મૂળ ઇચ્છા તો એવું મથાળું લખવાની હતી કે ‘યે કિસને ઉઠાડા સવેરે સવેરે’. ભાષાની દૃષ્ટિએ ‘ઉઠાડા’ શબ્દ ખોટો હોત, પણ ઘણા કવિઓનાં ઉદાહરણો પરથી આપણે જાણીએ છીએ કે કવિતામાં ભાષા કે વ્યાકરણનું મહત્ત્વ હોતું નથી. જે ચોટ, જે નૈસર્ગીકતા, જે બોલચાલની ભાષાની મહેક ‘ઉઠાડા’માં આવે છે તે‘જગાયા’માં નથી આવતી, એ તો હિંદી બોલી પાડતો કોઇ પણ ગુજરાતી કબૂલશે. પરંતુ કવિતા-એટલે કે ગઝલ-માં કારકિર્દી બનાવવાની મહેચ્છા નહીં હોવાથી એ પ્રયોગ પડતો મૂક્યો.
મહત્ત્વ શબ્દપ્રયોગનું નથી, પણ એ જેના માટે વપરાય છે તે ક્રિયાનું છે. પ્રેમ બારમાસી પ્રવૃત્તિ હોવા છતાં વસંત - અને હવે વેલેન્ટાઇન ડે- તેના માટેની ખાસ ૠતુ, ખાસ દિવસ ગણાય છે. એવી જ રીતે, ઉંઘવું એ બારમાસી કામ હોવા છતાં, શિયાળામાં ઉંઘવાની- ઉંઘી રહેવાની મઝા કંઇક જુદી છે. શિયાળાની રાત્રે પથારીના ગરમાટામાં રજાઇ ઓઢીને સૂઇ જવાની અનુભૂતિ અવર્ણનીય હોય, તો સવાર પડતાં સુધીમાં તે લગભગ અલૌકિકની કક્ષાએ પહોંચી જાય છે. પરદેશમાં જાણીતા ગાયકો તેમના ગળાનો, જાણીતી અભિનેત્રીઓ તેમના દેહનાં સૌંદર્યકેન્દ્રોનો અને જાણીતા ફૂટબોલખેલાડીઓ તેમના પગનો વીમો ઉતરાવતા હોય છે. એવી રીતે કોઇ નિદ્રાપ્રેમી કરોડપતિ શિયાળાની વહેલી સવારની ઉંઘનો અમુક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવીને મૌલિક પરંપરા શરૂ કરી શકે છે. આમ કરવાથી બે ફાયદા થશેઃ શિયાળાની સવારની ઉંઘનો મહિમા વધશે અને આટલા કરોડ રૂપિયા વધારાના હોવા છતાં પોતાને ઉંઘ આવે છે, એવું કરોડપતિ બોલ્યા વિના જણાવી શકશે.
ભોગ અને ત્યાગ વચ્ચેના એક પગથીયાનું નામ છેઃ આસક્તિ. આખી રાત ઉંઘ ભોગવ્યા પછી સવારે તેનો ત્યાગ કરતાં પહેલાં, સૂતેલા માણસના મનમાં ઉંઘ માટે પ્રબળ આસક્તિનો ભાવ જાગે છે. ઉંઘ તજવા માટે વહેલી પરોઢનો સમયગાળો સૌથી કપરો છે. કારણ કે એ ગાળામાં આસક્તિનું ધોરણ મહત્તમ હોય છે. ભક્તિમાર્ગમાં વહેલા ઉઠવાનું મહત્ત્વ આ કારણથી તો નહીં હોય? (‘રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાઘુપુરૂષે સુઇ ન રહેવું’)- એવી શ્રદ્ધાળુ આશંકા પણ જાગે છે.
જ્ઞાનીજનો કહી ગયા છે કે આસક્તિને કારણે માણસ છતી આંખે અંધ થઇ જાય છે. તેની આંખો બંધ થઇ જાય છે. વહેલી સવારે નિદ્રાવસ્થામાં જોકે આ વિધાનની સત્યાર્થતા ચકાસવાનો મોકો મળતો નથી. કારણ કે ત્યારે આંખો મંિચાયેલી જ હોય છે. એટલું ખરું કે મોટા ભાગના માણસો ઉંઘતી વખતે ઉંઘ સિવાયની બીજી બધી બાબતોમાં લોભલાલસા છોડીને સંતોષી થઇ જાય છે. એ વખતે તેમને ઉંઘ સિવાય બીજું કંઇ દેખાતું નથી. તેમની બધી લાલસાઓ કેવળ ઉંઘ પર કેન્દ્રિત થઇ જાય છે.
