દાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી પૂરા કદની ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ૩ મે, ૧૯૧૩ના રોજ થિએટરમાં સામાન્ય દર્શકો માટે રજૂ થઇ. એ ઘટનાને ૯૯ વર્ષ પૂરાં થઇને ૩ મે, ૨૦૧૨ના રોજ ૧૦૦મું વર્ષ બેસશે. આ ફિલ્મની પહેલવહેલી રજૂઆત ૨૧ એપ્રિલ, ૧૯૧૩ના રોજ થઇ હતી તેને ઘ્યાનમાં લઇએ તો, ૧૦૦મું વર્ષ બેસી ચૂક્યું ગણાય.
૯૯ વર્ષ જૂના ભારતીય ફિલ્મઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન, સંકુચિત પ્રાદેશિકતાની રીતે નહીં, પણ વ્યાપક પ્રદાનની રીતે વિશેષ ઉલ્લેખનીય છે. સુરતના હરીશ રધુવંશી જેવા સંશોધકે ભારે જહેમતથી હિંદી ફિલ્મઉદ્યોગનાં તમામ પાસાં સાથે સંકળાયેલા ગુજરાતીઓની યાદી તૈયાર કરીને એ પ્રચલિત માન્યતા ખોટી પુરવાર કરી છે કે ગુજરાતીઓનું પ્રદાન નિર્માતા તરીકે ફક્ત શેઠગીરી કરવા પૂરતું મર્યાદિત હતું. વીરચંદ ધરમશી જેવા પ્રખર અભ્યાસી મૂંગી ફિલ્મોના જમાનામાં ગુજરાતીઓના પ્રદાનની વિગતો ઉલેચી લાવ્યા છે. આવા થોડા સંશોધકોના પ્રતાપે, દસ્તાવેજીકરણનો રિવાજ નહીં ધરાવતા ભારતમાં, ફિલ્મઉદ્યોગની શરૂઆતનો ઇતિહાસ જળવાઇ શક્યો છે. એટલું જ નહીં, તેમની નિઃસ્વાર્થ મહેનત થકી, ગુજરાતીઓના મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશેની માહિતી ઉપલબ્ધ બની છે.
ઇતિહાસ કે આંકડાને શુષ્ક ગણનારા લોકો માટે પણ ફિલ્મના ઇતિહાસમાં રસપ્રદ સામગ્રીનો પાર નથી. ઉદાહરણ તરીકે, ભારતીય (આપણા પૂરતું હિંદી અને ગુજરાતી) ફિલ્મોમાં દલિતોનું પ્રદાન. આટલું વાંચીને ઘણાં મોં તુચ્છકારથી વંકાઇ જાય એવું બને. પરંતુ જૂજ અભ્યાસીઓ-સંશોધકો સિવાય ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે કે ભારતીય ફિલ્મઉદ્યોગમાં સફળતાનો પર્યાય ગણાતા પહેલા કમર્શિયલ ફિલ્મ ડાયરેક્ટર કાનજીભાઇ રાઠોડ જન્મે ગુજરાતી દલિત હતા.
Kanjibhai Rathod/ કાનજીભાઇ રાઠોડ |
ફિલ્મઉદ્યોગના પાયામાં રહેલા ગુજરાતી ભાટિયા દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’માં ૧૯૨૧થી ૧૯૨૪ના ટૂંકા ગાળામાં કાનજીભાઇએ ૩૧ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા સંપટે ‘ભક્ત વિદુર’ ફિલ્મ દ્વારા અંગ્રેજી શાસન પર પ્રહાર કર્યા. તેમાં સંપટ પોતે ખાદીધારી વિદુર બન્યા અને કૌરવો એટલે અંગ્રેજી રાજ. કૃષ્ણની ભૂમિકા, આગળ જતાં ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના માલિક બનેલા માણેકલાલ પટેલે અદા કરી. ભારે ચર્ચાસ્પદ નીવડેલી આ ફિલ્મનું દિગ્દર્શન કાનજીભાઇને સોંપવામાં આવ્યું હતું. ‘કોહિનૂર’ પછી મુંબઇની ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’માં કાનજીભાઇએ ૨૧ ફિલ્મો દિગ્દર્શીત કરી. રાજકોટની ‘સૌરાષ્ટ્ર ફિલ્મકંપની’ સાથે પણ તે થોડો સમય સંકળાયા. ૧૯૩૧માં બોલતી ફિલ્મોની શરૂઆત થઇ, એ વર્ષે મુંબઇમાં બનેલી ૧૭ બોલતી ફિલ્મોમાંથી પ ફિલ્મોમાં કાનજીભાઇનું દિગ્દર્શન હતું. (કાનજીભાઇના અંગત જીવન કે તેમના પરિવાર વિશે કોઇ વાચક વઘુ માહિતી આપશે તો આનંદ થશે.)
ફિલ્મોમાં ગુજરાતીઓના વર્ચસ્વનો પ્રારંભ મૂક ફિલ્મોથી થઇ ચૂક્યો હતો. ૧૯૧૩થી ૧૯૩4 દરમિયાન બનેલી કુલ ૧,૩૧૩ મૂંગી ફિલ્મોમાં અડધાથી પણ વઘુ ફિલ્મો ગુજરાતીઓની માલિકીની ફિલ્મકંપનીઓ દ્વારા બની હતી. ૧૯૧૭માં કલકત્તામાં સ્થપાયેલી, ગુજરાતીની માલિકીની પહેલી ફિલ્મ કંપની હતીઃ એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની. ટૂંક સમયમાં ‘માદન થિએટર્સ’ નામ ધારણ કરનાર આ કંપનીના પારસી માલિક હતાઃ જમશેદજી માદન. તેમની કંપનીએ ૯૦થી પણ વઘુ ફિલ્મો બનાવી.
દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ ગુજરાતી ફિલ્મ કંપનીઓમાં સંભવતઃ સૌથી વઘુ, ૯૬ ફિલ્મો બનાવી. ‘કોહિનૂર’માંથી છૂટા પડેલા માણેકલાલ પટેલે ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના બેનર તળે ૬૫ ફિલ્મો બનાવી. અમદાવાદના રિલીફ રોડ પર આવેલું એ સમયનું ખ્યાતનામ થિએટર ‘કૃષ્ણ સિનેમા’ માણેકલાલની માલિકીનું હતું. મોટી સંખ્યામાં ફિલ્મો બનાવનાર કંપની તરીકે ૮૭ ફિલ્મો બનાવનાર‘શારદા ફિલ્મ કંપની’નો ખાસ ઉલ્લેખ કરવો પડે. તેના ત્રણ ભાગીદારો હતાઃ મયાશંકર ભટ્ટ, નાનુભાઇ દેસાઇ અને ભોગીલાલ દવે.
ગુજરાતી ફિલ્મનિર્માતાઓનું પ્રદાન ફક્ત સંખ્યાત્મક હતું એવું માની લેવાની જરૂર નથી. આ કંપનીઓ એકલદોકલ વ્યક્તિકેન્દ્રી બની રહેવાને બદલે, અનેક નવી ગુજરાતી અને બિનગુજરાતી પ્રતિભાઓનું ઉદ્ગમસ્થાન બની. સાઠથી વઘુ મૂક ફિલ્મો બનાવનાર અરદેશર ઇરાનીની ‘ઇમ્પિરીઅલ ફિલ્મ કંપની’એ ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવી (જેમાં બીજા કલાકારો ઉપરાંત પૃથ્વીરાજ કપૂર પણ હતા). મૂંગી ફિલ્મોમાંથી આગળ આવેલાં ચંદુલાલ શાહ અને ગૌહરબાનુની ‘રણજીત મુવિટોન’, ચીમનલાલ દેસાઇની ‘સાગર મુવિટોન’ અને મૂળ પાલીતાણાના ભટ્ટ બંઘુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટની ‘પ્રકાશ પિક્ચર્સ’ બોલતી હિંદી ફિલ્મોના પહેલા બે-ત્રણ દાયકા સુધી મુખ્ય ફિલ્મસંસ્થાઓ તરીકે ઉભરી.
ફક્ત ધનપતિઓ કે ધંધાદારીઓ જ નહીં, કનૈયાલાલ મુનશી અને ર.વ.દેસાઇ જેવા નામી સાહિત્યકારો અને ઇંદુલાલ યાજ્ઞિક/ Indulal Yagnik જેવા કામચલાઉ ભૂતપૂર્વ અને ભાવિ નેતા પણ ફિલ્મો સાથે સંકળાયા. ઇંદુલાલે ‘પાવાગઢનું પતન’, ‘યંગ ઇન્ડિયા યાને જય ભારતી’ જેવી મૂંગી ફિલ્મોનું નિર્માણ કર્યું. મુનશી-ર.વ.દેસાઇની વાર્તાઓ પરથી ફિલ્મો બની. ‘નવચેતન’ સામયિકના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશી અને વિખ્યાત હાસ્યલેખક ‘મસ્તફકીર’ (હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)થી માંડીને ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ના લેખક સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા જેવા ઘણા ગુજરાતી લેખકો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયા.
આશરે દોઢસોથી મૂંગી ફિલ્મોના કથા-પટકથા લેખક તરીકે મોહનલાલ દવેનો દબદબો એ સમયના ફિલ્મઉદ્યોગમાં કોઇ સાહિત્યસ્વામીથી કમ ન હતો. ફિલ્મની જાહેરખબરોમાં તેમનું નામ ચમકાવવામાં આવતું હતું. એ માન સાહિત્યકાર તરીકે જાણીતા મોટા ભાગના લેખકોને પણ મળતું હતું. કારણ કે એ વખતે ફિલ્મોનું માઘ્યમ પ્રમાણમાં ઓછું પ્રચલિત હતું અને લોકોને એ તરફ ખેંચવાના હતા.
(ફિલ્મોના ઇતિહાસની કેટલીક વઘુ વાતો આવતા સપ્તાહે)
સરસ લેખ....'શું શા પૈસા ચાર'વાળી ગુજરાતીઓની ઈમેજ મોટેભાગે રહી છે;પણ આ લેખ દ્વારા ગુજરાતીઓનો એ સમયમા,જ્યારે ફિલ્મ ઉદ્યોગ તેના શરુઆતના તબક્કામાં હતો;ત્યારેય આટલા પ્રમાણમા ગુજરાતીઓની સંખ્યા એ વાત ફરીથી સાબિત કરે છે;કે કોઈપણ ધંધામા ગુજરાતીઓ પહેલ કરનારા અને તેની શરુઆત કરનારા છે... જય ગુજરાત;જય ગુજરાતી...
ReplyDelete