હમણાં સુધી કૌભાંડોમાં અને ગેંગસ્ટરો સાથે સંડોવણીના આરોપો, ક્રિકેટનું રાજકારણ અને અઢળક સંપત્તિ માટે કુખ્યાત કેન્દ્રીય મંત્રી શરદ પવાર ગયા અઠવાડિયે જરા જુદી રીતે ચમક્યા. બલ્કે, શબ્દાર્થમાં ચમકી ગયા. ‘સમાચાર’ અને ‘મનોરંજન’ વચ્ચેની ભેદરેખા ભૂંસી ચૂકેલી ટીવી ચેનલોએ અગણિત વાર બતાવેલા દૃશ્ય પ્રમાણે, એક જણે પવારને તમાચો જડી દીધો. કોંગ્રેસનું પ્રતીક પંજો પવારના ગાલે દેખાતું હોય એવાં કાર્ટૂન અને કમેન્ટ્સના ઢગ ખડકાયા. પવાર પરના ‘વર્ચ્યુઅલ ટપલીદાવ’ ઉપરાંત હુમલો કરનારની ભરપૂર પ્રશંસા પણ થઇ. હુમલો કરનાર ભાઇ અન્નાના સમર્થક છે કે નહીં તેની પંચાતમાં ન પડીએ. અન્ના હજારેની ટીકા કરવા ખાતર તેમને ‘ગાંધીવાદી’ ગણાવવાની રીતમાંથી હવે બચીએ. તો પણ, હુમલાને વધાવી લેનારા ઘણા લોકો માટે એ અન્નાપ્રેરિત ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની આગલી કડી જેવો હતો. સામે પક્ષે, ચળવળકારો પર થતા હુમલા વખતે ચૂપ રહેનારા બધા પક્ષના નેતાઓએ પવાર પર થયેલા હુમલાને એક અવાજે વખોડીને પોતાની અસલિયતનો વઘુ એક વાર પરિચય આપ્યો.
‘પવાર એ જ લાગના છે’ એવી લાગણી એક ચીજ છે અને ‘ભ્રષ્ટાચારીઓ સાથે આવું જ થવું જોઇએ’- એ જરા જુદી વાત છે. એ જ રીતે, ઉશ્કેરાટમાં કે બીજા કારણથી એક માણસ પવારને થપાટ મારે અને લોકોને ઘડીક આનંદ થાય તે એક વાત છે, પણ એ માણસના ભગતસિંઘની કુરબાની યાદ કરવાના અને ‘સબ ચોર હૈ’, ‘ચીરકે રખ દૂંગા’ જેવા સની દેઓલ ટાઇપ બખાળાને ઘણા લોકો હોંશીલી ગંભીરતાથી લે - તેમાં મુગ્ધ સંમતિથી ડોકાં ઘુણાવે અને દેશપ્રેમ-દેશદાઝ-દેશભક્તિની તથા ભ્રષ્ટાચારીઓનું શું કરવું જોઇએ એની વાત કરવા બેસી જાય તે અલગ અને ચિંતાજનક બાબત છે.
ભગતસિંઘની યાદ એટલે?
પહેલાં થોડી વાત હુમલાખોર થકી લોકોને યાદ આવેલા ભગતસિંઘ અને તેમની કુરબાની વિશે. ‘શહીદ-એ-આઝમ’ તરીકે ઓળખાતા ભગતસિંઘની મહાનતા ફક્ત એટલી ન હતી કે તે હિંસક ક્રાંતિમાં માનતા હતા અને પોતાની વિચારધારા ખાતર ફાંસીએ ચડી ગયા. આટલું વર્ણન તો થોડા ફેરફાર સાથે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને પણ લાગુ પડી શકે. તેને મન ગાંધીજીની હત્યા ધર્મકાર્ય હતી- વિચારધારાનો ભાગ હતી. ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધીએ પિતાના હત્યારા માટે દયાની અરજી કરી હોવા છતાં, ગોડસેને ફાંસી થઇ ત્યાં સુધી તેણે કદી અફસોસ વ્યક્ત કર્યો હોય એવું ઘ્યાનમાં નથી.
