ભારતની મુખ્ય સમસ્યા કઇ?
જવાબનો આધાર સાંભળનારની ધીરજ પર છે, પણ છેલ્લાં દોઢ-બે વર્ષની ગતિવિધિ જોતાં તત્કાળ મળતો જવાબ છેઃ ભ્રષ્ટાચાર. એક બાજુ યુપીએ સરકારમાં બહાર આવતાં સિલસિલાબંધ કૌભાંડોની હારમાળા અને બીજી તરફ અન્ના-રામદેવ-અરવિંદ એન્ડ કંપનીનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન. આ બન્ને પરસ્પર પૂરક અંતીમોને કારણે ભ્રષ્ટાચાર ભારતના જાહેર જીવનમાં- રાજકારણની ચર્ચામાં કેન્દ્રસ્થાને આવી ગયો છે. કમ સે કમ, એવો આભાસ તો થાય છે. ‘આભાસ’ એટલા માટે કે મત આપવાની વાત આવે ત્યારે લોકો આ મુદ્દે વિશે શું વિચારે છે, તે જાણવા માટેની લોકસભાની ચૂંટણીઓ હજુ દૂર છે.
એ.કે. (અરવિંદ કેજરીવાલ) -૫૬
અન્નાએ છેડો ફાડ્યા પછી અરવિંદ કેજરીવાલ ‘શો મસ્ટ ગો ઓન’ના ઝનૂનથી ભ્રષ્ટાચારવિરોધનો દંડુકો લઇને મચી પડ્યા છે. છેલ્લે છેલ્લે અન્ના આંદોલનથી વિમુખ થયેલી ટીવી ચેનલો કેજરીવાલના ‘નવા સાહસ’માં હોંશે હોંશે જોડાઇ છે. કારણ કે તેમાં સમાચારના સમાચાર ને તમાશાનો તમાશો થઇ રહે છે. કેજરીવાલનો નવો અવતાર રાજકારણી તરીકેનો છે- ભલે તેમના પક્ષનું નામ હજુ નક્કી ન હોય- પરંતુ હજુ સુધી તે પોતાના જૂના ઓતારમાંથી બહાર આવ્યા લાગતા નથી. એટલે જ, રોબર્ટ વાડ્રા કે સલમાન ખુર્શીદ પર આરોપો વીંઝતાં પહેલાં, તેમણે જડબેસલાક તૈયારી કરી હોય એવું જણાતું નથી. બાકી, માહિતી અધિકારનો ખરડો તૈયાર કરવામાં સંકળાયેલા ચળવળકાર અરવિંદ કેજરીવાલ એવું કાચું ન છોડે કે સલમાન ખુર્શીદની જવાબી પ્રેસ કોન્ફરન્સમાં તેમના મોટા ભાગના સવાલોના મુદ્દાસર જવાબ મળી જાય અને કેજરીવાલને કહેવું પડે કે વઘુ સવાલો બીજા દિવસે પૂછીશ.
અત્યારે કેજરીવાલની માનસિકતા આરોપો-સવાલોની એ.કે.-૫૬ લઇને સડક પર ઉતરી પડેલા જણ જેવી છે. એ.કે.-૫૬ રાયફલ ચાલે પછી નિશાન તાકવાની જરૂર હોતી નથી. તેમાંથી વછૂટતી ગોળીઓની સંખ્યા અને ધડબડાટી જ એવાં હોય કે વગર નિશાન તાક્યે કંઇકનાં ઢીમ ઢળી જાય ને સોપો પડી જાય. આરોપો કર્યા પછી તેના પુરાવાની વાત આવે ત્યારે કેજરીવાલ કહે છે કે એ કામ એમનું નથી. કારણ કે એમની પાસે માળખાકીય સુવિધાઓ કે વહીવટી તંત્ર નથી. (જનલોકપાલનો ખરડો પસાર થઇ ગયો હોત અને કેજરીવાલ દેશના પહેલા જનલોકપાલ બની ગયા હોત તો જુદી વાત હતી.)
