Ashwinee Bhatt
ગઇ કાલે અશ્વિનીભાઇને ૭૫ વર્ષ પૂરાં થયાં. છેલ્લા થોડા સમયથી અશ્વિનીભાઇ-નીતિભાભી અમેરિકા છે. એટલે બીજી ઉજવણી તો શું કરવી? પણ થોડું લખાણ-થોડી તસવીરો મૂકીને નવલકથાના આ ‘દાદા’ને અંતરથી શુભેચ્છા આપીએ. મારા પછીની પેઢીના ધૈવત (ત્રિવેદી), લલિત (ખંભાયતા) જેવા પત્રકારમિત્રો તો અશ્વિનીભાઇને ‘અશ્વિનીદાદા’ જ કહે છે- અને તેમના પુત્ર નીલને ત્યાં બે પુત્રો છે. એટલે તેમને સત્તાવાર રીતે ‘દાદા’ કહેવામાં પણ વાંધો નથી.
અશ્વિનીભાઇ તેમની દળદાર નવલકથાઓ જેવા- ભાગ પાડીએ ત્યારે માંડ બથમાં આવે એવા- માણસ છે. તેમણે કરેલા અજબગજબ વ્યવસાયોમાંથી દરેક વિશે કંઇ નહીં તો એકાદ ‘કમઠાણ’-‘કસબ’-‘કરામત’ સાઇઝની અને એવી જ રસિક નવલકથા થઇ શકે. પોતાનાથી નાની ઉંમરના લોકો સાથેના તેમના સંબંધો એકદમ અનૌપચારિક અને હૂંફાળા હોય છે. સરખી ઉંમરના ઘણા લોકો સાથે વાત કરવાનો તેમને કંટાળો આવે છે. કારણ? ‘એમને કેમ છો પૂછીએ, એટલે મરી ગ્યા! તબિયત વિશે લાંબું લેક્ચર આપવાનું ચાલુ કરી દે.’
અઢળક પ્રેમ, જૂની અમદાવાદી ઢબની બોલચાલ અને છટા, મુંબૈયા ઉદારતા, (તેમના જ શબ્દો વાપરીને લખું તો) ખાસબજારના ગુંડાઓ સાથે મારામારી કરી શકે એવું માથાભારેપણું, પ્રેમાભાઇ હોલના મેનેજરપદે રહીને લાંબા સમય સુધી નાટકો સેવી શકે એવો નાટ્યપ્રેમ, ‘બિદુનો કીકો’ સહિત ઘણાં નાટકોમાં કરેલો અભિનય, ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસના ભાર વગરના ઇન-ચાર્જ, વાતરસિયા ને વાતોના અણખૂટ ભંડાર જેવા, તેમની પાસેથી ધાર્યા સમયે કામ મેળવતાં તો ઠીક, તેમની સોબતમાં રહીને ધાર્યા સમયે કામ કરતાં પણ નાકે દમ આવે (વઘુ વિગતો માટે પ્રશાંત દયાળ, અનિલ દેવપુરકર અને મારા જેવા જૂના ‘અભિયાન-કરો’નો સંપર્ક કરવો), હિચકે ઝૂલતાં સજોડે સોપારી-તમાકુ ખાતા ‘ભટ્ટસાહેબ’ અને તેમને લાડથી ‘અશ્વિન’ કે ‘ભટ્ટસાહેબ’ કહેતાં નીતિભાભી, અમદાવાદના અને સાહિત્ય તથા જાહેરજીવનના ઇતિહાસમાં મહત્ત્વના સ્થાનનો હકદાર પણ તેમણે વેચ્યા પછી તૂટી ગયેલો તેમનો ‘૬૫’ બંગલો (૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી), તેમને ત્યાં મળતી તેમના અને અમારા મિત્રોની મહેફિલ...અશ્વિનીભાઇનું નામ પડતાં જ આવું ઘણું બઘું સ્મૃતિમાં ઉભરાઇ આવે.
