ઇશ્વરની જેમ બટાટાનાં, કે ખાનપાનપ્રેમીઓના મતે બટાટાની જેમ ઇશ્વરનાં, અનેક સ્વરૂપ છે. જેને જે સ્વરૂપ ભાવે-ફાવે-સદે-પચે, એ સ્વરૂપને તે ભજેઃ બટાટાનાં જુદાં જુદાં શાક, ફ્રેંચ ફ્રાય કહેવાતી ચીપ્સ, કાતરી, વેફર, શેકેલા ‘બાર્બેક્યુ’ બટાટા, બટાટાની સેવો, બટાટાના પાપડ, બટાટાનાં ભજીયાં, બફ, બટાટાવડાં...
ઇશ્વરની બાબતમાં ‘સર્વધર્મસમભાવ’ સેવતા લોકો કરતાં બટાટાની સર્વ વાનગી માટે સમભાવ રાખનારાની સંખ્યા ઘણી વધારે છે. ઘણા લોકો ઇશ્વરની જેમ બટાટામાં- એટલે કે બટાટા ખાવામાં- બિલકુલ માનતા નથી.પરંતુ એવા બટાટા-નાસ્તિકોને લીધે બટાટાનો ઇશ્વરીય દરજ્જો દૃઢ થાય છે, એમ કહેવામાં ખોટું નથી. બટાટાની લીલાનો આટલો વિસ્તાર જોતાં, લગભગ દરેક વિષયોમાં અઘ્યાપકો કે જગ્યાની પરવા રાખ્યા વિના યુનિવર્સિટીઓ ખોલી નાખનાર ઉત્સાહી રાજ્ય સરકારે હજુ સુધી ‘બટાટા યુનિવર્સિટી’ કેમ ખોલી નથી, એની નવાઇ લાગે છે. ‘વિશ્વની પહેલી અને એક માત્ર-શ્યામાપ્રસાદ મુખર્જી બટાટા યુનિવર્સિટી’ - આ વાંચતાં જ ગુજરાતગૌરવથી રૂંવાડાં ઊભાં નથી થઇ જતાં?
‘બટાટાની કઇ વાનગી સૌથી સારી?’ એવો સવાલ શ્રીકૃષ્ણનું કયું સ્વરૂપ સૌથી સારું, એ પ્રકારનો છે. જેવી જેની શ્રદ્ધા. છતાં, યુનિવર્સિટી ઓફ સાઉથ ઝુમરીતલૈયાના એક અભ્યાસ પ્રમાણે, બટાટાવડાંનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. વિખ્યાત નવલકથાકાર અશ્વિની ભટ્ટે એક વાર રમૂજમાં બટાટાવડાંની દુકાન ખોલવાની અને તેનું નામ ‘વડાપ્રધાન’ રાખવાની તોફાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એક જમાનામાં કોંગ્રેસ જેમ કોઇના ટેકા વિના, પોતાના બળે સરકાર રચી શકતી હતી તેમ, બટાટાવડાં એક ટંક ભોજનમાં એકલાં ચાલી જતાં હતાં. નવી પેઢીના લોકોને માત્ર કોંગ્રેસની સરકાર કે જમવામાં એકલાં બટાટાવડાં- બન્ને ખ્યાલ નવાઇભર્યા લાગે છે.
કોઇ પણ વાનગીને તેનાં મૂળ અને સર્જનપ્રક્રિયા થકી તપાસવા ટેવાયેલા લોકો કહેશે, ‘બટાટાવડાં? એમાં કંઇ નથી. એ બનાવવાં બહુ સહેલાં છે. બટાટા બાફી દેવાના. એમાં મસાલો કરવાનો, એના ગોળા બનાવવાના ને ખીરામાં બોળીને તળી કાઢવાના.’ સહેજ વિચારતાં જણાશે કે આ પદ્ધતિથી કોઇ પણ વાનગીની ફરતે રહેલું તેજવર્તુળ કે તેના સ્વાદમાં છૂપાયેલું રહસ્ય ઉતારી પાડી શકાય છે. એટલે જ, ઘણા લોકો આ પ્રકારના જ્ઞાન કે વર્ણનથી પ્રભાવિત થતા નથી. ખાણીપ્રેમીઓના એક વર્ગની ફિલસૂફી વધારે સીધી ને પારદર્શક છે. તેમને સ્વાદ સિવાય બીજા કશામાં રસ પડતો નથી. એટલે તે કહે છે,‘બટાટાવડાં? એમાં કંઇ નથી. દુકાને જઇને કહેવાનું એક અઢીસો બટાટાવડાં. એટલે બે જ મિનીટમાં બટાટાવડાં તૈયાર.’
