કોઇ પણ ગામ કે નગર શહેર ક્યારે બન્યું ગણાય? એ માટેના કોર્પોરેશનના કે પંચાયતના, સરકારી કે વિશ્વબેન્કના, બિલ્ડરોના કે ડેવલપરોના માપદંડની વાત નથી. પ્રચલિત સમજણ પ્રમાણે, ‘વાહન માટેની લોન ક્યાંથી મળશે?’ કે ‘વાહનની લોન શી રીતે ભરપાઇ કરીશું?’ એવી ચિતાને બદલે માણસને ‘વાહન પાર્ક ક્યાં કરીશું?’ એની ચિતા જાગે, ત્યારે એ જગ્યાને શહેર ગણી શકાય.
ઘણા શહેરીઓ માને છે કે લોકમાન્ય ટિળક એકવીસમી સદીમાં જન્મ્યા હોત તો તેમણે કહ્યું હોત, ‘પાર્કિગ મારો જન્મસિદ્ધ હક છે અને એ લઇને જ હું જંપીશ.’ આવાં પ્રતિજ્ઞાવચનો ન વાપરવા છતાં ઘણાખરા લોકો માને છે - અને એ રીતે જ વર્તે છે, જાણે (ગમે ત્યાં) પાર્કિગએ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય.
પાર્કિગ એક વૈશ્વિક સમસ્યા છે, પરંતુ ભારતમાં તેને સૌથી ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. ‘દાંત આપનાર ચાવણું પણ આપશે’ એવી શ્રદ્ધા ધરાવતા આપણા દેશમાં બહુમતી લોકો માને છે, ‘ગાડી આપનાર પાર્કિગ પણ આપશે.’ (નોંધઃ સાયકલથી સ્પોર્ટ્સ કાર સુધીના કોઇ પણ વાહનને ‘ગાડી’ તરીકે ઓળખાવી શકાય છે. એ માટે આરટીઓના પાસિગની જરૂર નથી.)
પાર્કિગની જગ્યાની બાબતે ગામ અને શહેર વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ના, શહેરી અછતની સામે ગામમાં પાર્કિગની જગ્યાનું સુખ હોય છે એવું માનવાની જરૂર નથી. ગામમાં વાહન અડધો રસ્તો દબાવીને કે ત્રાંસું કે આડીઅવળી લાઇનમાં- ગમે તે ‘આસન’માં ઉભું હોય, પણ ત્યાં ‘ટોઇંગ વાન’રૂપી બાવો હોતો નથી. એટલે ‘બાવો લઇ જશે’ એવી બાળસહજ બીક રાખ્યા વિના ગામના વાહનચાલકો આખા રસ્તાને પોતાની પૈતૃક સંપત્તિ ગણીને તેનો ભોગવટો કરી શકે છે.
રસ્તો રોકીને પડેલું વાહન જોઇને કોઇ ‘સુધરેલો’ જણ મોં બગાડે કે પોતાના વાહન પાસે (હોર્ન દાબીને) કિકિયારીઓ પડાવે, એટલી ‘જાગૃતિ’ હવે ગામમાં આવી છે. પરંતુ આ મુદ્દે શાસ્ત્રાર્થને અવકાશ હોતો નથી. (સિવાય કે એ તાર સપ્તકમાં અને ‘સંસ્કૃત’માં થાય!) ‘આ કોણે વચ્ચોવચ (વાહન) મૂક્યું છે?’ એવો પડકાર ફેંકાયા પછી, ઘણી વાર તેનો ઝીલણહાર મળી આવે (‘મારું છે. બોલો. શું હતું?’) એ સાથે જ પડકાર આપનારનો ઘણોખરો જોસ્સો, રામદેવબાબાના આંદોલનની જેમ, ઓચિતો ઓસરી જાય છે. ‘એમ? તમારું છે? અચ્છા. મને થયું કે આ કેમ વચ્ચે પડ્યું હોય એવું લાગે છે? નકામું જતાં-આવતાં કોઇ અવળચંડુ ઠોકી દે તો? સહેજ બાજુ પર મૂક્યું હોય તો શું છે કે જરા સારું પડે.’
