માણસમાં ભૂલવાની ક્ષમતા ન હોત તો તેની જિંદગી ઝેર બની જાત, એવું ઘણા શાયરો અને ફિલસૂફોએ કહ્યું છે. તેમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે પ્રજાની યાદશક્તિ સારી હોય તો મોટા ભાગના રાજકારણીઓને કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાઇ જાય. ગોરખધધામાં કે ગુનામાં સીધી- આડકતરી સંડોવણીનો આરોપ ધરાવતા તમામ નેતાઓ દૃઢતાથી માને છે કે ‘બસ, થોડો સમય વીતી જવા દો. પ્રજા બઘું ભૂલી જશે.’
દુઃખની વાત એ છે કે નેતાઓની માન્યતા મોટે ભાગે સાચી પડે છે. પ્રજાને ઢંઢોળીને જાગ્રત રાખવાનું કામ ધરાવતાં પ્રસાર માઘ્યમોમાં એક સમાચાર કે કૌભાંડ ત્યાં લગી જ ચમકે છે, જ્યાં લગી તેનું સ્થાન લેવા માટે બીજું કૌભાંડ કે ‘બડી ખબર’ ન આવે. ટીવી ચેનલો મહત્ત્વના મુદ્દાને ફક્ત ભૂલી જઇને જ નહીં, તેમાં તમતમતો મસાલો ભભરાવીને ચોવીસે કલાક માથે મારીને પણ તેમની ગંભીરતા ખતમ કરી શકે છે.
રીઢા રાજકારણીઓ એટલે જ પ્રસાર માઘ્યમોમાં થતી નકારાત્મક પ્રસિદ્ધિથી ગભરાવાને બદલે મોટે ભાગે હરખાતા થયા છે. તેમને મુખ્યત્વે બે વાતે ધરપત હોય છેઃ ૧) લોકોની યાદશક્તિ કેટલી? કાલે બીજું કંઇક બનશે એટલે આપણે છૂટ્ટા. ૨) એ બહાને છાપામાં-ચેનલો પર ચગવાથી-ચર્ચા થવાથી આપણું નામ મોટું થશે. તેનું મહત્ત્વ વધશે. મોટા ભાગના લોકોને થોડા સમય પછી, અમુક નામ બહુ જાણીતું બન્યું હતું- ચર્ચાયું હતું એટલું જ યાદ રહે છે. તેના બાકીના સંદર્ભો ભૂંસાઇ જાય છે અથવા ગૌણ બની જાય છે.
જરા યાદ ઇન્હેં ભી કર લો
અગત્યના, સળગતા, જવાબદાર હોદ્દેદારનો ભોગ લઇને જ જંપે એવા મનાતા અસંખ્ય મુદ્દા કોઇના આયોજનથી, કાવતરાના ભાગ તરીકે, સંયોગોવશાત્, અકસ્માતે કે માત્ર ને માત્ર નબળી યાદશક્તિને કારણે કેવા ઠરી જાય છે-દફન થઇ જાય છે, તેનો નાગરિક તરીકે આપણને બહોળો અનુભવ છે.
નજીકના ભૂતકાળની વાત કરીએ તો, અન્ના હજારેના ઉપવાસનો બીજો દૌર શરૂ થયો એ વખતે દિલ્હીની શીલા દીક્ષિત સરકાર કોમનવેલ્થ કૌભાંડમાં સંડોવણીના મુદ્દે બરાબર સકંજામાં આવી હતી. એકથી વઘુ અહેવાલોમાં કેટલાક પ્રધાનો ઉપરાંત ખુદ શીલા દીક્ષિત સામે આંગળી ચીંધાઇ હતી. કોમનવેલ્થ કૌભાંડમાં ફક્ત સુરેશ કલમાડી જ લાભાર્થી નથી એ સત્ય સૌને સમજાવા લાગ્યું હતું. વિદેશ ગયેલાં સોનિયા ગાંધી જેવો મજબૂત આધાર હોવા છતાં, દબાણ એ હદે વધી રહ્યું હતું કે જો એ વઘુ સમય ચાલુ રહ્યું હોત તો શીલા દીક્ષિતની ખુરશી જોખમમાં હતી.
પછી અન્નાના ઉપવાસ શરૂ થયા અને શીલા દીક્ષિત ભૂલાઇ ગયાં. ઉપવાસના નાટકીય ઘટનાક્રમ પછી થયેલા સમાધાનમાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે મહત્ત્વની ભૂમિકા ભજવી. ઉપવાસ પૂરા થયા, પણ શીલા દીક્ષિત સામેનો વિરોધ હવે તેની ધાર ગુમાવી ચૂક્યો છે. દિલ્હીમાં ભાજપી નેતાઓ વિધાનો કરે છે, પણ તેમાં અસર કરતાં ઔપચારિકતા વધારે જણાય છે.