જેની પર આરોપો મૂકવામાં આવે તેમની પાસે બદનક્ષીના દાવાનો વિકલ્પ ખુલ્લો હોય છે, પરંતુ રાજકીય આરોપબાજીમાં એ ન છૂટકે વાપરવામાં આવે છે. કારણ કે, આરોપી જાતે જવાબ આપવાને બદલે નિર્ણય અદાલત પર છોડી દે, તો તેનો ફેંસલો આવતાં સુધીમાં થવાપાત્ર નુકસાન થઇ ચૂક્યું હોય. કિમતી સમય વીતી જાય એ જુદો. તેની સરખામણીમાં, શક્ય હોય ત્યાં સુધી ‘આરોપોની તપાસ માટે સમિતિ’નો વિકલ્પ સૌથી પ્રચલિત છે. તેનાથી આરોપોની ગરમી પર ટાઢું પાણી રેડાઇ જાય છે અને સમિતિ ખરેખર તપાસ કરે- અહેવાલ પણ આપે, ત્યાં સુધીમાં આરોપોની ગંભીરતા અને તેના પગલે સર્જાયેલું વાતાવરણ ઘણુંખરું વીંખાઇ જાય છે.
આરોપોના જવાબ માટે ઓછો અપનાવાતો રસ્તો સીધા જાહેર જવાબ આપવાનો છે. બજારની પરિભાષામાં કહીએ તો એ ‘હાઇ રીસ્ક, હાઇ રીટર્ન’ (વઘુ જોખમ, વઘુ વળતર)નો છે. સલમાન ખુર્શીદે એ પદ્ધતિ અપનાવી. તેમાં વળતો પ્રહાર કરી શકાય છે, મુદ્દાસર જવાબ આપીને આરોપ કરનારની વિશ્વસનીયતા જોખમાવી શકાય છે અને ખાસ તો, પોતાની પર લાગેલા ડાઘ હળવા કરી શકાય છે. અલબત્ત, જાહેરમાં જવાબો આપવાનું કબૂલ્યા પછી, સહેજ પણ ગેંગેંફેંફેં થવાય કે જવાબોમાં સચ્ચાઇના રણકાનો અભાવ દેખાય, તો એ જોખમી નીવડી શકે છે. સલમાન ખુર્શીદ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમુક હદે સફળ રહ્યા હતા , પણ પછી કાનૂનમંત્રી હોવા છતાં ટપોરીની છટામાં વાત કરીને તેમણે પોતાની અસલિયત બહુ વરવી રીતે ખુલ્લી કરી દીધી.
‘અરવિંદાસ્ત્ર’ અને બૂમરેન્ગ
કેજરીવાલની બીજી માનસિકતા લોકોને સતત આંચકા આપીને સમાચારમાં રહેવાની જણાય છે. તેમાં અત્યાર સુધી તે સફળ થયા છે, કારણ કે અન્નાથી વિખૂટા પડ્યાને હજુ બહુ ઓછો સમય વીત્યો છે. પરંતુ દિવસો જતાં કેજરીવાલનું કામ અઘરું બનવાનું છે. કારણ કે એક વાર તેમના આરોપોની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થવા લાગે, તો તેમની ગંભીરતા ઘટવાની છે.
ભૂતકાળમાં સ્ટિંગ ઓપરેશનના મુદ્દે બન્યું હતું તેમ, ધારો કે કેજરીવાલના આરોપ વિશ્વસનીય હોય તો પણ, એક જ પ્રકારના (ભ્રષ્ટાચારના) આરોપ લાંબા સમય સુધી એક સરખો આંચકો પેદા કરી શકતા નથી. આંચકાથી ટેવાઇ જવાની લોકોની શક્તિ એવી ઘાતક હોય છે કે સમય વીતતો જાય તેમ સામગ્રીની તીવ્રતા વધારતા જવું પડે- અને તેની પણ એક હદ આવે. ત્યાર પછી લોકો કંટાળીને કહી દે કે ‘ભ્રષ્ટાચાર-બ્રષ્ટાચાર બહુ થયું. એમાં શું નવું છે? કંઇક બીજી વાત કરો.’
- અને આ તો ફક્ત ઝુંબેશકાર કેજરીવાલની વાત થઇ. એ જ્યારે રાજકીય પક્ષ અને નેતાગીરી વિશે વાત કરતા થશે ત્યારે? ‘બીજા બધા પક્ષો ને નેતાઓ બહુ ભ્રષ્ટાચારી છે’ એવું તેમનું રટણ લોકો સાંભળી લેશે?
‘નેતાઓ ને રાજકીય પક્ષો ભ્રષ્ટ છે એ જાણવા માટે અમારે તમારી જરૂર નથી. ફક્ત એટલું જણાવવા માટે તમારે રાજકારણમાં આવવાની પણ જરૂર નથી. તમે આવીને શું ઉકાળવાના છો એની વાત કરો.’ એવું લોકો કેજરીવાલને નહીં પૂછે?
