૬૦ અઠવાડિયાં (એક વર્ષથી પણ વઘુ સમય), ૧.૮ કરોડ ડોલરનો ખર્ચ, ૩૦૦ કસબીઓ અને આખી પ્રક્રિયાનાં પરિણામ પર સતત નજર રાખતા ડાયરેક્ટર જેમ્સ કેમેરન...‘ટાઇટેનિક’ જેવી ફિલ્મને ટુ-ડીમાંથી થ્રી-ડી બનાવવા માટે શું જોઇએ, તેની આ ટૂંકામાં ટૂંકી યાદી છે.
ફક્ત ‘ટાઇટેનિક’/Titanicમાં જ શા માટે, લંબાઇ-પહોળાઇનાં ફક્ત બે પરિમાણ/ડાયમેન્શન ધરાવતી કોઇ પણ ટુ-ડી ફિલ્મમાં ઊંડાઇનું ત્રીજું પરિમાણ ઉમેરવાની લાલચ થાય એનાં ઘણાં કારણ છે. દર્શકોની દૃષ્ટિએ, ત્રીજા પરિમાણનો ઉમેરો એટલે મૂળ ફિલ્મમાં નવીનતા અને નાટ્યાત્મકતાનો વઘાર. નિર્માતાઓ માટે જૂની ફિલ્મમાં થ્રી-ડી/3-dનું ઉમેરણ એટલે ઘરે બેસીને ફિલ્મ જોતા દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવાનો અને થ્રી-ડીના નામે ટિકીટના વધારે ભાવ વસૂલ કરવાનો કીમિયો.
નવા, થ્રી-ડી અવતારમાં રજૂ થનારી ફિલ્મ ‘ટાઇટેનિક’ની જેમ હિટ નીવડેલી હોય નિર્માતાના પક્ષે જોખમ નહીંવત્ અને ફિલ્મના જૂના ચાહકો ફરી એક વાર, પોતાની નવી પેઢી સાથે, થિએટર પર ઉમટી પડે એવી પૂરેપૂરી સંભાવના. પરિણામ? એકની એક જ ફિલ્મ થકી બોક્સઓફિસ પર નવેસરથી ડોલરની ટંકશાળ.
આ વાત નકરી થિયરી લાગતી હોય, તો ઉદાહરણ આપીને વાત કરીએ. ૧૯૯૪માં રજૂ થયલી એનિમેશન ફિલ્મ ‘ધ લાયનકિંગ’ની ટુ-ડી આવૃત્તિએ અમેરિકાનાં થિએટરમાં ૩૧.૨૮ કરોડ ડોલરનો ધંધો કર્યો. ૧૭ વર્ષ પછી, ૧ કરોડ ડોલર કરતાં પણ ઓછા ખર્ચમાં એ ફિલ્મને થ્રી-ડી સ્વરૂપ આપીને નવેસરથી રજૂ કરવામાં આવી. સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૧ના રોજ અમેરિકામાં રજૂ થયેલી થ્રી-ડી ‘લાયનકિંગ’ અત્યાર લગીમાં અંદાજે ૯.૪૨ કરોડ ડોલરનો વકરો કરી ચૂકી છે. યાદ રહે કે આ આંકડો ફક્ત અમેરિકાનો છે. અમેરિકાથી પહેલાં વિદેશોમાં રજૂ થયેલી ‘લાયનકિંગ’ની થ્રી-ડી આવૃત્તિએ વઘુ ૭.૬૪ કરોડ ડોલરની રોકડી કરી છે.