ગોડસે, હિંદુ મહાસભા અને તેની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પ્રકારનાં સંગઠનોની ‘દેશદાઝ’ તથા ભગતસિંઘની દેશદાઝ વચ્ચે પાયાનો તફાવત રહ્યો છે. ભગતસિંઘની દેશદાઝ કહો કે રાષ્ટ્રભાવના, તે કોમી દ્વેષથી-કોમવાદથી દૂષિત ન હતી. પોલીસની લાઠીથી ઘવાઇને મૃત્યુ પામેલા લાલા લજપતરાયનો બદલો વાળવા માટે ભગતસિંઘ અને બીજા ક્રાંતિકારીઓએ અંગ્રેજ અફસરની હત્યાનું કાવતરું ઘડ્યું એ બહુ જાણીતી વાત છે. પરંતુ શહીદ ભગતસિંઘનું નામ વટાવી ખાનારા કદી કહેતા નથી તે હકીકત એ છે કે જીવનનાં પાછલાં વર્ષોમાં કોમવાદી બનેલા લાલા લજપતરાયનો ભગતસિંઘે ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેમના વિરુદ્ધ પત્રિકા પણ છપાવી હતી.
દેશભક્તિનો ઘેલો ઉભરો નહીં, પણ પ્રખર બૌદ્ધિકતા ધરાવતા ભગતસિંઘે પત્રિકામાં લાલા લજપતરાયની તસવીર સાથે રોબર્ટ બ્રાઉનિંગની કવિતા ‘ધ લોસ્ટ લીડર’ મૂકી હતી, જે બ્રાઉનિંગે ફ્રેંચ ક્રાંતિની ટીકા કરનારા બીજા મહાન કવિ વર્ડ્સવર્થને કેન્દ્રમાં રાખીને લખી હતી. તેની પહેલી કડી હતીઃ ‘જસ્ટ ફોર એ હેન્ડફુલ ઓફ સિલ્વર હી લેફ્ટ અસ/ જસ્ટ ફોર એ રિબન ટુ સ્ટિક ઇન હીઝ કોટ’ (આપણને છેહ દીધો એમણે મુઠ્ઠીભર ચાંદી ખાતર/ કેવળ એક ફૂમતું લગાડવા ખાતર)
ભગતસિંઘને કેવળ હિંસા સાથે સાંકળી દેવા અને તેમને ફક્ત કુરબાની માટે યાદ કરવા, એ તેમની મહાનતાનું અપમાન છે. પવારને લાફો મારનારને રોકડ ઇનામ જાહેર કરનાર ‘ભગતસિંઘ ક્રાંતિ સેના’ જેવાં સંગઠન એ વાત ન સમજે, તેથી સચ્ચાઇ બદલાઇ જતી નથી. અંગ્રેજ અફસરોના ખૂનથી કે ‘બહેરી સરકારના કાન સુધી ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે’ (એ વખતની) સંસદમાં બોમ્બ ફેંકવાથી ભગતસિંઘની દેશદાઝનો કે બહાદુરીનો અંત આવી જતો ન હતો. એ તેમના રાષ્ટ્રપ્રેમ કે શૌર્યનું શીખર ન હતું. ભગતસિંઘને આગળ ધરીને ગાંધીજીની લીટી નાની કરવાનો કુટિરઉદ્યોગ ચલાવતા ઘણા લોકો એ ભૂલાવી દે છે કે ગાંધીજી અને ભગતસિંઘ બન્નેના માર્ગ સામા છેડાના હોવા છતાં, આઝાદ દેશ વિશેના તેમના સ્વપ્નમાં એક મૂળભૂત અને પાયાનું સામ્ય હતું. ગાંધીજી અંત્યોદય અને સર્વોદયની વાત કરતા હતા, તો ભગતસિંઘનું ‘ઇન્કિલાબ’નું સ્વપ્ન પણ દેશના ગરીબમાં ગરીબ માણસને આવરી લેતું હતું. તેમની ખેવના શોષણમુક્ત, જ્ઞાતિના ભેદભાવોથી મુક્ત, ફક્ત રાજકીય નહીં પણ તમામ અર્થમાં સ્વતંત્ર-આઝાદ સમાજ માટેની હતી.
