રામાયણ-મહાભારત ખરેખર લડાયાં હતાં કે તે ઉત્તમ સાંસ્કૃતિક કથાઓ છે, એ આપણે જાણતાં નથી. એની પિંજણમાં પડવાની જરૂર પણ નથી- સિવાય કે બીજાને ચમકાવવા હોય અને પોતે (પ્રસાર માઘ્યમોમાં) ચમકી જવું હોય.
આપણે કલ્પના એટલી જ કરવાની છે કે રામાયણનાં પાત્રોના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ હોત અને એ પાત્રો તેની પર સક્રિય હોત તો?
***
કૌશલ્યાઃ @ કૈકેયી. મારી પર રાવણની પત્ની મંદોદરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે. શું કરું?
સુમિત્રાઃ મારી પર પણ આવી છે.
કૈકેયીઃ @ કૌશલ્યા. પૂછીને કહીશ.
કૌશલ્યાઃ @ કૈકેયી. કોને? મહારાજને કે મંથરાને? :-))
કૈકેયીઃ @ કૌશલ્યા :-((
***
(વિશ્વામિત્ર ૠષિના આશ્રમમાં)
વિશ્વામિત્રઃ @ શિષ્યો. આજે આપણા ગ્રુપના પેજ પર જુદાં જુદાં અસ્ત્રો કેમ ચલાવવાં તેની વિડીયો મૂકી છે. જોઇ?
લક્ષ્મણ : @ ગુરુદેવઃ હા. એ જોઇને કરેલી પ્રેક્ટિસની વિડીયો અમે અપલોડ કરી છે. જોઇ?
શ્રીરામઃ @ લક્ષ્મણ. આપણે જંગલમાં રહીએ ને ફેસબુક પર હોઇએ, એથી આપણને અસભ્ય બનવાનો અધિકાર મળી જતો નથી. ગુરુદેવની ક્ષમા માગો.
લક્ષ્મણઃ @ ગુરુદેવ. ક્ષમા.
વિશ્વામિત્રઃ @ લક્ષ્મણ. આપી.
***
મહારાજ (રાજા દશરથ): હવે ઉંમર વર્તાય છે.
(આ વિધાન-સ્ટેટસ-ની નીચે ૧૨૭ ‘લાઇક’ દેખાય છે.)
કૈકેયી :-(( :- )))))))))))))
મહારાજઃ@ કૈકેયી. કૈકેયી. હું સમજ્યો નહીં.
કૈકેયીઃ તમારા દુઃખે હું થોડી દુઃખી થઇ, પણ મારા પુત્રને ગાદી મળશે એ જાણીને બહુ રાજી થઇ.
મહારાજઃ કૈકેયી,કૈકેયી. તમે કેટલાં નિષ્ઠુર છો.
કૌશલ્યાઃ @ મહારાજ. એવું ન કહો. કૈકેયી તો મારાં બહેન જેવાં છે.
કૈકેયીઃ @ કૌશલ્યા.આભાર. @મહારાજ. આ ડાયલોગની હજુ વાર છે.
***
વિશ્વામિત્રઃ @ શિષ્યોઃ કોઇ શૂર્પણખા વારેઘડીએ મારું એકાઉન્ટ હેક કરી જાય છે. એ તમારા કોઇના ફ્રેન્ડલીસ્ટમાં છે?
શ્રીરામઃ @ ગુરુદેવ. તપાસ કરીશ. હવે તમે બેફિકર રહેજો.
લક્ષ્મણઃ @ ગુરુદેવ. હું એ શૂર્પણખાને સીધીદોર કરી નાખીશ. તેની આ હિંમત?
વિશ્વામિત્રઃ @ લક્ષ્મણઃ ઓનલાઇન કે ઓફલાઇન? ઓફલાઇન સીધી કરવા જાવ તો શ્રીરામને સાથે રાખજો.
***
(શ્રીરામ-સીતાજી રૂબરૂ મુલાકાત)
સીતાજીઃ આર્ય, તમે ફાર્મવિલ રમો છો?