અત્યાર લગી કેજરીવાલ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના મુદ્દે લડ્યા છે. એના ઉકેલ માટે તેમણે સૂચવેલો જનલોકપાલ ખરડો સામસામી વાતચીત અને ‘થોડું તમે જતું કરો, થોડું અમે જતું કરીએ’ની વ્યૂહરચના પૂરતો સારો હતો, પણ તેમાં કેજરીવાલે અંતીમવાદી વલણ અપનાવ્યું. જનલોકપાલ ખરડાની સૌથી મોટી ત્રણ મર્યાદાઓ હતીઃ ૧) ફક્ત ઉચ્ચ સત્તાસ્થાનો નહીં, પણ તમામ સરકારી કર્મચારીઓનો તેની હદમાં સમાવેશ. ૨) તેના માટે ઊભું કરવું પડનારું તોતિંગ બાબુશાહી માળખું. ૩) તેની અમર્યાદ સત્તાઓ પરના યથાયોગ્ય અંકુશ.
લોકપાલ પર દેખરેખની વાત આવે ત્યારે કેટલાક હોંશીલા કહેતા હતા,‘આ તો સોસાયટીમાં ચોકીદાર રાખ્યા પછી, એ ચોકી કરે છે કે નહીં એ જોવા માટે કોણ જાગશે? એ પ્રકારની વાત છે.’ પરંતુ હોંશને તર્ક કે વાસ્તવિકતા સાથે સંબંધ હોવો જરૂરી નથી. ચોકીદાર બરાબર કામ કરે છે કે નહીં તે જાણવા તેની સાથે રાત્રે જાગવાની જરૂર હોતી નથી. છતાં, ચોકીદારે સોસાયટીના દરેક બંગલાના માલિકને જવાબ આપવો પડે છે અને મહિને પગાર લેતી વખતે સત્તર જાતના ઠપકા પણ સાંભળવા પડે છે. આટલી સાદી વાત પોતાની ‘અદ્ભૂત’ દલીલના પ્રેમમાં પડી ગયા પછી ન સમજાય એ જોકે સ્વાભાવિક છે.
લોકપાલ આંદોલનથી દેખાઇ આવ્યું કે કેજરીવાલને પોતાની માગણીની મર્યાદાઓમાં કે બાંધછોડ કરવામાં કશો રસ હોતો નથી. એ ‘બોલ્યા બાદ બોલ્યા’ પ્રકારના અને તૂટી જાય ત્યાં સુધી તાણે એવા છે. પોતાની ઉગ્ર ઝુંબેશોને કશી નક્કર ઉપલબ્ધિ વિના અચાનક આટોપી લેવી, તે એમની બીજી ખાસિયત છે. ચળવળકાર તરીકે કેજરીવાલને હજુ કદાચ લોકો માફ કરી દે, પણ નેતા તરીકે તેમની આવી સામસામા છેડાની આત્યંતિકતા ઘાતક નીવડે એમ છે.
દેશભરમાં ઉભા થયેલા ભ્રષ્ટાચારવિરોધી અને નેતાવિરોધી જુવાળનો લાભ મેળવવાની તેમની આશા કેટલી ફળશે, એ અટકળની બાબત છે. કારણ કે ‘ભ્રષ્ટાચાર એ સર્વ સમસ્યાઓનું મૂળ છે અને ભ્રષ્ટાચાર અટકી જશે તો દેશમાં બહુ ફેર પડી જશે’, એવી બબલગમનું ગળપણ થોડા સમયમાં જતું રહેશે. ત્યાર પછી સમજાશે કે ભ્રષ્ટાચાર એ માનવપ્રકૃતિ સાથે જોડાયેલી બાબત છે. તેને દૂર કરવાની અપેક્ષા રાખવી એ માણસજાતમાંથી ક્રોધ કે લોભ કાઢવા જેવી બાબત છે. હા, નાગરિક તરીકેની જાગૃતિ, કાયદાપાલન માટેના આદર અને સામાજિક જવાબદારી જેવા કેટલાક ગુણોથી માણસની વૃત્તિઓ અમુક હદે ઘડી શકાય છે (જે કેટલાક પશ્ચિમી દેશોમાં અમુક હદે શક્ય બન્યું છે)
ઓઝલ બનેલી અસલી સમસ્યાઓ
કેજરીવાલ, અન્ના કે વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંનાં આંબાઆંબલી દેખાડતા બાબા રામદેવ- આ સૌ એવું મનાવે છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછો થશે તો ગરીબી દૂર થશે અને નાગરિકોને ફાયદો થશે. રામદેવે તો ગણિત માંડીને બતાવ્યું હતું કે વિદેશમાં રહેલાં કાળાં નાણાં દેશમાં લાવી શકાય તો દરેકના ભાગે કેટલી રકમ આવે. આ પ્રકારના ખયાલી પુલાવની સુગંધની બીજી બાજુએ સામાન્ય માણસની રોજબરોજની વાસ્તવિક સમસ્યાઓ છે.