માંડ સાડા ત્રેવીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં ભગતસિંઘ માનવકરુણાથી પ્રેરાઇને પ્રખર નિરીશ્વરવાદી બન્યા. પૂર્વજન્મ અને કર્મના સિદ્ધાંતોનો છેદ ઉડાડનાર અને ‘આ દુનિયામાં સૌથી મોટું પાપ તો ગરીબ હોવું એ જ છે’ એમ કહેનાર ભગતસિંઘે પ્રતીતિપૂર્વક કહ્યું હતું કે ‘બધા જ ધર્મો, સંપ્રદાયો તથા પંથો અને એવી બીજી ધાર્મિક સંસ્થાઓ અંતે તો જુલમગારો, શોષણખોરો, સ્થાપિત હિતો તથા એવા વર્ગોનાં કેવળ ટેકેદારો જ બની રહ્યાં છે. જેમ કે, રાજા સામે બળવો કરવો એને દરેક ધર્મે પાપ લેખાવ્યું છે.’
ભગતસિંઘની ખરી મહાનતા તેમના આવેશ વગરના, વિચારસમૃદ્ધ અને વળતરની અપેક્ષા વગરના બલિદાનમાં છે. ફાંસીએ ચડતાં સુધીની જીવનયાત્રામાં તે ફક્ત અંગ્રેજ સરકારને તમામ અનિષ્ટોનું મૂળ ગણાવીને કે ‘બધા ચોર છે’ કહીને છૂટી ગયા નથી. ભારતીય સામાજિક દૂષણોનાં મૂળ સુધી તે ગયા અને એ વિશે ખોંખારીને લખ્યું. ભ્રષ્ટ રાજનેતાઓ પરના પરચૂરણ હુમલા ટાણે ભગતસિંઘ જેવાની યાદ તાજી કરવામાં આવે ત્યારે તેમાં ભગતસિંઘની સામાજિક સુધારની સમજણને બદલે, કેવળ હિંસક માર્ગનું અવિચારી સમર્થન જણાય છે.
એન્કાઉન્ટર, બહાદુરી અને શરમ
પવારને કોઇ અજાણ્યા માણસ તરફથી પડ્યો તેના કરતાં ઘણા વધારે સંગીન શાબ્દિક તમાચા અત્યાર લગી ગુજરાત સરકારને અદાલતો તરફથી પડ્યા છે. ઇશરત એન્કાન્ટર કેસ એ યાદીનો લેટેસ્ટ ઉમેરો છે. નકલી એન્કાઉન્ટરોના સંગીન અને જામીન ન મળે એવા આરોપસર ગુજરાતના સંખ્યાબંધ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેલમાં છે અને ઇશરત એન્કાઉન્ટર કેસને કારણે તેમાં કેટલાક વઘુનો ઉમેરો થવાની સંભાવના છે. છતાં, ગુજરાતના મુખ્ય મંત્રીના પ્રેમમાં કેસરીયાં કરી ચૂકેલા ઘણા લોકોને આ બાબતે કશું શરમાવાપણું લાગતું નથી.
સૌ જાણે છે કે મોટા ભાગનાં એન્કાઉન્ટરમાં મૂઠભેડ નહીં, પણ પકડાયેલા ગુનેગારની ઠંડા કલેજે હત્યા થાય છે. તેમ છતાં, આ હત્યાઓને મોટા પાયે લોકસમર્થન મળે છે. કારણ કે લોકો માને છે કે દેશમાં ગુનેગારો પૈસાના જોરે અને રાજકીય વગના જોરે છટકી જાય છે. તેમનો ન્યાય તોળાતો નથી. ધરપકડ થાય તો સજા થવામાં વર્ષો નીકળી જાય છે. ગુનો કરનાર પર દાખલો બેસે એવી સજાઓ થતી નથી. એના કરતાં પોલીસ હાથે ચડેલા ગુંડાને પૂરા કરી નાખે તો એમાં ખોટું શું છે? આ પ્રકારની રજૂઆતો નકલી એન્કાઉન્ટરના સમર્થકો દ્વારા થાય છે.
