આરબ રાષ્ટ્રોમાં સફળ વિદ્રોહના બનાવોથી પ્રસાર માઘ્યમોમાં ક્રાંતિનો નાદ ગુંજવા લાગ્યો હતોઃ આઘા ખસી જજો. અત્યાર લગી વેઠતા રહેલા નાગરિકો હવે સળવળી ઉઠ્યા છે. લાંબા સમયથી રાજ કરતા સરમુખત્યારોની ખેર નથી. જનાક્રોશના વાવાઝોડા સામે તે ફેંકાઇ જશે...ટ્યુનિશિયા, ઇજિપ્ત- એમ એક પછી એક દેશમાં સરમુખત્યારોના વાવટા સંકેલાતા ગયા. જાણે વિદ્રોહના રાજસૂય યજ્ઞનો ઘોડો આગળ વધતો ન હોય!
પછી વારો આવ્યો ઉત્તર આફ્રિકાના દેશ લિબીયાનો. ૪૧ વર્ષથી દેશ પર રાજ કરતા, ઘણા મક્કમ- થોડા ચક્રમ એવા મુઅમ્માર અલ-ગદ્દાફી સામે અસંતોષ તો હતો જ. તેમાં વિદ્રોહનો ચેપ લાગતાં ચિનગારીમાંથી ભડકો થયો. ફરી પ્રસાર માઘ્યમોમાં નાદ જાગ્યો, ‘જોયું? નહોતું કહ્યું? ક્રાંતિની જ્વાળાઓ બધાને લપેટમાં લેશે. ગદ્દાફીનું રાજ હવે ગયું સમજો. લોકજુવાળ સામે તેનું કેટલું ગજું?’
પરંતુ ગદ્દાફી સામેના સશસ્ત્ર વિદ્રોહનો લગભગ બે મહિના પછી પણ છેડો દેખાતો નથી. શરૂઆતમાં વિદ્રોહીઓના સૈન્યે મુખ્યત્વે પૂર્વનાં થોડાં શહેરો કબજે કરી લીધાં, પણ ૬૯ વર્ષના ગદ્દાફીએ ગાંજ્યા જવાને બદલે કે પોબારા ગણી જવાને બદલે પોતાનું વફાદાર સૈન્ય અને ટુકડીઓ છૂટાં મૂકી દીધાં. તેમણે વિદ્રોહીઓ પાસેથી ઘણા ખરા પ્રદેશ પાછા મેળવી લીધા. દરમિયાન, ગદ્દાફી અને તેમના વારસદાર ગણાતા પુત્ર સૈફ અલ-ઇસ્લામ-અલ-ગદ્દાફીએ છેલ્લા સૈનિક સુધી લડત આપવાની જાહેરાત કરીને ક્રાંતિની સફળતાના ગુલાબી ખ્યાલમાંથી હવા કાઢી નાખી.
ગદ્દાફી સામેના વિદ્રોહની શરૂઆત આ વર્ષના ફેબુ્રઆરીમાં પૂર્વ લિબયાના બેન્ગાઝી શહેરથી થઇ. તેની પાછળ ૪૧ વર્ષના એકહથ્થુ શાસન કરતાં વધારે મોટું કારણ ક્યાં શોધવા જવાનું? ૧૯૬૯માં બળવા થકી સત્તા હાંસલ કરનાર ગદ્દાફી (જેના નામના પહેલા અક્ષરનો ઉચ્ચાર ‘ક’ અને ‘ગ’ ની વચ્ચેનો છે) દેશને ખાનગી પેઢીની જેમ ચલાવતા હતા. આફ્રિકાના બીજા દેશોની સરખામણીમાં ક્રુડ ઓઇલની આવકને કારણે લિબીયા સમૃદ્ધ હતું, પરંતુ ‘લિબીયા’નો અર્થ હતો કર્નલ મુઅમ્માર ગદ્દાફી, તેમનો પરિવાર અને તેમના વફાદારો.
