'શેક્સપીયરના ઘરમાં તેનાં નાટકોનું પઠન' કે 'માર્ક ટ્વેઇનના ઘરમાં તેની કૃતિઓનું પઠન' પ્રકારના સમાચાર ગુજરાતી-ભારતીય વાચકોને ઘણી વાર વાંચવા મળે છે. પરંતુ કોઇ ભારતીય સર્જક અને તેમાં પણ કવિના બંગલાના ચોગાનમાં તેની કવિતાઓનું પઠન થાય, એવું જલ્દી સાંભળવા મળતું નથી. તેનાં કારણ ઘણાં હોઇ શકેઃ કવિને બંગલો હોય? જો હોય તો તેમાં સો માણસ બેસી શકે એવું ચોગાન હોય? એ પણ જો હોય તો તેમાં કવિની કૃતિઓનો કાર્યક્રમ યોજી શકવાનાં વૃત્તિ-દૃષ્ટિ-તૈયારી-સમજણ હોય? અને એ બધું હોય તો પણ, નિરંજન ભગત જેવા કવિની કૃતિઓ વાંચવા આવે એવું એ કવિનું કદ હોય? આ બધા સુખદ સંયોગોના સરવાળા જેવો વીરલ પ્રસંગ 19 ડિસેમ્બર, 2011- સોમવારના રોજ અમદાવાદમાં બન્યો.
સી.જી.રોડ પાસે આવેલા ઉમાશંકર જોશીના 'સેતુ' બંગલામાં કવિની પુણ્યતિથી નિમિત્તે તેમનાં પુત્રી સ્વાતિબહેને ઉમાશંકરનાં કાવ્યોનું પઠન યોજ્યું હતું. કાવ્યપઠનની કળાના મરમી નિરંજન ભગત ઉમાશંકરનાં ચુનંદા કાવ્યો વાંચવાના હતા.
સાંજે સાડા પાંચે બંગલાના મોટા ચોગાનના હરિયાળા વાતાવરણમાં, પ્રાકૃતિક લાગે એટલી ઉબડખાબડ પણ ખુરશી હાલકડોલક ન થાય એટલી સમથળ ભોંય પર પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવાઇ. કાર્યક્રમ પહેલાં એક ખૂણે ચા-બિસ્કિટની વ્યવસ્થા હતી. ભગતસાહેબ આવી ગયા હતા. બંગલાનો વરંડો એ સાંજ પૂરતો તેમનો ‘મંચ’ હતો. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એ નીચે આગળની હરોળમાં પ્રો.જયંત જોશી અને તેમનાં પત્ની (નીચેની તસવીર) સાથે વાતો કરતા હતા. વચ્ચે સ્વાતિબહેન પણ જોડાતાં હતાં.
પ્રકાશભાઇ-નયનાબહેન, મિત્ર અશ્વિન ચૌહાણ, મનીષી જાની અને બીજા ઘણા ઓળખીતા- પરિચિત લાગતા ચહેરા આસપાસ દેખાતા હતા. ઓચિંતા નારાયણભાઇ દેસાઇ આવી પહોંચ્યા. પરદેશથી સવારે જ આવેલા નારાયણભાઇની અપેક્ષા ન હતી. એટલે સ્વાતિબહેને આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યાં, તે દૂરથી દેખાયું.
ચા-પાણીનો દૌર પૂરો થયા પછી સ્વાતિબહેન ‘મંચ’ પર ગયાં, ટૂંકમાં ભૂમિકા બાંધી અને ભગતસાહેબને માઇક સોંપીને નીચે આવીને બેસી ગયાં.
85 વર્ષના ભગતસાહેબ આ કાર્યક્રમ માટે પાકી તૈયારી કરીને આવ્યા હતા. સ્વાતિબહેન સાથે પછી થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે ભગતસાહેબ કોઇ પણ સમયે કશી તૈયારી વિના ઉમાશંકરની કવિતા વિશે સરસ બોલી શકે તેમ હોવા છતાં, તેમણે નવેસરથી કવિતાઓ વાંચી હતી, 18 કવિતાઓ પસંદ કરી અને તેને લગતા સંદર્ભો પણ તૈયાર કર્યા હતા. એ રીતે, કશી તૈયારી વગર આવીને, પોતાના વડીલપણાનો કે વિદ્વત્તાનો ગેરલાભ લઇને, ફેંકાફેંક કરી જવાની સાહિત્યિક પરંપરાનો ભગતસાહેબે ભંગ કર્યો. ભગતસાહેબ જે કવિતાઓ વાંચવાના હતા, તેના થોડા સેટ પણ શ્રોતાઓ માટે રાખવામાં આવ્યા હતા. તેમણે બુલંદ અને ભાવસભર કંઠે કવિતા વાંચવાનું શરૂ કરતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા બાંધી અને દરેક કવિતા વાંચતાં પહેલાં તેના વિશે થોડી વાત કરવાનો ઉપક્રમ રાખ્યો.
