બેઠકનો સમય થઇ ગયો છે. બધા નેતાઓ ઊંચાનીચા થાય છે, પણ કાર્યવાહી શરૂ થતી નથી.)
અડવાણીઃ (કંટાળીને) અરે ભાઇ, કોની રાહ જોવાય છે? અને ક્યાં સુધી જોવાની છે?
ગડકરીઃ તમારે રાહ જોવાની ક્યાં નવાઇ છે અડવાણીજી? આટલાં વર્ષોથી પીએમ-ઇન-વેઇટિંગ છો, તો ક્યારેક એ સિવાય પણ વેઇટિંગ કરવું પડે. મોદીજી હજુ સુધી આવ્યા નથી... પણ આ દીનદયાળ ઉપાઘ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટા જોડે, એમનાથી પણ મોટો એવો મોદીજીનો ફોટો કોણે લગાડી દીધો? મોદીજી ન આવવાના હોય ને એના બદલામાં એમણે પોતાનો ફોટો મોકલાવ્યો હોય તો વાંધો નથી. બાકી, પણ આપણો પક્ષ વ્યક્તિને નહીં, આદર્શને વરેલો છે.
ઉમા ભારતીઃ (ગુસપુસ સ્વરે) આદર્શ કૌભાંડમાં આપણાંથી પણ કોઇનાં નામ છે?
ગડકરીઃ હું આદર્શ ફ્લેટ્સની નહીં, આદર્શોની- સિદ્ધાંતોની વાત કરું છું, જે આપણા મહાન રાષ્ટ્રના મહાન પક્ષના મહાન સ્થાપકોએ મહાન વારસા તરીકે આપણને આપ્યા. આપણે એ યાદ રાખીએ અને મહાન પ્રતિજ્ઞા કરીએ કે આપણે કોઇ પણ વ્યક્તિના મોહમાં સપડાઇશું નહીં અને વ્યક્તિના મોહને કારણે પક્ષને વેરવિખેર થવા દઇશું નહીં.
(આટલું બોલીને તે અડવાણી સામે જુએ છે.)
અડવાણીઃ હું માનનીય અઘ્યક્ષશ્રીના પ્રસ્તાવને અનુમોદન આપું છું. વ્યક્તિપૂજાના ગડકરીયા પ્રવાહમાં- આઇ મીન, ગાડરીયા પ્રવાહમાં- તણાવું એ કોઇ પણ રાજકીય પક્ષ માટે પતનની નિશાની છે. આપણે આજીવન કોંગ્રેસના વ્યક્તિવાદના-પરિવારવાદના ટીકાકાર રહ્યા છીએ. મને ઘણી વાર ચિંતા થાય કે કોંગ્રેસનું શાસન પરિવારના હાથમાં ન હોત કે સોનિયા ગાંધી વિદેશીને બદલે દેશી હોત, તો આપણા પક્ષનું શું થાત?
સુષ્મા સ્વરાજઃ હું તો સહેજમાં બચી ગઇ. સોનિયા ગાંધી વડાપ્રધાન બન્યાં હોત તો મારે વાળ ઉતરાવવા પડત. વિચાર તો કરો, વાળ વિના રાજઘાટ પર નૃત્ય કરતી હોઉં એવા મારા ફોટા કેવા લાગત?
જેટલીઃ આપણે હવે વ્યૂહરચનાની વાત કરીએ તો સારું. આપણે વિચારવાનું એ છે કે આપણી ખરાબ હાલતમાં યુપીએની ખરાબ હાલતનો મહત્તમ ફાયદો કેવી રીતે લેવો. માનનીય અઘ્યક્ષશ્રી એ વિશે થોડી ભૂમિકા બાંધી આપે તો...
ગડકરીઃ સૌથી સારી વ્યૂહરચના તો એ લાગે છે કે આપણે- ખાસ કરીને મારે- બોલવું નહીં અને કોંગ્રેસના પ્રવક્તાઓને બોલવા દેવા. આપણો ફાયદો કરવા માટે એટલું પૂરતું છે. પણ એવું બનતું નથી. એ લોકો બોલે એટલે આપણે બોલ્યા વિના રહી શકતા નથી. પછી આપણામાં ને એમનામાં લોકોને કશો ફરક લાગતો નથી.