પરંતુ કેટલાક પુણ્યાત્મા- બલ્કે પાપભીરુ આત્માઓ-ના મનમાં ખોટું પાર્કિગ કરતી વખતે જ અપરાધભાવ રોપાઇ જાય છે. ‘હું અહીં મૂકું તો છું, પણ કોઇને નડશે તો?’ આવું વિચારનારાને કોઇ આક્રમક પડકાર ફેંકનાર ભેટી જાય ત્યારે આગળ જણાવેલું આખું ચિત્ર ફરી જાય છે. ‘કોની ગાડી છે આ?’ એવું કોઇ ન બોલતું હોય તો પણ, વાહનમાલિકને દર બે-પાંચ મિનીટે એ મતલબની ત્રાડનો આભાસ, એ જ્યાં બેઠા હોય ત્યાં થયા કરે છે.
અને ખરેખર આવી ત્રાડ પડે ત્યારે? તે બહાર નીકળે છે અને વાહનનું ‘પિતૃત્વ’ સ્વીકારવું કે નહીં તેની વધારાની અવઢવમાં પડી જાય છે. સામેવાળો માણસ માથાભારે હોય તો એ ઝનૂનથી જાહેરાત કરે છે, ‘જેની હોય તેની. હું તો ઢસડીને બાજુ પર મૂકી દઉં છું અથવા હું તો મારી ગાડી ઠોકું છું.’
આવાં કઠોર વચન સાંભળીને અપરાધભાવગ્રસ્ત માલિક ‘એક મિનીટ..એક મિનીટ..’ કરતા મેદાનમાં આવી જાય છે. તેમને ઘ્યાનથી જોતાં એવું લાગે, જાણે કોઇ માણસ પોતાનું સફેદ શર્ટ શરીર પરથી ઉતારીને, તેનો વાવટો બનાવીને શાંતિ માટે વિનવી રહ્યો છે.
ખરી મઝા ત્યારે આવે છે, જ્યારે સરખેસરખા બળીયાનો આમનોસામનો થાય. તેમની વચ્ચે થતા સંવાદમાં ટેસ્ટમેચની નહીં, પણ ‘૨૦-ટ્વેન્ટી’ની ગતિએ, પહેલા જ બોલથી ફટકાબાજી શરૂ થઇ જાય છે. ‘કોણ છે આ જંગલી? કોણે વચ્ચે મૂક્યું છે?’ એવા આરોહ પરથી શરૂ થતા આ (ખટ)રાગની પરાકાષ્ઠા ક્યાં આવશે, એ કલ્પવું અઘરું પડે છે. જોતજોતાંમાં બન્ને પક્ષો કાનૂની હદ/જ્યુરિસ્ડિક્શનની પરવા કર્યા વિના, રસ્તો કોના પિતાશ્રીની માલિકીનો છે, એવા પેચીદા સવાલ પર ગહન ચર્ચા શરૂ કરે છે. એક બાબતે બન્ને પક્ષો સંમત હોય છેઃ રસ્તો સામેવાળાના પિતાશ્રીની માલિકીનો તો નથી જ.
ઉગ્રતાપૂર્વક ચાલતી ચર્ચા વચ્ચે આટલા મહત્ત્વના મુદ્દે એકમત હોવા છતાં, બન્ને પક્ષો સમાધાનના માર્ગે આગળ વધવાને બદલે આક્રમણના વિકલ્પ બાજુ ખેંચાતા જાય છે. ખાસ કરીને, આજુબાજુ પૂરતી માત્રામાં યુ.એન.ના પ્રતિનિધિ જેવા લોકોની હાજરી જણાય ત્યારે લડાઇ અનિવાર્ય બને છે. અલબત્ત, ભીષણ જંગના અંતે વાંક કોનો હતો એ નક્કી થઇ શકતું નથી. ‘યુનો’છાપ મઘ્યસ્થીઓ વાહન વચ્ચોવચ મૂકનારને ‘તમારે વાહન બાજુ પર મૂકવું જોઇએ’ અને રાડારાડી કરનારને ‘તમારે શાંતિથી વાત કરવી જોઇએ’ એવી આયુર્વેદિક સલાહ આપીને પોતે ન હોત તો આ જગતને આટલો મૂલ્યવાન બોધપાઠ કોણ આપત અને એના વિના જગતમાં કેવી ખૂનરેજી ફેલાત, તેના અહેસાસમાં સરી જાય છે.
