સામી દિવાળીએ ગુજરાત
ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના 3000થી પણ વધારે કર્મચારીઓ માટે હોળી કે
અગ્નિપરીક્ષા ચાલે છે. 11 ઓક્ટોબર, 2011થી GISFના હજાર-બારસો
કર્મચારીઓ ગાંધીનગરના પથિકાશ્રમ (એસટી બસસ્ટેન્ડ) પાસે સામુહિક રીતે ઉપવાસ પર બેઠા
છે અને બાકીના મોટા ભાગના કર્મચારીઓ પણ પોતપોતાના પોઇન્ટ છોડીને ઉપવાસ નહીં તો
હડતાળ સ્વરૂપે આંદોલનમાં જોડાયા છે. આજે એવા સમાચાર પણ છે કે સરકારે હડતાળ પર
પ્રતિબંધ જાહેર કરીને, આખો મામલો ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં મોકલ્યો છે.
‘વિકાસ’પ્રેમી નાગરિકોને
ઉપવાસ-હડતાળ-આંદોલનની લગભગ એલર્જી હોય છે. (અન્ના હજારેના આંદોલનની વાત જુદી છે.) તેની
પાછળ તથ્યનો અંશ હોય તો એટલો કે તેમની જાણકારી મોટે ભાગે ‘યુનિયનબાજી’ કે
સંખ્યાબળના જોરે ગેરવાજબી માગણીઓ કબૂલાવવા માટે થતી હડતાળો પૂરતી મર્યાદિત છે.
એમાં પણ GISF જેવું નામ આવે ત્યારે શંકા દૃઢ થાય કે અઢળક પગાર મેળવતા સરકારી
કર્મચારીઓએ હજુ વધુ લાભો મેળવવા માટે હડતાળ-ઉપવાસનું હથિયાર ઉગામ્યું હશે.
પરંતુ GISFના જવાનોના ઉપવાસની
વાસ્તવિકતા સાવ જુદી અને કરુણ છે. સરદાર સરોવર ડેમ, ગુજરાતનાં બંદરો, ઔદ્યોગિક
એકમો, સચિવાલય, સરકારી હોસ્પિટલો અને બીજાં અનેક મહત્ત્વનાં સરકારી સ્થળોની
સુરક્ષા GISFના જવાનોની જવાબદારી છે. પરંતુ ‘રાજ્યની આંતરિક સુરક્ષા’ જેવા
મહત્ત્વના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓ જે શરતોએ કામ કરે છે, તે જોતાં એવું લાગે જાણે
સરકાર બેરહમ જમીનદાર છે ને GISFના કર્મચારીઓ તેના વેઠિયા મજૂર.
1) GISFના કર્મચારીને 365
દિવસ ફરજ બજાવવી પડે છે. આખા વર્ષમાં એક પણ રજા નહીં. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની
પણ નહીં. રજા પાડે એ દિવસનો પગાર કપાય. સ્ટાફમાં 25-30 બહેનો છે, તેમને પણ રજાની આ
જ જોગવાઇઓ લાગુ પડે છે.
2) પગાર પણ કેટલો? એક
ઉપવાસી કર્મચારી કહે છે તેમ, મહિને રૂ.8 હજારના વાઉચર પર સહી કરવાની અને રૂ.5600
પગાર. પણ એટલી રકમ પૂરેપૂરી હાથમાં ન આવે. બધી કાપકૂપો થઇને તેમના હાથમાં મહિને માંડ
રૂ.4600 જેટલી રકમ જ આવે.
3) પગારમાંથી દર મહિને
થતી કાપકૂપના નમૂનાઃ દર મહિને રૂ.300 વરદી (યુનિફોર્મ) માટે, રૂ.292 બોનસ વાર્ષિક
બોનસ પેટે, રૂ.460 પ્રોવિડન્ટ ફંડના, રૂ.70 ઇએસઆઇના અને રૂ.30 ટેક્સ. આ બધી કપાતો છતાં, છેલ્લાં ત્રણ વર્ષમાં
કર્મચારીઓને બે વાર યુનિફોર્મ મળ્યાં છે (એટલે કે રૂ.10,800માં બે જોડ યુનિફોર્મ.)