(ખૂણામાંથી ‘અરરર’નો અવાજ અને ડચકારો સંભળાય છે, પણ એ કોણે કર્યો તેનો ખ્યાલ આવતો નથી.)
જેટલીઃ મને લાગે છે કે આપણે અન્ના હજારે અને બાબા રામદેવની સાથે રહીએ તો કશો વાંધો નહીં આવે. એ લોકો આપણને હોંશેહોંશે ચૂંટણી જીતાડી આપશે. બદલામાં એમની વાયડાઇ થોડો વખત સહી લેવાની. પછી એમના જ નીમેલા જનલોકપાલ દ્વારા આપણે એમના આંદોલનની તપાસ કરાવીશું. છો ને કરતા ફરે ખુલાસા આખા ગામમાં.
સુષ્મા સ્વરાજઃ બરાબર છે. એ સારું રહેશે.
અડવાણીઃ પણ આપણામાં રહેલા કર્ણાટકના યેદીયુરપ્પા અને બીજા રાજ્યોમાં રહેલા યેદીયુરપ્પાના ભાઇઓનું શું કરીશું? અન્ના નહીં તો અરવંિદ ને એ નહીં તો પ્રશાંત ભૂષણ આપણા ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રીઓનાં માથાં માગશે ત્યારે?
જેટલીઃ એની ચિંતા ન કરો. લોકોને આપણે વિકાસની વાતો કરીને સમજાવી દઇશું અને અન્નાની ટીમમાં એટલી ફાટફૂટ પડેલી હશે કે અન્ના તેમની ટીમ સામે ઉપવાસ પર બેસવાનું વિચારતા હશે. ન વિચારતા હોય તો પણ આપણા પ્રચારપુરૂષ મોદીજીને એમનો કેસ સોંપી દઇશું, એમની એજન્સીને ‘ટાઇમ’ મેગેઝીન સાથે સીધો વ્યવહાર લાગે છે. એક વાર ‘ટાઇમ’ના કવર પર પોતાના સાથીદારો સામે ઉપવાસ કરતા અન્નાનો ફોટો આવી જશે. પછી અન્નાને પણ થશે કે સાલું ‘ટાઇમ’વાળા કહેતા હોય તો આપણે ઉપવાસ કરવા જોઇએ.
સુષ્મા સ્વરાજઃ સરસ આઇડીયા છે. જોયું ગડકરીજી? જેટલીજીને હવે ફાવવા માંડ્યું છે. મારો પ્રસ્તાવ છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જેટલીજીનું નામ નક્કી કરવામાં આવે.
ગડકરીઃ એક મિનીટ...વડાપ્રધાનપદને લગતી વાત અત્યારે કાઢશો નહીં. એ જરા સંવેદનશીલ મામલો છે. મોદીજી નારાજ થઇ જશે. એ વિશે કંઇ પણ વાત કરતાં પહેલાં મારે એમને વિશ્વાસમાં લેવા પડે. એવું મેં એમને વચન આપ્યું છે.
(ખૂણેથી ફરી અવાજ આપે છેઃ ‘શાના બદલામાં?’)
અડવાણીઃ અરે પણ એ તો ૨૦૨૯ની વાત કરે છે. ત્યારે હું દાવેદાર હોવાનો નથી. કારણ કે એક સાથે હું રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કેવી રીતે બની શકું? એટલે તમારે એના માટે મોદીજીને પૂછવાની જરૂર નથી.
ગડકરીઃ એ બધી મને ખબર ન પડે. મોદીજીએ મને ચોખ્ખું કહ્યું છે કે ૨૦૧૪થી ૨૦૪૪ સુધીની ચૂંટણીઓમાં વડાપ્રધાનપદને લગતો કોઇ પણ નિર્ણય એમને પૂછ્યા સિવાય કરવો નહીં. જો એવું થશે તો પછી પક્ષે પોતાનું ભંડોળ જાતે જ ઊભું કરવાનું રહેશે.
અડવાણીઃ (રોષમાં આવીને) એટલે તમે કહેવા શું માગો છો? આપણે કોઇને પક્ષ વેચી ખાધો છે? શું આ ધમકી છે?