માંડણી કરતાં તેમણે કહ્યું, ‘ઉમાશંકરના સાઠ વર્ષના કવિજીવન (1928-88)માં તેમના દસ કાવ્યસંગ્રહો. એક હજુ તૈયાર થઇ રહ્યો છે...પહેલું કાવ્ય છે ‘મંગલ શબ્દ’. 1931ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત વિદ્યાપીઠમાં વીસ દિવસમાં તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું. તેનો આ પ્રથમ ખંડ છેઃ મંગલ શબ્દ. કવિ જો મહત્ત્વાકાંક્ષી- મોટા ગજાનો કવિ હોય તો તેની કવિતામાં માત્ર આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યો ન હોય. જો પચીસ વર્ષની વય પછી તેને કવિતા લખતા રહેવું હોય તો તેનામાં પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યો હોવાં જોઇએ. ઉમાશંકરભાઇએ ‘વિશ્વશાંતિ’ લખ્યું ત્યારે તેમનું વય વીસ જ વર્ષનું હતું. પછી એ લગભગ 58 વર્ષ સુધી કાવ્યો રચવાના હતા. એટલે આ પ્રથમ કાવ્યમાં જ આપણે જોઇશું કે તેમનામાં ઇતિહાસદૃષ્ટિ છે. સેન્સ ઓફ હિસ્ટરી, જે મોટા ગજાના કવિમાં હોવી જ જોઇએ. નહીં તો એ કવિ મોટા ગજાનો કવિ થાય જ નહીં. થયો જ નથી જગતમાં ક્યાંય.’
નિરંજનીય શૈલીમાં ભગતસાહેબે કહ્યું કે ‘એ ઇતિહાસદૃષ્ટિ ગુજરાતમાં ગોવર્ધનરામમાં હતી, બળવંતરાયમાં હતી, નાનાલાલમાં હતી. ત્યાર પછી ઉમાશંકરમાં છે અને ત્રીસ પછીના જે કવિઓ છે એમાંથી એકેયમાં ઇતિહાસદૃષ્ટિ નથી.
‘તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું, વિદ્યાપીઠમાં રચ્યું, ગાંધીજી વિશે રચ્યું એ તો બધું ઠીક છે. પણ એમાં ઇતિહાસદૃષ્ટિ છે.’ એ વાત પર ભગતસાહેબે સૌથી વધારે ભાર મૂક્યો. એનો બીજો અને પાંચમો ખંડ એમાં એમણે સ્મરણ કર્યું છે બુદ્ધનું, મહાવીરનું અને ઇસુનું. પછી એમની ઇતિહાસદૃષ્ટિ કાવ્યમાં સક્રિય છે. શસ્ત્ર, વિકાસ, હિંસા, યુદ્ધો અને લખ્યું 1931માં- ગાંધીજી આવ્યા 1915માં ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. પછી રશિયન ક્રાંતિ થવાની હતી. એના બસો વર્ષ પૂર્વે 1889માં ફ્રાન્સમાં ક્રાંતિ થઇ હતી. આ ત્રણે ઘટનાઓ જે તાજેતરમાં થઇ છે, હજાર-બે હજાર વર્ષ પહેલાં નહીં, બસો વર્ષ પહેલાં કે દસ-પંદર વર્ષ પહેલાં. આટલું પૂરતું નથી. એથી વિશેષ કંઇક જોઇએ. આ તો ભૂતકાળની વાત થઇ. પછી વર્તમાનનું શું? એનામાં સમકાલીન સમાજની સભાનતા હોવી જોઇએ. એનામાં જીવાતા જીવનની સંવેદના હોવી જોઇએ, જે અહીંયા કંકાલતાંડવ ખંડમાં છે.'
'દાંડીકૂચના લગભગ દોઢ વર્ષ પછી ઉમાશંકરે વિશ્વશાંતિ રચ્યું છે. દાંડીકૂચ જગતના ઇતિહાસમાં સર્વપ્રથમ એવી અહિંસક ક્રાંતિ છે (જે પહેલાં) ક્યારેય થઇ નથી મનુષ્યજાતિના ઇતિહાસમાં. તે વિશ્વશાંતિના કેન્દ્રમાં છે. એક વીસ વરસનો છોકરડો..(ને) હંહ...આ બધું? એની સંવિદમાં સંચિત થયું એ બધું પ્રગટ થયું છે. છંદો કાચા હશે, સુશ્લિષ્ટ એકતા નહીં હોય, વિદ્વાનો-વિવેચકોને જે વાંધાવચકા પાડવા હોય તે પાડે, પણ પહેલો જ કૂદકો મારીને માણસ એવરેસ્ટ પર જઇને ઉભો રહે એવું (આ કવિતામાં)થયું છે. વિષય પણ કેવો મોટો છે? વિષયની સાથે સ્પર્ધા કરે એવી કવિતા કદાચ નહીં હોય. વીસ વરસના છોકરા પાસેથી વધુ પડતી અપેક્ષા નહીં રાખવી આના કરતાં. અન્યાય થાય એને. આવું કેટલુંક મેં પણ બાફ્યું છે ભૂતકાળમાં. ઉમાશંકર સામે બેઠા હતા ને મેં કહ્યું છે કે આમાં મુગ્ધતા છે ને આમ છે ને તેમ છે. અરે ભાઇ, પણ વિષય તો જુઓ. આમાં એમની ઇતિહાસદૃષ્ટિ તો જુઓ, એમની સંવેદના- સભાનતા જુઓ. વીસ વર્ષની ઉંમરે તો હું માનું છું ગુજરાતી કવિતાના ઇતિહાસમાં કોઇ કવિ પાસે નહીં હોય, જે ઉમાશંકર પાસે હતું.’