ગદ્દાફીની આરંભિક (કુ)ખ્યાતિ એક કટ્ટર અને ભેજાફરેલ સરમુખત્યાર તરીકેની હતી. અમેરિકા સહિતના પાશ્ચાત્ય દેશો સાથે સંબંધો બગાડવામાં- તેમના વિશે બેફામ બોલવામાં ગદ્દાફી ગૌરવ લેતા હતા. તેમણે સત્તા સંભાળ્યા પછી દસ વર્ષમાં લિબીયાના અમેરિકી દૂતાવાસને તાળાં વાગી ગયાં. અમેરિકાના આક્રમક પ્રમુખ રોનાલ્ડ રેગને જર્મનીમાં એક ડિસ્કોથેક પર હુમલાના આરોપસર લિબીયાનાં બે મુખ્ય શહેરો- પાટનગર ટ્રિપોલી અને બેન્ગાઝી પર બોમ્બમારો કર્યો હતો.
અમેરિકાને નહીં ગાંઠવા માટે જાણીતા ગદ્દાફીએ ૧૯૮૮માં પાન અમેરિકન એરલાઇન્સના વિમાનમાં બોમ્બવિસ્ફોટનું કાવતરું ઘડ્યું અને તેને સફળતાપૂર્વક પાર પડાવ્યું. મધઆકાશે વિમાનમાં બોમ્બ ફાટતાં ૨૭૦ મુસાફરો મોતને ભેટ્યા. વિશ્વભરમાં હાહાકાર મચ્યો. પણ થોડા સમય પછી ગદ્દાફીએ બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી. એટલું જ નહીં, તેના આરોપીઓના પરિવારોને સરકારી રાહે મદદ કરી.
પરંતુ આ જ ગદ્દાફી એકવીસમી સદીમાં ‘સુધરી ગયા’. કમ સે કમ અમેરિકા સહિત ઘણા દેશોને એવું લાગ્યું. બાકી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ-કાયદાના ત્રાસવાદીઓનો હુમલો ગદ્દાફીએ બિરદાવ્યો હોત. પણ એમણે એ હુમલાને વખોડી કાઢ્યો અને ત્યાર પછીની તપાસમાં અમેરિકાને પૂરતો સહયોગ આપ્યો. આરબો અને યહુદીઓ શાંતિથી એક દેશમાં રહે એવી પણ તેમણે દરખાસ્ત કરી. આ એ જ માણસ હતો, જે થોડાં વર્ષો પહેલાં ઇઝરાઇલના બધા યહુદીઓને દરિયામાં ધકેલી દેવાની વાત કરતો હતો. ગદ્દાફીએ યુરોપીયન યુનિઅની તરાહ પર આફ્રિકાના ૫૩ દેશોનું એક યુનિઅન બનાવ્યું. ગદ્દાફીને તેના અઘ્યક્ષપદે નીમવામાં આવ્યા. (૨૦૦૯માં પાન અમેરિકનના છૂટેલા અપરાધીનું શાનદાર સ્વાગત કરીને, આંતરરાષ્ટ્રિય સ્તરે માંડ મેળવેલી આબરૂ ગદ્દાફીએ ઘૂળમાં મેળવી દીધી, પણ એ જુદી વાત છે.)
આંતરરાષ્ટ્રિય સ્તરે ગદ્દાફીની છાપમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું હતું, ત્યારે લિબીયાની પરિસ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો ન હતો. ગદ્દાફીના અનેક પુત્રોમાંથી તેમનો વારસદાર મનાતો સૈફ કોઠાકબાડા કરીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પીએચ.ડી. થઇ આવ્યો હતો. લિબીયાને ‘આફ્રિકાનું દુબઇ’ બનાવવાની તેને બહુ હોંશ હતી. ક્રુડઓઇલની કમાણીને કારણે આર્થિક રીતે એ શક્ય હતું. આગામી ત્રણ વર્ષમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે તેણે ૧૩૦ અબજ ડોલરની યોજનાઓની જાહેરાતો કરી હતી. પણ જમીન પર તેનો અમલ થાય એવાં કોઇ એંધાણ ન હતાં. કારણ કે, ગદ્દાફીની યોજનાઓમાં પોતાની સત્તા ટકાવી રાખનાર ચુનંદા લોકો સિવાય, સામાન્ય પ્રજાજનો માટે કોઇ સ્થાન ન હતું.