બટાટાવડાં આરોગવાથી માંડીને મારામારી સુધીના કામમાં લાગે એટલા જુદા જુદા કદમાં મળે છે. કેટલીક દુકાનોનાં બટાટાવડાં જોઇને એવી શંકા જાય કે આ તોપના અવગતે ગયેલા ગોળા તો નહીં હોય? બટાટાવડાંનો દેખાવ બટાટાનાં ભજિયાં જેવો ‘સ્લીમ એન્ડ ટ્રીમ’ નહીં, પણ કોઇ ફિલ્મના ખાસ રોલ માટે વજન વધારનાર હીરો કે હીરોઇન જેવો, હર્યોભર્યો હોય છે. ગોળાઇ, હૃષ્ટપુષ્ટતા, વજન આ બઘું બટાટાવડાની અસ્મિતા ગણાય છે. આઘુનિક બટાટાવડાને ડાયેટિંગ કરીને બટાટાના ‘પતરી’ ભજિયાં જેવા બનવાનું મન થાય છે કે નહીં, એ સંશોધનનો વિષય છે. પણ ઘણા પતરી જેવા માણસો બેફામપણે બટાટાવડા જેવી તળેલી ચીજોનું સેવન કરીને વડા જેવો આકાર ધારણ કરે છે. કમ સે કેમ, તેમના કુટુંબીજનોને તો એવું જ લાગે છે. બટાટાવડાંની ફરાળી આવૃત્તિ જેવાં બફ રંગે, રૂપે, સ્વાદે તેમ આકારમાં પણ પોતાના નાના કદથી જુદાં તરી આવે છે. ભૂખ્યા રહેવા જેવા અઘરા રસ્તે વ્રત-ટાણાં ન કરી શકતા લોકો માટે બફ ઇશ્વરીય દેન જેવાં છે. કારણ કે બફ ખાનારના મનમાં આપોઆપ ઉપવાસી હોવાનો કે અગિયારસ કરી હોવાનો ભાવ પેદા થાય છે. મહત્ત્વ આખરે ભૂખમરાનું છે કે ભાવનું?
આકારની જેમ બટાટાવડાંના સ્વાદમાં ઘણું વૈવિઘ્ય હોય છે. કેટલાંક બટાટાવડાં એટલાં ગળચટ્ટાં હોય છે કે તેમને ચાસણીમાં ઝબોળી દઇએ તો સફેદ (અને બટાટાનાં) ગુલાબજાંબુ તરીકે સહેલાઇથી ખપાવી શકાય. અમુક પ્રકારનાં બટાટાવડાંનો મસાલો એટલો તીખો હોય છે કે સીધાસાદા ખાનારને ‘ભૂલથી મરચાંનાં વડાં તો નહીં આવી ગયાં હોય?’ એવો શક પડે. કેટલાંક ઘરેલુ બટાટાવડાંમાં લીલા મરચાંના ટુકડા, ધાણા કે દ્રાક્ષ શોધી શકાય છે, પણ ચટાકાભર્યો સ્વાદ શોધવાનું અઘરૂં પડે છે. અમુક માણસો જેમ અમુક જ કંપનીમાં ચાલે-નભે (એ સિવાય બહાર ક્યાંય ન ચાલે) તેમ આ પ્રકારનાં બટાટાવડાં કેચઅપ કે ચટણીની કંપનીમાં જ ચાલી શકે છે.
બટાટાવડાંના સ્વાદમાં ભજિયાં જેવું વૈવિઘ્ય કે ચટાકો કે વર્ગભેદની ભાષામાં કહીએ તો ‘ડાઉનમાર્કેટ ટચ’ નહીં, પણ એક પ્રકારનું ઠરેલપણું અને ઘરેલુપણું છે. તેને કેટલાક સ્વાદશોખીનો ફિક્કાશ કહીને ઉતારી પાડતા હોય, તો પણ એ જ ગુણધર્મ બટાટાવડાંને ‘ઘરની આઇટેમ’ જેવી સાત્ત્વિકતા પ્રદાન કરે છે અને તેને ઘરની થાળીમાં માનભર્યું સ્થાન અપાવે છે. ભજિયાં લોકો હોંશે હોંશે ઝાપટે છે ખરા, પણ તેને મુખ્ય થાળીમાં સામેલ થવાનું ગૌરવ ભાગ્યે જ મળે છે.
