પૃથ્વીના પાડોશી મંગળ પર કદી જીવસૃષ્ટિ હતી? અત્યારે છે? અને ભવિષ્યમાં ત્યાં વસાહતો સ્થાપી શકાય એવી શક્યતા ખરી? આ સવાલોના ટકોરાબંધ જવાબ મેળવવા માટે ‘નાસા’/NASA ના ‘ક્યુરિઓસિટી’/Curiosity એ સોમવારે હેમખેમ મંગળ પર ઉતરાણ કરી દીઘું છે. મંગળના સસ્પેન્સનો ‘ધ એન્ડ’ હવે હાથવેંતમાં છે.
તેનો પહેલો અને ટૂંકો જવાબઃ ચંદ્ર પૃથ્વીથી ‘ફક્ત’ ૩.૮૪ લાખ કિલોમીટર દૂર છે, જ્યારે મંગળનો ગ્રહ ‘પાડોશી’ હોવા છતાં, પૃથ્વી અને મંગળ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર આશરે ૫.૫૭ કરોડ કિલોમીટર છે. વઘુમાં વધુની વાત જ ન પૂછો. (આશરે ૪૦.૧૩ કરોડ કિલોમીટર)
ચંદ્ર કરતાં ૧૦૦ ગણાથી પણ વધારે અંતર એ પહેલી મુશ્કેલી ખરી, પણ છેલ્લી હરગીઝ નહીં. આટલે દૂર મંગળ પર અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ અગાઉ ૨૦૦૪માં ‘સ્પિરિટ’ અને ‘ઓપર્ચ્યુનિટી’ જેવાં યાંત્રિક સાધનો સફળતાપૂર્વક ઉતારી ચૂકી છે, પણ તેમનાં કદકાઠી મોટા કદનાં રમકડાં જેવાં અને ક્ષમતા મર્યાદિત હતી.
તેમની સરખામણીમાં ‘ક્યુરિઓસિટી’ મોટી સાઇઝની કાર જેવું તોતિંગ છેઃ ૧૦ ફૂટ લાંબું, ૯ ફૂટ પહોળું, ૭ ફૂટ ઊંચું. તેનો ‘હાથ’ ૭ ફૂટ જેટલો લાંબો થઇ શકે છે. ૯૦૦ કિલોની આ કાયામાં દસ જાતનાં વિશિષ્ટ સાધનો ગોઠવેલાં છે, જે મંગળના વાતાવરણ અને તેના ખડકોના બંધારણથી માંડીને કોસ્મિક રેડિએશન, પાણી અને જીવસૃષ્ટિની શક્યતાઓ વિશે આધારભૂત માહિતી, તસવીરો અને વિડીયો પૂરાં પાડશે.
‘ક્યુરિઓસિટી’નાં સાધનોમાં સર્વાનુમતે સૌથી ખાસ હોય તો એ છેઃ ‘કેમ-કેમ’. આખું નામઃ લેસર-ઇન્ડ્યુસ્ડ રીમોટ સેન્સિંગ ફોર કેમિસ્ટ્રી એન્ડ માઇક્રો-ઇમેજિંગ. નામ પ્રમાણે તેનું કામ છેઃ લેસરનો શેરડો તાકીને એટલા ભાગના ખડકને વરાળમાં ફેરવી દેવાનો. ‘ક્યુરિઓસિટી’ પ્રયોગશાળામાં રહેલું સાધન- સ્પેક્ટ્રોગ્રાફ - એ વરાળનું પૃથક્કરણ કરીને ખડકોનું બંધારણ અને તેના રાસાયણિક ગુણધર્મોની માહિતી આપી દેશે. આ લેસર ૨૩ ફૂટની દૂરી સુધીના ખડકના ૧ મિલીમીટર કરતાં પણ નાના હિસ્સાને વરાળના ‘સેમ્પલ’માં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે.
...પણ વાત જરા આગળ પહોંચી ગઇ. આ બધી ‘જો ‘ક્યુરિઓસિટી’નું મંગળ પર બરાબર ઉતરાણ થાય તો’- ની વાત છે. પરંતુ તોંતેર મણના ‘તો’નો ફૂલપ્રૂફ ઉકેલ કેવી રીતે આણવો? એ માટે ‘નાસા’એ નવો અખતરો કર્યો અને તે સંપૂર્ણપણે કામયાબ નીવડ્યો. ૯૦૦ ટનનું ‘ક્યુરિઓસિટી’ મંગળની ધરતી પર જરાસરખી પછડાટ ખાધા વિના કેવી રીતે ઉતર્યું, તેનું વર્ણન અને ઇન્ટરનેટ પર જોવા મળતી તેની વિડીયો ક્લિપ વિજ્ઞાનકથાનો મસાલો લાગેઃ
૨૬ નવેમ્બર, ૨૦૧૧ના રોજ પૃથ્વી પરથી રવાના થયેલું, ઉડતી રકાબી આકારનું એક યાન પૂરવેગે મંગળ તરફ ધસી રહ્યું છે. આશરે ૮ મહિનામાં ૫૬.૬ કરોડ કિલોમીટર કાપ્યા પછી તે મંગળના મુકામે પહોંચે છે. મંગળની સપાટીથી ૧૨૫ કિલોમીટરની ઊંચાઇએ તેનો વેગ ૨૧ હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. એ ગતિએ મંગળના વાતાવરણમાં પ્રવેશતી વખતે ખરા અર્થમાં તેની અગ્નિપરીક્ષા થાય છે. ઘર્ષણને કારણે યાનને પ્રચંડ ગરમી (આશરે ૧૬૦૦ અંશ સે.) ખમવાની આવે છે. તેમાંથી પાર ઉતર્યા પછી મંગળની ધરતીથી ૧૧ કિલોમીટરની ઊંચાઇ પર, યાનની ખાસ જાતની સુપરસોનિક પેરાશૂટ ખુલે છે. યાનનો વેગ ઘટીને ૧૪૦૦ કિલોમીટર પ્રતિ કલાક થાય છે.