શ્રીરામઃ ના, સીતે. મને મારાં પ્રજાજનોનાં વાસ્તવિક ખેતરોમાં વધારે રસ છે. તેમનાં ગોચર આપણા શાહુકારો વેચી ન મારે તેની મને અધિક ચિંતા છે. પણ તમે...તમે પણ ફેસબુક પર છો? મને તો તમારું નામ ન દેખાયું!
સીતાજીઃ (સહેજ શરમાઇને) ફેસબુક પર મારું આઇડી ‘જાનકી’ છે. હવે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલશો ને? શિવધનુષ્ય વાળી હરિફાઇમાં મારા ફ્રેન્ડલિસ્ટમાં હોય એટલા લોકો જ ભાગ લઇ શકશે.
શ્રીરામઃ ફેસબુક પર સાચા ફ્રેન્ડ મળવા એ શિવધનુષ્ય ઉંચકવાથી પણ વધારે અઘરું છે. હું તમને ચોક્કસ રિક્વેસ્ટ મોકલીશ.
***
કૈકેયીઃ @ મહારાજ. તમારી નિવૃત્તિની વાતનું પછી શું થયું?
મહારાજઃ @ કૈકેયી. બસ, નક્કી જ છે. આ રામનવમીથી- ઓહ- એટલે કે બે મહિના પછી...
કૈકેયીઃ અને ગાદી?
મહારાજઃ એ રામને મળશે. @રામઃ બેટા, જાણ્યું?
શ્રીરામઃ @ મહારાજ. જેવી આપની આજ્ઞા.
કૈકેયીઃ @ મહારાજ. એ નહીં બને. રામને તમારે વનવાસ આપવો પડશે અને મારા પુત્રને ગાદી. મારે તમારી પાસેથી બે વસ્તુઓ માગવાની હતી. ભૂલી ગયા?
મહારાજઃ @કૈકેયી. તમે ભૂલવા દો? @ રામ. ક્ષમા, બેટા.
શ્રીરામઃ @ કૈકેયીમાતાજી. જેવી આપની આજ્ઞા.
મહારાજઃ @ રામ. મને કેમ એવી શંકા જાય છે કે કૈકેયીનું એકાઉન્ટ મંથરા ઓપરેટ કરી રહી છે.
કૈકેયીઃ @ મહારાજ. ખબરદાર જો મારું- સોરી- મંથરાનું નામ લીઘું છે તો...
***
(વનમાં વાતચીત)
સીતાઃ કેવી નીરવ શાંતિ..કેવું રમણીય વાતાવરણ..મનમાં ઠંડક છવાઇ ગઇ. કેટલા વખત પછી આવી દિવ્ય અનુભૂતિ થઇ. આર્યપુત્ર, મને લાગે છે કે આપણે કાયમ વનમાં રહેવું જોઇએ.
શ્રીરામઃ સીતે...સીતે...આ જંગલની કમાલ નથી. આ શાંતિ જંગલમાં આવ્યા પછી એકેય વાર ફેસબુક પર ગયાં નથી એની છે. કંપનીઓ કનેક્ટિવિટીના મોટા મોટા દાવા કરે છે, પણ અહીં એકેય કંપનીનું કનેક્શન મળતું નથી.
સીતાઃ ઓહ..તમે ફેસબુકની યાદ ક્યાં અપાવી! કેટલો વખત થયો ફેસબુક પર ગયે. તમે એક કામ ન કરો? પેલું દૂર સુવર્ણ જેવું ચળકતું શું દેખાય છે? કોઇ કંપનીનું ઇન્ટરનેટ કનેક્ટિવિટીને લગતું સાધન તો નથી? જરા તપાસ ન કરો?
શ્રીરામઃ લક્ષ્મણ, તું જરા ઘ્યાન રાખજે. હું આવું.
(થોડી વાર પછી)
શ્રીરામઃ લક્ષ્મણ..લક્ષ્મણ..
લક્ષ્મણઃ (સીતાને) મારે જવું પડશે. તમે અહીં જ રહેજો. હું આવ્યો. (શ્રીરામ પાસે જઇને) શું થયું?
શ્રીરામઃ કંઇ નહીં. જંગલમાંથી ઇન્ટરનેટનો કેબલ પસાર થતો જોયો એટલે સહજ તારા નામની બૂમ પડાઇ ગઇ. તું સીતાને એકલાં મૂકીને આવ્યો?
