સાડીના શોરૂમવાળા જેને ‘લગ્નસરા’, સામાજિક લોકો ‘લગ્નગાળો’ અને ધંધાદારી પંડિતો જેને ‘સારું છે’ તરીકે ઓળખાવે છે, એ લગ્નની સીઝનમાં અમીરગરીબ સૌ યથાશક્તિ વરઘોડા કાઢતાં અને વરઘોડામાં મહાલતાં જોવા મળે છે. ‘ગધેડે ચડવું/ચડાવવું’ એ શબ્દપ્રયોગ જાણીતો છે, ઘણાને લાગે છે કે ‘ઘોડે ચડવા’ સાથે તેને નજીકનો સંબંધ છે. વાસ્તવમાં, લગ્ન કરવું એ ગધેડે ચડ્યા બરાબર નથી. પણ જે લોકો શબ્દાર્થમાં ઘોડે ચડીને વરઘોડા કાઢે છે, તે અને તેમનાં વરઘોડીયાં ઘણી વાર ગધેડે ચડ્યા હોય એવાં લાગે છે. શણગારેલા ઘોડાને બદલે ફૂલોના હરતાફરતા શોરૂમ જેવી ગાડી સાથે નીકળેલા સમુહને કોઇ ‘વરગાડી’ નથી કહેતું અને ગધેડે ચડવાની બાબતમાં એ ‘વરઘોડા’ કરતાં બિલકુલ જુદો નથી હોતો.
વર અને ઘોડા વચ્ચે ભલે પગની સંખ્યા સહિત કોઇ બાબતે સામ્ય ન હોય, પણ ઘોડા અને વરઘોડા વચ્ચે કેટલીક બાબતો સરખી હોય છે. ઘોડાની આંખે ડાબલા બાંધ્યા પછી તેને પોતાની સામેના રસ્તા સિવાય આજુબાજુનું કંઇ દેખાતું નથી. એવી જ દશા વરઘોડાની હોય છે. ઉમંગ અને ઉત્સાહના ડાબલા બાંધ્યા પછી વરઘોડિયાંને ગીચ રસ્તો, તેની પર અટવાતો ટ્રાફિક, બેન્ડવાજાં કે ડીજે પાર્ટીથી થતો ઘોંઘાટ, ‘રસ્તા પર વરઘોડો કાઢવો નહીં કે ફટાકડા ફોડવા નહીં’ એવી સૂચનાઓ- આ કશું જ દેખાતું-સંભળાતું નથી. ઘોડાની હણહણાટી અને વરઘોડામાંથી ઉઠતી ચિચિયારીઓ ઘણી વાર એકસરખી લાગે છે. (ઘોડા છાપાં નથી વાંચતા એટલું સારું છે. નહીંતર આ વાંચીને તેમની લાગણી દુભાઇ શકે.) બન્ને અવાજ વચ્ચે ફરક હોય તો એટલો કે ઘોડો ત્રાસ પામે ત્યારે હણહણાટી કરે છે, જ્યારે વરઘોડિયાંની ચિચિયારીઓથી બીજા લોકોને એવો ત્રાસ પડે છે કે ઘોડાની જેમ હણહણી ઉઠવાનું મન થાય. વરઘોડો અતિશય ઘોંઘાટ પેદા કરે છે. ઘોંઘાટ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ છે. એટલે વરઘોડાની ટીકા આપોઆપ ભારતીય સંસ્કૃતિની ટીકા ગણાઇ શકે છે. સાવધાન.
બેન્ડવાજાં વિનાનો વરઘોડો વરદી વગરના પોલીસ જેવો, કમાન્ડો વગરના નેતા જેવો, મલાઇ વગરના દૂધ જેવો, કટકી વગરના સોદા જેવો, જાહેરખબરો વગરના અખબાર જેવો, ડોનેશન વગરના એડમિશન જેવો કસ વગરનો અને નિસ્તેજ લાગે છે. નવા જમાનામાં બેન્ડવાજાંનું સ્થાન ડીજે સીસ્ટમે લીધું છે, પણ બન્ને વચ્ચે માણસ અને મશીન જેટલો મોટો તફાવત પડી જાય છે. બેન્ડવાજાંમાં બેસૂરું વગાડવાનું કામ જીવતાજાગતા માણસ કરે છે અને તેના બેસૂરાપણાનો રાઝ નજર સામે જોઇ-સમજી શકાય છે, જ્યારે ડીજેમાં ખરેખર કોણ બેસુરું છે- મૂળ ગાયક, મૂળ સંગીતકાર, ગીતોના સંગીતમાં ચેડાં કરનાર ડીજે, તેની મ્યુઝિક સીસ્ટમ કે એ બધાં- તે નક્કી કરવું અઘરું પડે છે. બેન્ડવાજાં સાથે આવતા અને સ્ત્રી-પુરૂષ બન્ને અવાજમાં ગીત લલકારતા ગાયકો બેસૂરા હોય છે, પણ ડીજે મ્યુઝિક સાંભળતી વખતે એ ગાયકો અને તેમના વાદકોના (ડીજેની સરખામણીમાં) સહ્ય બેસૂરાપણાની કિંમત સમજાય છે. ડીજે મ્યુઝિક કાન ફાડી નાખે એવું અને પ્રેમમાં પડ્યા વિના હૃદયની ‘ધક ધક’ વધારી મૂકે એવું હોય છે. થોડી વાર ડીજેનાં રાક્ષસી સ્પીકરની રેન્જમાં રહ્યા પછી જોરથી વાગતા હથોડા કાનમાં વાગે છે કે છાતીમાં કે પેટમાં કે મનમાં એ સમજાતું નથી.