આ સીધી-સ્પષ્ટ સમજૂતીમાં કેટલીક વાતો કોઇ ખરાઇ કે ચર્ચા વિના સ્વીકારી લેવામાં આવે છે. જેમ કે, એન્કાઉન્ટરમાં મરનારા બધા ત્રાસવાદી ન હોય તો પણ ગુંડા તો હોય જ છે. જે લોકો બીજાના માનવ અધિકારની ચિંતા ન કરતા હોય, તેમના માનવ અધિકારની ચિંતા શા માટે કરવી જોઇએ? તેમનાં એન્કાઉન્ટર કરનારા પોલીસ કે એ કરાવનારા સત્તાધીશો, એ લોકો ન્યાયતંત્રની મર્યાદા સમજીને કેવળ સમાજનો ભાર ઓછો કરવાના શુભ આશયથી, ધર્મના ભેદભાવ રાખ્યા વિના એન્કાઉન્ટર કરાવે છે. ટૂંકમાં, જે કામ ન્યાયતંત્ર કરી શકતું નથી, એ કામ પોલીસ અને થોડા ‘હિંમતબાજ’- ન ગાંઠનારા નેતાઓ કરી બતાવે તો નેતાઓની મક્કમતાનાં અને પોલીસ અફસરોની બહાદુરીનાં-કર્તવ્યનિષ્ઠાનાં વખાણ ન થવાં જોઇએ?
પવારનો લાફો હોય કે સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી-ઇશરત જેવાંનાં એન્કાઉન્ટર, આગળ જણાવેલા ખ્યાલના પ્રચારકો માટે તેમાં કશું વિચારવાપણું હોતું નથી. નેતાઓ પોતાની મજબૂત છબી માટે કે આભાસી સલામતી ખાતર કે ખંડણી ઉઘરાવવા નકલી એન્કાઉન્ટરો કરાવી શકે, પોલીસ અફસરો નેતાઓને વહાલા થવા ખાતર કે ગેંગવોરમાં કોઇ એક ગેંગના પક્ષે રહીને આડેધડ એન્કાઉન્ટર કરી શકે, એન્કાઉન્ટરમાં મરતાં ગુંડામાંથી કેટલાક ગુનાખોરીના વૃક્ષની ડાળીઓ જેવાં હોય ને નેતા-પોલીસની સાંઠગાંઠરૂપી થડ અડીખમ ઊભું હોય- એવી અનેક વાસ્તવિક શક્યતાઓ એન્કાઉન્ટરના સમર્થકો જોઇ શકતા નથી અથવા કોઇ નેતા પ્રત્યેના સ્વાર્થી કે ભોળપણયુક્ત અહોભાવમાં તે જોવા માગતા નથી. ‘ગુંડો માત્ર, એન્કાઉન્ટરને પાત્ર’ એવી તેમની સમજણમાં ગુંડાની વ્યાખ્યા કોણ કરે, એવા મહત્ત્વના સવાલ અંગે વિચારવાની કે તેની પાછળ ખેલાતી રાજરમતો અંગે શંકા કરવાની જરૂર તેમને લાગતી નથી.
સવાલ ફક્ત ગુજરાતમાં થતાં એન્કાઉન્ટરનો નથી. છતાં, ગુજરાતની વાત નીકળે એટલે ‘તટસ્થતા’ની દુહાઇઓ આપીને બીજાં રાજ્યોના દાખલા દેવા દોડી આવતા અને ગુજરાતના મુખ્ય મંત્રીની વાત નીકળે એટલી વાર બીજા રાજ્યોની- કે કેન્દ્રની બીજા પક્ષની સરકારોની વાત લઇ આવતા બિલ્લાધારકો એટલું વિચારતા નથી કે ગુજરાતમાં રહેનારે સૌથી પહેલાં અને સૌથી વિશેષ ઘરની- પોતાના રાજ્યની ચિંતા કરવાની હોય. પરંતુ બીજાને કોંગ્રેસી કે સ્યુડો-સેક્યુલર કે ગુજરાતવિરોધી ઠરાવવાના ઉત્સાહમાં બેશરમ થઇને મુખ્ય મંત્રીની ફેનક્લબના માનદ્ હોદ્દેદાર બની જનારા પાસેથી આવા પ્રમાણભાનની અપેક્ષા શી રીતે રાખી શકાય?
