છેવટે, સર્વોચ્ચ અદાલતે ખોંખારીને સરકારને કહેવું પડ્યું કે દર વર્ષે મુસ્લિમોને હજ માટે અપાતી સબસીડી બંધ કરો. એ માટે અદાલતે દસ વર્ષની મુદત બાંધી આપી.
એક નાગરિક તરીકે અપેક્ષા એવી હોય કે હજ સબસીડી બંધારણના હાર્દનો ભંગ કરતી હોવાથી, તે બંધ થવી જોઇએ. ધર્મનિરપેક્ષ ભારતમાં વિવિધ ધર્મોના અનુયાયીઓ સામે વહેરોઆંતરો રાખવામાં ન આવે અને સરકાર સૌને પૂરતું ધર્મસ્વાતંત્ર્ય આપે તે જરૂરી છે. પરંતુ સરકાર પોતે ધર્મયાત્રા માટે રૂપિયા આપવા માંડે, તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની હાંસી થાય છે.
જસ્ટિસ રંજના દેસાઇ અને જસ્ટિસ આફ્તાબ આલમની બેન્ચે જોકે ધર્મનિરપેક્ષતાનો મુદ્દો છેડ્યો નહીં. બંધારણના હાર્દને બદલે મુસ્લિમદ્વેષમાં રચ્યાપચ્યા રહેતા અને હજ સબસીડી જેવા મુદ્દાથી પોતાનો મુસ્લિમદ્વેષ વાજબી ઠરાવવા મથતા લોકોએ જાણવા જેવું કારણ છેઃ ‘સરકારી ભંડોળ અને સંસાધનો બીજી ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં (પણ) સીધી કે આડકતરી રીતે વપરાતાં હોય છે. અમે તેનાથી અજાણ નથી.’ ધર્મનિરપેક્ષતાની ઉચ્ચ અને આદર્શ ભૂમિકાએથી હજ સબસીડી બંધ કરવામાં આવે તો, તેની સાથે બીજી ઘણી પ્રવૃત્તિઓ ઉપર પણ કાપ મુકાય, જે હજ સબસીડી જેટલી દેખીતી કે એટલી જાણીતી-બદનામ નથી.
અદાલતોનું કામ કાયદા અને બંધારણન અર્થઘટન કરીને તે મુજબ આદેશો આપવાનું છે, પણ તેના પાલનની જવાબદારી સરકાર અને અમુક અંશે પ્રજા પર નિર્ભર છે. એટલે, હજ સબસીડી જેવો રૂપિયાનો ઉઘાડેછોગ વેડફાટ દાયકાઓ થયે ચાલુ રહ્યો છે.
ઘણા લોકોએ હજ સબસીડી વિશે પહેલી અને કદાચ છેલ્લી વાર પણ ભાજપી પ્રચારમાં (‘મુસ્લિમોના તુષ્ટિકરણ’ તરીકે) સાંભળ્યું હશે. તેમને ભાગ્યે જ અંદાજ હશે કે હજ સબસીડી સામે મુસ્લિમોનો પણ તીવ્ર વિરોધ છે. હકીકતમાં, ‘હજ કમિટી ઓફ ઇન્ડિયા’ને બાદ કરતાં કોઇ હજ સબસીડીથી રાજી નથી. તેની સામે વાંધો પડવાનાં દરેક પાસે પોતપોતાનાં, ઘણી હદે વાજબી કારણ છે.
મુસ્લિમો તરફથી વિરોધનાં કારણ
સર્વોચ્ચ અદાલતની બેન્ચે નોંઘ્યું છે કે ‘પોતાની હજના ખર્ચનો મોટો બોજ સરકાર ઉપાડી લે છે- એવું જાણીને ઘણા મુસ્લિમો રાજી નહીં થાય.’ આ વિધાન પાછળનો તર્ક એવો છે કે ઇસ્લામમાં હજનો બહુ મહીમા ખરો, પણ હજ કરનારે પોતાના ખર્ચે હજ કરવી જોઇએ એવું જણાવાયું છે. દેવું કરીને પણ હજ કરી શકાય નહીં. પરંતુ ભારતમાં બને છે તેમ, હવાઇ મુસાફરીના કુલ ખર્ચમાંથી હજ કરનારના માથે ફક્ત ત્રીજા ભાગનો ખર્ચ આવે છે. બાકીનો ખર્ચ સરકાર સબસીડી પેટે ભોગવે છે. વર્ષ ૨૦૧૧માં હજયાત્રી પાસેથી માથાદીઠ રૂ.૧૬ હજાર વિમાનભાડા પેટે લેવાયા. તેની સામે સરકારે પ્રત્યેક મુસાફર દીઠ રૂ.૩૮ હજારની સબસીડી આપી. ઇસ્લામી નિયમોની દૃષ્ટિએ હજમાં આ જાતની સરકારી મદદ વાજબી ઠરી શકે એમ નથી.
