જનલોકપાલ માટે અન્ના હજારે અને સાથીદારોના આંદોલન વખતે, ‘લોકપાલથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે’ એવું માની બેઠેલા ઘણા લોકો પોતાની માન્યતાના સમર્થનમાં સિંગાપોરનો દાખલો ટાંકતા જોવા મળ્યા. સિંગાપોરમાં લોકપાલનાં કેવાં ચમત્કારી પરિણામો આવ્યાં છે, તેની ‘નક્કર વિગતો’ સાથેના ઇ-મેઇલ ફરતા થઇ ગયા. એ વાંચતાં લાગે કે ‘લોકપાલ’ કહેતાં કોઇ કાનૂની જોગવાઇની નહીં, સંતોષીમા-દશામા જેવા ‘ઇચ્છિત ફળ આપનાર’ કાલ્પનિક દૈવી પાત્ર વિશે વાત થઇ રહી છે. આ પ્રકારના ઇ-મેઇલમાં ‘દસ જણને ફોરવર્ડ કરવાથી પુણ્ય મળશે’ એવું લખ્યું ન હતું, પણ ‘દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઇચ્છતા હો, તો આ ઇ-મેઇલ બીજાને ફોરવર્ડ કરો’ એવું સૂચન હતું.
‘મિસ્ડ કોલ’ કરવાથી કે ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે દેશમાં જાગૃતિ આવી જશે અથવા પોતે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં ‘યથાશક્તિ ફાળો’ આપ્યો ગણાશે, એવી માન્યતા વિશે ચર્ચા કરીને શા માટે સમય બગાડવો? ચર્ચાનો અસલી મુદ્દો સિંગાપોરમાં ‘લોકપાલના ચમત્કાર’ વિશેની જૂઠી માહિતીનો છે, જે સાચી માહિતી તરીકે ચોતરફ ફરી વળી છે. ‘સિંગાપોરના લોકપાલના ચમત્કાર’ વિશેના એક ઇ-મેઇલમાં જણાવાયું છેઃ ‘સિંગાપોરમાં 1982માં લોકપાલ બિલનો અમલ કરવામાં આવ્યો અને (તેના પગલે) એક જ દિવસમાં 142 ભ્રષ્ટ નેતાઓ અને અફસરોની ધરપકડ કરવામાં આવી...આજે સિંગાપોરમાં ફક્ત 1 ટકા લોકો ગરીબ છે. પ્રજાએ સરકારને કોઇ પણ પ્રકારના કરવેરા ચૂકવવા પડતા નથી. શિક્ષણનો દર 92 ટકા જેટલો ઊંચો છે, વધારે સારી તબીબી સુવિધાઓ છે, ચીજવસ્તુઓની કિંમતો પ્રમાણમાં સસ્તી છે અને બેકારીનો દર માત્ર 1 ટકા છે.’
ઉપરનું લખાણ વાંચીને લાગે કે ‘લોકપાલ’ એ કાયદો નહીં, જાદુઇ ચિરાગ હોવો જોઇએ અને ભ્રષ્ટાચારનો રાક્ષસ બધી સમસ્યાઓનો જનક. ચિરાગ ઘસાયો. જિન પેદા થયો. રાક્ષસ ખતમ. પ્રજા ખુશહાલ. વાર્તા પૂરી. બાકી, કાયદાના સદીઓ જૂના ઇતિહાસમાં કોઇ એક કાયદાએ આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી હકારાત્મક અસર ઉભી કરી હોય એવું જાણ્યું છે? (સતીપ્રથાનાબૂદીના કાયદાના ઘણા સમય સુધી – અને કેટલાક પુરાતનવાદીઓના મનમાં હજુ પણ- સતી થનાર સ્ત્રી વિશે આક્રોશ-અનુકંપાને બદલે અહોભાવની લાગણી હોય તો નવાઇ ન લાગે.)
