પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે અમેરિકાની ખાનગી કંપનીએ મોકલેલી કેપ્સુલ ‘ડ્રેગન’નું આબાદ જોડાણ થયું. અવકાશયાત્રા ક્ષેત્રે આવો હનુમાનકૂદકો શા માટે જરૂરી હતો? અને તે કેવી રીતે શક્ય બન્યો?
નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પોતાના પહેલા કદમને ‘જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’- માનવજાત માટે હનુમાનકૂદકો- ગણાવ્યું હતું. આશરે પાંચ દાયકા પછી ફરી એક વાર, એ શબ્દપ્રયોગની યાદ તાજી થઇ. અંતરિક્ષમાં રહીને પૃથ્વીના ચકરાવા લેતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને ગયા સપ્તાહે અવકાશમાં તરતા મુકાયેલા શંકુ આકારના યાનને પોતાની સાથે જોડી દીઘું.
‘ડ્રેગન’ તરફ લંબાયેલો સ્પેસ સ્ટેશનનો યાંત્રિક ‘હાથ’ (સ્પેસ સ્ટેશનમાંથી લેવાયેલી તસવીર) |
એન્ટર ધ ‘ડ્રેગન’ : યાનમાં સ્પેસ સ્ટેશનના યાત્રીઓનો પ્રવેશ |
આટલું વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે ‘નાસા’ જેવી નામી સંસ્થા હોવા છતાં, અમેરિકાને અવકાશયાત્રાનું ખાનગીકરણ કરવાની શી જરૂર પડી? સ્પેસ સ્ટેશન સુધી સામાન અને યાત્રીઓ પહોંચાડવા માટે ૧૯૮૧થી ૨૦૧૧ સુધી અમેરિકા સ્પેસ શટલ/ Space Shuttleનો ઉપયોગ કરતું હતું. ત્રણ દાયકા દરમિયાન કુલ પાંચ સ્પેસ શટલે ૧૩૫ ઉડાન ભરી. પરંતુ કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓનો ભોગ લેનારી ‘કોલંબિયા’ સ્પેસ શટલની દુર્ઘટના પછી ઘણા પ્રશ્નો ઊભા થયા. અગાઉ ૧૯૮૬માં ‘ચેલેન્જર’ સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પણ ત્યાર પછીનાં વર્ષોમાં બઘું સમુસૂતરું ચાલતાં વિવાદ શમી ગયો. ‘કોલંબિયા’ની દુર્ઘટના વખતે સ્થિતિ જુદી હતીઃ ચારેક અબજ ડોલરનું સ્પેસશટલ, સાત નિષ્ણાતો, તેમણે અવકાશમાં કરેલા પ્રયોગોનાં બહુમુલ્ય પરિણામ- આ બઘું ગણતરીની સેકંડોમાં રાખ થઇ ગયું. તેનાથી પણ વધારે મોટો આઘાત એ હતો કે ત્રણ-ત્રણ દાયકા પછી પણ સ્પેસ શટલની અવકાશયાત્રાઓ સલામત અને ફૂલપ્રૂફ બની ન હતી.
‘કોલંબિયા’ની દુર્ઘટના પછી નીમાયેલી તપાસસમિતિએ ‘નાસા’ને ઘણાં સૂચન કર્યાં, પરંતુ અમેરિકાને અવકાશક્ષેત્રે અઢળક નાણાં ફાળવવાનું પોસાણ ન હતું. તેના સાંસદો પણ વઘુ ને વઘુ પ્રમાણમાં ‘નાસા’ના બજેટ પર કાતર ચલાવવાના મતના થયા હતા. આખરે ૨૦૧૧માં સ્પેસ શટલ ‘એટલાન્ટિસ’ની છેલ્લી ઉડાન પછી અમેરિકાએ સત્તાવાર ઢબે સ્પેસ શટલ પ્રોગ્રામ પર પડદો પાડી દીધો. મતલબ, હવે પછી અમેરિકાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના યાત્રીઓને મોકલવા હોય તો યાત્રીદીઠ ૬.૩ કરોડ ડોલરનું આસમાની ભાડું ચૂકવીને ફરજિયાત રીતે રશિયાના ‘સોયુઝ’ યાનનો ઉપયોગ કરવો પડે.
અવકાશક્ષેત્રે દાયકાઓ સુધી સરસાઇ ભોગવનારા અમેરિકાને આ સ્થિતિ અનેક રીતે અળખામણી લાગે એવી હતીઃ એક તો રશિયાની પરાધીનતા. ઉપરથી ટિંક્ચર ભાડું અને રશિયાના પાંચ દાયકા પુરાણા ‘સોયુઝ’ યાનમાં કશી ગરબડ થાય તો શું? આ કેવળ અમંગળ કલ્પના નથી. થોડા વખત પહેલાં જ એવું બન્યું હતું અને ‘સોયુઝ’ની ઉડાન મોકૂફ રાખવી પડી. આ પરિસ્થિતિમાં ‘નાસા’એ નક્કી કર્યું કે અવકાશ ક્ષેત્રનું ખાનગીકરણ કરવું. ખાનગી કંપનીઓને સારી એવી આર્થિક મદદ અને પોતાના વર્ષોના અનુભવનો લાભ આપવો અને તેમને અવકાશી ઉડાનો માટે તૈયાર કરવી. આ નિર્ણય પણ વિવાદ વગરનો તો નથી જ. ૨૦૧૨ના બજેટમાં ‘કમર્શિયલ ક્રુ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ માટે ‘નાસા’એ ૮૫ કરોડ ડોલર માગ્યા હતા, પણ સંસદે ફક્ત ૪૦ કરોડ ડોલર મંજૂર કર્યા.