એટલે યુનિફોર્મ પેટે કપાતી રકમમાથી યુનિફોર્મ તૈયાર કરાવવામાં ખર્ચાયેલી રકમ
સિવાયના રૂપિયા ક્યાં જાય છે, તે સંશોધન કે ધારણાનો વિષય છે. રૂપિયા કપાયા છતાં
યુનિફોર્મ ન મળ્યો હોય અને પોતાના ખર્ચે યુનિફોર્મ સિવડાવીને ફરજ પર હાજર રહેવું
પડ્યું હોય એવા પણ કિસ્સા છે.
4) દર મહિને પગારમાંથી
કપાઇને વર્ષે સામટું મળે તેને ‘બોનસ’ કહેવાય કે કેમ એ જુદો સવાલ છે, પણ બાર
મહિનાની કપાતનો સરવાળો પણ તેમને ઘણી વાર પૂરેપૂરો મળતો નથી. એવી જ રીતે, પીએફ અને
ઇએસઆઇ નિયમિત કપાય છે, પણ નિયમિત જમા થતાં નથી.
ખાનગી સિક્યોરિટી
એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ માટે વર્ષ 2006માં રૂ.153.40નું દૈનિક લઘુતમ વેતન
ઠરાવાયું હતું. તેમાં હજુ સુધારો થયો નથી. સરકારની દલીલ છે કે GISF માટે રચાયેલી
‘ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સોસાયટી’ સરકારી સંસ્થા નથી, માટે તેના
કર્મચારીઓને સરકારી પગારધોરણ લાગુ પડે નહીં- અને ખાનગી સિક્યોરિટી એજન્સીના લઘુતમ
વેતન દર પ્રમાણે તો GISFના કર્મચારીઓને વેતન મળી રહ્યું છે. સરકારની આ
દલીલ અનેક કારણોસર ટકી શકે એમ નથી.
· ગુજરાત સરકારના ગૃહસચિવ હોદ્દાની રૂએ GISF સોસાયટીના ચેરમેન
બને છે. તેના સીઇઓ અજિત ગુપ્તા સહિત તેના ગવર્નિંગ બોડીના સાતે સભ્યોની નિમણૂંક
ગુજરાત સરકાર દ્વારા થાય છે.
·
વર્ષ 2003માં ગુજરાત સરકારે આદેશ બહાર પાડ્યો હતો
કે સરકારની તમામ કચેરીઓ GISF સિવાય બીજી કોઇ સલામતી સંસ્થાની સેવાઓ લઇ શકશે
નહીં. એટલે કે તેમણે ફરજિયાતપણે GISFની જ સેવાઓ લેવાની રહેશે. સરકાર દ્વારા
ચૂકવાતી ગ્રાન્ટમાંથી GISFના પગારની ચૂકવણી કરવાની રહેશે. સરકારની પૂર્વ
પરવાનગી વિના GISFનું ગવર્નિંગ બોડી કોઇ નિર્ણય લઇ શકશે નહીં, એવું પણ ઠરાવાયું છે.
·
વર્ષ 2005માં મુખ્ય મંત્રીએ GISFનો લોકરક્ષક દળમાં
સમાવેશ કરવાની વિનંતીના જવાબમાં ‘આ દળ સાથે સરકારને કશી લેવાદેવા નથી’ એવું કહ્યું
ન હતું, પણ યોગ્ય કરવા અંગે સૂચના આપ્યાનું લેખિતમાં જણાવ્યું હતું.
· આંદોલનકારીઓના જણાવ્યા પ્રમાણે, 15 ફેબ્રુઆરી,
2010ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રીએ વડાપ્રધાનને લખેલા એક પત્રમાં GISFને ગુજરાતની આંતરિક
સુરક્ષાનું મહત્ત્વનું અગ ગણાવ્યું હતું.