લાંચ માટે બેધારી સજા
હકીકત જાણવા માટે શ્રદ્ધા કે ઉત્સાહ બાજુ પર મૂકીને થોડી તસ્દી લઇએ તો ભ્રષ્ટાચાર સામેની લડતમાં સિંગાપોરને મળેલી નોંધપાત્ર સફળતા અને તેની મર્યાદાઓ વિશે વાસ્તવિક વિગતો જાણવા મળે છે. ભ્રષ્ટાચારનાબૂદીને લગતાં વિવિધ સર્વેક્ષણોમાં સિંગાપોર ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે, એટલી નોંધ સાથે, શરૂઆત સમાચારોથી કરીએઃ
-લાંચ આપવાની કોશિશ બદલ મહિલાની ધરપકડ (5 સપ્ટે., 2011). વ્યસનને લગતી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે 30 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને 150 ડોલરની લાંચ આપીને છૂટી જવાનો પ્રયાસ કરતાં, લાંચ આપવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરવામાં આવી. લાંચ અંગેનો કેસ ‘કરપ્ટ પ્રેક્ટિસિસ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ને સોંપાયો છે.
- માર્ચ, 2009માં ટ્રાફિક ગુનામાંથી બચવા માટે ટ્રાફિક પોલીસને 200 ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવાના ગુનાસર આરોપીને અદાલતમાં ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. માર્ચ, 2010માં ટ્રાફિક પોલીસને 20 ડોલરની લાંચ ધરનારને ત્રણ અઠવાડિયાંની જેલ પડી હતી. સરકારી અફસરને લાંચ આપવાના ગુના બદલ સિંગાપોરમાં મહત્તમ પાંચ વર્ષની સજા, 1 લાખ ડોલર દંડ અથવા બન્નેની જોગવાઇ છે. આ વિગતો જાહેર કરનાર સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ (સીપીઆઇબી)ના નિવેદન પ્રમાણે, વિદેશોમાં વસતા સિંગાપોરના લોકો ટ્રાફિક પોલીસને લાંચ આપવાના ગુનામાં પકડાય, તેના સમાચાર પણ (સરકારી નિયંત્રણ ધરાવતાં) સિંગાપોરનાં ખબારોમાં પ્રસિદ્ધ થાય છે.
સીપીઆઇબીની વેબસાઇટ પર ‘1 દિવસમાં પકડાયેલા 142 નેતાઓ-અધિકારીઓ’ વિશે કશો ઉલ્લેખ મળતો નથી. હા, ભ્રષ્ટાચારના આરોપ બદલ 1966માં એક મંત્રીને હોદ્દેથી દૂર કરાયાનો, 1975માં એક મંત્રીને દોઢ વર્ષની સજાનો અને 1986માં એક મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો સામેની કાર્યવાહીથી બચવા કે તેનાથી શરમાઇને કે પોતાની નિર્દોષતાનું ગાણું ચાલુ રાખીને અંતે આપઘાત કર્યો હોવાની માહિતી મળે છે. એ રીતે પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓને જેલની સજા-દંડ થયાની વિગતો પણ સાઇટ પરથી મળે છે. અત્યાર સુધીની સૌથી મોટી સજા 1995માં સિંગાપોરના પબ્લિક યુટિલિટી બોર્ડના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને થઇ હતી. તેમની પર કોન્ટ્રાક્ટ આપવા માટે 1.38 કરોડ ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. 1995માં તેમને 14 વર્ષની જેલની સજા થઇ અને લાંચની રકમ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી.
આર્થિક ગોટાળા માટેની સજામાંથી ખાનગી ક્ષેત્રોને-વેપારઉદ્યોગોને પણ બાકાત રાખવામાં આવ્યાં નથી. એક કંપની બીજી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે એ કંપનીના અધિકારીને લાંચ આપે, તે પણ ગુનો બને છે અને સંબંધિત અધિકારીઓને સજા-દંડ થાય છે. (દા.ત. ઓટો પાર્ટ બનાવતી કંપની કોઇ કારઉત્પાદક કંપનીના અધિકારીને લાંચ-ભેટસોગાદો આપીને, એ કંપનીમાં પાર્ટસ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવી લે તો ત્યાં પણ ભ્રષ્ટાચારવિરોધી કાયદો લાગુ પડે.)