ભીંત પર સાદો હિસાબ માંડો તો, થ્રી-ડી આવૃત્તિના માંડ ૧ કરોડ ડોલરના ખર્ચની સામે, ડિઝની સ્ટુડિયોને નવેસરથી ૧૭ કરોડ ડોલરનો વકરો મળ્યો છે. વચ્ચેનાં ૧૭ વર્ષ દરમિયાન ‘લાયનકિંગ’ની સીડી-ડીવીડીનું ઘૂમ વેચાણ થયું. ૨૦૦૨માં આવેલી‘લાયનકિંગ’ની આઇ-મેક્સ આવૃત્તિએ અમેરિકામાં ૧.૫ કરોડ ડોલરનો વકરો કર્યો. થ્રી-ડી આવૃત્તિ માટે થિએટરોએ ટિકીટના ભાવમાં ૪ ડોલરનો વધારો કર્યો હતો. તેમ છતાં, થ્રી-ડી લાયનકિંગે આટલો કસદાર ધંધો કર્યો.
આ તો થઇ એનિમેશન ફિલ્મની વાત. ફોક્સ સ્ટુડિયોની ‘સ્ટાર વોર્સઃ એપિસોડ ૧- ધ ફેન્ટમ મીનેસ’ સર્વકાલીન સુપરહિટ ફિલ્મોમાં ગણના પામે છે. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મે ૪૩.૧૦ કરોડ ડોલરનો ધંધો કર્યો હતો. તેનું થ્રી-ડી રૂપાંતર ફેબુ્રઆરી, ૨૦૧૨માં રજૂ થયું અને ૮ એપ્રિલ સુધીમાં તેણે અમેરિકામાં ૪.૩ કરોડ ડોલરનો ધંધો કરી લીધો હતો. (ભારત સિવાયના) પચાસેક દેશોમાં રજૂ થયેલી ‘સ્ટાર વોર્સ’ની થ્રી-ડી આવૃત્તિએ ફક્ત દોઢ મહિનામાં ૫.૭૨ કરોડ ડોલરનો વકરો કર્યો.
આ ઉદાહરણોનો સાર એટલો જ કે હોલિવુડમાં ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવીને, તેમના જોરે નવેસરથી ટંકશાળ પાડવાનો યુગ બેસી ચૂક્યો છે. પરંતુ જેમ્સ કેમેરન/James Cameron ની ‘એવેટર’ (ગુજરાતી-ભારતીય ઉચ્ચાર ‘અવતાર’) / Avatar બનતી હતી ત્યારે હોલિવુડમાં થ્રી-ડી ટેકનોલોજીનાં વળતાં પાણી હોય એવું લાગતું હતું. એ માટે ઘણાં પરિબળ કારણભૂત હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટરો જરૂર હોય કે ન હોય તો પણ, મહત્તમ ફ્રેમોમાં ત્રીજા પરિમાણની નાટકીયતા ઠાંસવાનો પ્રયાસ કરતા હતા. તેનાથી શરૂઆતમાં દર્શકો આશ્ચર્ય અને રોમાંચની લાગણી અનુભવતા હતા. (‘છોટા ચેતન’ જોનાર દર્શકોને છૂટ્ટી ફેંકાતી મશાલનું કે રમકડાના ઉડતા હેલિકોપ્ટરનું દૃશ્ય કદાચ હજુ યાદ હશે.) પરંતુ એ રોમાંચ ઝડપથી એકાદ-બે ફિલ્મો પૂરતો ટકે. પછી શું? ફિલ્મની કથામાં કે તેનાં પાત્રોમાં દમ ન હોય, તો માત્ર થ્રી-ડીના જોરે ફિલ્મ ઉંચકાઇ શકે નહીં.
સારી ફિલ્મો બનાવી શકતા નિર્માતાઓ થ્રી-ડીના માઘ્યમમાં જતાં ખચકાતા હતા તેનાં મુખ્ય બે કારણ હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવવા માટે સો ટકા સંતોષકારક કહી શકાય એવી સાધનસામગ્રી ન હતી. થ્રી-ડી ફિલ્મના નિર્માણમાં કચાશ રહી જાય, તો દર્શકોને ફિલ્મ જોતી વખતે માથું દુઃખે. ભૂતકાળમાં એવી ફરિયાદો થયેલી છે. વધારાના રૂપિયા (કે ડોલર) ખર્ચીને માથું દુઃખાડવાનો ધંધો કોણ કરે? અને એ પણ ફિલ્મની ગુણવત્તા વિશે ખાતરી ન હોય ત્યારે?