રોબર્ટ વાડ્રાએ જેમને (મોંઘી પડી ગયેલી) મજાકમાં ‘મેંગો પીપલ’ તરીકે ઓળખાવ્યા હતા, એવા આમઆદમીનું ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ અને તેના રાજકારણમાં શું સ્થાન છે, એ પણ વિચારવા જેવું છે. આમઆદમી આખરે છે કોણ? ‘અધર બેકવર્ડ ક્લાસ’ની જેમ ‘આમઆદમી’નો કોઇ ચોક્કસ વ્યાખ્યા ધરાવતો વર્ગ તો છે નહીં. ગાંધી પરિવાર સાથે ખટરાગ થાય ત્યારે અમિતાભ બચ્ચન પણ ‘તમે રાજા, અમે પ્રજા’ જેવું કહીને પોતે ‘આમઆદમી’ની ભૂમિકામાં આવી જાય છે.
યુપીએ હોય કે એનડીએ, તેમનો રસ આમઆદમીના નામે પોતાનું રાજકારણ ખેલવાનો હોય છે. બાકી ખરેખરો આમઆદમી સામાજિક-આર્થિક રીતે એટલો પછાત છે કે તેને હાંસિયામાં પણ સ્થાન મળતું નથી. તેની પાસે રાંધણગેસની સુવિધા નથી. એકવીસમી સદીમાં તે ચૂલામાં ફૂંકો મારે છે. તે ખેતમજૂરી કે વેઠ કરે છે, પણ લધુતમ વેતન પામતો નથી. તેને કામ માટે ફરજિયાત સ્થળાંતર કરવું પડે છે, એટલે તે ક્યાંયનો નાગરિક રહેતો નથી, ક્યાંય મત આપી શકતો નથી અને તેનાં સંતાનોનું ભણતર રઝળી પડે છે. પેટ્રોલના ભાવ વધે ત્યારે તે બૂમરાણ મચાવતો નથી. કારણ કે તેની પાસે વાહન જ નથી. તેની પાસે માથું ઢાંકવા માટેનું છાપરું નથી- ભલે ખાનગી ઉદ્યોગોને સરકાર સેંકડો એકર જમીનની લહાણી કરે. તેને આ સમાજમાં માણસ તરીકે કોઇ ગણતું નથી. હવે તો કેટલાંક જાહેર સ્થળોએ પણ તેને પ્રવેશ મળતો બંધ થઇ ગયો છે. કારણ કે તેના જેવાં ‘ન્યૂસન્સ’ને નજરથી દૂર રાખવા માટે પ્રવેશ ફી રાખવામાં આવે છે. વિકાસની નવી વ્યાખ્યામાં જેને ફક્ત ભોગ આપવાનો આવે છે- અને ફળ બીજા લોકો આરોગી જાય છે- એ આમઆદમી છે. આ ‘આમઆદમી’નું નામ બધા રાજકીય પક્ષો પોતપોતાની રીતે વટાવી ખાય છે, પણ કોઇના મનમાં ‘આમઆદમી’ની હાડમારી વસેલી નથી.
સ્થાપિત પક્ષોનો વિરોધ કરવામાં શૂરા અરવિંદ કેજરીવાલ અને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકારોએ આગળ જણાવ્યા એવા પ્રકારના ‘આમઆદમી’ અંગે પોતાનાં નીતિ અને દર્શન સ્પષ્ટ કરવાં પડશે. સાઉન્ડ-બાઇટની ગડગડાટી હવે બહુ થઇ.
The Indian criminal justice system is facing many problems and challenges in its fight against corruption. At present, there is no law to deal with corruption in the private sector, which has grown in leaps and bounds in last two decades,it is very strict requirements of Indian courts to prove every point beyond doubt. The system suffers from inherent delays; as a result punishment is not swift. Corruption is considered a ‘high profit-low risk’ activity, The fight against corruption is not an easy one. We need to join forces against this enemy,with all resources at our disposal to achieve better and more effective results.
ReplyDeletevery nice and true story,it is necessary to keep in touch with people,mainly politicians is now a time out of control,through that types of writup may be control.
ReplyDelete