લાંચવિરોધી બ્યુરોઃ સ્થાપના અને સત્તા
સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશ બ્યુરો’ (સીપીઆઇબી)ને સાવ પ્રાથમિક હેતુની રીતે કદાચ ભારતના લોકપાલ (કે ‘જનલોકપાલ’) સાથે સરખાવી શકાય, પણ એ સિવાયની અનેક બાબતોમાં બન્ને વચ્ચે કોઇ સામ્ય નથી. તેનું એક મોટું કારણ એ પણ ખરું કે ભારત અને સિંગાપોર વચ્ચે વસ્તી અને વૈવિધ્યથી માંડીને શાસનપદ્ધતિ જેવા મુદ્દે મોટો તફાવત છે.
સીપીઆઇબીની સ્થાપના સપ્ટેમ્બર, 1952માં થઇ ત્યાર પહેલાં પોલીસની લાંચવિરોધી પાંખ દ્વારા આરોપોની તપાસ થતી હતી અને દેશમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. સિંગાપોર ત્યારે અંગ્રેજોનું સંસ્થાન હતું. શરૂઆતનાં વર્ષોમાં ઓછા સ્ટાફ અને પાંખી કામગીરીનો સિલસિલો ચાલ્યા પછી, 1968માં બ્યુરોને વડાપ્રધાનની કચેરીની સીધી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યો. દરમિયાન ભ્રષ્ટાચારવિરોધી કાયદામાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. નેવુના દાયકામાં બ્યુરોની કામગીરી અને તેની સજ્જતામાં મોટા પાયે બદલાવ અને સુધારો થયાં. પોતાના અફસરો માટે બ્યુરોએ પોલીસ અકાદમી પર આધાર રાખવાને બદલે ખાસ તાલીમી કાર્યક્રમો ઘડ્યા. સંસ્થામાં નવા હોદ્દા ઉભા કરવામાં આવ્યા. 1995માં ‘લાઇ ડીટેક્ટર’ તરીકે ઓળખાતા પોલીગ્રાફ મશીનનો તપાસ અને પૂછપરછ માટે ઉપયોગ શરૂ થયો. 1 જૂન, 2011થી બ્યુરોના માળખાને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છેઃ ઓપરેશન ડીપાર્ટમેન્ટ (માહિતી-જાણકારી એકત્ર કરવી), ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ (માહિતીના આધારે પૂરી તપાસ કરીને જરૂરી કાગળીયાં તૈયાર કરવાં) અને કોર્પોરેટ અફેર્સ ડીપાર્ટમેન્ટ (સંસ્થાનો આંતરિક-માળખાકીય વહીવટ).
સિંગાપોરના ભ્રષ્ટાચારવિરોધી કાયદા પ્રમાણે, કોઇ પણ વ્યક્તિ સામે ભ્રષ્ટાચારનો કેસ માંડતા પહેલાં પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ તપાસનાં બધાં કાગળીયાં-દસ્તાવેજ-પુરાવા રજૂ કરવાં પડે છે. તેમની મંજૂરી મળ્યા પછી જ કેસ ચાલી શકે. આરોપી સરકારી કર્મચારી હોય અને તેની સામે પૂરતા પુરાવા ન હોય તો તેમનો કેસ પબ્લિક પ્રોસિક્યુટરની સંમતિ સાથે, કર્મચારીના વિભાગીય વડાને મોકલવામાં આવે છે. બ્યુરો બાકીના સરકારી વિભાગોથી સ્વતંત્રપણે કામ કરે છે, પરંતુ તેનું કામ મજબૂત કેસ ઉભો કરવાનું છે. કેસની ગુણવત્તા નક્કી કરીને સજા ફરમાવવાની આખરી સત્તા અદાલત પાસે છે. બ્યુરોના સર્વોચ્ચ વડા (ડાયરેક્ટર) સીધા વડાપ્રધાનને જવાબદાર છે. બીજાં કોઇ ખાતાં તેમની પર દબાણ લાવી શકતાં નથી, જે સિંગાપોરની લાંબા સમય સુધી એક વ્યક્તિનું એકચક્રી રાજ ધરાવતી લોકશાહીમાં વ્યવહારૂ રીતે શક્ય બન્યું છે.
