મુંબઇમાં થયેલા ત્રણ વિસ્ફોટો પછી સાંભળવા મળેલો એક ચોટદાર મેસેજ હતોઃ ‘તમે કસાબને સજા ન આપી શકો તો કંઇ નહીં, અમને કસાબની જેમ સલામતીપૂર્વક જીવવા તો દો!’
ખુલ્લેઆમ અનેકોની હત્યા કરનાર કસાબ જેવો ત્રાસવાદી જીવતો પકડાયો હોય, તેની ખૂની હરકતોનાં વિડીયો ફૂટેજ અને બીજા પુરાવા હોય, છતાં યથાયોગ્ય કાનૂની કાર્યવાહી કરીને તેને વેળાસર સજા ન મળે, ત્યારે ન્યાયપ્રણાલિની અસરકારકતા અને સરકારી તંત્રની દાનત વિશે ગંભીર સવાલ ઉભા થાય છે.
કસાબ જેવા સીધા-સ્પષ્ટ કિસ્સામાં કાનૂની રાહે દાખલો બેસાડવાની કે ધાક જમાવવાની તક ચૂકી જનારી સરકાર, જેમાં ઝડપથી કશા સગડ મળતા ન હોય એવા બોમ્બવિસ્ફોટમાં શું અને કેવું ઉકાળશે, એ ધારી શકાય એમ છે.
એકધારી એકવિધતા
મુંબઇમાં અને ભારતમાં થતા બોમ્બવિસ્ફોટનો જાણે એક નક્કી ઘટનાક્રમ થઇ ગયો છેઃ વિસ્ફોટ, નિર્દોષ નાગરિકોની જાનહાનિ, આર્થિક નુકસાન, શરૂઆતી પ્રત્યાઘાત તરીકે અરેરાટી- રોષ-ઝનૂનનો ઉભરો, ‘પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇએ’ પ્રકારની નાદાન નારાબાજી, રાજકીય-ભૌગોલિક પરિસ્થિતિ અવગણીને અપાતા અમેરિકા-ઇઝરાઇલના લોકરંજની દાખલા, રાજકીય પક્ષો દ્વારા માત્ર ને માત્ર રાજકીય હિતો સાધવા માટે થતાં નિવેદનો, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે એકબીજા પર થતાં દોષારોપણ, ‘અમે તો પહેલેથી ચેતવણી આપી હતી’ એવી એકાદ ગુપ્તચર સંસ્થાની જાહેરાત, ઇન્ડિયન મુજાહિદ્દીન કે લશ્કર-એ-તૈયબા જેવા એકાદ ત્રાસવાદી સંગઠન ભણી આંગળીચીંધામણું, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)નું દિલ્હીથી દોડી આવવું, ‘કંઇક કરવું પડશે’ના નામે થતી બેઠકો-દૃઢ નિશ્ચય વગરની જાહેરાતો અને છેવટે બીજો બોમ્બવિસ્ફોટ થવાની પ્રતિક્ષા.
આ ઘટનાક્રમમાં ન સરકાર તરફથી ફેરબદલી થાય છે, ન તો વિપક્ષો આ દિશામાં નક્કર કામગીરી કરવા માટે સરકાર પર દબાણ લાવે છે. સત્તાપક્ષ અને વિપક્ષો સૌને પોતાનાં રાજકીય હિતની જાળવણીથી વધીને કશું જ વહાલું નથી- પછી તે કૌભાંડોથી ખદબદતી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર હોય કે ભ્રષ્ટાચાર-નૈતિકતાના-નાગરિક નિસબતના મામલે સત્તાપક્ષ જેવી જ મથરાવટી ધરાવતા વિપક્ષો.એટલે જ મુંબઇ બોમ્બવિસ્ફોટના પગલે રાહુલ ગાંધી નિષ્ફળતા સ્વીકારવાને બદલે ‘૯૯ ટકા બનાવો ટાળી શકાય છે’ એવાં સફળતાંનાં બણગાં ફૂંકે છે અને ઠાકરેમંડળી લગે હાથ ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને અડફેટે લઇ લે છે.