(દરમિયાન, પર્ણકુટીમાં)
રાવણ (કમ્પ્યુટરના કીડા-‘ગીક’- પહેરે છે એવા ચશ્મા સાથે, સીતાને): તમે જંગલમાં નવાં લાગો છો. ઇન્ટરનેટ કનેક્શન લઇ લીઘું?
સીતાઃ ના, આર્યપુત્ર એના માટે જ ગયા છે.
રાવણઃ અરે? એના માટે બહાર જવાની શી જરૂર છે? અમારી કંપની તમને ઘરે બેઠાં કનેક્શન આપે છે. તમારું લેપટોપ લઇને તમે જરા બહાર આવો.
(ત્યાર પછી શું થયું હશે એ કહેવાની જરૂર ખરી?)
***
લક્ષ્મણઃ ભાઇ, મેં ફેસબુક પર ‘સર્ચ સીતામાતા’ પેજ બનાવી દીઘું છે. તેમાં સભ્યસંખ્યા સતત વધી રહી છે. વાનરો અને રીંછ પણ જોડાયાં છે.
શ્રીરામઃ (દુઃખી અવાજે) એમાંથી લંકાનું કોઇ છે?
લક્ષ્મણઃ હા, વિભીષણ કરીને કોઇ છે. એ કહે છે કે એણે સીતાજીને લંકામાં જોયાં છે.
શ્રીરામઃ શું વાત છે! વિભીષણ એટલે રાવણના ભાઇ.
લક્ષ્મણઃ એમનું રાજકારણમાં કંઇ ચાલતું નહીં હોય, એટલે ફેસબુક પર લાગે છે.
શ્રીરામઃ એવું ન કહીએ, લક્ષ્મણ. એ આપણને મદદ કરવા માગે છે.
***
રાવણ ફેસબુકનો એવો બંધાણી હતો કે ચોવીસે કલાક તે ફેસબુક પર પડ્યો-પાથર્યો રહેતો. એટલે ઘણા લોકો રમૂજમાં કહેતા કે તે દસ માથાં ને વીસ હાથ વડે ફેસબુક પર મચી પડે છે. તેમાંથી એવી ગેરસમજ થઇ કે રાવણને ખરેખર વીસ હાથ ને દસ માથાં છે. શ્રીરામે સૌથી પહેલાં રાવણને ફેસબુક પર પડકાર્યો હોત તો?
શ્રીરામઃ @રાવણ. પ્રોફાઇલમાં અરવિંદત્રિવેદીનો ફોટો મૂકીને તમે મને છેતરી નહીં શકો. હું સીતાને લેવા આવી રહ્યો છું. સાવધાન.
રાવણઃ લંકામાં પગ મૂકવો એ ફેસબુક પર લડાઇ કરવા જેટલું સહેલું નથી.
શ્રીરામઃ અમારી પાસે આખી વાનરસેના અને રીંછસેના છે.
રાવણઃ ફેસબુક પર વાનરસેનાના ઉપદ્રવની ક્યાં નવાઇ છે? પણ લંકા આવવા માટે તમારે દરિયો ઓળંગવો પડશે.
શ્રીરામઃ અમારી પાસે હનુમાન છે. એ દરિયા પર પુલ બનાવી દેશે.
રાવણઃ તાઇવાન ને જાપાનની ટેકનોલોજી વિશે સાંભળ્યું છે. આ હનુમાન વળી ક્યાંથી આવ્યા?
શ્રીરામઃ એ નખશીખ ભારતીય છે.
રાવણઃ તો પછી મારી સાથે એમને શું વેર છે? તમિલ છે?
શ્રીરામઃ એ અધર્મ સામેની લડાઇમાં મારી મદદ કરી રહ્યા છે. હવે તમારી હાર નક્કી જાણજો.
રાવણઃ તમે હજુ મને ઓળખ્યો નથી. મારી હાક છેક દેવલોક સુધી વાગે છે.