ગદ્દાફીની ઉંમર થતાં તે સૈફને ગાદીએ બેસાડી દે એવી આશા પણ થોડા સમયમાં નષ્ટ થઇ. રૂપાળી યુક્રેનિયન નર્સોના કાફલા સાથે, રંગબેરંગી કપડાંમાં મહાલતા ગદ્દાફીને જાણે ઉંમર અડતી જ ન હતી. તેમની સાથે કામ કરી ચૂકેલી એક નર્સે ‘ન્યૂઝવીક’ (૧૮ એપ્રિલ,૨૦૧૧)ને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે ‘ગદ્દાફીને અમે ‘પાપિક’ કહેતા હતા, જેનો રશિયન ભાષામાં અર્થ છેઃ લીટલ ફાધર...એમને કપડાં બદલવાનો બહુ શોખ હતો...દિવસમાં કેટલીય વાર એ કપડાં બદલતા...એમને રૂપાળી છોકરીઓથી વીંટળાયેલા રહેવાનું ગમતું.. પણ એ (ઇટાલીના વડાપ્રધાન) બર્લુસ્કોની જેવા લંપટ ન હતા...તેમનું બ્લડ પ્રેશર અને ધબકારા કોઇ જુવાન માણસના હોય એવા રહેતા.’
પોતાનું આભામંડળ અને તેને પોષતી સત્તા ટકાવી રાખવા માટે ગદ્દાફીએ સૈન્યને પણ કદી એટલું મજબૂત થવા દીઘું નહીં. સૈન્ય એકજૂથ હોય તો તેના કોઇ અફસરને વિદ્રોહનો વિચાર આવે ને? પોતાની સલામતી માટે ગદ્દાફીએ દેશના આશરે ૫૦ હજારના સૈન્ય પર બધો ભરોસો રાખવાને બદલે, પોતાના કબીલાના લોકોનું જુદું સૈન્ય બનાવ્યું. તેમાં પણ ત્રણેક હજારની એક ટુકડી એવી કે જે ફક્ત ગદ્દાફીના અંગત રક્ષણ માટે હોય. એ સિવાય આજુબાજુના ગરીબ દેશોમાંથી રાખેલા ભાડૂતી સૈનિકો તો ખરા જ, જેમાંના ઘણા અત્યારે ગદ્દાફી વતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે.
ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૧થી બેન્ગાઝીમાં શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે સશસ્ત્ર લડાઇમાં પરિણમ્યાં. લિબીયામાં વિરોધપક્ષ કહેવાય એવું કોઇ એક જૂથ તો હતું નહીં. એટલે વિદ્રોહીઓએ પોતપોતાની રીતે જેમ સૂઝે તેમ, લાંબા આયોજન વિના કે પૂરતા શસ્ત્રસરંજામ વિના, ગદ્દાફીના સૈન્યનો મુકાબલો શરૂ કર્યો. ક્રુડ ઓઇલના ભંડાર ધરાવતા પૂર્વ લિબીયામાં બેન્ગાઝી સહિત ઘણા વિસ્તારો પર વિદ્રોહીઓએ કબજો જમાવ્યો. એ સમયે ઇજિપ્ત અને ટ્યુનિસિયાના અનુભવો પરથી એવી માન્યતા પ્રવર્તતી હતી કે થોડીઘણી લડત આપ્યા પછી લોકમિજાજ જોઇને ગદ્દાફી રફુચક્કર થઇ જશે, પરંતુ ગદ્દાફીનાં તાલીમબદ્ધ સૈનિકો અને ખાસ તો વાયુદળે વિદ્રોહીઓની જીતને લાંબું ટકવા દીધી નહીં.