ત્રાસવાદીઓઃ મુસ્લિમોના મોટા દુશ્મન
છેલ્લા થોડા સમયથી ‘આ બોમ્બધડાકા ગુજરાતમાં થયેલી કોમી હંિસાના જવાબરૂપે હતા’ એવું પણ સંભળાઇ રહ્યું છે. ત્રાસવાદી સંગઠનો ભારતીય મુસ્લિમોને ગેરરસ્તે દોરવા માટે આવું કહી નાખે, તો પણ ભારતીય મુસ્લિમોએ ત્રાસવાદીઓને પોતાના હમદર્દ ગણવાની જરૂર નથી અને તેમની આ છેતરપીંડીથી બચવા જેવું છે.
ધારો કે મુંબઇ સહિત દેશના વિવિધ ભાગોમાં થતા બોમ્બધડાકા, ત્રાસવાદીઓ કહે છે તેમ ‘ગુજરાતની હિસાના બદલા તરીકે’ હોય તો. એ ધડાકા પાછળનું કારણ થયું. કારણ આપવાથી કૃત્ય વાજબી ઠરી જતું નથી. ‘મને ફલાણાભાઇ પર બહુ ગુસ્સો ચડ્યો હતો, એટલે મેં તેમનું ખૂન કરી નાખ્યું’ એવું કોઇ કહે તો તેની વાતમાં ‘ગુસ્સો’ એ કારણ છે, પણ એ કારણના લીધે તેમણે કરેલું ખૂન વાજબી ઠરી જતું નથી. કારણ/રીઝન અને વાજબીપણું/જસ્ટિફિકેશન સાવ જુદી બાબતો છે. બન્ને વચ્ચે મોટો ફરક છે. એ ન સમજીએ- ન સ્વીકારીએ તો, ૨૦૦૨માં ગુજરાતમાં થયેલી મુસ્લિમવિરોધી હિસાને પણ વાજબી ગણવી પડે. કેમ કે, તેના માટે પણ કારણ- ગોધરામાં કારસેવકોની હત્યા- હતું.
ખરેખર તો ભારતમાં બોમ્બધડાકા કરતા ત્રાસવાદીઓ ભારતીય મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન છે. કારણ કે તે વારેઘડીએ બહુમતી ભારતીય મુસ્લિમોને શંકાના ઘેરામાં ધકેલી દે છે. તેમાંથી કેટલાકને તે ઇસ્લામ અને જેહાદના નામે ઊઠાં ભણાવીને ત્રાસવાદ ભણી વાળવામાં સફળ થાય છે. કટ્ટર- ધર્મઝનૂની તત્ત્વો સંખ્યાબંધ મુસ્લિમોને ખૂણામાં ધકેલવા અને ગમે તે રીતે તેમને પોતાના શરણે લાવવા પ્રયત્નશીલ હોય છે. આવાં મુસ્લિમ કટ્ટર તત્ત્વોને સૌથી મોટા સહાયક છેઃ હિદુ કટ્ટર તત્ત્વો. કટ્ટર-ધર્મઝનૂની મુસ્લિમો અને અંતિમવાદી હિદુઓનો આશય એક જ છેઃ સામાન્ય હિદુઓ અને મુસ્લિમો વચ્ચે અંતર સર્જાવું જોઇએ અને તેમને લાગવું જોઇએ કે કટ્ટરવાદીઓ જ આપણા અસલી રક્ષણહાર છે.
સામાન્ય પ્રજા એકબીજા સાથે સીધા સંપર્કમાં હોય ત્યાં સુધી એકમેક વિશે બહુ શંકાઓ હોતી નથી. પરંતુ કટ્ટર તત્ત્વોના સતત કુપ્રચાર, વિભાજનનું રાજકારણ ખેલતા નેતાઓનાં ભડકાવનારાં ભાષણ અને ત્રાસવાદી હુમલા જેવા બનાવોની અસર પડ્યા વિના રહેતી નથી. આ બધાં પરિબળોના સરવાળે સામાન્ય હિદુ-મુસ્લિમો એકબીજાથી વઘુ ને વઘુ દૂર થતા જાય છે. એકબીજા સાથે સહજતાથી સંપર્કમાં રહેવાને બદલે, તે એકબીજા વિશે ધારણા બાંધતા અને અવિશ્વાસ મુકતા થઇ જાય છે.