છેલ્લા થોડા વખતથી ભારે નાદુરસ્ત તબિયત અને પેસમેકર મૂકાવેલું હોવા છતાં, અશ્વિનીભાઇના મિજાજમાં કશો ફેર પડ્યો નથી. તેમને જોઇને તેમની બિમારીની ગંભીરતાનો કદી ખ્યાલ ન આવે. ‘પેસમેકર’નો ઉલ્લેખ તે હંમેશાં ‘દાબડી’ તરીકે કરે અને ‘જવા દે ને યાર, પેલી દાબડીમાં સાલી ગરબડ થઇ ગઇ’ એવી એકાદ લીટીમાં પોતાની ગંભીરતમ બિમારીના ખબર આપી દે. એમને ન ઓળખતો માણસ આમાં શું સમજે?
ગયા રવિવારે તેમની સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે અત્યારે તે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે! તેમનો પુત્ર નીલ અમદાવાદ આઇ.આઇ.એમ.માં એક વર્ષના કોર્સ માટે આવ્યો છે. અશ્વિનીભાઇ કહે, ‘છોકરો આ ઉંમરે પાછો ભણવા જતો હોય તો મને થયું કે આપણેય સાલું કામ કરવું જોઇએ. એટલે ઉંમરની ત્રિરાશી બેસાડીને, એના જેટલું તો નહીં, પણ થાય એટલું કામ બરોબ્બર ચાલુ કર્યું.’
અગાઉ આ બ્લોગ પર લખ્યા પ્રમાણે, તે ત્રાસવાદની થીમ પર એક નવલકથા લખી રહ્યા છે. તેમાં એ ઘણા આગળ વઘ્યા હોવાનું એમણે કહ્યું. એ સિવાય કસબ-કરામત-કમઠાણ સિરીઝની બીજી બે હાસ્યનવલ ‘કડદો’ અને ‘કોરટ’ લગભગ પૂરી થવામાં છે અને ત્રીજું કામ તેમણે અગાઉ લખેલી ટૂંકી વાર્તાઓનું સંકલન-સંપાદન છે. પ્રસિદ્ધિ પચાવવાની બાબતમાં અને અકલ્પનીય પ્રસિદ્ધી મળ્યા પછી પણ કશું કાચું નહીં જવા દેવાની બાબતમાં અશ્વિનીભાઇનો આગ્રહ જોઇને તેમના પ્રત્યનું માન અનેક ગણું વધી જાય અને ટૂંકી મૂડીએ ઉડાઉડ કરતાં ફુદ્દાં માટે ક્ષણિક ગુસ્સા પછી દયા-કરુણા જેવા ભાવ જાગે. (આ પોસ્ટ સાથે મૂકેલી તસવીરોમાં તેની વાત આવશે.)
અશ્વિનીભાઇ અને રજનીકુમાર પંડ્યા- આ બન્ને સર્જકો જેટલું ઘટનાપૂર્ણ જીવન જીવ્યા છે, તે જોતાં એ બન્ને પાસેથી આત્મકથા મળે તો તેના આઠ-દસ ભાગ કરવાના થાય. એટલું જ નહીં, એ કથા તેમની વાતોની સાથોસાથ તેમના સમયનો પણ અદ્ભૂત દસ્તાવેજ બની રહે. એટલે અગાઉ અંગત ધોરણે કરેલી વિનંતી બન્નેને અહીં જાહેરમાં અને આપણે સૌ સાથે મળીને કરીએઃ સળંગસૂત્ર આત્મકથા આપો તો ઉત્તમ. એ ન બને તો આત્મકથાના ટુકડા તો આપો જ આપો.‘ એ સિવાય અમે તમને છોડીશું નહીં’ એવી મીઠી ધમકી પણ તેમને આપી શકાય એટલો અધિકાર તે વાચકો-મિત્રોને આપે છે.
