સેવા કરવાની તક મળી એ બદલ મારાં અભિનંદન સ્વીકારશો અને દિલ્હી જાવ તો અમને, તમારા જૂના સાથીદારોને, ભૂલતા નહીં. ગુજરાતના મતદારોને અમે ભલે ગમે તેટલા નબળા કે નકામા લાગીએ, દિલ્હીમાં અમારું ઘણું જોર હોય છે. ખાતરી ન થતી હોય તો અરુણ જેટલીને પૂછી જોજો. આમ તો સુષ્માજીનું નામ દઇ શક્યો હોત, પણ થયું કે તમને કદાચ અનુકૂળ ન આવે તો?
દિલ્હી રહ્યે રહ્યે અમારા જેવું કંઇ પણ કામ હોય તો ખુશીથી કહેજો. તમારા વગરના તમારા પક્ષને કાબૂમાં રાખવા સિવાયનું બીજું કોઇ પણ કામ કરતાં બહુ આનંદ થશે.
***
અમિત શાહનો પત્ર
કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન મુર્દાબાદ. સોરી, આ તો શું છે કે ચૂંટણી પ્રચારનો મૂડ હજુ પૂરેપૂરો ઓસર્યો નથી, એટલે રાબેતા મુજબની શરૂઆત થઇ ગઇ. મારા જીતવાથી તમને કેટલો આનંદ થયો એ પૂછવા જેટલો ઘૃષ્ટ હું નથી, પણ તમારા જીતવાથી મને કેટલો આનંદ થયો હશે એ સમજવા જેટલા કાબેલ તો તમે છો જ. હવે મને હાશ થઇ છે કે રાજકારણની દુનિયામાં રામ જેઠમલાણી સિવાય પણ મારું કોઇક છે.
હું રાહ જોઇને બેઠો છું કે તમે ક્યારે દિલ્હી જાવ ને...
...ના,ના ગેરસમજણ ન કરતા..મારે કંઇ મુખ્ય મંત્રી-ફંત્રી નથી બનવું. હું અત્યારે છું એમ બહાર છૂટો રહું એ જ મારા માટે પહેલી ઇચ્છા છે. આમ તો ડોક્ટરોએ મને વજન ઉતારવા કહ્યું છે, પણ તમે દિલ્હી જાવ તો મારું વજન વધે અને હેરાનગતિ ઘટે.
તમને કયા શબ્દોમાં અભિનંદન આપું? બસ, તમે આવી જ રીતે દિલ્હીમાં ફતેહ મેળવો અને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને મોદી બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન બનાવી દો, એવી જ મારી શુભેચ્છા.
તા.ક.૧ ‘એન્કાઉન્ટરના ઓર્ડર લેવાય છે અને જથ્થાબંધ ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે’ એ પાટિયાનું શું કરવું, એ પણ દિલ્હી જતાં પહેલાં કહેતા જશો.
તા.ક.૨ તમે દિલ્હી જાવ તે પહેલાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાત થઇ જાય તો સારું. તમારા ચરણે ધરેલું તેનું પ્રમુખપદું પાછું આપી દેવાનું હોય તો તમારી સાથે મારી પણ દિલ્હીની ટિકીટ બુક કરાવી દેવા વિનંતી છે. હવે તમારો અભિપ્રાય બદલાયો હોય તો ખબર નથી, બાકી તમે જાણો છો કે હું કેટલો કામનો માણસ છું.
***
સુષ્મા સ્વરાજનો પત્ર
સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી બનવા બદલ તમને અભિનંદન આપું એટલાં ઓછાં છે. તમે પક્ષનું નામ રોશન કર્યું છે. હું ઇચ્છું છું કે આવી સિદ્ધિ તમને વારંવાર વરે અને તમે આજીવન ગુજરાતના મુખ્ય મંત્રી બનીને તેની સેવા કરતા રહો તથા આપણા પક્ષના સૌ રાષ્ટ્રિય નેતાઓ માટે એક દૃષ્ટાંત પૂરું પાડતા રહો. અડવાણીજી સહિત પક્ષના ઘણા વરિષ્ઠ સાથીદારો પણ મારી આ શુભેચ્છા અને તમારા ભવિષ્ય માટેની પ્રાર્થનામાં સામેલ છે.
***
‘મોદી ફોર વ્હાઇટ હાઉસ’ મંજીરામંડળનો પત્ર
સમ્રાટનો જય હો. આપે જ્યારથી ગુજરાતનો ઉદ્ધાર કરવા માટે તેની ધરતી પર અવતાર લીધો છે ત્યારથી અમે એવી ધન્યતા અનુભવી રહ્યા છીએ, જાણે કૃષ્ણના ગોકુળમાં ગેલ કરતાં વાછરડાં. તમારી સિદ્ધિઓ જ નહીં, તમારું એકેએક પગલું અને સમસ્ત જીવન અવતારલીલા છે એ તમારા દુષ્ટ, ગુજરાતવિરોધી, બૌદ્ધિક, ઇન્ટલેક્ચુઅલ, સેક્યુલર, કોંગ્રેસી લોકો ક્યારે સમજશે? અમારું ચાલે તો એવા લોકોને અમે કાચા ને કાચા ખાઇ જઇએ. બદલામાં અમારે કંઇ જોઇતું નથી. બહુ તો એકાદું વિમોચન, એકાદો એવોર્ડ ને એ બધા કરતાં પણ વધારે તો, તમારી કાયમી કૃપાદૃષ્ટિ ને તમારાં ચરણ‘કમળ’માં સ્થાન.