ગુજરાત હોય કે દિલ્હી, રાજ્ય હોય કે કેન્દ્ર, તમાચો હોય કે એન્કાઉન્ટર, પ્રમાણભાન અંગે શક્ય એટલી સ્પષ્ટતા થતી રહે, તો એ પણ પ્રમાણભાન હાંસલ કરવાની દિશામાં શરૂઆત તરીકે ખોટું નથી.
બોસ, આ વાંચીને સવાર-સવારમાં સવાર સુધરી ગઈ! :) ટાઈટલથી લઈને છેલ્લે સુધી વાંચવાની મજા આવી. કોઈ પણ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપવા માટે ભગતસિંહના નામનો દુરુપયોગની કુપ્રથા થઇ ગઈ છે. સન્ની દેઓલ બનવું સહેલું છે પણ ભગતસિંહ બનવું અઘરું છે અને ગોડસે બનવું સહેલું છે પણ ગાંધી બનવું અઘરું છે, જો તેટલી સમજ સર્વવ્યાપ્ત થાય તો આ બે ભિન્ન રસ્તે ચાલતા હીરોને ખરી અંજલી આપી કહેવાશે. આ વાંચીને ભગતસિંહ વિષે ઈન્ટરનેટ પર વધુ ખાંખા ખોળાં કરતા નીચેના સુવાક્યો અને તેમનો લખેલો એક જાણીતો નિબંધ મળી આવ્યા છે:
ReplyDelete“Lovers, Lunatics and poets are made of same stuff.”
"जिंदगी अपने दम पर जीयी जाती है...दूसरों के दम पे तो सिर्फ जनाजे उठाये जाते है".
" ...social progress depends not upon the ennoblement of the few but on the enrichment of democracy; universal brotherhood can be achieved only when there is an equality of opportunity - of opportunity in the social, political and individual life. " — from Bhagat Singh's prison diary
A link 'Why I am an athesit' by Bhagat Singh: http://www.sacw.net/DC/CommunalismCollection/ArticlesArchive/bhagatSinghATHIEST.html
સરસ લેખ...લેખ માંથી મારે માત્ર એ જ વાત વિષે કહેવુ છે કે- (ભગતસિંહ ની દેશદાઝ અને તેના તમામ વિચારો નો દિલથી આદર કરીને)-ભગતસિંહ ની આ "હારાકિરિ" ની ભાવના સંપૂર્ણ ખોટી હતી...કેવળ 'ફના' થઈ જવાથી કોઈ પ્રશ્ન ઉકલી જતો નથી;એ માટે એક થી વધારેવાર પ્રયત્નો ખુબ જ જરુરી અને આવશ્યક છે.તમે અને સૌ કોઈ તમારી અન્યો કરતા વિશેષ ક્ષમતા જાણતા હોય;ત્યારે તમારી એ ફરજ પણ બને છે એક રીતે કે તમે લાંબા સમય સુધી ની લડત આપો અને એ લડત નું નેત્રુત્વ લો. એકાદ બોંબ ફોડીને ધરપકડ વહોરવી અને પોતાના બચાવ ના જરુરી ઉપાયો પણ ન કરવા અને શહીદિ વ્હોરવી;એ એક જાતની મુર્ખાઈ જ છે.આ બાબતે મારા મતે વીર શિવાજી શ્રેષ્ઠ હતા કે જેઓ પોતાનું મહત્વ સમજતા હતા.એથી જ એમણે લાંબા સમય સુધી અનેક યુક્તિઓ(પછી તેમાં ભલેને 'દેખીતી પીછેહઠ'પણ હોય)થી સતત અને લાંબા સમય સુધી નેત્રુત્વ આપ્યું.બાકી ભગતસિંહ જેવા અનેક વીરોના બલીદાનો થકી ભારતનો ઈતિહાસ ભર્યો પડ્યો છે...