હા, ધમકી રૂબરૂ આપવા ગયા તો ખલાસ! ‘જવાય છે, યાર! બેસ ને હવે! કર્યા હવે કામ! ગયા હવે ઓફિસ!’ આ પ્રકારનાં અનેક વાક્યો અને એક-બે કલાકની મજબૂત ગોષ્ઠિ પછી ઉભા થતી વખતે આપણે શા કામે આવ્યા હતા એ જ ભૂલી જવાય!
***
એકાદ વર્ષ પહેલાંના અમદાવાદ-નિવાસ વખતે ચિત્રકાર વૃંદાવન સોલંકી/Vrundavan Solanki ના ચિત્રપ્રદર્શનમાં : (ડાબેથી) અશ્વિનીભાઇ, ચિત્રા સોલંકી, વૃંદાવન સોલંકી, નીતિ ભટ્ટ
વર્ષો પછી તેનું પુનઃપ્રકાશન કરવાનું થયું ત્યારે, જૂની ચોપડી ફરી છાપી દેવાને બદલે અશ્વિનીભાઇએ ભારે ચીવટથી તેમાં સુધારાવધારા કર્યા હતા. ‘ગન્સ ઓફ નેવરોન’ની કોપી પર તેમણે કરેલા સુધારાવધારાનો એક નમૂનો
‘૬૫’ વિશે ‘આહા! જિદગી’માં છપાયેલો મારો લેખ
જાહેર બાબતોમાં ઊંડો રસ અને નિસબત ધરાવતા અશ્વિનીભાઇ તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ સાથેઃ વચ્ચે દેખાતા અજય ઉમટ ( જે ‘ભાસ્કર’ જૂથના સ્ટેટ એડિટરના હોદ્દેથી બઢતી મેળવીને હવે ટૂંક સમયમાં દિલ્હી જવાના છે)
મારા હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’ નિમિત્તે યોજેલી મોક-કોર્ટમાં ન્યાયાધીશો વિનોદ ભટ્ટ- રતિલાલ બોરીસાગર સાથે ‘તાજ’ધારી સાક્ષીઓની હરોળમાં બેઠેલા અશ્વિનીભાઇ. કાર્યક્રમ શરૂ થયા પછી તે ઓડિયન્સમાં જઇને બેસી ગયા હતા અને ત્યાંથી જ સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી. ‘દાબડી’ની ઐસી કી તૈસી!
(પહેલી લાઇનમાં જમણેથીઃ વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા. બીજી લાઇનઃ બકુલ ટેલર, અશ્વિની ભટ્ટ, અશ્વિન ચૌહાણ, સલીલ દલાલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન, પાછળ ઉપર બેઠેલો બીરેન અને તસવીરમાં સલીલભાઇની પાછળ ઢંકાઇ ગયેલા દીપક સોલિયા)
Ashwinee Bhatt saheb dwara likhit pratyek Naval Ek J Bethake puri karva aap majboor thav chho. and pratyek vanchan sathe tamne e pan khyal aave ke aamne HOME WORK ketlu karyu hashe. While I was in College, my father bought two of his novels. He insisted me to read the same. Just looking at the size of books, was hesitant to read. But once I started from Prastavana - I continued till end.
ReplyDeleteThanks Urvishbhai. Wishing Shree Ashweeni Bhatt Sir a very healthy life ahead. Shatam Jivam Sharad.
Mitesh Pathak
એકાદ મહિના પેલા ગન્સ નો અનુવાદ અને થોડા દિવસો પેલા ધ લાસ્ટ ફ્રન્ટીયર પૂરી કરી. અશ્વિની ભટ્ટની અભા માંથી બહાર આવાયું નથી ત્યાં આ પોસ્ટ આવી ગઈ. મને યાદ છે કે જયારે જયારે અમે એના ઘરે મળવા જઈએ ત્યારે ત્યારે એ આસાનીથી હટવા ન દે. એમની સાથેની મુલાકાત પણ એમની નવલકથા જેવી મેરેથોન હોય છે. બસ હવે એની નવી નવલકથા આવે એની રાહ છે...