અત્યાર સુધી અમે તમને ભારતના ભાવિ વડાપ્રધાન માનતા હતા, પરંતુ ગુજરાતની ચૂંટણીમાં તમારી ભવ્ય જીત જોઇને અમને લાગે છે - અને અમે કબૂલ કરીએ છીએ- કે અમે તમારી પ્રતિભાને ઓછી આંકી. એ બદલ લાખ વાર માફી માગીએ તો પણ ઓછી છે. અમે અત્યાર સુધી તમને ફક્ત ભારત પૂરતા મર્યાદિત રાખી દેવા જેવી વાત શી રીતે કરતા રહ્યા? એની અમને નવાઇ લાગે છે. તમારી પ્રતિભા વૈશ્વિક સ્તરની છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ૨૦૧૨ને બદલે ૨૦૧૩માં હોત તો, અમને માથા સુધી ખાતરી છે કે તમે જ એ ચૂંટણી જીતીને અમેરિકાના પ્રમુખ બની જાત. અમારું એક સ્વપ્ન છે કે તમે અમેરિકાના પ્રમુખ બનો અને જ્યોર્જ બુશ- બરાક ઓબામાનું અમેરિકાનું નાગરિકત્વ રદ કરો. એ વઘુ પડતું લાગતું હોય તો, ભારત સરકારને કહીને તેમની ભારત માટેની વિઝા અરજી રીજેક્ટ તો કરાવી જ શકાય. અમે એ દિવસની રાહ જોઇશું.
ઇચ્છા પૂરી કરવા માટે લોકો પોતાની સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે. એ રીતે અમે પણ બાધા રાખીએ છીએ કે જ્યાં સુધી એ દિવસ ન આવે ત્યાં સુધી અમે અમારી સ્વતંત્ર વિચારશક્તિ વાપરીશું નહીં. તેનો જરાય ઉપયોગ નહીં કરીએ. જય સાહેબ, જય ભગવાન.
***
ગુજરાતના સામાન્ય નાગરિકનો પત્ર
સાહેબ, તમે જીત્યા તો ભલે. સારી વાત છે. અમારે એક મુખ્ય મંત્રી તો રાખવો. અમારે તો એટલું જ કહેવાનું છે કે ચૂંટણી પહેલાં આપેલાં વચન ભૂલી જતા નહીં, ઉત્સવોની સાથે થોડું અમારા ગરીબ માણસો સામે પણ જોજો, પ્રચારની સાથે થોડું ખરેખર કામ પણ કરજો. ‘છ કરોડ ગુજરાતીઓનો વિજય’ એવું સાંભળીને અમારી છાતી ફુલે છે, પણ પેટ તો કમબખ્ત ઊંડું ને ઊંડું જ રહે છે. માથું ગુજરાતપ્રેમી ને પેટ ગુજરાતવિરોધી. અમારી તો પાકી કઠણાઇ છે, સાહેબ. સાંજ પડ્યે છોકરું ભૂખથી રડે ત્યારે ગૌરવ તેને ચમચીથી પીવડાવવું કે ગોળીની જેમ ગળાવવું એ પણ અમને નથી આવડતું. બસ ત્યારે, દિલની ને પેટની વાત કહી દીધી છે. વધારે પડતું લાગ્યું હોય તો બોલ્યુંચાલ્યું માફ.
very nice...
ReplyDeleteVery well said. Keep it up !!!
ReplyDeleteભાજપ ના જીતેલા ધારાસભ્યો નો પત્ર :
ReplyDeleteઆપે પ્રાપ્ત કરેલી સિદ્ધિ નો તમામ હિસાબ તો આપણા ખરીદાયેલા મીડિયા વાળા આપી દેશે , બસ આપે નો રીપીટ ની થીયરી ને પાછી રીપીટ ના કરી એ બદલ ખુબ ખુબ આભાર અને અમને ઉઘાડી અને નાગી લુંટ ચલાવા નો એક ફરી મોકો આપ્યો એનો પરચો અમે પાંચ વર્ષ પછી આપણા ચુંટણી ફંડ માં જમા કરાવી દેશું . અને હા ફરી પાછા 2017 માં જો તમે દિલ્લી હોય તો અમારા પર આવીજ કૃપા દૃષ્ટિ દર્શાવા વિનંતી . જોકે અમે અત્યાર થીજ અમારા પુત્ર અને પુત્રવધુ ને નેટ પ્રેક્ટીસ કરવા નું કહી દીધું છે જેથી આપ ને કદાચ કોઈ નિર્ણય બદલવા નો વિચાર આવે તો પ્રત્યાશી તૈયાર રેહશે . આપે લોઢા ને લોઢું કાપે એમ ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચારી કાપે એ વિશ્વાસ ને પાક્કો કર્યો એ બદલ ફરી આભાર
Hilarious truth.
ReplyDeleteyou are a very creative writer and there is no dearth of wit and imagination in your armory. and i wish, therefore, you had made Sushma's a bit longer and a bit more indicative of her intent. but i enjoyed Amit's TAJA KALAM NO.1 and this amusingly typical Urvishian caption : 'મોદી ફોર વ્હાઇટ હાઉસ’ મંજીરામંડળનો પત્ર. congrats.
ReplyDeleteઅર્જૂનભાઇ, રાહુલ ગાંધી, જયલલીતા અને શંકરસિંહના પત્રની ઉણપ વર્તાઇ. જરા તેમના પત્ર પણ ઉમેર્યા હોત તો લેખ ટનાટન થાત.
ReplyDeleteVAH URVISHBHAI VAH KHUB J SARAS SAT PRATISAT SACH
ReplyDeleteએકાદ પત્ર, શ્રી માધવસિંહ સોલંકી તરફથી કેવો હશે। તેમનો આભારી પત્ર ની કલ્પના!!!
ReplyDeleteAa kharekhar takht-e-nasheen thavana ke pendulum rahevana Urvishbhai?
ReplyDelete