શહીદ થયેલા લશ્કરી જવાનો માટે તૈયાર કરાયેલા ફ્લેટ બારોબાર ફાળવી દેવાનું ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ એકથી વઘુ કોંગ્રેસી નેતાઓ અને લશ્કરી અફસરોની શરમજનક સંડોવણી ધરાવતું હતું. તેની વિગતો બહાર આવી ત્યારે બહુ ગાજી. પછી મામલો એટલી હદે થાળે પડી ગયો કે ‘આદર્શના આરોપીઓ’ની યાદીમાં નામ ધરાવતા વિલાસરાવ દેશમુખે અન્ના હજારેના ‘ભ્રષ્ટાચારવિરોધી’ ઉપવાસનો અંત આણવામાં ચાવીરૂપ વ્યક્તિ બન્યા. સરકારી પ્રતિનિધિ તરીકે તેમણે અન્ના સાથે સંવાદ સાઘ્યો. એટલું જ નહીં, ઉપવાસ-સમાપ્તિની ઘોષણા વખતે - અને બીજા દિવસે અખબારોના પહેલા પાને છપાયેલી તસવીરોમાં- વિલાસરાવ ‘ટીમ અન્ના’ની સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા.
- અને નીરા રાડિયા? નામ ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? તેમની સાથે સંપર્કથી માંડીને સાંઠગાંઠ ધરાવતાં નામોની યાદીનો એક અંશ બહાર પડ્યો તેમાં કોર્પોરેટ જગત-રાજકારણ અને મીડિયા જગત ઉપરતળે થઇ ગયું હતું. બરખા દત્ત અને વીર સંઘવી જેવા મીડિયા મહારથીઓને ખુલાસા આપવાનો- અને એમના ખુલાસા ઘણા લોકોને સ્વીકાર્ય ન લાગે એવો- દિવસ આવ્યો હતો. પછી શું થયું? કંઇ નહીં. ભવિષ્યમાં કોઇ સરકાર કે નેતાને પોતાનું હિત જોખમાતું લાગશે ત્યારે એ અનુકૂળતા પ્રમાણે આ કૌભાંડની યાદ તાજી કરીને તેમાંથી પોતાનો સ્વાર્થ સાધી લેશે. બાકી સચ્ચાઇની શોધ કેવી, ન્યાય કેવો ને વાત કેવી?
શરદ પવાર જેવા, ભ્રષ્ટાચારના આરોપના મામલે ‘વરિષ્ઠ’ કહેવાય એવા નેતાને હજુ સુધી તકલીફ પડવાનું તો દૂર રહ્યું, ભ્રષ્ટાચારની વઘુ ને વઘુ તક ઊભી થાય એવા હોદ્દા મળી રહ્યા છે. તેમની સામે જેહાદ જગાડનાર ખૈરનારને અત્યારે ખૂણેખાંચરે શોધવા પડે, પણ શરદ પવાર કેન્દ્રિય પ્રધાનમંડળમાં અને બીસીસીઆઇ જેવી મોકાની જગ્યાએ, ભ્રષ્ટાચારશિરોમણીના જાહેર ખાનગી આરોપો સહિત, ઝળહળી રહ્યા છે.
થોડી જૂની વાત કરીએ તો, ચીમનભાઇ પટેલ કે ઇન્દિરા ગાંધી જેવાં નેતાઓના કિસ્સામાં, આગળ જણાવેલાં પરિબળો ઉપરાંત પાયા વગરનો આશાવાદ અને વિકલ્પોના અભાવ જેવા મુદ્દા પણ ભાગ ભજવી ગયાં હશે. તેના પરિણામે, જેમને પ્રજાએ લગભગ હાંકી કાઢ્યા હોય એ જ નેતાઓને ઉદ્ધારક તરીકે અપનાવવામાં ઘણા લોકોને કશો વિરોધાભાસ લાગતો નથી. દરેક માણસની જેમ નેતાઓને સુધરવાનો અધિકાર હોય જ. એનો ઇન્કાર નથી. પરંતુ તેમના વલણમાં રતિભાર સુધારો ન થયો હોવા છતાં, કેવળ સમય પસાર થઇ ગયા પછી, એ નેતાઓને પુનઃ મળતી લોકસ્વીકૃતિ આંચકાજનક હોય છે.