વિશ્વભરમાંથી મુસ્લિમો હજ કરવા ઉમટે ત્યારે વ્યવસ્થા જળવાઇ રહે એ આશયથી સાઉદી અરબસ્તાનની સરકાર દરેક દેશોને દર વર્ષે મુસાફરોની મહત્તમ સંખ્યાનો આંકડો ફાળવે છે. તે આંકડો મળ્યા પછી, ભારતનાં વિવિધ રાજ્યોમાં મુસ્લિમ વસ્તીના પ્રમાણમાં હજયાત્રીઓની સંખ્યા રાજ્યની હજ સમિતિઓ નક્કી કરે છે. તે નામ કેન્દ્રીય હજ સમિતી પાસે જાય અને તેમાંથી આખરી યાદી તૈયાર થાય છે. વર્ષ ૨૦૧૧માં ભારતમાંથી સવા લાખ યાત્રીઓ હજ માટે ગયા હતા. એ દરેક પાછળ રૂ. ૩૮ હજાર લેખે ભારત સરકારની કુલ હજ સબસીડી રૂ.૬૦૦ કરોડનો તોતિંગ આંકડો વટાવી ગઇ.
નાગરિક ઉડ્ડયન મંત્રી અજિતસિંઘે લોકસભામાં આપેલા લેખિત જવાબ પ્રમાણે છેલ્લાં ત્રણ વર્ષમાં હજ યાત્રીઓની સંખ્યા અને હજ સબસીડીના આંકડાઃ ૨૦૦૯ (૧.૨૦ લાખ યાત્રી, રૂ.૬૯૦ કરોડ), ૨૦૧૦ (૧.૨૬ લાખ યાત્રી, રૂ. ૬૦૦ કરોડ), ૨૦૧૧ (૧.૨૫ લાખ યાત્રી, રૂ.૬૦૫ કરોડ). આ આંકડા જોઇને કોઇને પણ એવું માનવાનું મન થાય કે આટલી મોટી રકમ સરકારે મુસ્લિમો ઉપર લૂંટાવી દીધી.
આ છાપથી સૌથી વઘુ નારાજ કોઇ હોય તો એ મુસ્લિમો છે. ‘આ રકમ મુસ્લિમ સમાજમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ માટે વાપરવી જોઇએ’ એવું અદાલતે હમણાં કહ્યું, પણ વિવિધ રાજકીય પક્ષોના કે ધાર્મિક સંગઠનોના મુસ્લિમ નેતા ક્યારના એ જ વાત કહી રહ્યા છે. તેમને લાગે છે કે હજ સબસીડીના કારણે મુસ્લિમ સમાજને કશો નક્કર ફાયદો થતો નથી અને તે લોકોની આંખે ચડી જાય છે. મુસ્લિમદ્વેષીઓને તેનાથી ફાવતું જડે છે. કેટલાકે આગળ વધીને એવું પણ કહ્યું છે કે હજ સબસીડી પાછળ ખર્ચાતા કરોડો રૂપિયામાં મુસ્લિમોનું તો નામ છે. હકીકતે સરકાર આ રકમ પોતાની ખોટ ખાતી એર લાઇન્સને જ આપે છે.
આ દલીલ પૂરેપૂરી તર્કશુદ્ધ ન લાગે. કારણ કે સરકાર સબસીડી સીધી મુસ્લિમોને ન આપતી હોય અને તે ‘એર ઇન્ડિયા’ને ચૂકવતી હોય, તો પણ મુસ્લિમોને સરવાળે રૂ.૧૬ હજાર જ ખર્ચ કરવો પડે છે અને તેમના રૂ.૩૮ હજાર બચી જાય છે. એ રકમ પોતાના ખિસ્સામાંથી ન કાઢવી પડે, એ સરકાર તરફથી મળ્યા બરાબર જ ન ગણાય?
પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે સાચી નથી. કારણ કે માથાદીઠ રીટર્ન ટિકીટનો સરકારી ખર્ચ (રૂ.૧૬ હજાર વત્તા રૂ.૩૮ હજાર બરાબર રૂ.૫૪ હજાર) વાસ્તવિક ખર્ચ કરતાં ઘણો વધારે હોવાનું હજયાત્રીઓ કહે છે. હજયાત્રા માટે ભારત સરકારે સાઉદી અરબસ્તાનની સરકાર સાથે કરેલી ગોઠવણ પ્રમાણે, હજયાત્રીઓ લઇ જવાનો એકાધિકાર ‘એર ઇન્ડિયા’ પાસે છે. છેક ૧૯૫૪થી આ કામગીરી કરતી ‘રાષ્ટ્રિય એરલાઇન્સ’‘એર ઇન્ડિયા’ પાસે એક સાથે હજના ધસારાને પહોંચી વળવા માટે પૂરતાં વિમાન હોતાં નથી. એટલે, તેમને એટલા સમય પૂરતાં વિમાન પાઇલટ-સ્ટાફ સહિત ભાડે લેવાં પડે છે. હજયાત્રીઓને ફક્ત મુંબઇ-દિલ્હી જેવાં મુખ્ય શહેરોનાં વિમાની મથકેથી નહીં, પણ દેશભરનાં દોઢેક ડઝન ઠેકાણેથી લઇ જવાનાં હોય છે.
