Music Director Ravi (3-3-1926, 7-3-2012) |
Ravi-young |
૩ માર્ચ, ૨૦૧૨ના રોજ ૮૬ વર્ષ પૂરાં કરનાર સંગીતકાર રવિનું આજે (૭ માર્ચ, ૨૦૧૨) ટૂંકી બિમારી અને લાંબી કૌટુંબિક વ્યાધિ પછી અવસાન થયું. લગભગ ૧૧૦ હિદી ફિલ્મો ઉપરાંત મલયાલમ, પંજાબી, તેલુગુ, કન્નડ અને બે ગુજરાતી ફિલ્મો (‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને ‘વેરની વસૂલાત’)માં તેમણે સંગીત આપ્યું, પણ પચાસ અને સાઠના દાયકામાં મોજૂદ બીજા ઘુરંધર સંગીતકારોને કારણે, રવિ વ્યાવસાયિક રીતે કદી ‘એ’ ગ્રેડના સંગીતકાર ન ગણાયા. તેમનું સૌથી જાણીતું કામ ગુરૂદત્ત નિર્મિત-અભિનિત ‘ચૌંદહવીંકા ચાંદ’ ઉપરાંત બી.આર.ચોપ્રાના બેનરની ફિલ્મોમાં હતું. રવિ-સાહિર-મહેન્દ્ર કપુરે ‘ચલો એક બાર ફિરસે’થી માંડીને અનેક યાદગાર ગીતો આપીને સંગીતપ્રેમીઓને ન્યાલ કર્યા.
Ravi, Lata, Sahir |
સરળતા અને મઘુરતા રવિનાં ગીતોની ખાસિયત હતી. રફી પાસે તેમણે ઘણાં ગીતો ગવડાવ્યાં, જેમાં હિદી ફિલ્મસંગીતનાં વિશિષ્ટ એવાં ‘ભિખારીગીત’નો પણ સમાવેશ થાય. (દા.ત. ‘એક પૈસા દે દો, વો દસ લાખ દેગા’) ‘નિકાહ’ અને ‘દહલીઝ’ જેવી ચોપ્રા ફિલ્મ્સની બહુ પાછળની ફિલ્મોમાં પણ રવિએ સૂરીલાં ગીત આપવાની પરંપરા ચાલુ રાખી હતી- ભલે ગાયિકા તરીકે સલમા આગા કેમ ન હોય.
***
વીસેક વર્ષ પહેલાંની વાત છે. જૂના ફિલ્મસંગીત-ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાના સિલસિલામાં સાંતાક્રુઝ (પશ્ચિમ)માં રહેતા સંગીતકાર રવિને પણ મળવા બીરેન અને હું ગયા હતા. બંગલાનું નામ : ‘વચન’. કારણ કે તેમની પહેલી ફિલ્મ ‘ચંદામામા દૂરકે’ ફેઇમ ‘વચન’ હતી. સંગીતકારનો બંગલો હોય એ નવાઇ તો ખરી જ. નૌશાદનો બંગલો જોયેલો, પણ એ નૌશાદ હતા.
બંગલાની અંદર જઇને ડોરબેલ વગાડ્યો. થોડી વારમાં એક ભાઇ આવ્યા અને કહ્યું કે રવિસા’બ પરદેશ ગયા છે. એટલે અમે લીલા તોરણે પાછા ફર્યા, પણ મનમાં એવો અંદેશો હતો કે આવું કહીને અમને પાછા વાળનાર ક્યાંક રવિ પોતે તો નહીં હોય?
ગયા વર્ષે ગ્રામોફોન ક્લબના કાર્યક્રમ નિમિત્તે રવિ અમદાવાદ આવ્યા ત્યારે તેમને નિરાંતે મળવાનો, તેમનો ઇન્ટર્વ્યુ કરવાનો મોકો મળ્યો. બહુ આનંદ-ઉત્સાહથી તેમણે વાતો કરી. મૂડ જામ્યો હતો, એટલે લાગ જોઇને વીસ વર્ષ પહેલાંનો કિસ્સો તાજો કર્યો અને મજાકમાં કહ્યું, ‘એ વખતે તમે ન મળ્યા, તો વીસ વર્ષ પછી પણ તમારે છેક અમદાવાદ અમને મળવા આવવું પડ્યું.’
Ravi- Urvish Kothari : Needless to say how pleasant the interview was |
Gramophone club program with backdrop of 'Chaudahvin Ka Chand' Poster |
કાર્યક્રમની સવારે હોટેલમાં વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્ય અને રવિના પ્રેમી પત્રકાર મિત્ર તુષાર પ્રભુણે સાથે હોટેલમાં પહોંચ્યા પછી ગુરૂદત્તની ટીમથી માંડીને ‘નાગીન’ના બિનમ્યુઝિકની કથા સુધીની ઘણી વાતો થઇ. તેમાંથી બે નમૂનારૂપ વિડીયો અહીં મૂકી છે.