દાયકાઓ પહેલાં સમાજમાં અને રાજકારણમાં પ્રતિષ્ઠાની બોલબાલા હતી. નકારાત્મક પ્રસિદ્ધિ ખરેખર ખરાબ અસર પાડી શકતી હતી અને કોઇની કારકિર્દી ખતમ પણ કરી શકતી હતી. ‘બદનામીમેં ભી નામ હોતા હૈ’નું સૂત્ર બ્રહ્મવાક્ય બન્યું ન હતું. એક જ દિવસ છાપામાં ખરાબ છપાય તેનાથી નેતાઓ કે જાહેર જીવનમાં પડેલા લોકો ખળભળી ઉઠતા હતા. પરંતુ શરમ ગઇ એટલે પોતાની સાથે બધાં મૂલ્યોને લેતી ગઇ. હર્ષદ મહેતા-કેતન પારેખ હોય કે ભ્રષ્ટાચારી અફસરો-નેતાઓ, કૌભાંડક્ષમતા લગભગ તેમની આવડત અને લાયકાત ગણાવા લાગી. હર્ષદ મહેતાના જેલવાસ વખતે જેલમાંથી તેમણે માતાને લખેલા પત્રો પ્રગટ કરવામાં પ્રસાર માઘ્યમો ધન્યતા અનુભવતાં હતાં- કેમ જાણે ગાંધી-સરદારે જેલમાંથી લખેલા પત્રોનો ખજાનો હાથ લાગ્યો હોય.
સફળતાની શતરંજ
પ્રચારવિદ્યામાં પાવરધા ‘ગોબેલ્સના એકલવ્યો’ (તમારા મનમાં કોનું નામ આવ્યું?) ઘણી વાર સમય વીતવા દેવાની પણ રાહ જોતા નથી. એ માટેની ધીરજ ન હોય, રાહ જોવી પોસાય એમ ન હોય અથવા લોકોની નાડ પારખવાનો આત્મવિશ્વાસ હોય ત્યારે એવા નેતાઓ જાતે જ બીજા ‘મોટા સમાચાર’ ઊભા કરે છે. તેનાથી લોકોનું અને પ્રસાર માઘ્યમોનું ઘ્યાન અસલી મુદ્દો છોડીને નવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરફ ફંટાય છે. તેની તરફેણ અને વિરોધનો સિલસિલો શરૂ થઇ જાય છે અને અગાઉના મુદ્દાનો ‘ધી એન્ડ’. બસ, એટલું થઇ જાય એટલે નેતાઓ ગંગા નાહ્યા અને નાગરિકોએ ન્યાય-સચ્ચાઇના નામનું નાહી નાખવાનું.
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વકરેલો ઉપવાસનો માનસિક રોગચાળો આ ‘સિદ્ધાંત’ને અમલમાં મૂકાતો જોવાનો ઉત્તમ મોકો છે. આ તરકીબ અપનાવનારા દૃઢપણે એવું માને છે કે તેમને સાંભળનારા- તેમની પ્રચારજાળમાં લપેટાયેલામાંથી બહુમતીને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. તેમની આંખે પટ્ટી બાંધીને તેમની પોતાની નહીં, પણ સત્તાધીશની કલ્પના પ્રમાણેની સૃષ્ટિમાં વર્ચ્યુઅલ વિહાર કરાવી શકાય છે.
ઉપવાસ-ચાળો ફાટી નીકળ્યો ત્યાર પહેલાંના ગુજરાતમાં કયા મુદ્દા સૌથી વઘુ ચર્ચાસ્પદ બન્યા હતા? યાદશક્તિને બહુ જોર આપવાની જરૂર નથી. હજુ અઠવાડિયા-બે અઠવાડિયા પહેલાંની જ વાત છે. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકના પ્રશ્ને રાજ્યપાલ વિરુદ્ધ મુખ્ય મંત્રીની ટક્કર થઇ હતી. ભ્રષ્ટાચારના મુદ્દે અન્ના હજારેના આંદોલનને સમર્થન આપનાર ગુજરાતના મુખ્ય મંત્રી પોતાની પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ લોકાયુક્ત દ્વારા ન થાય, તેના માટે સોગઠાબાજી ખેલી રહ્યા હતા. જે મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા તેની તપાસ માટે સરકારી તપાસપંચ નીમાઇ જાય, તો આપોઆપ એ મુદ્દા લોકાયુક્તના તપાસક્ષેત્રમાંથી બહાર નીકળી જાય. આ જોગવાઇનો ઉપયોગ કરી લેવાની મુખ્ય મંત્રીની આતુરતા દેખાઇ આવતી હતી. ત્યાં સુધી કાયદો-બંધારણ-રાજકારણની બૂમો પડી નહીં.
રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ કરીને તત્કાળ લોકાયુક્તની નિમણૂંક કરી કે તરત ‘આ તે રાજભવન કે કોંગ્રેસભવન?’ની નારાબાજી શરૂ થઇ ગઇ. મુખ્ય મંત્રીના સમર્થકોમાંથી ઘણા એ વખતે સ્વીકારતા હતા કે તે પોતાના દાવા પ્રમાણે સ્વચ્છ હોય તો પછી લોકાયુક્તની તપાસથી તેમણે શા માટે ડરવું જોઇએ? ‘હું ગુનેગાર હોઉં તો મને ફાંસી આપજો’ એવા ટંકાર કરનારા મુખ્ય મંત્રી આરોપોની તટસ્થ તપાસની વાત આવતાં વિચલિત થઇ ગયા, એ હકીકતની નોંધ તેમના સમર્થકોએ પણ લીધી. મામલો છેવટે હાઇ કોર્ટમાં ગયો, જ્યાં તેની પર ફેંસલો થશે.
આમ એક આફત ગૂંચવાડો ઊભો કરીને હાલ પૂરતી પાછી ઠેલવામાં આવી. ત્યાં સર્વોચ્ચ અદાલતે ગુલબર્ગ સોસાયટીના કેસમાં મુખ્ય મંત્રીની સંડોવણી વિશે કંઇ કહેવાને બદલે, એ કામ કાનૂની પ્રક્રિયા મુજબ નીચલી અદાલત પર છોડ્યું. સાથે એ સ્પષ્ટતા પણ કરી કે નીચલી અદાલતના ફેંસલા સામે ઉપલી અદાલતમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. તેમ છતાં, મુખ્ય મંત્રીએ આ હકીકતને ગોળગોળ શબ્દોમાં અને આક્રમક પ્રચાર દ્વારા પોતાને મળેલી ‘ક્લિનચીટ’ તરીકે ઓળખાવી, જે હકીકતમાં ‘ક્લિન ચીટિંગ’(ચોખ્ખી છેતરપીંડી)નો નમૂનો ગણાય. સર્વોચ્ચ અદાલતે જાણે તેમને નિર્દોષ છોડી દીધા હોય અને હવે નવેસરથી શરૂઆત કરવાની હોય તેમ, એમણે સદ્ભાવના ઉપવાસની જાહેરાત કરી દીધી અને અમેરિકાની સંસદ સમક્ષ અહેવાલ રજૂ કરતી એક સમિતિના અહેવાલના આધારે વડાપ્રધાનપદ માટેનો પોતાનો દાવો ચર્ચાના કેન્દ્રસ્થાને મૂકી દીધો.
હવે લોકો લોકાયુક્તના મુદ્દે મુખ્ય મંત્રીના ઠાગાઠૈયા ભૂલી જાય, સર્વોચ્ચ અદાલતના આદેશના સદંતર ગેરમાર્ગે દોરનારા અર્થઘટનને બદલે તેના પગલે કરાયેલા ઉપવાસની, તેમાં થયેલા ખર્ચની ને તેની સફળતા-નિષ્ફળતાની ચર્ચામાં પડી જાય, એટલે મુખ્ય મંત્રીના ઉપવાસ સફળ!
આજનું મોત કાલ પર ગયું છે તેની આ કાતિલોને ખબર નથી.અને ઘણા લોકો ભૂલવા માંગે છે તો પણ ભૂલી શકતાનથી.આપણે ગાંધીજીની હત્યાને એટલી ભૂલી ગયા કે હત્યા ગાંધીની સમાધિ પર આવી નૃત્ય કરી જાય છે.
ReplyDeleteહમે યાદ હૈ વો ઝર્રા ઝ્ર્રા તુમ્હે યાદ હો યા ન યાદ હો.
અને આ ભૂલવ ન ભૂલવાની પ્રતિક્રિયાની હદ શી?ગાંધીજી અને ગોડસે નાં પૂતળાઓને સાથે રાખવામાં આવે તો આ કમીનાઓ ગોડસેને હાર તોળા કરે.
અભિનંદન .સુંદર અભ્યાસ પૂર્ણ લેખ.
ઉર્વિશભાઇ, સરસ લેખ.
ReplyDeleteઆપણા આજના નેતાઓ એ વાત બરાબર સમજે છે કે ‘जो दिखता है वो बिकता है’. કોઇપણ પ્રકારના જાહેરજીવનમા પડેલા (રાજકારણ, ધર્મ, સેવા(!),, લેખન વગેરે...) માટે એ બહુ જરુરી છે કે લોકો તેને ભુલી ન જાય. ચાહે પ્રેમ કરે કે ધીક્કારે, પણ લોકો તેને યાદ રાખે એ બહુ જ આવશ્યક છે. નરેન્દ્ર મોદી આ વાત બરાબર જાણે છે. માટે જ તેઓ હમેશા એવુ કઇંક કરતા રહે છે કે લોકોએ તેની નોંધ લેવી જ પડે. જુઓ, તમને એ નથી ગમતા, પરંતુ તમારે એમના વિશે લખવુ જ પડ્યુ ને ! તમે એને પ્રેમ કરો કે ધીક્કારો પણ અવગણી ન શકો. એ જ એમને માટે જરુરી છે.