આ એક વિષચક્ર છે: અવિશ્વાસ- ભૌગોલિક અંતર- માનસિક અંતર- તેમાંથી નીપજતો વઘુ અવિશ્વાસ અને દુર્ભાવ. આ વિષચક્રની આગમાં ધર્મઝનૂનીઓ અને નેતાઓ સતત પેટ્રોલ નાખતા રહે છે, જેથી કોમોનું ધ્રુવીકરણ થાય અને ચૂંટણી વખતે તેનો શક્ય એટલો ફાયદો લઇ શકાય. આ વિષચક્ર શરૂ થયા પછી બન્ને પક્ષે ઉદારમતવાદીઓનું જે થોડુંઘણું ઉપજતું હોય તે પણ ઓછું થવા માંડે છે. ‘રાષ્ટ્રવાદ’ના બિલ્લા લગાડીને ફરતા હિદુ કટ્ટરપંથીઓ શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વની વાત કરતા હિદુઓને ‘સ્યુડો-સેક્યુલરિસ્ટ’, ‘દેશદ્રોહી’ ગણાવીને તેમના વિશે ધિક્કાર ફેલાવે છે. તો ઉદારમતવાદી મુસ્લિમોને ‘ઇસ્લામકા દુશ્મન’ અને ‘કાફિર’ ગણીને તેમને હડઘૂત કરવામાં આવે છે.
વિષચક્ર એક વાર ચાલુ થઇ જાય પછી તેને અટકાવવાનું કામ સતત અને લાંબા ગાળાનું છે. તેમાં રાજકીય પક્ષો અને રાજકીય વિચારધારાઓને વચ્ચે લાવવાથી કામ થતું નથી- કામ બગડે છે. આ પ્રજાનો-નાગરિકોનો મામલો છે. નાગરિકોએ નેતાઓ પર દબાણ લાવવા માટે, તેમને જાગતા-દોડતા કરવા પક્ષાપક્ષી છોડીને એકજૂથ થવું પડે. ભૂતકાળમાં સુરક્ષા માટે અપાયેલાં વચન અને તેમાં થયેલી કામગીરીનો નેતાઓ પાસેથી હિસાબ માગવો પડે. વચન પ્રમાણે કામ કેમ નથી થયું, એના ખુલાસા માગવા પડે. પરંતુ નાગરિકો પક્ષીય વફાદારીમાં વહેંચાયેલા રહે તો નેતાઓને ફાવતું જડે છે. કેમ કે, તેમની અને તેમના પક્ષોની વિચારધારા કેવળ પોતાના ફાયદા માટે હોય છે- પછી તે કોંગ્રેસનું સગવડીયું-સડેલું સેક્યુલરિઝમ હોય કે ભાજપનો તકલાદી-કોમવાદી રાષ્ટ્રવાદ.
પાકિસ્તાન પર હુમલો : ખરેખર?
ભારતમાં ક્યાંય પણ ત્રાસવાદી હુમલો થાય, એટલે એક સમુદાય ‘યુદ્ધ! યુદ્ધ!’ના પોકાર પાડવા બેસી જાય છે. પાકિસ્તાન વર્ષોથી ભારત સામે ત્રાસવાદ ફેલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે એ હકીકત છે. ત્રાસવાદી હુમલો થાય અને વળતી કાર્યવાહી તરીકે સરકાર કશું ન કરી શકે એટલે તેની સામે રોષ ચડે, તે પણ સ્વાભાવિક છે. પરંતુ ‘પાકિસ્તાન સામે યુદ્ધ’નો વિકલ્પ કોઇ રીતે સમજી શકાય એવો નથી- સિવાય કે યુદ્ધને કોઇ વિડીયોગેમ સમકક્ષ ગણતું હોય!
‘પાકિસ્તાન સાથે યુદ્ધ’ વિશે વિચારતાં પહેલો પ્રશ્ન એ થાય કે પાકિસ્તાન એટલે શું અથવા કોણ? સરકાર? આઇ.એસ.આઇ.? લશ્કર? (પાકિસ્તાનની ધરતી પર જ બોમ્બધડાકા કરી રહેલા) આતંકવાદીઓ-ધર્મઝનૂનીઓ? ભારતવિરોધી ત્રાસવાદી જૂથો? તાલિબાન? ે નાગરિકો? અને પાકિસ્તાનમાં આ બધાને અલગ કેવી રીતે પાડવા?
ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે આઇ.એસ.આઇ.-લશ્કર- ભારતવિરોધી કટ્ટરતાવાદી જૂથો અને અમુક અંશે ધર્મઝનૂનીઓ મુખ્ય ભાગ ભજવે છે. પાકિસ્તાની સરકારના તેમાં છૂપા આશીર્વાદ હોય છે. આ લોકોની સાંઠગાંઠ લશ્કરી હુમલાથી શી રીતે તૂટી શકે? અને સૌથી મોટો સવાલઃ લશ્કરી હુમલો કરવો ક્યાં કે જેથી ભારતમાં ત્રાસવાદ ઓછો થાય?
ધારો કે પાકિસ્તાનમાં અમુક ઠેકાણે ભારતવિરોધી ત્રાસવાદી જૂથના અડ્ડા છે એવી જાણ થાય, તો પણ લશ્કરી હુમલો કરવાનો વિચાર મૂર્ખામીભર્યો છે. કારણ કે, એ કામ જાસૂસો દ્વારા ખાનગી રાહે પૂરું થઇ શકે એવું છે. પાકિસ્તાનમાં ભારતવિરોધી ત્રાસવાદી જૂથોના અડ્ડા પર જાસૂસો ભાંગફોડ કરે કે ત્રાસવાદીઓને લાગમાં લઇને પતાવી દે, તો એમાં ભારત સરકાર વચ્ચે આવતી નથી અને તેને કશાના ખુલાસા કરવાના રહેતા નથી. આ પ્રકારના ‘પ્રોક્સી વોર’ની મોટી મર્યાદા એ છે કે તેમાં સરકાર સત્તાવાર રીતે જશ લઇ શકતી નથી. એટલે પાકિસ્તાનને પાઠ ભણાવવાની ‘ગર્જનાઓ’ કરનારાને સંતોષી શકાય નહીં.
પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલી લેવાની ઇચ્છા ધરાવતા સૌ એ હકીકત ભૂલી જાય છે કે હવે ભારત-પાકિસ્તાન પૂર્ણ કદની અને એકબીજાથી બિલકુલ ઉતરતી નહીં એવી પરમાણુ સત્તાઓ છે. તેમની વચ્ચે છૂપું-આડકતરું યુદ્ધ જ થઇ શકે (જેની એક રીત ઉપર જણાવી છે.) પરમાણુ સત્તા હોવાને કારણે પાકિસ્તાનને ભારતમાં ત્રાસવાદ ફેલાવવાનું લાયસન્સ નથી મળી જતું અને ભારતે પાકિસ્તાની ત્રાસવાદી જૂથોની હરકતો મૂંગા મોંએ સહી લેવી, એવું પણ ન હોઇ શકે. પરંતુ ભારતીય લશ્કર પાકિસ્તાન પર હુમલો કરીને તેને ચપટીમાં ચોળી નાખશે, એવો ‘રાષ્ટ્રવાદી’ (શેખચલ્લીછાપ) ખ્યાલ છોડી દેવો પડે.
સાથોસાથ, એ પણ જાણવું અને સમજવું પડે કે પાકિસ્તાનનો મોટો હિસ્સો હવે પાકિસ્તાની સરકારના કાબૂમાં નથી. ધર્મના નામે ને જેહાદના બહાને ગેરરસ્તે દોરવાતા અનેક લોકો પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં આવે છે, ત્રાસવાદી બને છે અને ભારત ઉપરાંત પાકિસ્તાન અને બીજા અનેક દેશોમાં ત્રાસવાદ ફેલાવે છે. એટલે આંતરરાષ્ટ્રિય સ્તરે ‘પાકિસ્તાનવિરોધી’ને બદલે ‘ત્રાસવાદવિરોધી’ કાર્યવાહી માટે મત કેળવવો પડે, મદદ-સહયોગ મેળવવાં પડે.