સામાજિક ન્યાય અને સમાનતા- આ બે મુદ્દે માર્કસને યાદ કરતાં ભગતસાહેબે કહ્યું કે ‘આ માર્કસનો મનુષ્ય જાતિને અમર વારસો છે. ઉમાશંકરના હૃદયને ગાંધીજીની અપીલ હતી, પણ તેમની બુદ્ધિને માર્કસની અપીલ હતી. 1930માં એમણે યરવડા જેલમાં પહેલી વાર ‘દાસ કેપિટલ’ વાંચ્યું. પછી 1931માં વિદ્યાપીઠમાં હતા ત્યારે ધર્માનંદ કોસંબી તાજા રશિયાથી આવ્યા હતા. એ વાતો કરતા હતા માર્કસની. દિનકર મહેતા તેમના મિત્ર-સહાધ્યાયી હતા. ત્યાં જે ચર્ચાઓ ચાલી, જે ચર્ચા જામી તેનો પણ પ્રભાવ ઉમાશંકર પર હતો. પછી 1932માં વિસાપુર જેલમાં ‘દાસ કેપિટલનો સઘન અભ્યાસ કર્યો.’ માર્કસના વિચારોની પ્રેરણાથી 1932માં જ, વિસાપુર જેલમાં જ, આ અભ્યાસ થતો હતો ત્યારે જ, ‘જઠરાગ્નિ’ કાવ્ય રચ્યું.’
ભગતસાહેબ કહે,’ઉમાશંકર ગાંધીવાદી નહોતા. માર્કસવાદી નહોતા. એમ તો માર્કસ ક્યાં માર્કસવાદી હતા ને ગાંધીજી ક્યાં ગાંધીવાદી હતા? એ તો ગાંધી હતા. વાદી તો આપણે બધા મુઆ છીએ. ઉમાશંકરે એક મહેફિલમાં વાર્તાલાપ દરમિયાન કહ્યું હતું: મારામાં કંઇક એવું છે કે ગમે તેવો મોટો ચમરબંધી હોય તેની કંઠી ન બાંધું. તેને તાબે ન થઉં. આમ તો ‘જઠરાગ્નિ’ કાવ્યમાં ઉમાશંકરનો લય - જે પ્રબળ લય છે તે - ન હોત, તો કદાચ કાવ્ય પ્રચારકાવ્યમાં સરી પડ્યું હોત. પોએમને બદલે પ્રોપેગન્ડા. પણ એવું ન થયું.'
'આ કોઇ માર્કસવાદીનું કાવ્ય નથી, પણ એક જેને હાડોહાડ વ્યાપી ગઇ છે ન્યાયવૃત્તિ-સમાનતાવૃત્તિ, એવા કવિનું કાવ્ય છે. આ કોઇ પ્રચારકનું કાવ્ય નથી. (કાવ્યના પઠનની વિડીયો)
.
કાર્યક્રમમાં છેવટ સુધી હાજર રહેવાનું મારા માટે શક્ય ન હતું, પણ અડધો-પોણો કલાક સુધી એ લાભ લીધો એનું આ પરિણામ આ પોસ્ટ.
ઉર્વીશભાઈ:
ReplyDeleteઆ કાવ્ય પઠનનો અહેવાલ લખી મારા જેવા ઘણા વાચકોને આ પ્રસંગ અંગેનો અનેરો લાભ આપ્યો છે. ખુબ ખુબ અભાર
આ સાથે મનમાં વિચાર આવી રહ્યો છે કે માર્ક્સના વિશ્લેષણ ઉપર રચાયેલ સમાજની નિષ્ફળતા વિષે ઉમાશંકરભાઈએ શું લખ્યું હોત.
કેશવ
"સાંજે સાડા પાંચે બંગલાના મોટા ચોગાનના હરિયાળા વાતાવરણમાં, પ્રાકૃતિક લાગે એટલી પણ ઉબડખાબડ પણ ખુરશી હાલકડોલક ન થાય એટલી સમથળ ભોંય પર પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવાઇ." This is the kind of breathtaking detail I love about your posts. The gift of description I was talking about earlier. Actually, I was left unsatiated at the end of this post Urvish and so wished you had attended the entire duration because now there is no way for people like us to to know the full story. Bhagat's class though is very evident from whatever you have written about him. You need a man of his stature to celebrate the poet of Umashankar's calibre.
ReplyDelete