સ્વાભાવિક છે કે વિદ્રોહીઓ અને ગદ્દાફીના સૈન્ય વચ્ચેની સશસ્ત્ર લડાઇમાં સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાય. આ પરિસ્થિતિના મૂક પ્રેક્ષક બનેલા બીજા દેશો થોડા સમય પછી સળવળ્યા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સભાએ નાગરિકો પર હુમલો કરવાના આરોપસર ગદ્દાફી અને તેમના સલાહકારો પર આંતરરાષ્ટ્રિય પ્રતિબંધો જાહેર કર્યા. તેમ છતાં, ગદ્દાફીનો મિજાજ મોળો પડવાનાં કોઇ ચિહ્નો ન હતાં. છેવટે, સંયુક્ત રાષ્ટ્રસંઘે લિબીયાના નાગરોકના રક્ષણ માટે ‘લેવાં પડે એવાં તમામ પગલાં’ લેવાનો સભ્યરાષ્ટ્રોને અનુરોધ કર્યો. તેનો સાદો અર્થ હતોઃ લિબીયા પર લશ્કરી આક્રમણ.
બીજા દેશ પર - ખાસ કરીને ક્રુડઓઇલ સમૃદ્ધ દેશ પર- લશ્કરી આક્રમણમાં મોખરે અને સંચાલકની ભૂમિકામાં રહેતું અમેરિકા આ વખતે પાછળ રહ્યું. ફ્રાન્સ અને બ્રિટનનાં વિમાનોએ લિબીયાના સૈન્ય પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ મિસાઇલો દ્વારા લિબીયાની વાયુશક્તિ પર પ્રહાર કર્યા. તેમની સંયુક્ત તાકાત સામે ગદ્દાફીના સૈન્યને બેન્ગાઝી શહેરનો કબજો છોડવો પડ્યો. ત્યાર પછી આખા લિબીયા પર ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો, જેથી ગદ્દાફીના સૈન્યને આકાશી મદદ મળે નહીં. આખી લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા કોઇ એક દેશની નહીં, પણ ‘નાટો’ તરીકે ઓળખાતા ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન’ના સહિયારા સૈન્યની રહી. અગાઉ ઇરાકમાં સૈનિક કાર્યવાહીમાં દાઝી ચૂકેલા અમેરિકાએ લિબીયામાં પોતાની ભૂમિકા મર્યાદિત રાખી અને એ માટે ટીકા પણ વહોરી.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ પછી પણ લિબીયામાં અસરકારક સૈનિક કાર્યવાહી દ્વારા ગદ્દાફીશાસનનો અંત લાવવાનું આ લખાય છે ત્યાં સુધી શક્ય બન્યું નથી. ‘નાટો’ સૈન્યોની મુખ્ય કામગીરી લિબીયાના નાગરિકોને બચાવવાની છે કે ગદ્દાફીને સત્તા પરથી હટાવવાની એ અંગે પણ સાથીદેશો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. રશિયા જેવા દેશે આ પ્રશ્ન લશ્કરી કાર્યવાહીને બદલે રાજકીય રીતે ઉકેલવા સૂચવ્યું છે. કેટલાક દેશો વિદ્રોહીઓના રગડધગડ લશ્કરને તાલીમ અને શસ્ત્રો આપીને ગદ્દાફીને પરાસ્ત કરવાના મતના છે. બળતામાં ઘી હોમવા માટે, અલ-કાયદાના નેતા અલ-જવાહીરીએ રાબેતા મુજબ આખા પ્રશ્નને મુસ્લિમો વિરુદ્ધ પશ્ચિમ તરીકે ગણાવીને મુસ્લિમોને પાશ્ચાત્ય સૈન્યો સામે લડવાનું એલાન આપ્યું છે. આ બધી માથાખંજવાળ દરમિયાન યુદ્ધ ચાલુ છે. ગદ્દાફી અને તેમનો પુત્ર હજુ અડીખમ છે- જાણે સંદેશો આપતા હોય કે અમારા જેવા ખૂંખાર શાસકો સામે સફળ વિદ્રોહ કરવો છે? તો ફક્ત પ્રસારમાઘ્યમોની હવા કે આંતરરાષ્ટ્રિય આશાવાદ પૂરતો નથી. નક્કર આયોજન અને મક્કમ ઇરાદા જોઇશે.
Another tyrant creation-cum-ruler, who exploit natural resources and do not share with common citizen.
ReplyDeleteA long list of tyrant humanity is experiencing in Middle east as well world over, only the degree varies i.e. + or - .