ભ્રષ્ટાચાર વિશે બાતમી આપનાર-ફરિયાદ નોંધાવનાર(ભારતમાં પ્રચલિત શબ્દઃ વ્હીસલ-બ્લોઅર)ની ઓળખ બ્યુરો દ્વારા ગુપ્ત રાખવામાં આવે છે. પણ કેસ અદાલતમાં પહોંચ્યા પછી તેમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી આવી છે એવું અદાલતને લાગે તો ફરિયાદીની ઓળખ ગુપ્ત રહેતી નથી. એટલું જ નહીં, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સજા ફટકારવામાં આવે છે. એક કંપનીમાં સેફ્ટી સુપરવાઇઝરે તેના ડેપ્યુટી સેફ્ટી મેનેજર સામે મૂકેલો ભ્રષ્ટાચારના આરોપ ખોટા પુરવાર થતાં, ફરિયાદીને આઠ અઠવાડિયાંની જેલ થઇ હોવાનો અને મકાનમાલિક પર ભ્રષ્ટાચારનો જૂઠો આક્ષેપ મુકનાર ભાડૂઆતને એક મહિનાની જેલ થઇ હોવાનો કિસ્સો પણ બ્યુરોની વેબસાઇટ પર નોંધાયેલો છે.
સિંગાપોરમાં ભ્રષ્ટાચારનાબૂદીને કારણે પ્રજાને કરવેરા ચૂકવવા પડતા નથી, એ માન્યતા ખોટી છે. વાર્ષિક 20 હજાર ડોલરની આવક સુધી વ્યક્તિગત કર ભરવો પડતો નથી, પણ ત્યાર પછી જુદી જુદી આવક પ્રમાણે આવકવેરાના આઠ પ્રકારના દર છેઃ સૌથી ઓછો દર (20 હજારથી 40 હજાર ડોલરની આવક માટે) 2 ટકા અને સૌથી વધુ (3લાખ 20 હજાર ડોલર કે વધુ વાર્ષિક આવક પર) 20 ટકા. સ્થાનિક લોકો અને બહારના લોકો માટે આવકવેરાના દર અલગ અલગ હોય છે. અલબત્ત, બીજા દેશોની સરખામણીમાં સિંગાપોર આવકવેરાના ઓછા દર માટે જાણીતું છે. પરંતુ તેનો સંબંધ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનાબૂદી સાથે જોડી શકાય નહીં.
ભ્રષ્ટાચારીઓ સામે તપાસ ઉપરાંત ભ્રષ્ટાચારને અટકાવવા માટે પણ બ્યુરો સરકારી અને શૈક્ષણિક રાહે કાર્યક્રમો ચલાવે છે, જેથી ભ્રષ્ટાચારનો મુદ્દો બાકીની વાસ્તવિકતાઓથી અલગ, અલાયદો બની ન જાય. ભ્રષ્ટાચાર સામે અસરકારકતાથી પનારો પાડવા માટે તેની વ્યાપકતા અને બધાં ક્ષેત્રો સાથે અડતો તેનો છેડો ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ બધું કર્યા પછી પણ ‘સ્વિફ્ટ એન્ડ સ્યોર’ (ઝડપી અને ખાતરીપૂર્વક)નો મુદ્રાલેખ ધરાવતા બ્યુરોનો દાવો એટલો જ છે કે ‘સિંગાપોરમાં ભ્રષ્ટાચાર અંકુશમાં છે.’ આ સફળતા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, શેહશરમ વગર કોઇ પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી અને ભ્રષ્ટાચારને જીવનરીતિ તરીકે જાકારો આપનાર પ્રજા- આ ત્રણને શ્રેય આપવામાં આવે છે.
સરખામણી કરવી હોય તો આ ત્રણે મુદ્દે સિંગાપોર અને ભારત વચ્ચે રહેલા તફાવતને સરખાવી શકાય.