ReplyDeleteઅમદાવાદના અભિન્ન અંગ જેવા અશ્વીનીભાઈ શહેરમાં હરતા-ફરતા તો ખાસ યાદ આવે. ખાસ તો તેમના ઘર 65 - બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી પાસેથી પસાર થતાં ચાલુ વાહને પણ નજર એ તરફ અચૂક વળે. અને બીજું તે તેઓ જ્યાં મેનેજર હતા તે પ્રેમાભાઈ હોલ. થોડા સમય પહેલા 'ગાંધીજીની દિનવારી' પુસ્તક ખરીદવા ભદ્રના સરકારી પુસ્તક ભંડાર ગયો ત્યારે હોલની દિવાલ જોઇને પણ યાદ તો 'ભટ્ટસાહેબ'ની જ આવે. તેમનો ભોજનપ્રેમ પણ જાણીતો. તબિયતની સ્થિતિ વણસેલી હોય તોય ગળ્યું ખાય અને ખવડાવે. તેમની સાથેનો સંપર્ક - દોસ્તીદાવ વધવાના મૂળમાં એવા 'આરપાર' સાપ્તાહિકની કામગીરીના વર્ષો દરમિયાન ડેડલાઇનની બુધવાર - ગુરુવારની સાંજે ફોનથી અચૂક પૂછે, 'જમવાની વ્યવસ્થા શું છે?' ઘરનો ફોન કામ ન કરતો (ડેડ) હોય ત્યારે આ બાબતની દરકાર લેતા રસ્તો ક્રોસ કરી ખાસ આટલું પૂછવા ઓફિસે આવે. બિનીત મોદી (અમદાવાદ)
ReplyDeleteએમણે પહેલી વાર મારા મોંએ "દાદા" સાંભળ્યું ત્યારે ગરદન ઊંચી કરીને ઝીણી આંખે જોયું હતું. હું પણ આક્રમણ માટે તૈયાર જ હતો. "બુઢ્ઢા હોગા તેરા બાપ" જેવું આક્રમક શીર્ષક તો હમણાં આવ્યું પણ પહોળો સીનો, પીઠ પાછળ ખેંચાયેલા હાથ અને કર્નલ જેવી મૂછો ધરાવતા અશ્વિની ભટ્ટને તો જોઈને જ કોઈ આવું સંબોધન ન કરી શકે. પણ મેં કર્યું અને ઝીણી આંખે જોયા પછી એમણે સ્વીકાર્યું પણ ખરું.
ReplyDeleteપણ તમે જ કહો યાર... એમને બીજું કોઈ સંબોધન થઈ શકે ખરૂં?
અશ્વિનીભાઈ કહું તો હું એમનો સમોવડિયો બની જાઉં.
અશ્વિની સર કહું તો.... જવા દો યાર, સર તો હું કંઈકને કહું છું. એ કદી "કંઈક" હતા જ નહિ મારા માટે.
એ બધી રીતે દાદા જ છે.
ખાસબજારના ગુંડા ગનુ સાથેનું સશસ્ત્ર ધિંગાણું હોય કે નવલકથા લેખન.
અપાર લોકપ્રિયતા પછી ય પગ જમીન પર ટકાવી રાખતા ઊંચા ગજાના ઈન્સાન તરીકે અને સામજીક નિસબત ધરાવતા જાગ્રુત નાગરિક તરીકે...
દરેક ભૂમિકામાં મને એમનાંમાં એક વિલક્ષણતા અનુભવાઈ છે.
"આવ ઘરે, બેસીએ નીરાંતે ૮-૧૦ કલાક..."ના એમના ઈજનમાં નિતરતો ભાવ...
હમઉમ્ર દોસ્તને મળતા હોય એવી હુંફથી ખભા પર મૂકાતો હાથ...
અને એમનાથી ચાર-પાંચ દાયકે નાનાઓની વચ્ચે ય નૈસર્ગિક રીતે જ વ્યક્ત થઈ જતી સહજતા.
આ માણસ સાચે જ અજીબ છે.