ચિંતનીયા પરિભાષામાં કહી શકાય કે ઉંઘ ફક્ત ઉંઘ ન બની રહેતાં, તે માણસોની લાલસાનો સરવાળો બની રહે છે. એટલે સામાન્ય લોકો જેને સીધોસાદો ઉંઘથી ઘેરાયેલો- ઉંઘગ્રસ્ત માણસ ધારે છે, એ ખરેખર ઉંઘની સાથોસાથ ઉંઘની ઘટ્ટ લાલસામાં પણ લપેટાયેલો હોય છે. આવા જણને જગાડવા માટે ભવ્ય પુરૂષાર્થની જરૂર પડે છે. વાસ્તવમાં ‘પુરૂષાર્થ’ શબ્દ જરા કઠે એવો છે. કારણ કે એ કામ મોટે ભાગે સ્ત્રી વર્ગના ભાગે આવે છે. આસક્તિમાં તરબોળ માણસને લાજશરમ હોતી નથી. ઉંઘની આસક્તિ પણ તેમાં અપવાદરૂપ નથી. તેમાં લપેટાયેલા માણસને જગાડવાનું કામ પ્રેમમાં માથાડૂબ કોઇ રસિયાને વૈરાગી બનાવવા જેટલું કપરું છે. આરંભે શૂરા કે ઝટ થાકી જનારા- હાર માની લેનારાનું તેમાં ચાલતું નથી.
જગાડનારના પ્રયાસોનો પહેલો ગીઅર સમયની જાહેરાતથી થાય છે. ‘છ વાગ્યા...હવે ઉઠવાનું નથી? છ વાગ્યા...છ તો ક્યારના વાગી ગયા. પછી તમે ને તમે બૂમો પાડશો...’ પરંતુ ઘણા ઉંઘરસિયા માટે આ બૂમો એપેટાઇઝર જેવી સાબીત થાય છે. તેનાથી ઉંઘ ઉડવાને બદલે તે ફરી એક વાર અસ્તવ્યસ્ત થયેલું ઓઢવાનું સંકોરીને, નવેસરથી ઉંઘવાનો પ્રયાસ કરે છે.
પહેલા ગીઅરની નિષ્ફળતા પછી જગાડનારના પ્રયાસ બીજા ગીઅરમાં આવે છે. આ ગીઅરમાં, ઉઠાડનાર પોતે અર્જુનમાં કર્તવ્યભાવના જાગ્રત કરનાર કૃષ્ણની ભૂમિકામાં આવે છે અને ‘હે પાર્થ, તારી ફરજ શું છે તે હું કહું છું. તું સાંભળ.’ પ્રકારે કહે છેઃ ‘ઉઠો. તમારે છગનભાઇને મળવાનું નથી? અથવા મગનભાઇ તમને મળવા આવવાના નથી?’ અથવા ‘આજે પણ પેલી બસ નહીં મળે તો પછી ઓફિસે લેટ પહોંચશો.’ વાંધો ત્યાં પડે છે કે જગાડનાર પોતાની જાતને કૃષ્ણ-સમકક્ષ ગણે, પણ ઉંઘનારને તે દુર્યોધન જેવા લાગે છે.
કામની વાત આવવાથી સૂતેલા માણસને કંઇક ખુલાસો કરવાની ફરજ પડે છે. તે ઉંઘરેટા અવાજે-આંખ ખોલ્યા વિના, ફક્ત છગનભાઇનું નામ સંભળાય એવી રીતે અસ્પષ્ટ ગણગણાટ કરે છે અને ફરી પડખું ફેરવીને સૂઇ જાય છે. જગાડનારને તેની શાંતિ અકળાવનારી લાગે છે. તે ચિડાય છેઃ ‘આ તે કંઇ રીત છે? એમનું કામ યાદ કરાવીએ તો પણ જાગે નહીં. આવું તે કંઇ ઉંઘવાનું હોતું હશે?’ આ પ્રકારનો ઠપકા વિશે ઘ્યાનથી- ઉંઘ ઉડ્યા પછી- વિચારતાં તેમાં બીજું પણ કંઇક સાંભળી શકાય. જેમ કે, ‘હું ક્યારની- કે ક્યારનો- જાગી છું અને એ કેમ ન ઉઠે? આપણે વહેલા ઉઠીને એમની સેવાઓ કરવી એવું લખી આપ્યું છે?મારું ચાલે તો હું અત્યારે જ લંબાવી દઉં. મને એના કરતાં વધારે ઉંઘ આવે છે, પણ એના જેવું કોણ થાય?’