સારી રીતે સમજ આપતો લેખ. આ સિંગાપોરવાળા લોક્પાલના સમાચાર પેલા 'યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીત ને સર્વશ્રેષ્ઠ જાહેર કર્યું' અને 'આર્કિટેક્ચર દુનિયાનો સૌથી અઘરો કોર્સ જાહેર થયો' પ્રકારના હોક્સ ન્યુઝ છે. સિંગાપોર વિસ્તારની દ્રષ્ટિએ તે અમદાવાદથી થોડું મોટું અને વસ્તી પ્રમાણે લગભગ અમદાવાદ જેટલું છે. એક શહેરી-સરકાર (city-state)ની ભારત જેવા વિશાળ દેશ સાથે કોઈ રીતે સરખામણી કરી નથી શકાતી. તે ઉપરાંત, સિંગાપોરમાં સમાજવાદી અંકુશો અને મૂડીવાદી અભિગમનું મિશ્રણ છે. જેમકે, સિંગાપોરમાં ૮૫% રહેઠાણો જાહેર ક્ષેત્ર હેઠળ એટલે કે સરકારી છે. રીયલ એસ્ટેટ પર સરકારનો મજબૂત અંકુશ છે, ખાનગી ક્ષેત્રનો નહિ. તેથી કાળા નાણાની અવાર-જવરના રસ્તાઓ બહુ ખુલ્લા નથી. શું ભારતમાં આ શક્ય છે?
ReplyDeleteબીજું કે, સિંગાપોર નાનો દેશ હોવાથી એક-માત્ર એજન્સી ભ્રષ્ટાચાર નિવારણ માટે સહેલાઇથી કામ કરી શકે છે. શું ભારતમાં આ પ્રકારનું સત્તાનું કેન્દ્રીકરણ જરૂરી કે યોગ્ય છે? અહીનો એવો અનુભવ છે કે જેમ સત્તાનું કેન્દ્રીકરણ વધારે તેમ ભ્રષ્ટાચાર વધારે. તો પછી ભારતમાં એક એજેન્સી બનાવીને સત્તાનું કેન્દ્રીકરણ કરવું જોઈએ કે અલગ-અલગ સ્તરની અલગ એજન્સી બનાવીને 'ચેક અને બેલેન્સ'ની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ?
કહેતા તો દીવાના ઔર સુનતાભી દીવાના, ફીર સમજતા દીવાનાકા દીવાના. સાહેબ! 63 ટાપુઓનો સમૂહ ધરાવતા સીંગાપોરની કુલ વસ્તી 50 લાખ છે.(સમજોને સાહેબ એક અમદાવાદ).694ચોરસ કિલોમીટર.અથવા 268ચોરસ માઈલ ધરાવતાં સીંગાપોરીઓની વાર્ષિક સરેરાશ આવક $62,100.00 છે.સીંગાપોરના એક ડોલરના આજે લગભગ .811123 યુ.એસ ડોલર છે.(વિકીપિડિયાને આધારે).
ReplyDeleteહવે કીડી ને હાથીની સરખામણી કરનારે વિચારવું હોય તો વિચારે. ગપને ગોળો એટલે માટે કહેવાય છે કે જે દિશામાં ગબડાવું હોય ગબડાવો.
બીજી માન્યતા એ ચાલી રહી છે કે આપણાં સંવિધાનમાં ,પીનલકોડમાં ભ્રષ્ટાચાર માટે કોઈ કાયદોજ નથી..
લોક પાલ (જન લોક પાલ) વાળા લોકાયુકતને અસ્પૃશ્ય સમજે છે. બાકી પટાવાળા અથવા સામાન્ય પોલિસને 50કે 100 રૂપિયા માટે દંડવા કોઈ ઝખ પાલની જરૂર ખરી?
www.bazmewafa.wordpress.com
Muhammedali Wafa
Reply to Resp:
ReplyDeleteRutul Joshi & Muhammedali:
In terms of general administrative departments (State & Central), judiciary, Reserve Bank of India, we are much blessed with it.
A will to de-crimanlize and free corruption from society require Will Power from People to Government to People.
5th Pillar (Media) needs Positive Approach instead of TPI.