આ વિડીયોમાં તે હેમંતકુમારનું સંગીત ધરાવતી ‘આનંદમઠ’ના ‘વંદે માતરમ્’ ગીતમાં કોરસ ગાનારમાંથી તેમના સહાયક કેવી રીતે બન્યા એની વાત છે. ત્યાર પછી ‘નાગીન’નું બીન મ્યુઝિક કેવી રીતે બન્યું અને તેમાં હાર્મોનિયમ સાથે ક્લે વાયોલિનના ટચથી બીનની અસર કેવી રીતે પેદા કરવામાં આવી એ તેમણે કહ્યું છે.
આ વિડીયોમાં ‘ચૌંદહવીકા ચાંદ’ ગુરૂદત્તની ફિલ્મ હોવા છતાં, તેમાં ગીતા દત્તનું એકેય ગીત ન હતું, તે રવિએ કેવી રીતે સિચ્યુએશન ઊભી કરીને ઉમેરાવ્યું તેની વાત છે.
રવિ અસલમાં ગાયક બનવા માગતા હતા. શરૂઆતમાં કોરસમાં ગાયું પણ ખરું. પછી હેમંતકુમારના સહાયક બન્યા અને ધીમે ધીમે સ્વતંત્ર સંગીતકાર તરીકે સ્થાપિત થઇ ગયા. પરંતુ તે ગાયક બન્યા હોત તો? તેમના સંગીતમાં કિશોરકુમારે ગાયેલું ગીત ‘દિલમેં કીસીકે પ્યારકા’ (એક મહલ હો સપનોંકા) બહુ જાણીતું છે. એ જ ગીત રવિના પોતાના અવાજમાં.
રવિના મેં લીધેલા અને ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થયેલા ઇન્ટર્વ્યુની લિન્ક
રવિજી વિષેનો લેખ સુંદર રહ્યો તેમના વિષે જેટલું પણ જાણ્યું તે મારે માટે નવું રહ્યું. તેમના સંગીત વિષે જાણકારી હતી પરંતુ તેમના નામ વિષે જાણકારી ન હતી.
ReplyDeleteઆભાર.
ટોચની હરોળમાં ન મુકાય તેવા સંગીતકારને જે જમાનામાં હાંસિયામાં ધકેલાઇ જવામાં પલક્વાર ન લાગતી તે હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગની તંદુરસ્ત (!) સ્પર્ધાના સમયમાં રવિ સુદીર્ઘ ટકી રહ્યા તે પોતે જ એક અચરજ છે.
ReplyDeleteમહેન્દ્ર કપુર અને આશા ભોસલેના અવાજ ને તેમણે એક નવું પરિમાણ પણ બક્ષ્યું.
એક વધારે સમયોચિત અને ઉમદા અંજલિ બદલ ઉર્વીશભાઇનો આભાર.
Urvishbhai, If I am NOT mistaken Dil mein kisi ke pyaar ka ...song from "Ek Mahal Ho..." is sung by Lata and NOT KIshore Kumar..correct me if I am wrong...
ReplyDeleteHemant Jani
London
UK
Thanks, Hemantbhai.
ReplyDeleteThe song is sung by Lata & Kishore both separately. Both the versions are available on YouTube.
Kishore Version:
http://www.youtube.com/watch?v=Fmlfw9i5zoM
Many songs of Shri Ravi are so melodious like 'Tumhi mere mandir 'film Khandan, 'Tum Agar sath deneka vada karo' and 'Neele gagan ke tale' film Humraz and many others. His great contribution to Hindi Films will always be remembered.
ReplyDeleteI enjoyed the comments by Raviji on how he convinced Guru Dutt to have a song by Geeta Dutt included in the film. Mera Yaar Bana hai Dula, and another written by Majroohsaheb. Thank you.
ReplyDeleteસરસ માહિતી અને વાતચીત. આજે રેડિયો સિલોન પર તેમનાં અવાજમાં કિસ્મત કે ખેલ નિરાલે, તેમનાં 5 માર્ચ, 2010 નાં રેડિયો સિલોન પર લેવાયેલા વિષિષ્ટ ઇન્ટર્વ્યૂ અંતર્ગત પ્રસારીત થયું. મુલાકાતમાં હિન્દી અને સિંહલા ભાષા વચ્ચે દુભાષીયા તરીકે જ્યોતિ પરમારે ફરજ બજાવી. મુલાકાત ગઈ કાલે અને આજે એમ બે ભાગમાં પ્રસારીત થઈ.
ReplyDeleteપિયુસ મહેતા.
સુરત.
જાન એ બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ.... ગીતને મારાં મિત્ર વર્તુળે રાષ્ટ્ર-ગીતનો દરજ્જો આપ્યો છે.
ReplyDelete