ReplyDeleteશ્રી પરીક્ષિતભાઈ, લાગે છે કે આપ સ્વતંત્રતાના ઇતિહાસથી અજાણ છો અને ભગતસિંહ પર આવેલી હિન્દી ફિલ્મો પણ ધ્યાનથી જોઈ નથી. એસેમ્બલીમાં બોમ્બ નાખવાનું એટલા માટે નક્કી કરવામાં આવેલું કે ભગતસિંહ અને સાથીઓની વિચારધારા વિષે જનતા જાગૃત થાય અને અંગ્રેજોના બહેરા કાન ખુલે. તેનો કેસ ચાલે તે વખતે તર્કબદ્ધ રીતે દલીલો કરીને (પત્રકારોની હાજરીમાં) પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે તેવા વ્યક્તિ પર પસંદગી કરવાની હતી. તેમાં ભગતસિંહ એ પોતાનું નામ સૂચવેલું. ત્યારે ચંદ્રશેખર 'આઝાદ'ને ચિંતા હતી કે સોન્ડર્સનો કેસ હજુ સોલ્વ થયો નહોતો અને જો તે થાય તો ભગતસિંહ પર ખૂનનો ખટલો ચાલી શકે. ભગતસિંહએ એ રિસ્ક લેવાનું સૂચવ્યું, કારણકે એ કેસમાં કોઈ પુરાવા ન હતા અને તેમના જ સંગઠનના વ્યક્તિઓ સાક્ષી બને તે અકલ્પનીય હતું. આખરે, ભગતસિંહની બોમ્બધડાકા પછી ધરપકડ થઇ અને પોલીસે તેમના સંગઠનના કોઈ વ્યક્તિને (નામ યાદ નથી) સાક્ષી તરીકે થર્ડ ડીગ્રી આપીને રજૂ કર્યા. જ્યારે મોત સામે દેખાયું ત્યારે માફી-પત્રો લખવાને બદલે ભગતસિંહએ શહાદત વહોરી. તેમાં કોઈ 'હારાકીરી' ન હતી, આપણા સ્વતંત્રતા સંગ્રામની આ એક ટ્રેજેડી હતી, જે અંગ્રેજ સમીક્ષકોએ પણ સ્વીકારેલું. આજે એ ઘટનાને સમજવાને બદલે તેના એંસી વર્ષ પછી તમે જે ઉપર બફાટ ઠાલવ્યો છે તે એક શાહિદનું અપમાન છે. અહીં કોણ શ્રેષ્ઠ ક્રાંતિકારી હતા તેની સ્પર્ધા નથી ચાલતી. 'યશકી ધરોહર' (રાજકમલ પ્રકાશન) નામનું ભગતસિંહના સાથીઓએ (કે જે આજીવન કેદમાં હતા અને ૧૯૪૭માં મુક્ત થયેલા) લખેલું પુસ્તક વાંચશો તો ભગતસિંહનું શું વ્યક્તિત્વ હતું, તે ખબર પડશે.
ReplyDeleteYet another good one from you. well done.
ReplyDeleteLike to talk to you about GMRA. Care to call?
Parikshit Bhatt's logic is interesting and correct. An English saying, " No point in being a dead hero" applies too.
ReplyDeleteફિલ્મી મેગેઝિનોમાં કે છાપાની પૂર્તિઓમાં જેની એક્ટીંગ વિશે પણ કદીકને લખાય છે તે સની દેઓલને તેની કરીઅરમાં કદી એવો વિચાર સુદ્ધાં પણ નહીં આવ્યો હોય કે તેનો નામોલ્લેખ એક ગુજરાતી દૈનિકના તંત્રી પાના પર આવશે. 'પ્રમાણભાન કેળવવાનો પ્રારંભ' – ગુજરાત સરકાર આવો કોઈ કાર્યક્રમ ઘડી કાઢે તો કહેવાય નહીં. વિચારોની સ્પષ્ટ સમજણ સુપર્બ – ડુપર્બ (સુપર ડુપર).
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
very griping, very thoughtful understanding on major issues of country, wish our Gujarati Praja come out from Modi;s lunatic love.