ધારો કે ટેકનોલોજી અને નિર્માણની દૃષ્ટિએ ફિલ્મ સારી બની પણ ગઇ, તો એ ફિલ્મને રજૂ કરવા માટે થિએટરોને સજ્જ કરવાં પડે. થ્રી-ડી ફિલ્મો અપવાદરૂપે બનતી હોય ત્યારે નવી સુવિધાઓમાં નાણાં ખર્ચવા માટે બહુ ઓછાં થિએટર તૈયાર થાય. દેશવિદેશમાં અનેક પ્રિન્ટો રજૂ કરીને અઢળક કમાણી લેવાનું એ સંજોગોમાં શક્ય ન બને.
આ બન્ને મર્યાદાઓ જેમ્સ કેમેરનને પણ નડી હતી. બાકી, ‘એવેટર’ ફિલ્મ બનાવવાનો વિચાર તેને ‘ટાઇટેનિક’થી પણ પહેલાં આવ્યો હતો. છેક ૧૯૯૫માં તેમણે અજાણ્યા ગ્રહ અને પંગુ ફૌજીના વર્ચ્યુઅલ અવતારને સાંકળતી ૮૨ પાનાંની કથા તૈયાર કરી હતી. પરંતુ પેન્ડોરા નામ ધરાવતા એ ગ્રહ પર વસતા, ભૂરા રંગના દસ ફૂટ ઊંચા ને પૂંછડીયા જીવો તથા સમગ્ર જીવસૃષ્ટિને થ્રી-ડીમાં જ રજૂ કરવાનો કેમેરનનો ઇરાદો હતો. તેને પૂરતો ન્યાય આપવા માટે એ વખતની કમ્પ્યુટર અને થ્રી-ડી ટેકનોલોજી કેમેરનને અપૂરતી લાગી. એટલે ‘એવેટર’ની કથા બાજુ પર મૂકીને તેમણે ટુ-ડીમાં ‘ટાઇટેનિક’ બનાવી. અઢળક ખર્ચ, વિલંબ અને ‘કરોડો ડોલર ખર્ચ્યા પછી છેવટે ફિલમમાં થયું શું? તો કહે બધા ડૂબી મર્યા’ એવી ટીકાઓ વચ્ચે ‘ટાઇટેનિક’ રજૂ થઇ અને અભૂતપૂર્વ સફળતા પામી.
james cameron with 3-d camera |
સાધન તો જાણે બની ગયાં, પણ ફિલ્મ રજૂ કરનારાં થિએટરોનું શું? નવી ટેકનોલોજીની થ્રી-ડી ફિલ્મ રજૂ કરવા માટે થિએટર દીઠ એકાદ લાખ ડોલરનો ખર્ચ બેસતો હતો. એકલદોકલ થ્રી-ડી ફિલ્મ માટે એટલો ખર્ચ કોણ કરે? એટલે કેમેરને એક તરફ થિએટરના માલિકોને સમજાવવાનું ચાલુ કર્યું, તો બીજી તરફ વધારે સંખ્યામાં થ્રી-ડી ફિલ્મો બનતી થાય એ માટે પોતે તૈયાર કરેલા આઘુનિક થ્રી-ડી કેમેરા બીજા ડાયરેક્ટરોને ઉપયોગ માટે આપવાનું નક્કી કર્યું. એ રીતે, કેમેરનના લેટેસ્ટ થ્રી-ડી કેમેરાથી બનેલી પહેલી ફિલ્મ ‘એવેટર’ નહીં, પણ ૨૦૦૩માં આવેલી રોબર્ટ રોડ્રિગ્ઝની ‘સ્પાય કિડ્ઝ’ હતી. ધીમે ધીમે થિએટરમાલિકો સમજતા થયા કે થ્રી-ડી એકલદોકલ ફિલ્મનો મામલો નહીં, પણ ફિલ્મોનું ભાવિ માઘ્યમ બનવાની ક્ષમતા ધરાવે છે. તેના કારણે ૨૦૦૯ સુધીમાં અમેરિકાનાં આશરે ત્રણેક હજાર થિએટરો ડિજિટલ થ્રી-ડી ફિલ્મ માટે સજ્જ થઇ ગયાં.