શ્રીરામઃ ફેસબુક પર ફાંકા મારવા એક વાત છે ને મેદાનમાં લડાઇ કરવી જુદી વાત છે. અહીં શું કામ સમય ને હૃદય બગાડવાં? રણમેદાનમાં મળીશું. @ સીતા. જો રાવણ તને ફેસબુક વાપરવા દેતો હોય તો...તારા દુઃખના દિવસ પૂરા થાય છે. હું આવી રહ્યો છું.
(એકાધિક ફેસબુક-કાંડમાં વહેંચાયેલું રામાયણ અહીં પૂરું થાય છે. શ્રીરામ-રાવણ યુદ્ધમાં શું થયું એ સૌ જાણે છે.)
ઉર્વિશ ભાઇ, સરસ કટાક્ષિકા.
ReplyDeleteએમ કહેવાય છે કે ટેક્નોલોજીના વિકાસ થકી, ખાસ કરીને ઇંટરનેટ અને મોબાઇલના આવિષ્કાર પછી દુનિયા નાની થઇ ગઇ છે. પણ શાંતિ થી વિચારતા સમજાય છે કે ખરેખરતો માણસો વચ્ચેનુ અંતર વધતુ જાય છે. પહેલા શહેરના બીજા છેડે રહેતા મિત્રોને પણ નિયમીત મળવાનુ થતુ. હવે પડોશમા રહેતા મિત્રો ને પણ “એસ.એમ.એસ.” અને ઇ-મેલ થી મળી લેવાય છે. વસ્તી વધતી જાય છે અને ટોળામા માણસ ‘એકલો’ પડતો જાય છે.
લક્ષ્મણઃ @ ગુરુદેવ. ક્ષમા.
ReplyDeleteવિશ્વામિત્રઃ @ લક્ષ્મણ. આપી.
best.....
ADDBHUT...KHAREKHAR...VISHAY ANE ENA PAR NO AA LEKH BEU...WAH URVISHBHAI WAH...
ReplyDeleteહા હા હા હા....
ReplyDeletebulls eye!! ekdam mast.
ReplyDeleteHilarious! One of your finest. Sparks all over the article. છેલ્લા સંવાદ જો ફેસબુક ઉપર હોય તો પ્રથમ સંવાદ પછી પણ @ ના મૂકવું જોઇએ? આ તો જસ્ટ ક્યુરિયસ..
ReplyDeleteAmazing!!!
ReplyDeleteThis is one of the best of your recent write ups...
I just laughed my guts out but had to stop at some intervals in order to concentrate on the witty and thought-provoking remarks.
Thanks
- Jay Mehta
Really interesting dialogues with outburst of laugh. Bit satirical and hilarious conversation. The whole write up changes our point of view from ancient to this E-Era. That is a use of language in describing the things. Really worthy to be read. Keep writing
ReplyDeleteઉર્વીશ ભાઈ ખુબ સુંદર
ReplyDeleteBahu j maja aavi.tame hasylekhakoma navi j kedi ankari rahya chho,abhinandan.
ReplyDeleteઅતિસુંદર રચના.....આવુ આપતા રહો બાદશાહ.....
ReplyDelete'ફેસબુક'નું આ નાટક હવે સ્ટેજ પર ભજવવું જોઇશે.
ReplyDeleteબિનીતભાઈની વાત વિચારવા જેવી ખરી. હવે જયારે નવું પુસ્તક બહાર પડે ત્યારે આ વખતે આ લેખ ભજવી શકાય. મોક કોર્ટ જેવી જ મજા આવશે. મેં મારા કેટલાય મિત્રોને આ લેખ ફોરવર્ડ કર્યો અને તેમને પણ ખુબ મજા આવી. આભાર.
ReplyDeleteહહાહાહા..... ફેસબુક અને રામાયણ ...જોડી મસ્ત જામી ગઈ...
ReplyDeleteKhub saras, Hamesh mujab ! Urvishbhai. Your article on "Up down" (from Mahemdavad to Amadavad) was also so informative and funny. Hats off to you for clean images of all the Season Tickets. How carefully you have preserved it for so long. .... also you remained in balance and held honesty in writting something like this.. "mota bhage jagada ma up down wala no vaank 95 % hoy." Really enjoying your writting. Thanks a Lot.
ReplyDelete