1997માં શંકરસિંહ
વાઘેલા સરકારે બેકારીનિવારણ કાર્યક્રમ તરીકે અને રાજ્યનાં એકમોની સુરક્ષા માટે ખાસ
દળ રચવાના હેતુથી GISFની સ્થાપના કરી. સરકારી રાહે તેમાં સુરક્ષા કર્મચારીઓની ભરતી કરવામાં
આવી. પરંતુ સરકારી પગારધોરણનો વાયદો પાળવામાં આવ્યો નહીં. હવે વિપક્ષી નેતા તરીકે
શંકરસિંહે ઉપવાસી જવાનોની મુલાકાત લઇને, પોતાના પક્ષની સત્તા આવે તો યથાયોગ્ય
કરવાનું વચન આપ્યું છે. પરંતુ હવે વર્તમાન સરકારે GISFના જવાનો સામે જડ
વલણ અપનાવ્યું છે.
યોગ્ય રજૂઆતો અને પૂર્વસૂચનાઓ પછી પણ કશી
અસર ન થતાં 11 ઓક્ટોબરની સાંજથી GISF સોસાયટીના કર્મચારી યુનિયને ગુજરાત
ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ GFTU સાથે મળીને ઉપવાસ-આંદોલનનો પ્રારંભ કર્યો છે. (સચિવાલય
જેવી કેટલીક જગ્યાએ GISFના કર્મચારીઓ હજુ હડતાળમાં જોડાયા નથી.) GFTU તરફથી સેક્રેટરી
અમરીશ પટેલ અને જિજ્ઞેશ મેવાણી સવારથી રાત સુધી ઉપવાસના સ્થળે તહેનાત છે. અસાધારણ
ગરમ વાતાવરણમાં નવ દિવસના ઉપવાસ દરમિયાન સોથી પણ વધુ જવાનોને હોસ્પિટલમાં દાખલ
કરવા પડ્યા છે. ઉપવાસનું સ્થળ લગભગ સતત 108ની સાયરનોથી ગુંજતું રહે છે. કોઇ જવાન
બેહોશ થાય અને તેમને હોસ્પિટલે લઇ જવા માટે 108 આવે એટલે નવેસરની જુસ્સાદાર
નારાબાજી ગાજી ઉઠે છે. ત્યાં બેઠેલા હજાર-દોઢ હજાર લોકોમાંથી મોટા ભાગના 25 થી
45ની વચ્ચેના લાગે. અત્યાર સુધી ઘરથી દૂરના સ્થળે બદલીથી માંડીને, પોતાની જ
સંસ્થામાં નોકરી ચાલુ રાખવા માટે આપવી પડતી નાની-મોટી લાંચ, હપ્તા જેવી
મુશ્કેલીઓ-અન્યાયો વેઠનારા જવાનો હવે આંદોલને ચડ્યા છે. આંદોલન શરૂ થતાં પહેલાં
ગૃહ સચિવ સાથેની મુલાકાત દરમિયાન, તેમને એવું આશ્વાસન મળ્યું કે ‘આવનારા 60
દિવસોમાં કંઇક પોઝિટિવ કરવા તૈયાર છીએ.’ પરંતુ ‘કંઇક પોઝિટિવ’નું નામ પાડવા સરકાર
તૈયાર ન હતી. એટલે આંદોલનનો આરંભ થયો.