‘એવેટર’ આવી ત્યાં સુધીમાં થ્રી-ડી ફિલ્મો વિશે પ્રેક્ષકોના મનમાં રહેલા ખ્યાલ બદલાયા હતા. ‘થ્રી-ડી એટલે પ્રેક્ષકો તરફ ફંગોળાઇને આવતી ચીજો’ એવો તેમનો ખ્યાલ નવી થ્રી-ડી ફિલ્મોથી બદલાયો હતો. ‘એવેટર’ જોનારને પોતાના તરફ આવતી વસ્તુ ચુકાવી દેવા માટે માથું બાજુ પર લઇ જવું પડે, એવું કોઇ દૃશ્ય ન યાદ નહીં આવે. તેમાં થ્રી-ડીનો ઉપયોગ ફિલ્મના આખા પોતને, દૃશ્યાવલિને અને ભાવોને ઘટ્ટ કરવા માટે થયો હતો.
‘એવેટર’ને એટલી સફળતા મળી કે હોલિવુડમાં સૌથી વધારે વકરો (૧૯૦ કરોડ ડોલર) કરનારી કેમેરનની જ ફિલ્મ ‘ટાઇટેનિક’નો રેકોર્ડ તોડ્યો અને ૨૭૮.૨૩ કરોડ ડોલરનો ધંધો કર્યો. આ સફળતા ફિલ્મની કથા અને કેમેરનની ઝીણવટભરી કલાદૃષ્ટિ ઉપરાંત થ્રી-ડીના માઘ્યમની પણ હતી.
થ્રી-ડીના જયજયકારનો સંદેશો હોલિવુડમાં બરાબર ઝીલાયો. તેના પગલે ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવવાનો જુવાળ પેદા થયો. આગળ ઉલ્લેખેલી ‘લાયનકિંગ’ અને ‘સ્ટારવોર્સઃ એપિસોડ-૧’ ઉપરાંત ‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝઃ પાર્ટ ટુ’, ‘ધ ગ્રીન હોર્નેટ’ જેવી ફિલ્મો થ્રી-ડી રૂપાંતરણ પામી. ‘એવેટર’ના થ્રી-ડી જુવાળનો લાભ બીજા લોકો લઇ જાય, તો કેમેરન બાકી રહે? તેમણે ‘ટાઇટેનિક’ને થ્રી-ડી સ્વરૂપ આપવાનું નક્કી કર્યું, પણ આડેધડ રીતે નહીં- એકદમ કેમેરન પદ્ધતિએ. ઝીણવટ અને ચીવટથી. કોઇ પણ જાતનું સમાધાન કર્યા વિના.
(આવતા સપ્તાહેઃ ‘ટાઇટેનિક’ કેવી રીતે ટુ-ડીમાંથી થ્રી-ડી બની?)
એવેટર’ આવી ત્યાં સુધીમાં થ્રી-ડી ફિલ્મો વિશે પ્રેક્ષકોના મનમાં રહેલા ખ્યાલ બદલાયા હતા. ‘થ્રી-ડી એટલે પ્રેક્ષકો તરફ ફંગોળાઇને આવતી ચીજો’ એવો તેમનો ખ્યાલ નવી થ્રી-ડી ફિલ્મોથી બદલાયો હતો. ‘એવેટર’ જોનારને પોતાના તરફ આવતી વસ્તુ ચુકાવી દેવા માટે માથું બાજુ પર લઇ જવું પડે, એવું કોઇ દૃશ્ય ન યાદ નહીં આવે. તેમાં થ્રી-ડીનો ઉપયોગ ફિલ્મના આખા પોતને, દૃશ્યાવલિને અને ભાવોને ઘટ્ટ કરવા માટે થયો હતો.
ReplyDeleteસાચી વાત કહી તમે...
-ઝાકળ