ગડકરીઃ ના, વાસ્તવિકતા છે. આપણે કોઇને પક્ષ વેચ્યો નથી, પણ આપણા વગર વેચ્યે કોઇએ ખરીદી લીધો હોય તો આપણને ખબર નથી. હું એટલું જ જાણું છું કે અત્યારે વડાપ્રધાનપદની ચર્ચા કરવામાં આપણું હિત નથી.
કેશુભાઇઃ એવું થોડું ચાલે? પક્ષના પ્રમુખ તમે છો કે એ? તમે કેમ નિર્ણય ન લઇ શકો? તમને અમારો બધાનો ટેકો છે. અમે તો કહીએ છીએ કે ૨૦૧૪માં જેટલીજીને કે અડવાણીજીને કે સુષ્માજીને વડાપ્રધાન બનાવો. અરે, તમે વડાપ્રધાન બની જાવ. તમે પણ ક્યાં ઓછા લાયક છો?
ગડકરીઃ (શરમાઇને) તમારી ભાવના હું સમજું છું, પણ મારે હજુ વાર છે. એક વાર મોદીજીનો પ્રોજેક્ટ પૂરો થઇ જવા દો.
અડવાણીઃ પ્રોજેક્ટ એટલે? એમણે તમારી સાથે એમઓયુ કર્યો છે? આ ગુજરાતની જમીનો આપી દેવાની વાત નથી. વડાપ્રધાનપદનો મુદ્દો છે. એમાં કોઇની મનમાની હું નહીં સાંખી લઉં.
ગડકરીઃ તમે નાહકના મારી પર ગરમ થાવ છો. હું તો ચિઠ્ઠીનો ચાકર અને પક્ષહિતનો રખેવાળ એવો પક્ષપ્રમુખ છું.
અડવાણીઃ (ઉશ્કેરાઇને) પણ હમણાં તો તમે કહેતા હતા કે આપણા પક્ષમાં વ્યક્તિનું નહીં, પણ આદર્શનું મહત્ત્વ છે. તો પછી એક વ્યક્તિ માટે આટલો મોહ શા માટે?
ગડકરીઃ એ તો હું સંજય જોશીની વાત કરતો હતો. તમે જ કહો, આટલાં વર્ષોની મહેનત પર એક જ વ્યક્તિને કારણે પાણી ફરવા દેવાય? સંજય જોશીને રાખવાની જિદ લઇને પક્ષને વેરવિખેર થવા દેવાય?
એવામાં પોકારો સંભળાય છેઃ ‘દેખો દેખો કૌન આયા, ગુજરાતકા શેર આયા’. એ સાથે જ ગુજરાતના મુખ્ય મંત્રીની એન્ટ્રી થાય છે.
અડવાણીઃ (બાજુમાં બેઠેલા કેશુભાઇના કાનમાં, ધીમેથી) તમે મુખ્ય મંત્રી હતા ત્યારે શેરનો શો ભાવ હતો?
કેશુભાઇઃ મારા રાજમાં એકદમ સોંઘવારી હતી. બઘું શાકભાજી લોકો શેરમાં નહીં, કિલો ને મણમાં જ ખરીદતા હતા.
અડવાણીઃ (માથે હાથ દઇને) હું એની વાત નથી કરતો. આવાં શેર ને ગીદડનાં ભાડૂતી સૂત્રો બોલાવવાનો શો ભાવ ચાલતો હતો?
કેશુભાઇઃ (સહેજ વિચારીને) લાગે છે કે મારે શંકરસંિહને પૂછવું પડશે. એ આવાં સૂત્રો બહુ બોલાવતા હતા.
(બાકીની ચર્ચા ‘દેખો દેખો કૌન આયા’ના ઘોંઘાટમાં ડૂબી જાય છે.)
well written
ReplyDeletegreat.
ReplyDeletethough humorous, this certainly is a very intelligent piece. you are capable of making mockery of anybody, so resourceful you are with the ingredients like observation, imagination, drama, dialogue, wit, satire, subtle yet caustic diction and studious content.
i think you are at your best in this genre of comic writing. it's my honest suggestion, if ever you get bored of your journalism, do seriously think of becoming a dramatist. i think few in Gujarat can beat you, not even the likes of Vinod Bhatts.