હજ ફ્લાઇટ્સની સૌથી આકરી શરત એ હોય છે કે એ યાત્રીઓને ચાર્ટર્ડ (ખાસ) વિમાનમાં જ લઇ જવા પડે, જેમાં હજયાત્રીઓ સિવાયના કોઇ મુસાફર ન હોય. એટલું જ નહીં, તેમને સાઉદી અરબસ્તાન ઉતારી દીધા પછી વળતી મુસાફરીમાં પણ વિમાનમાં બીજા કોઇ મુસાફરોને લઇ શકાય નહીં. એટલે કે વિમાને ખાલી મુસાફરી કરવી પડે. હજ પૂરી થયે હજયાત્રીઓને લેવા જતી વખતે પણ એ જ નિયમ લાગુ પડે. હજયાત્રાના ભારે ખર્ચ અને તેની મસમોટી સબસીડી માટે સરકાર હંમેશાં આ કારણ આગળ ધરે છે.
પ્રથમ દૃષ્ટિએ ગળે ઉતરી જાય એવું આ કારણ ફગાવી દેનારા ઘણા મુસ્લિમોની સાદી દલીલ છેઃ એક મહિના સુધી ગમે ત્યારે વળતી મુસાફરી કરી શકાય એવી વ્યવસ્થા ધરાવતી ભારતથી અરબસ્તાનની રીટર્ન ટિકીટ રૂ.૫૪ હજાર કરતાં ઘણી સસ્તી- લગભગ અડધી કિંમતની હોય છે. ભારત સરકાર ‘એર ઇન્ડિયા’ના એકાધિકારને બદલે, બીજી વિમાની કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવે તો જથ્થાબંધ ટિકીટોના કારણે ભાડાંમાં મોટા પાયે કાપ મુકાવી શકાય. પરંતુ એવું બનતું નથી. એટલે ‘એર ઇન્ડિયા’નો (ખોટ કરવાનો) એકાધિકાર અને સરકારે તોતિંગ સબસીડી તરીકે એ ખોટ ભરપાઇ કરતા રહેવાનો ‘અધિકાર’ ચાલતાં રહે છે. મુસ્લિમ નેતાઓ અને સંગઠનોની એવી પણ માગણી રહી છે કે સરકારે સબસીડી આપવાની ભૂમિકામાંથી સદંતર નીકળી જવું જોઇએ અને મલેશિયાની સરકારની જેમ, ફક્ત ગોઠવણ કરી આપવા પૂરતું કામ રાખવું જોઇએ. જરૂરી નાણાંની ઉઘરાણી મુસ્લિમો પાસેથી કરવી જોઇએ. એ રીતે યોગ્ય વહીવટ થાય તો હજયાત્રીઓને ફાયદો મળે, પણ સરકારે સબસીડી આપવાની જરૂર ન રહે.
કેટલાક હજયાત્રીઓએ સરકારી હજ સમિતિ દ્વારા વિમાનભાડા ઉપરાંત બીજી વ્યવસ્થાઓ પેટે વસૂલાતી રકમો અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત ચીંધીને, ત્યાં પણ ભ્રષ્ટાચારની શક્યતા તરફ આંગળી ચીંધી છે. હજયાત્રીઓ સાથે જતી સરકારી શુભેચ્છા ટુકડી (ગુડવિલ ડેલીગેશન)માં છેલ્લા ઘણા સમયથી બે-અઢી ડઝન સભ્યોનો કાફલો હોય છે. પોતાનાં સગાવહાલાંને સરકારી ખર્ચે મોજ કરાવવાનો તેનો મુખ્ય આશય બની ગયો હોય એવું લાગે છે. આ બાબતની સર્વોચ્ચ અદાલતે આકરી ટીકા કરીને કહ્યું છે કે વડાપ્રધાનની સાથે પ્રવાસમાં સરકારના બે પ્રતિનિધિ હોય છે. એવી જ રીતે હજયાત્રીઓ સાથે બે જણ સરકારી પ્રતિનિધિ તરીકે જાય એટલું પૂરતું છે.