સેના બારનીશ અને રાજેશ્વરી દેવી અને શચિ મૈનાક અને સરજુ દિવાન અને આશકા જેવી આગના કટકા સમી સ્ત્રીઓ એમના ભેજામાંથી નીકળી છે.
ખેરા સિંહ, શરનસિંહ માંડલ, વસંત ગાંવકર, જગજીતસિંહ હારા જેવા ખુર્રાંટો એમના ભાવવિશ્વમાંથી પ્રગ્ટ્યા છે.
જકડી રાખતા કંઈક તોફાની ઘટના પ્રવાહો, મંત્રમુગ્ધ કરી દેતાં કંઈક વર્ણનો એમની ખુરદુરી આંગળીઓમાંથી ટપક્યા છે.
- અને એ માણસ પડખે બેઠો હોય ત્યારે એનો અહેસાસ સુધ્ધાં થવા દેતો નથી.
એમની સાથેના એક-એક સંવાદ સ્મરણમાં યથાતથ કોરાઈ ગયા છે. કોમેન્ટ લાંબી થાય છે પણ ખોટો વિવેક કર્યા વગર કેટલાંક યાદગાર વિધાનો લખી જ નાંખું છું.
* એક વાર પૂછ્યું, "તમે લોકપ્રિય થઈ રહ્યા છો એવો અહેસાસ પહેલી વાર ક્યારે થયો?" એમણે ઘડીના ય વિચાર વગર કહ્યું, "એ તો હજુ ય નથી થયો!!"
* લોકપ્રિયતાના ભારથી બચવા શું કરવું જોઈએ?
- કશું નહિ. એક વાર લાઈબ્રેરીમાં પહોંચી જવાનું. ઘોડા પર હારબંધ ગોઠવાયેલા પુસ્તકો જ એ શીખવી દેશે. અને બીજી એક વાત યાદ રાખવાની, મને વાંચે છે એનાં કરતાં મને નથી વાંચતા એવા લોકોની સંખ્યા કાયમ વધારે છે.
* નવલકથા લખવા માટે શું કરવું જોઈએ?
- લખવાનું શરૂ કરી દેવું જોઈએ.
ઉંમરના પડાવ પર પણ હવે એ દાદા જ છે પણ અત્યારે એ ચાલીશીમાં જ હોત તો ય હું એમને "દાદા" જ કહેત.
હા, તેઓ ગરદન ઊંચી કરીને ઝીણી આંખે જુએ તો પણ.
જુગ જુગ જીવો દાદા.
તમારા ઋણનું વ્યાજ પણ અમે તો નથી ચૂકવી શકવાના.
Beautiful post, Urvish. I have met Ashwinibhai only twice - ek vaar nirate ane ek vaar alap-zalap - but I would cherish those encounters ever.
ReplyDeleteઉર્વીશભાઈ, આજે થોડુંક તમને પણ "સંભળાવવુ" છે.
ReplyDeleteતમારા પ્રત્યે આદર અને શ્રધ્ધા હોવાના અનેક કારણો છે. દરેક કારણોના ક્રમમાં સમયાંતરે સેન્સેક્સ જેવા ચડાવ-ઉતાર આવ્યા કરે. નવા કારણો ઉમેરાયા પણ કરે. પરંતુ પહેલા કારણનો ક્રમ તો આજીવન પહેલો જ રહેશે.
એ કારણ છે અશ્વિની દાદા સાથેની મુલાકાતમાં નિમિત્ત બનવાનું.
આજે મૌકા ભી હૈ, દસ્તુર ભી હૈ તો કહી જ દઉં છું...