ઉપવાસ આંદોલન સંકેલવા માટેની તેમની માગણીઓ સાવ પાયાની છે. જેમ કે, યથાયોગ્ય રજાઓ- મહિલા કર્મચારીઓ માટે પ્રસુતિની રજાઓ, દર મહિને પગારમાંથી યુનિફોર્મ અને બોનસની રકમ ન કપાય, કર્મચારીઓને પૂરેપૂરું બોનસ ચૂકવવામાં આવે અને તેમને ફરજ પર અસલ જગ્યાએ પાછા લેવામાં આવે. GISFના જવાનોના આંદોલનના નિવૃત્ત લશ્કરી જવાનો તરફથી પણ ટેકો મળ્યો છે. તેમના આંદોલનથી રેઢી પડેલી સરદાર સરોવર ડેમ જેવી મહત્ત્વની જગ્યાએ સરકારે અત્યારે એસઆરપીને લગાડી દીધા છે. ગઇ કાલે સરકારે હડતાળને ગેરકાયદે ઠેરવી હતી અને સોસાયટીના વહીવટી અધિકારીએ અખબારી યાદીમાં જાહેર કર્યું હતું કે ‘(જવાનોના) પ્રશ્નો બાબતે ચોક્કસ સમય મર્યાદામાં કાર્યવાહી કરાશે તેમ નક્કી કરાયા છતાં GISFના જવાનો મનસ્વી રીતે ફરજ પરથી ચાલી જવાની પ્રવૃત્તિ અને અન્ય સોસાયટીના સભ્યોને ફરજ છોડવા માટે અને ફરજ પરથી દૂર રાખવા માટે પ્રયત્નોના અનુસંધાને નિયમોનુસાર વિવાદને ઔદ્યોગિક ન્યાય પંચને ન્યાય માટે મોકલતાં પંચે હડતાળ પર પ્રતિબંધ મૂકેલ છે.’
નેતાઓની સુરક્ષા પાછળ લાખો રૂપિયાના ધુમાડા કરતી સરકાર રાજ્યની સુરક્ષા કરનારા કર્મચારીઓ અંગે કેવું બેદરકાર, બાબુશાહી અને અમાનવીય વલણ લઇ શકે છે અને સીધી રીતે ધ્યાન દોર્યા પછી પણ શોષણ બંધ કરતી નથી, તેનું આ વરવું ઉદાહરણ છે. જે માગણીઓ સરકાર- GISF સોસાયટી સીધેસીધી સ્વીકારી શકે એમ હતાં, તે માગણીઓ માટે હવે કર્મચારીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં લડવાનું રહેશે, એવું અર્થઘટન સરકારી જાહેરાતનું થઇ શકે.
દરમિયાન, હજુ સુધી આંદોલનકારીઓ પાસે સરકારની નોટિસ પહોંચી નથી. એટલે તેમનું આંદોલન ચાલુ છે અને તેમાં આગળ શું કરવું તેનો સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે.
Samaje Annana Upvas Karta A Upvas dhyanma leva joie. Electronic media Pase pan Apexa rahe chhe.
ReplyDeleteParantu hameshni mafak chhevadna mansoni avgana thay chhe.Urvishbhai apne dhanyavad
ઉર્વીશભાઈ,GISF ની ભૂખહડતાલ નવ-નવ દિવસોથી ચાલી રહી છે,ને સરકારના પેટનું પાણી ય હાલતું નથી-એ સમાચારથી દુ:ખ થાય છે,પણ નવાઈ નથી લાગતી,કેમ કે વર્તમાન સરકાર કર્મચારીઓની યોગ્ય માંગણીઓ ને ટલ્લે ચડાવવામાં ખાસ્સી એવી પારંગત થઇ ગઈ છે.વિકાસ-વિકાસ ની માળા જપતા ને આ મુદ્દે સરકારનો પક્ષ લેતા કહેવાતા સરકારી નાગરિકો(યોગ્ય-યોગ્ય બાબતનો વિચાર કર્યા વિના દરેક મામલે સરકારને પોતાનો અંગુઠો ધરી દેવા તત્પર સરકારના ભક્ત એવા નાગરિકોને સરકારી નાગરિક ના કહીએ તો બીજું શું કહીએ?) ને એક વાત કેમ નહિ સમજાતી હોય કે આપણા વિકાસનો આધાર જ ઔદ્યોગિક એકમોની સુરક્ષા છે,તો એ જાળવવા માટે તૈનાત કર્મચારીઓની વ્યાજબી માંગણીને સાથ આપવાની ને સરકારની વિરુદ્ધ લોકમત કેળવવાની આપણી ય ફરજ બને છે.ને રહી વાત સરકારની,તો એના વિષે તો કહેવું જ શું-એ વિકાસ(ગણીને ૪ કે ૫ ઉદ્યોગપતિઓના જ વળી .) નો મુખવટો પહેરીને સરકારના હાથ-પગ એવા કર્મચારીઓને જ લઘુત્તમ વેતનથી ય ઓછું વેતન આપીને પોતાના અમાનવીય વર્તનનો પરચો આપતી જ રહી છે,ને એની સદભાવના ઉપવાસો-તમાશાઓ પુરતી સીમિત થઇ ગઈ છે.આ બાબતની નોંધ આપનાં દ્વારા જ લેવાઈ છે,ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે બાકીના કલમસેવીઓ શું કરે છે?