ત્રીજા ગીઅરમાં જગાડનારનો અવાજ ઊંચો અને ભાષા વધારે જુસ્સાદાર થાય છે. ‘આ તો સાવ બહેરો છે બહેરો..એક નંબરનો ઊંઘણશી..કોઇ દહાડો પહેલી બૂમે જાગ્યો છે? ના ઉઠવું હોય તો મારે શું? કાલથી હું ઉઠાડવાની જ નથી.’ રાણીવાસમાં ગુલતાન પૃથ્વીરાજ ચૌહાણને પોકારતા-ઠપકો આપતા કવિ ચંદ જેવી આ ચેષ્ટા હોય છે, પણ જગાડનારના પક્ષે કવિ ચંદ જેટલી ધીરજ અને હિંમતનો અભાવ તથા સૂનારના પક્ષે પૃથ્વીરાજ જેટલી સ્વધર્મસભાનતા ન હોવાથી આ પ્રયાસ પણ વ્યર્થ જાય છે.
ત્યાર પછી આવે છે છેલ્લો ગીઅર. તેમાં સૂતેલાને ઢંઢોળવા, બરડે વજનદાર હાથે ટપલા મારવા કે તેનું ઓઢવાનું ખેંચી લેવા જેવા બળપ્રયોગ થાય છે. એ વખતે જાગ્યા વિના છૂટકો રહેતો નથી. ભલું હોય તો ઉંઘમાંથી ઉઠીને ‘ઓહોહો...સાડા છ વાગી ગયા? મેં તને કહ્યું ન હતું કે ગમે તે થાય, પણ મને છ વાગ્યે જગાડી દેજે?’ એવો ઠપકો તે જગાડનારને આપવાનો પ્રયાસ કરે છે.
શિયાળાની સવારે દૈવી અનુભૂતિ કરાવતી ઉંઘ તજીને વહેલા શા માટે ઉઠવું જોઇએ? કોઇને વહેલી સવારે કડકડતા હોઠે ભજન ગાવામાં ને સેવાપૂજા કરવામાં, તો કોઇને ચાલવામાં કે કસરત કરવામાં ઉંઘનું બલિદાન સાર્થક લાગે છે. ગામડાંમાં દાતણ કરવાનો અને ઉલ ઉતારવાનો ભારે મહિમા હોય છે. એ ક્રિયાઓ વખતે થતા અવાજ એવા પ્રચંડ હોય છે કે વહેલા ઉઠવાની આળસ ધરાવતા લોકો માટે તે એલાર્મનું કામ કરે છે. અવાજ કરનારા પોતાના પરોપકારથી અજાણ હોવાને કારણે તે સાચા પુણ્યના હકદાર બને છે. બાકી, ખરું પૂછો તો શિયાળામાં વહેલા ઉઠીને કરવા જેવું કામ એક જ છેઃ ફરી ઓઢીને સૂઇ જવું.
ચિત્રાત્મક આલેખન.. :)
ReplyDeleteમેં એક શિયાળાની સવાર પર કવિતા ઘસી હતી...
ReplyDeletehttp://saksharthakkar.wordpress.com/2010/01/12/%E0%AB%AD%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B/
૧૦મુ પાસ કર્યાનો તમને ને મને એક ફાયદો થયો છે, નિખાલસ થવાયું છે: ૭ માર્ક માટે "શિયાળાની સવાર" ના ખોટા વખાણ નથી કરવા પડતા.
Urvish bhai avu avu saru saru lakho chho,ane te badhu vachvani lalach ma sawar ni ungh bagadvi pade chhe.pan bahu j saru lage chhe..
ReplyDeleteWhat a gorgeous piece on the alluring nature of winter-sleep. Those 4 gears had me in splits. :-)
ReplyDeleteઓ-ઓ-નીંદ હમકો આયે
ReplyDeleteશર્દી ઈસ લિયે ભાયે
ઉનકો કહદો- ગિયર બદલકે
યું ન હમકો જગાયે
શિયાળાની સવારે જાગ્યા તો જાગ્યા, હવે તેનાથી પણ મુશ્કેલ કામ છે ઠંડાગાર પાણીમાં આખી રાતમાં રજાઇની મહામૂલી હુંફથી ગરમ થએલી હથેળીને શહીદ થવામાટે તૈયાર કરવી!
ReplyDeleteચાલો, ગમે તેમ કરીને બહાર પણ નીકળ્યા,હવે પછીની ત્રાસની ઘડી છે માંડમાંડ ગતિમાં લાવેલ સ્કુટરનાં ગીઅરને બદલવું, આંગળાંને કેમે કરીને ગીઅરનું લિવર બદલવાનું સૂઝે જ નહીં ને.
"પણ આ બધાંના તો ઉપાય છે", નાકનું ટેરવું બોલ્યું, "હું ઠરું ત્યારે મને કોણ બચાવે?"