ઉર્વીશ - અશ્વિની દોનોં ખડે, કા'કો લાગુ પાય
બલિહારી ઉર્વીશ આપ કી, અશ્વિની દિયો બતાઈ
ભલે શાહબુદ્દીન રાઠોડની પેલી ‘ઇ ખાટલા ને ઇ ખહું’વાળી જોક જેવું લાગે, પણ અભિયાનના એ દિવસો... જ્યારે નગેન્દ્ર વિજય અને અશ્વિની ભટ્ટની મેટરો દર અઠવાડિયે આપમેળે આવી પહોંચતી (ત્યાર પછી તો ઘણું મથવા છતાં એમની પાસેથી લખાણ મેળવી શકાયું નથી). એ બન્ને મહારથીઓને ‘ટીમ મેમ્બર’ તરીકે મળવાનું થતું... એમની પાસેથી મેળવેલી શીખવા-જાણવા-માણવા જેવી બાબતો આજે પણ જિંદગીને અહા! બનાવી રહી છે.
ReplyDeleteજલસો પડી ગયો ઉર્વીશભાઈ....
ReplyDeleteઅમારા જેવા કેટલાય જુવાનિયાઓ માટે 'અશ્વિની ભટ્ટ'નું પાત્ર ફેન્ટમ કે મેન્ડ્રેક જેવા રહસ્યમય પાત્રથી કમ નહોતું. એમની નવલકથાનાં પાત્રો વિષે તો ઠીક,લોકાલ વિષે પણ ગરમાગરમ ચર્ચાઓ થતી. સોમવારના 'સંદેશ'ની રાહ જોવાતી.એ વખતે રોજિંદી પૂર્તિઓ ક્યાં હતી! મેઈન છાપામાં જ એમની નવલકથાનો હપ્તો છપાતો.
ReplyDeleteએક વાર અમે આબુ ગયા ત્યારે એમણે 'અંગાર'માં વર્ણવેલાં લોકેશન ત્યાં શોધવાનો પ્રયત્ન પણ કરેલો.
કોઈ પણ વાતમાં અતિશય વિગતે બોલનારને 'અશ્વિની ભટ્ટ'નું બિરુદ મળી જતું.
ગુરુને અનેક શુભેચ્છાઓ. હવે રાહ છે એમની નવી નવલકથાની.
Lots of good wishes, regards, love to the (GOD) FATHER OF GUJARATI THRILLER..
ReplyDeleteChirag
ઉર્વીશભાઈ 'અશ્વીન દાદા' ની ઘણી બધી વાતો જણાવી ને તમે અમો ને એમના વ્યક્તિત્વ ની નાની નાની જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર
ReplyDeleteUrvishbhai.very very very happy to read this post.Ashvini bhatt is a living-legend of novelworld.I Read his many novels,and felt Amazing world.I Really envy urvishbhai.You are very lucky person having such a wonderful relation.
ReplyDeleteThanks, Urvish for sharing your precious memories of Ashvineebhai!
ReplyDeletethx for sharing... loved to read...
ReplyDeleteશ્રી અશ્વિની ભટ્ટના દસ ગાંડા પ્રસંશકોની યાદી બનાવવામાં આવે તો તેમાં મારો નંબર જરૂર લાગવો જોઈએ. તેમના તમામ પુસ્તકો ઘણી વાર વાંચ્યા છે. તેમના જીવનની અંગત ક્ષણોના સાક્ષી બનાવવા બદલ આભાર.
ReplyDeletehttp://shabareesanchay.blogspot.com/2011/02/blog-post_20.html
http://shabareesanchay.blogspot.com/2011/07/blog-post_16.html
Where in US he is? Any contact info?
ReplyDeleteShachi
આમ અમે તમારાથી[ઉર્વીશભાઇ આણી મંડળી] એક પેઢી પહેલાંના ગણાઇએ.
ReplyDeleteઅમે જ્યારે Alistair MacLean અને James Hadley Chase ના ફૅન હોવામાં ગૌરવ અનુભવતા એ જમાનામાં અશ્વિની ભટ્ટે અમને એ પ્રકારનાં સાહિત્યમાટે ગુજરાતી નવલકથા તરફ વાળી દીધા હતા.
તેમને દીર્ઘ સુખાયુની કામના ઇચ્છવામાં અમારો યત્કિંચિત ફળો સ્વીકારશો.