શહેરોમાં ઘણી જગ્યાએ ‘નો પાર્કિગ’નાં પાટિયાં મારેલાં હોય છે અને તેની નિશ્રામાં સંખ્યાબંધ વાહનો હરોળમાં ગોઠવાયેલાં હોય છે. તેના માટે ગુજરાતીઓનું ખરાબ અંગ્રેજી નહીં, પણ સવિનય કાનૂનભંગનો મજબૂત સંસ્કાર કારણભૂત છે. શિકારી બાજ જેવી ટોઇંગ વાન ઝપટ ન મારે ત્યાં સુધી આ વાહનો સાવજની સામે થતી ગિરનારી ગાયના ધણ જેવાં બહાદુર લાગે છે, પણ ટોઇંગ વાન આવતાં તેમનો દેખાવ પાંખકટ્ટા કબૂતરોનાં ટોળા જેવો બની રહે છે.
પાર્ક થયેલું કોઇ પણ વાહન રસ્તા પર કહેવાય કે નહીં, એ બાબતે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે કદી એકમતી સધાતી નથી. વાહનચાલક સાપેક્ષવાદના ગુઢમાં ગુઢ સિદ્ધાંતોની મદદથી પોતાનું વાહન શી રીતે રસ્તાની ઉપર ન ગણાય, એ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ટ્રાફિકપોલિસ એ દલીલોથી જરાય વિચલીત થયા વિના પહોંચબુક તરફ કે શૂન્યમાં તાકી રહે છે અને દલીલો પૂરી થાય એટલે પહોંચબુક પર પેન માંડીને પૂછે છે,‘નામ?’
પાર્કિગનો ખ્યાલ હકીકતે વિદેશી સંસ્કાર અને સંસ્કૃતિની નીપજ છે. ધોળાવીરા કે લોથલમાં આટઆટલાં વિકસીત શહેરો મળી આવ્યાં, પણ તેમાં ક્યાંય અલગથી પાર્કિગ માટેની જગ્યાઓ હતી એવું જાણ્યું છે? ઘણાખરા અંગ્રેજી શબ્દો માટે ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. પરંતુ ‘પાર્કિગ’ માટેનો ગુજરાતી કે સંસ્કૃત શબ્દ સાંભળ્યો કદી? ‘સબ ભૂમિ ગોપાલકી’ના દેશમાં કોઇ પણ જગ્યા વિશે ‘એ મારી’ કે ‘એ મ્યુનિસિપાલિટીની’ એવા ભેદભાવ શા માટે? પોલીસ ભલે થોડા હજાર રૂપરડીના પગાર માટે થઇને આવી ઉચ્ચ આઘ્યાત્મિક અભેદાત્મક ભૂમિકામાંથી નીચે ગબડી પડે, ઘણા ચાલકો દંડ વેઠવાની તૈયારી રાખીને પણ ટ્રાફિક પોલીસ અને ‘નો પાર્કિગ’ના આદેશોની પરવા કરતા નથી. તેમનો સંસ્કૃતિપ્રેમ ધન્ય છે.
ઉર્વિશ્ભાઇ, સરસ લેખ.
ReplyDeleteપાર્કિંગની સમસ્યાને તમે ‘હળવા” હાથે લઇને હાસ્ય લેખ લખ્યો છે.
પરંતુ, પુત્રના લક્ષણ પારણામાથી, એ કહેવત અનુસાર આપણા આ મહાન દેશના ભાવિ નાગરિકની સામાજીક-શિસ્ત તેઓના ‘ડ્રાઇવિંગ’ અને ‘પાર્કિંગ’ મા દેખાઇ આવે છે.
પાકે ઘડે કાંઠા ના ચડે, એ ન્યાયે ‘ચાલુ’ નાગરિકો માટે કઇ પણ કહેવુ વ્યર્થ છે. ( ચાલુ = વર્તમાન )
જય હો !
દુનિયાભરમાં અમેરિકન ટેકનોલોજીની ભારે બોલબાલા છે અને ત્યાં મહિનો-માસ ફરી આવેલા લોકો તો એટલા અભિભૂત હોય કે વાત ના પૂછો. મને એવા દિવસની અપેક્ષા છે કે કોઈ અમેરિકન આવીને એમ પણ કહે કે, 'અમારા અમેરિકામાં તો પાર્કિંગની કોઈ સમસ્યા જ નથી. અમારે ત્યાં તો ઓગળી જાય એવા વાહનો તૈયાર થવા માંડ્યા છે.'
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
હા હા હા હા....
ReplyDeleteમજા પડી....
તમારા ઘરની બહારનું પર્કિગ યાદ આવી ગયું...