ગુડવિલ ડેલીગેશનની ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬૫ના યુદ્ધ પછી શરૂ કરવામાં આવી હતી. એ વખતે પાકિસ્તાન હજયાત્રીનો ઉપયોગ ભારતવિરોધી પ્રચાર માટે કરતું હતું. એટલે ૧૯૬૭માં ભારતે પહેલી વાર ત્રણ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મોકલ્યું. એક વાર એ ચીલો પડી ગયા પછી સરકારી રિવાજ પ્રમાણે, એકેય પક્ષની કે મોરચાની સરકારે તેના વિશે પુનઃવિચાર કરવાની જરૂર જોઇ નથી.
ફેરવિચાર કરવાનો મૂળભૂત મુદ્દો તો હજની સબસીડીનો છે. દુનિયાભરના ૫૫ ઇસ્લામી દેશોમાંથી કોઇ દેશ હજ માટે સબસીડી આપતો નથી. નોંધપાત્ર હકીકત એ છે કે પાકિસ્તાનમાં છેક ૧૯૯૭ સુધી હજ માટેની સબસીડી અપાતી હતી. (ઇસ્લામની દૃષ્ટિએ તે કેવી રીતે વાજબી ગણાવાઇ હશે, એવી જિજ્ઞાસા થાય.) ત્યાં કોઇ રાજકીય નેતાની પહેલથી નહીં, પણ લાહોરની વડી અદાલતના આદેશથી હજની સબસીડી બંધ કરવામાં આવી.
ભારતમાં અદાલતી આદેશ પછી કેન્દ્રીય કાનૂન મંત્રી સલમાન ખુર્શીદે ડહાપણ ડહોળ્યું છે કે ‘અમે છેલ્લા ઘણા વખતથી આ દિશામાં વિચારતા હતા.’ તેનો અમલ કેમ ન થયો, એ સમજી શકાય એવું છેઃ યુપીએ સરકાર સીધાસાદા નિર્ણય લઇ શકતી ન હોય, તો જરા ખોંખારો અને સ્પષ્ટવાદિતા માગતો આવો નિર્ણય શી રીતે લે?
એમ તો પંદર વર્ષ પહેલાં (૧૯૯૭માં) ઇન્દરકુમાર ગુજરાલ મોરચા સરકારના વડાપ્રધાન હતા ત્યારે પણ હજ સબસીડી નાબૂદ કરવાની દરખાસ્ત નાગરિક ઉડ્ડયન સચિવે મૂકી હતી. ખુદ ગુજરાલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી તેની તરફેણમાં હતા. છતાં એ મુદ્દે બધા પક્ષોની સંમતિ મેળવવાની લ્હાયમાં, એ દરખાસ્ત ઉડી ગઇ. વર્તમાન સરકાર મુસ્લિમોને દર પાંચ વર્ષે એક વાર હજ સબસીડી આપવાને બદલે, જીવનમાં ફક્ત એક જ વાર સબસીડી મળે એટલે સુધી આગળ વધી શકી હતી. સર્વોચ્ચ અદાલતે હવે આ મુદ્દે નિર્ણય લઇને, રાજકીય નેતાગીરીના અભાવને પૂરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી પણ સબસીડી નાબૂદ ન થાય તો મુસ્લિમ સંસ્થાઓ તરફથી સરકાર સામે અદાલતના તિરસ્કારનો કેસ મંડાવો જોઇએ.
Muslims & Muslim Organizations should welcome Supreme Court's decision for one of the important 'personal' virtue Hajj, any expenses over it, can not be subsidized by Government, when Muslim is obliged to perform Hajj as advised by Religion looking to requisite financial capacity and who has no burden of any financial debt.
ReplyDeleteInstead Hajj Committee, Muslim Organizations and Government should draft a Procedure of inviting Tenders for Travelling of Hajjis for Number of Flights for To&Fro Facility. Any benefit/discount out of International Tendering Procedure could not be construed as subsidy. And invite various suggestions for its transparancy.
Besides, Delegation issue, Rule of Transparancy experience is very important.
Jabir
I read somewhere that hajj subsidies system dates back to british era..subsequent governments merely continued it.
ReplyDeleteઆમ તો મુસ્લીમ્સ બહુ બોલકી કોમ્યુ નિટી છે તો આ હજ સબસીડી જે વરસો થી સરકાર પે કરે છે એને બંદ કેમ નહિ કરાવી શક્યા હોય? કે પછી હજ સબસીડી નો વિરોધ તેઓ જાહેર માં નહિ પણ ખાનગી રીતે કરતા હશે ? કે પછી સર્વોચ્ચા અદાલત માં આ કેસ મુસ્લિમ સંગઠનો એ કર્યો હતો?
ReplyDelete