બમ્બૈયા હિંદીની જેમ કે મુંબઇની શિવસેના-ભાજપ યુતિની જેમ, બટાટાવડાની પાંઉ સાથે યુતિથી રચાયેલું ‘વડાપાંઉ’ સ્વરૂપ પણ ગુજરાતમાં લોકપ્રિય છે. વડાપાંઉના સંયોજનમાં મુખ્ય સ્થાન અને મુખ્ય સ્વાદ વડાંનો છે. છતાં, વડાપાંઉનાં પ્રેમીઓને એકલાં બટાટાવડાંમાં ‘વો બાત’ લાગતી નથી. પાંઉ પર ઉમેરાતી તીખી ચટણીઓ, ગુજરાતની સમૃદ્ધિના પ્રતીકરૂપે કોઇ પણ વાનગીની જેમ વડાપાંઉના પાંઉમાં પણ ઉમેરાતું બટર- આ બધાને લીધે બટાટાવડાંનું, ટેકનોલોજીની પરિભાષામાં,અપગ્રેડેશન થયું હોય એવું લાગે છે. વડાપાંઉ સિલિકોન વેલીમાં શોધાયાં હોત તો તેને કદાચ ‘બટાટાવડાં ૨.૦’ કહેતા હોત અને અમદાવાદમાં મળતાં વડાપાંઉ ‘વડાં ૨.૫’ ગણાયાં હોત.
ગુજરાતમાં બટાટાવડાંને બદલે વડાપાંઉનું ચલણ વધવા લાગ્યું ત્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓને તેમાં શિવસેનાના કાવતરાની ગંધ આવી હતી. શું ગુજરાતી વાનગીનાં પ્રતીક જેવાં બટાટાવડાં લોકહૃદયમાંથી તેમનું સ્થાન ગુમાવી દેશે? અને તેના સ્થાને ‘એન્ગ્લોઇન્ડિયન’ વાનગી જેવાં વડાપાંઉ કબજો જમાવી દેશે? પાંઉના વિદેશી કુળ વિશે ઘણા લોકોના મનમાં શંકા જાગી હશે ને બટાટાવડાંની ઓળખ ભૂંસાઇ જવાના સવાલ ઉભા થયા હશે. પરંતુ ચાઇનીઝ ઢોંસા જેવી ક્રાંતિ સામે વડાપાંઉમાં ‘પ્રયોગ’ કે ‘નવીનતા’ ક્યાંથી લાગે? ઉલટું, વડાપાંઉને ‘લારીની આઇટેમ’ ગણી કાઢવામાં આવી. ગુજરાતમાં ફક્ત બટાટાવડાં વેચતી હોય અને સાથે પાંઉ ન રાખતી હોય એવી લારી કે દુકાનો હવે ઓછી થતી જાય છે. મેકડોનાલ્ડ જેવી કંપનીઓએ હજુ સુધી ભજિયાં-બટાટાવડાંમાં ઝંપલાવ્યું નથી કે પિત્ઝા હટની જેમ ‘વડાં હટ’ના ચેઇન સ્ટોર ખુલ્યા નથી. ત્યાં સુધી બટાટાવડાંની રાષ્ટ્રિય ઓળખ સામે કોઇ ખતરો નથી. છતાં સલામતી ખાતર બાસમતી ચોખાની જેમ બટાટાવડાંના પેટન્ટ કરાવી લેવા હોય તો હજુ મોડું થયું નથી.
'બટાટાવડા' પરનો આ લેખ ભૂખ્યા પેટે અર્ધો જ વાંચી શકાયો એટલે પછી વડાપાંઉને ન્યાય આપીને જ આ પ્રતિભાવ આપું છું. બટાટાવડાના ટેસ્ટમાં જે ખૂટતું હતું તે આ લેખથી ભરપાઈ થઈ ગયું. 'દિવ્ય ભાસ્કર' દૈનિકમાં આજે પ્રગટ થયેલા એક અહેવાલ - સમાચાર પ્રમાણે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજ - ગોદામોમાં સંગ્રહાયેલા 25 કરોડ કિલો બટાકા યોગ્ય માર્કેટિંગ અને બજારભાવ ન મળવાના કારણે ફેંકી દેવા પડશે. બટાટાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને હું આ લેખ વાંચીને યોગ્ય દિશામાં આગળ વધવાની ભલામણ કરું છું. આભાર. આ લિન્ક વાંચો - http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-25-crore-kilogram-potato-will-have-to-sell-2584538.html
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)