ReplyDeleteઆપણો દેશ આવા ચોખલિયાવેડાને કારણે જ ઉંચો નથી આવતો બોસ! જેમ ભગવાનને ભજવા માટે વેદાંત-પુરાણના થોથા ઉથલાવવાની જરૂર નથી પડતી એમજ ભગત સિંહની મહાનતાને સમજવા માટે તમારી જેમ ઝીણું કાંતવાની જરૂર નથી પડતી. પવારને પડી એ બિલકુલ સમય સરની હતી! તમે કહેશો કે લેખ ભગતસિંહને આ લાફા પ્રકરણ સાથે ખોટી રીતે જોડવા બાબતનો છે. ઓકે. સાચું. પણ લેખમાં શરદ પવાર પણ છે ને? બાકી આ કિસ્સાને લઇ ને પ્રજાને ભગત સિંહના બલિદાન વિષે આટલું વિગતે જણાવવાની શુ કામ જરૂર પડી ભાઈ?
ReplyDeleteભગત સિહ ઉપર આટલું ઉભરાઈ આવતું હોય તો ભગત સિહ ઉપર આંખો લેખ લખો ને! કોથળામાં પવારના બચાવની, ગનેગારોના માનવ અધિકારો અને ગુજરાતના એન્કાઉંટરની પાંચશેરી શુ કામ મારો છો?
બાકી તો ચર્ચા માટે નામ જોગ લખવા માટેનું આવાહન આપશો, મારા લખાણને ટાંકી ને મેં કોઈ ચશ્મા પહેર્યા છે કે હું તમારી વાત સમજ્યો જ નથી એવું કહી ને આર્કાઈવમાંથી બીજા ઉતારા કરશો નહિ! આખા લેખ પાછળના તમારા આશયથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે!
Good point. Following Bhagatsingh is not easy like this.
ReplyDeleteStill I fail to understand why everything has to end with Modi here?
Urvishbhai,
ReplyDeleteYou spoke too soon too foolish!
See this:
http://timesofindia.indiatimes.com/india/CBI-forced-to-retract-charge-against-Gujarat-judiciary-in-SC/articleshow/10923742.cms
Or you will hide this from your readers ?!
Rajat
I agree with 'Anonymous' said.......why always 'Modi' used for creating controversial atmosphere via this type of Article..... Even I wud say it is become fashion for the writers by involving Modi in any damn article to get "TRP" or fake attention....!!!!!
ReplyDeleteJe JANADESH Annaji ne malyo che te j JANAKROSH Sharad pawar na LAFA ne malyo che.....
Common Man je na kari shake tyare Harvinder jeva KAIK kare tyare game te hero sathe teni sarkhamni kare te comman man ni 'Taasir' che navu kai nathi...
પ્રિય ઉર્વિશભાઇ,લેખ સરસ છે.તર્કબધ્ધ રીતે મુદ્દાઓને ન્યાય આપ્યો છે.અહિંયા ભગતસિંઘ,શરદ પવાર ને મોદી એ ફક્ત પ્રતિકો છે,એની આડશમાં વાત કે સવાલ ઢંકાઇ જાય એમ ન બનવુ જોઇએ.પણ એમ બન્યું જ.મને એનાથી નવાઇ નથી લાગતી.આપણો દેશ એને માટે કુખ્યાત છે.મુળે આપણી પ્રકૃતિ ગોકિરા ને હોંકારાપ્રધાન છે.કોઇ પણ વાતને ગંભીરતાથી લેવી એ આપણો સ્વભાવ નથી.અંતિમવાદી હોવુ એ અહીં ગર્વનો વિષય ગણાતો હોય ત્યાં તમે શું અપેક્ષા રાખી શકો? ને આજે તો લોકોને હાલરડા જ ગમે છે,જેથી તેમની નિંદ્રા અતુટ રહે.ને એમને જગાડો તો કાં તો ગાળો દે કાં પત્થરમારો કરે.ઇતિહાસ ને ગમતા દ્રષ્ટિકોણથી મુલવનારા બહુમતિમાં હોય,એટલા માત્રથી જ કંઇ એમની વાત સાચી પુરવાર નથી થઇ જતી.ને સત્ય તો આવુ જ હોય,છોલી નાખતુ.અહી મળતા પ્રતિભાવોથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે ઔસધિ યોગ્ય ઘા પર લાગી છે.
ReplyDelete