આજે આ પોસ્ટ વાંચીને કેટલીયે જૂની યાદો તાજી થઈ... '65ના બંગલે જઈને લાઇકા-લ્યૂસી સાથે રમવાનું... નવલકથાનો 'તાજો' હપ્તો એમના હસ્તાક્ષરમાં વાચવાનો... આછાં બ્લ્યૂ કે ગ્રીન, એકદમ પાતળા કાગળ પર ફાઉન્ટન પેનથી લખાયેલા એમના ત્રાંસા - લગભગ કૅલિગ્રાફિક અક્ષરોમાં લખાયેલા પહેલાં પ્રૂફ વાંચવાના... હપતામાં આવતા પ્રસંગોની તેમની સાથે ચર્ચા–ક્યારેક ઝગડો પણ કરવાનો... પછી જ્યારે મારું યુનીટ ચાલુ થયું ત્યારે 'નર્મદા બચાઓ' અને એવી અનેક કંઈ પત્રિકાઓ છાપવાની... અરે, નીલના પહેલી વખત અમેરિકા જવાના પેપર્સ વગેરેની પ્રીન્ટ સાથે બેસીને કાઢી એ પણ યાદ આવે છે.
ReplyDeleteપહેલી ચાર—નીરજા, લજ્જા, શૈલજા અને આશકા—પ્રગટ થઈ ત્યારે તો એ પ્રોસેસમાં જોડાવા માટે થોડો નાનો હતો પણ મારા પુસ્તક-પ્રકાશન સાથેના સંબંધની તે જાણે પૂર્વ તૈયારીઓ હતી. કેટલીયે વાર પપ્પા અને મમ્મી સામ-સામે બેસી એના પ્રૂફનું કૉપી-હોલ્ડીંગ કરતા હોય એ સાંભળતા-સાંભળતા ઊંઘમાંથી જાગ્યા હોવાનું સ્મરણ છે. પણ ત્યાર બાદની ત્રણ–ઓથાર-ફાંસલો અને અંગાર-ના પાને પાનાનો 'જન્મ' યાદ છે...
અશ્વિનીકાકાને મળ્યે ઘણાં વર્ષો થયા. ગયે વખતે આવ્યા ત્યારે પણ મળવાનું રહી ગયું... આજે જન્મદિવસની શુભચ્છાઓ અને શુભકામનાઓ...
Happy Birthday with Best Wishes.
ReplyDeleteA living legend...my all time favourite writer..if i have enough money, then i would buy rights of all his novels and make movies on them..I've even recommend Ashutosh Govarikar to go through OTHAAR as a movie material....and ask for its rights...Long live Ashvini Bhatt Saheb...
ReplyDeletei m great fan of ashwani bhatt saheb.kharekhar ghana vakhat pachi emna vise vanchine khubaj maja padi.emna taraf thi haju pan ek mota ane daldar pustak ne apexa che,emni novel ni
ReplyDeleteek vadhu heroine na prem ma padva mate!
Aabhar Urvishbhai...premabhai hall ma amara natakana show vakhate dar vakhate khub prem thi shubhechha pathavata e mota gajana lekhak, kushal kalakar ane khas to premal Ashvinibhai vishe emana amrut mahotsav prasange mitha smaranoni yatra karavava badal. Ashvinibhai ne loads of good wishes. Prakash LALA
ReplyDeleteThis is the wonderful part of my saturday mornings these days. I can catch up on your wonderful posts at one go Urvish. And I particularly enjoyed this one. I confess I am not very well-versed with Gujarati literature. My memory of Ashwini Bhatt is limited to seeing his name in those massive serialized stories; AAKHET and ANGAAR in Sandesh or Gujarat Samachar. I distinctly remember and used to be in awe of these, because they must have gone on for two years or so. Only after reading this did I understand how much of a legend he is of our times.
ReplyDeleteમજા આવી ગઇ ઉર્વિશભાઇ...