Maja aavi gai urvishbhai
Deleteહા હા હા મજા આવી ,,,,,,,,,,,,
ReplyDeleteHasi hasi ne pet ma dookhi gayu. aa article vaanchi ne bhaduti sootro bolnarao na pet ma vagar hase dookhse.
ReplyDeleteGreat,Urbishbhai. I suporrt what Nirav has to say
ReplyDeleteSatire is undoubtedly your forte. Superb piece Urvish!
ReplyDeleteઉર્વિશભાઇ,
ReplyDeleteમને લાગે છે કે દેશ વેચાઇ ગયો છે. આઝાદી અપાવનાર એ લોકોને એવી કલ્પના નહી હોય કે એક દિવસ આ દેશ ને વેચી દેનારા સત્તા પર આવશે. આજે ટિકિટ પણ પૈસામાં વેચાય છે. કૌભાંડ કરવા સામાન્ય વાત થઈ ગઈ છે. એવું થયું છે કે કૌભાંડ કરનાર સફળ નેતાની છાપ લઈ જીવે છે.
જમીનો પર દબાણ વધી ગયાં છે. ને ગોચરો પણ વેચાઈ રહ્યાં છે. ને આજે અ દેશના કોઈ નાગરિકના પેટનું પાણી પણ હાલતું નથી. થવાદો જે થાય તે...લોકસેવકો હવે પબ્લિકને પસંદ નથી, હવે બિલ્ડરો ઉધ્યોગપતિઓ ગમે છે. જે કદી ધરાયા નથી ને ધરાશે નહી. સેવા શું કરશે? આગે.. આગે ગોરખ જાગે......
---સંજય ચૌહાણ,
આજે જે ડે ની હત્યા થઇ, તેને ૧ વર્ષ પૂરું થયું.
ReplyDeleteએક બહાદુર અને નીડર પત્રકાર ની નિર્મમ હત્યા થઇ અને હજુ હત્યારા પકડાયા નથી. એમના માં અને બેન, હજુ પણ રાહ જે ડે ની રાહ જુવે છે.
એમની પુણ્યતિથી નિમિત્તે , આપ કશું લખો.
dear anonymous,
ReplyDeletei was not much aware of Dey's work. Yet, when news of his murder came up, a friend of mine, Vishal Patadia wrote an obit here.
Vishal, now working with Divya Bhaskar, had a chance to see Dey working at Mid-day when Vishal was with Gujarati Mid-day.
here's the link of piece, just in case you haven't seen it.
http://urvishkothari-gujarati.blogspot.in/2011/06/blog-post_17.html
ધારદાર નિરીક્ષણ ... ક્યાંય 'કાલ્પનિક' જેવું ન લાગ્યું.. બિલકુલ 'વાસ્તવિક'. આફરીન થઇ જવાય એવા કેટલાક સંવાદો ....
ReplyDelete•આપણે વિચારવાનું એ છે કે આપણી ખરાબ હાલતમાં યુપીએની ખરાબ હાલતનો મહત્તમ ફાયદો કેવી રીતે લેવો.
•અરે પણ એ તો ૨૦૨૯ની વાત કરે છે. ત્યારે હું દાવેદાર હોવાનો નથી. કારણ કે એક સાથે હું રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કેવી રીતે બની શકું?
•આપણે કોઇને પક્ષ વેચ્યો નથી, પણ આપણા વગર વેચ્યે કોઇએ ખરીદી લીધો હોય તો આપણને ખબર નથી.
•(શરમાઇને) તમારી ભાવના હું સમજું છું, પણ મારે હજુ વાર છે. એક વાર મોદીજીનો પ્રોજેક્ટ પૂરો થઇ જવા દો.
•અને છેલ્લે અંત તો લાજવાબ ..........
અડવાણીઃ (બાજુમાં બેઠેલા કેશુભાઇના કાનમાં, ધીમેથી) તમે મુખ્ય મંત્રી હતા ત્યારે શેરનો શો ભાવ હતો?
કેશુભાઇઃ મારા રાજમાં એકદમ સોંઘવારી હતી. બઘું શાકભાજી લોકો શેરમાં નહીં, કિલો ને મણમાં જ ખરીદતા હતા.