ગયા વર્ષે ‘નાસા’એ અવકાશયાન તૈયાર કરવા માટે ચાર કંપનીઓને મસમોટી આર્થિક મદદ કરી હતી. તેમાં બોઇંગ (૯.૨૩ કરોડ ડોલર), સિએરા નેવાદા (૮ કરોડ ડોલર) અને બ્લુ ઓરિજિન (૨.૨ કરોડ ડોલર) ઉપરાંત ‘ડ્રેગન’ બનાવનાર ‘સ્પેસએક્સ’ કંપની (૭.૫ કરોડ ડોલર)નો સમાવેશ થતો હતો. અવકાશયાનના ધંધામાં જંગી મૂડીરોકાણની જરૂર પડતી હોવાથી, ‘નાસા’ મદદ ન કરે તો કદાચ કોઇ કંપની પોતાના ડોલર બાળીને ટેકનોલોજી વિકસાવવાની પળોજણમાં ન પડે. ‘નાસા’ને આશા છે કે આ કંપનીઓ સ્પેસશટલની વિદાય પછી અમેરિકા માટે સર્જાયેલો ખાલીપો પુરશે. તેની આશામાં દમ છે તે ‘સ્પેસએક્સ’ના ‘ડ્રેગન’ યાનની સફળતાએ બતાવી આપ્યું છે. પરંતુ મુસીબત એ છે કે કોઇ કંપની ૨૦૧૫-૨૦૧૭ પહેલાં સમાનવ અવકાશયાત્રા માટે સજ્જ યાન બનાવી શકે એમ નથી. સવાલ ફક્ત ટેકનોલોજીનો નહીં, પણ ફૂલપ્રૂફ સલામતીનો અને સ્પેસશટલની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એ જોવાનો છે. એ ક્ષમતા કેળવાય ત્યાં સુધી ચાર-પાંચ વર્ષ સુધી રશિયાનું ભાડું ભરવાનું અમેરિકાને વસમું લાગવાનું છે.
અમેરિકાની સંસદની અવકાશવિજ્ઞાનને લગતી સમિતીને લાગે છે કે બહુ બધી કંપનીઓ વચ્ચે ભંડોળ વહેંચવાને બદલે ‘નાસા’એ કોઇ એક કંપની પસંદ કરીને તેને બધી રકમ આપી દેવી જોઇએ. એવું થાય તો આખી પ્રક્રિયા ઝડપી બને. પરંતુ ‘નાસા’ના વહીવટકર્તાઓને આ દલીલ સાથે સંમત નથી. તેમને લાગે છે કે કોઇ એક કંપનીને પસંદ કરી લેવામાં આવે, તો પછી એ કંપની નિરાંતમાં આવી જાય. પરસ્પર હરીફાઇ ન હોય એટલે કંપનીને સંશોધનની કશી ઉતાવળ પણ ન રહે અને તેનો એકાધિકાર થઇ જાય. સરકાર તરફથી નાણાં મળતાં થઇ જાય એટલે એ રીતે પણ કંપની નિશ્ચિંત બને.
આ મુદ્દે ચાલતી ખેંચતાણ હજુ પૂરી થઇ નથી. પરંતુ ‘ડ્રેગન’ની - અને ‘સ્પેસએક્સ’ની સફળતાથી ‘નાસા’ને બળ મળ્યું છે. આ વર્ષે બીજી બે કંપનીઓ પણ પોતાનાં યાનનાં પરીક્ષણ કરવાની છે. આ લેખ તમારા સુધી પહોંચે ત્યાર પહેલાં, ગુરુવાર ૩૧ મેના રોજ ‘ડ્રેગન’ સ્પેસ સ્ટેશનમાંથી ૫૯૦ કિલોનું સંપેતરું લઇને પૃથ્વી પર હેમેખેમ પાછું ફરે, એટલે તેની સફળતા સો ટકા ગણાય.
‘સ્પેસએક્સ’ના સફળ પ્રયોગ પછી પણ સરકાર તરફથી ખાનગી કંપનીઓને મળતી મોટી રકમ અંગેનો કચવાટ રહેવાનો છે. કંપનીઓ માલેતુજારો પાસેથી લાખો ડોલર ખંખેરીને તેમને અવકાશની સફર કરાવે અને ‘સ્પેસ ટુરિઝમ’ થકી પોતાનો ખર્ચો કાઢે- નફો મેળવે, એવું પણ સૂચવાઇ રહ્યું છે. આજે નહીં ને પાંચ-દસ વર્ષે પણ એ શક્ય બનશે, ત્યારે અવકાશયાત્રાનું ખરા અર્થમાં ખાનગીકરણ થશે. ‘ડ્રેગન’ની યાત્રા ત્યાં સુધી પહોંચવાની દિશામાં પહેલું મોટું કદમ છે.
ખુબજ જ્ઞાનસભર માહિતી.., આભાર..!!
ReplyDelete