ReplyDelete- ઝાકળ
સાહેબ વિષે ટીપ્પણી કરી શકવા જેટલી લાયકાત હું ન તો વ્યકિતગત રીતે કે ન તો સાહિત્યિક રીતે ધરાવું છું.. પણ એટલું તો કહી જ શકું કે એમની નવલોએ સમયે સમયે મારી જીંદગીમાં ઘણાં બદલાવો કર્યા છે. વિશ્વાસ ન હોય તેવી વાતમાં પણ 'યા હોમ' કરીને પડાય.. અને સફળતા પણ મેળવી શકાય એ સ્વીકાર હું જીંદગીભર ન કરી શક્યો હોત જો એમની નવલો ન વાંચી હોત...!!(અને નવાઈ એ છે કે તુક્કા-ધંધામાં હું એમની જેમ મોટાભાગની વખત નિષ્ફળ નથી ગયો..!! જોકે એમના જેટલા તુક્કાઓ મેં અજમાવ્યા પણ નથી એ બીજી હકીકત છે..!!).
ReplyDeleteઆપે લીધેલી અને 'જો હોય આ મારું અંતિમ પ્રવચન'ના શિર્ષકે છપાયેલી એમની મુલાકાત નવનીત સમર્પણમાં વાંચેલી અને એક લાંબાગાળા બાદ કોઈ ખુબ અંગત (... લગભગ પ્રેમિકા જેટલું અંગત..) સાથે ફરી સંબંધ સ્થપાયો હોય એવી લાગણી થઇ. લખાણ અદભુત હતુ એ સ્પષ્ટતાની તો જરૂર ન જ હોયને..!! અને ફેસબુક પર તમારી શોધ કરી.. લગભગ છેલ્લાં પંદર વર્ષોથી ગુ.સ. વાંચતો હોવા છતાં 'ઊર્વિશ કોઠારી' એટલે ગુ.સ.ના કોલન્મિસ્ટ એ ઉપરોક્ત લેખ વાંચ્યા પછી જ નોંધમાં આવ્યું..! અને તમને ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી પણ સ્વાભાવિક રીતે તમે 'Maximum Freinds' Request' વટાવી ચુકયા હતા તેથી તમારા નામે મેસેજ મુક્યો પણ એ રિપ્લાય વગર નો જ રહ્યો. પણ આ મેસેજને કારણે તમારી અપડેટ્સ મારા પેજ પર પણ દેખાવા લાગી અને એમ તમારા આ બ્લોગસ્પોટ સુધી પહોંચ્યો અને સાહેબ વિષે બીજું પણ ઘણુ બધું જાણવા મળ્યું.. સાચે જ તમે એમની સાથે આટલો બધો સમય વિતાવ્યો છે એ વિચાર માત્રથી મને ઈર્ષા થાય છે..!
સાહેબ દ્વારા લખાયેલી અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા છપાયેલી મારી જાણકારી મુજબની બધી જ લઘુનવલો, નવલકથાઓ (રમણભ્રમણ નાટક સહિત) અને એમના દ્વારા અનુવાદિત ફ્રીડમ એટ મીડનાઈટ હું વાંચી ચુક્યો છું... આખેટ તો ત્રણવાર.. પણ તમારા બ્લોગ પર ધ ગન્સ ઓફ નેવેરોન નું નામ વાંચ્યું.. અને કાલે લગભગ એ પણ પુર્ણ થઇ જશે.. ઊર્વિશભાઈ ધ ગન્સ ઓફ નેવેરોનના છેલ્લાં પાને જ વાંચવા મળ્યું કે સાહેબે આવા તો ૪૫ અનુવાદો કર્યા છે.. તો તમને દીલી વિનંતી કરું છુ કે આ અનુવાદોના નામનુ લિસ્ટ કે એ કયાંથી પ્રાપ્ત કરી શકાય એ વિષેની માહિતી ઉપરાંત સાહેબ દ્વારા લખાયેલું કંઇ પણ... કંઇ પણ એટલે લીટરલી કંઇ પણ કે જે ઉપર મેં કહ્યુ તે સિવાયનુ હોય ને મને જણાવશો તો ખુબ ઉપકૃત થઇશ.