આ મુદ્દે અત્યાર લગી સરકાર આશ્વાસન અને હૈયાધારણથી વધારે કશું મેળવી શકી નથી. બીજું તો ઠીક, ઘરઆંગણે જુદી જુદી ગુપ્તચર સંસ્થાઓના સંકલન જેવી પ્રાથમિક બાબતોમાં આટઆટલા ધડાકા પછી દુરસ્તી થઇ નથી. નેશનલ ઇન્ટેલીજન્સ ગ્રીડ અને નેશનલ કાઉન્ટર-ટેરરિઝમ સેન્ટર જેવાં અગાઉના વિસ્ફોટો વખતે અપાયેલાં વચનો મહદ્ અંશે પોલાં નીવડ્યાં છે. તેની પર કશો અમલ થયો નથી. નાગરિકસુરક્ષા અને દેશહિતના આ મુદ્દે કોઇ શાસક પક્ષ સહિત કોઇ રાજકીય પક્ષે, એકબીજા ભણી આંગળી ચીંધીને બેસી રહેવાને બદલે આગેવાની લઇને કશું રચનાત્મક કામ કર્યું હોય એવું જાણવા મળતું નથી. ગુજરાત જેવા ઠેકાણે આતંકવાદવિરોધની મોટી વાતો કર્યા પછી પણ હુમલા થાય ત્યારે, વાસ્તવિકતા સ્વીકારવાને બદલે, ઘણી વાર ગુંડાઓને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમનાં એન્કાઉન્ટર કરવામાં આવે છે. એવાં નકલી એન્કાઉન્ટરને ‘આતંકવાદનો જડબાતોડ જવાબ’ ગણાવીને પ્રજાને ભ્રામક ‘કીક’ આપવામાં આવે છે.
આતંકવાદ કોઇ એક સરકાર કે પક્ષનો નહીં, પણ ભારતનો પ્રશ્ન છે. તેની સાથે કોઇ પક્ષની બહાદુરી કે કાયરતા નહીં, પણ નાગરિકોની સલામતી-સુરક્ષા સંકળાયેલાં છે. એટલે તેનો મુકાબલો પક્ષીય નહીં, પણ રાષ્ટ્રિય ધોરણે કરવો પડે. (ભાજપ કોંગ્રેસને કસાબ-અફઝલ ગુરુના ટોણા માર્યા કરે અને કોંગ્રેસ ભાજપને અઝહર મસુદનાં મહેણાં મારે, તેમાં પ્રજાનો કશો દહાડો વળવાનો નથી.) આ અહેસાસ પ્રજાના અને નેતાઓના મનમાં ઉગવો જરૂરી છે. એવું નહીં થાય ત્યાં સુધી એક સરકાર જશે ને બીજી આવશે, પ્રજા રાબેતા મુજબ પાનના ગલ્લે કે ફેસબુક-ટ્વીટર પર સરકારને ગાળો આપીને ફરજઅદાયગીનો સંતોષ માની લેશે, પણ સ્થિતિ ઠેરની ઠેર રહેશે.
Urvisbhai.true analysis.very logical and balancing article.its a bitter reality of our country.I feel-those who have thoughtful mind,are unhappy.
ReplyDeleteyou are correctly said but how many people really believe in it. People who are driven by our politician, the common one, can not under stand other wise so many politician would have been out.
ReplyDeleteYou have honestly analyzed critical issue/s which create a wrong concept of 'guilt-consicousness' among Indian Muslim community, who had to continuously give audit of not its account.
ReplyDeleteWe condemn terrorism from any part and cross-border terrorism. Any terrorist act of individual,institutional & state-oriented be punished.
Length of Period of Procedural Justice definitely creates multifarious doubts in the people's mind.
Regional, National & International community, Institutions & Government/s must exert sincere and honest efforts in this critical juncture for peaceful future. We have to honestly play a pivotal role to stop further polarization of our plural society, which should be bound by natural love, respect & understanding besides Constitutional fraternity right.
Media Cell,
Monitoring Issues which
Affect & Develop the Society,
Jamate Islami Hind,
Ahmedabad (West).
અરે, ઓ ડો. મનમોહન સિંઘ, અમે ક્યા કહીએ છીએ કે જીતો, પણ લડો તો ખરા ! જય હો !
ReplyDelete