ReplyDeleteઉર્વીશભાઈ, યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન જયારે ગુજરાત સરકાર ની ફિક્સ પગારની નીતિ સામું લડી રહી હતી ત્યારે સરકારના સચિવશ્રી એ હાઈકોર્ટમાં એવું સોગંદનામું કર્યું હતું કે સરકાર પાસે કર્મચારીઓં ને પુરતો પગાર ચૂકવવા માટે નું બજેટ નથી.એક પાયાનો પ્રશ્નએ છે કે જે સરકાર પાસે તેના કર્મચારીઓં ને ચૂકવવા માટે પૂરતું બજેટ નથી તે રાજય ને દેશનું સૌથી વિકસીત રાજય કહી શકાય કે કેમ? બીજો એક પ્રશ્ન ઘણા ફિક્સ પગારથી સરકારમાં જોડાયેલા લોકોની ઉંમર ૨૫+ છે. એક તો નોકરી મેળવવા માટે મહેનત કરી તૂટી ગયા હોય પાછુ નોકરી મળ્યા પછી પણ ૫ વર્ષ તો મફત જેવી સેવા કરવાની હોય.અને ફિક્સમાં હોઈ એ તે દરમિયાન તો ઉપરી અધિકારીના રોફનો કોઈ પાર નહિ(જો અમે કહીએ તેમ ન કર્યું તો સરકારશ્રી માં તમને છુટા કરવાની જોગવાઈ છે વગેરે વગેરે દમદાટી ).ખરેખર તો ભવિષ્યની સલામતીનો વિચાર કરીને આ બધું સહન કરવું પડે છે. કેટલાક લોકો એમ કહે છે કે તમને સરકારી નોકરી માં કોણે બાંધી રાખ્યા છે? સરકારી નોકરી સિવાય પણ બીજી ઘણી તકો છે.એક વાર નોકરીમાં આવી ગયા પછી તમે કહો એટલો પગાર આપવાનો? તો તેમને મારે ફક્ત એટલું જ કહેવું છે કે દેશમાં એક વર્ગ એવો પણ છે કે જે ફક્ત સરકારી નોકરી પર ઉભો થયો છે કેમકે તેમની પાસે ન દુકાનો કે ન જમીનો છે. દેશમાં એક બાજુ શિક્ષિત બેકારની વ્યથા પણ છે અને બીજી બાજુ ફિક્સ થી પગારમાં જોડાતા નોકરિયાતની વ્યથા પણ છે.એમાં પણ સામાન્ય લોકોને સરકારી કર્મચારીઓં હેરાન થાય તે ઘણું પસંદ પડે છે(કેમકે તેમના હાથે તેઓ હેરાન થાય છે) આજે એક સારી ચોપડી ખરીદવી હોય તો એ પણ ૪૦૦ રૂપિયા કરતા ઓછામાં નથી આવતી. યે દેખ કબીરા રોયે
ReplyDeletePhoto # 5: Co-peers massaging the striker-colleague warming up is a real sadhbhavna.
ReplyDeleteIn such a developed state security-men had to go on hunger strike for their Minimum Wages.
Request Sue Moto would help the highly low-paid security guards of GISF.