ક્યુરિઓસિટીના મંગળ પર ઉતરાણ વેળાની અસલી તસવીર |
લેન્ડિંગનો દિલધડક હિસ્સો હજુ બાકી છે. મંગળની સપાટી ૬૬ ફૂટ દૂર હોય ત્યારે, ઉડતા હેલિકોપ્ટરમાંથી દોરડું પકડીને નીચે ઉતરતા માણસની જેમ, યાનના ઉપરના હિસ્સા(સ્કાય ક્રેન)માંથી ૯૦૦ કિલો વજનનું ‘ક્યુરિઓસિટી’ ધીમે ધીમે નીચે ઉતરે છે. આખરે તેનાં છ પૈડાં જરાય આંચકા કે આઘાત વિના મંગળની ભૂમિને સ્પર્શે છે. તેમના વજન પર આખા ‘ક્યુરિઓસિટી’નું માળખું ગોઠવાય છે. હવે ઉપર લટકતા અને રોકેટના પાવરથી સંચાલિત, સ્કાય ક્રેન સાથે છેડા છૂટા કરવાનો સમય છે. ‘ક્યુરિઓસિટી’ સલામત ઉતરાણ કરે એ સાથે જ રોકેટના બળે સ્કાયક્રેનનું માળખું દૂર ઉડી જાય છે અને મંગળની વિશાળ વેરાન ધરતી પર રહી જાય છે માણસજાતે મોકલેલું અત્યાર સુધીનું સૌથી મોટું યાન. તેને એમએસએલ- માર્સ સાયન્સ લેબોરેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંગળના વાતાવરણમાં પ્રવેશ્યા પછી ફક્ત સાત મિનીટમાં- અંદાજે ૪૧૬ સેકન્ડમાં -આખો ખેલ પૂરો થાય છે, પરંતુ આ સાત મિનીટનું વર્ણન વાંચતાં જણાશે કે તેમાં ડગલે ને પગલે ગરબડ થવાનો સંભવ રહેલો છે. એવું થાય તો અઢી અબજ ડોલર (મંગળની) માટીભેગા. પરંતુ ‘નાસા’ ટીમની એ સિદ્ધિ છે કે આટલા ‘જો’ અને ‘તો’ વચ્ચે ‘ક્યુરિઓસિટી’ સોમવારે મંગળ પર પહોંચી ગયું અને સલામત પહોંચ્યાના પુરાવા તરીકે પોતાની તસવીર પણ મોકલી આપી. મંગળથી પૃથ્વી પર સંદેશો પહોંચતાં ૧૪ મિનીટ જેટલો સમય લાગે છે. એટલે મંગળના વાતાવરણમાં પ્રવેશતી વખતે ‘ક્યુરિઓસિટી’નો ઘડોલાડવો થઇ જાય, તો ‘ખાક હો જાયેંગે હમ, તુમકો ખબર હોને તક’ એ પંક્તિ શબ્દાર્થમાં સાચી પડે.
મંગળ પર જીવસૃષ્ટિની કલ્પનાનું કાર્ટૂનસ્વરૂપ |
આવી અનેક ક્યુરિઓસિટી- જિજ્ઞાસાઓ સંતોષવા માટે ફોટો અને વિડીયો કેમેરાથી માંડીને પ્રયોગશાળાનાં સાધનો મંગળ પર પહોંચી ચૂક્યાં છે. નજીકના ભવિષ્યમાં રાતા ગ્રહ મંગળનાં રહસ્યો પર રહેલા પરદા એક પછી એક ખુલશે અને માનવજાતના જ્ઞાનના સીમાડા વધારતા રહેશે.
સારી માહિતી આપી છે. હિગ્સ પછીનો આ બીજો સારો વિજ્ઞાન લેખ તમારા બ્લૉગ પર વાંચવા મળ્યો.
ReplyDeleteFabulously explained Urvish. Your description mimics the thrill of Curiosity's launch and landing to the T. Like I have said before, you have a gift for detail that serves your profession and your readers so, so well. Outstanding stuff!
ReplyDelete