બેન્ડનું સંગીત પૂરબહારમાં ચાલતું હોય ત્યારે ‘બેન્ડ બજ ગયા’ એટલે શું, તેની તમામ અર્થચ્છાયાઓ મનમાં સ્પષ્ટ થઇ જાય છે. તીણી પીપુડી, ઘોઘરું વાજું, કાન ફાડી નાખે એવા પ્લાસ્ટીકીયા ઢોલ, કર્કશ અવાજે તાલ બેતાલમાં વાગતું કી-બોર્ડ- આ બધાનો સહિયારો અવાજ સાંભળીને કાચાપોચા માણસનું ‘બેન્ડ વાગી જાય.’ પણ બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાતના શિયાળાની ઠંડી જેમ ઠંડી લાગતી નથી (‘અમારે ત્યાં તો આવી ઠંડી ઉનાળામાં હોય, યુ નો!’), તેમ વરઘોડિયાંને ઉપર વર્ણવેલો ઘોંઘાટ જરાય સ્પર્શતો નથી. ઘોંઘાટના ડેસિબલ વધે તેમ એમનો ઉમંગ ઉછાળા મારે છે. બાજુમાં ઉભેલા જણ સાથે ઘાંટા પાડીને વાત કરવી પડે ત્યારે જ વરઘોડામાં મહાલવાની ‘કીક’ આવે છે. આ એવી ક્ષણો હોય છે, જ્યારે શાંતિપ્રેમી સંગીતપ્રેમીઓને તાનસેન કરતાં ઔરંગઝેબ વધારે ગમવા માંડે.
વરઘોડામાં બેન્ડવાજાં લેટેસ્ટ હિટ ગીતો ઉપરાંત કેટલાંક સ્ટાન્ડર્ડ જૂનાં ગીતો અચૂક વગાડે છે. એ ગીતો વરઘોડાથી ત્રાસેલા કોઇ જણે સિફતપૂર્વક, સામે પડવાને બદલે અંદર ભળી જઇને, ઘુસાડી દીધાં હશે એવું તેના શબ્દો પરથી લાગે. લગ્ન જેવા પ્રસંગે ‘ઇસ દેશકા યારોં ક્યા કહેના’ કે ‘ભોલી સૂરત દિલકે ખોટે’ જેવાં ગીતોની તરજ વગાડવા પાછળ ‘આ પ્રજા કદી નહીં સુધરે-નહીં સમજે’ એવા આડકતરા સંદેશ સિવાય બીજું કયું કારણ હોઇ શકે?
વરઘોડાની ફિલસૂફી થોમસ કાર્લાઇલના એક ચવાઇ ગયેલા અવતરણમાં થોડા ફેરફાર સાથે આ રીતે રજૂ કરી શકાયઃ ‘આ રસ્તા પરથી જો મારે એક જ વાર પસાર થવાનું હોય તો હું થઇ શકે તેટલો ઘોંઘાટ શા માટે ન કરી લઉં?’ તેને અનુસરતા કેટલાક ઉત્સાહીઓ સંગીતના ઘોંઘાટમાં ફટાકડાની તડાફડી-ધડાધડીનો ઉમેરો કરે છે. તેમના બોમ્બધડાકા ત્રાસવાદીઓના બોમ્બધડાકા જેવા જીવલેણ નથી હોતા, પણ રસ્તા પર ફોડવામાં આવતા ટેટા કે બોમ્બથી રાહદારીઓ, વાહનચાલકો અને આજુબાજુના લોકોમાં ફેલાતો ત્રાસ ફટાકડા ફોડનારને ‘ત્રાસવાદી’ કહેવા માટે પૂરતો હોય છે. ત્રાસવાદીઓ સાફા, સૂટ કે સુરવાલ ન પહેરે ને ખભે ખેસની જેમ દુપટ્ટા ન નાખે એવું કોણે કહ્યું?
કરોડોની કટકી કરનાર નેતા પોતાના કૌભાંડ માટે તપાસસમિતિ નીમે અને તેમાં સૌને સહકાર આપવાની વિનંતી કરે, એવો દંભ ફક્ત રાજકારણીઓ જ કરે છે? ના, આપણામાંથી પણ ઘણા તેમાં પાછળ નથી, તેનો પરચો વરઘોડામાં મળે છે. આખા રસ્તાનો ટ્રાફિક ધરાર ખોરવી નાખ્યા પછી વરઘોડામાંથી બે-ચાર ઉત્સાહીઓ માનદ્ રીતે ટ્રાફિક પોલીસની ભૂમિકામાં આવી જાય છે- અને તે ટ્રાફિકની કઢી કરતા વરઘોડિયાંને નહીં, પણ તેનાથી પીડાતા રાહદારીઓને હાથ બતાવીને, સાઇડ બતાવીને, ‘આ બાજુથી જવા દો, આમ નીકળી જાવ, આવવા દો, ધીમે ધીમે..’ એવી બધી સૂચનાઓ ઇશારાથી આપે છે. પોતાની સ્વૈચ્છિક સમાજસેવાનું ગૌરવ અને ટ્રાફિક કન્ટ્રોલ જેવું મહત્ત્વપૂર્ણ કામ કરવાની ઉત્તેજના તેમના ચહેરા પર છલકાય છે. ‘હું ટ્રાફિક કન્ટ્રોલ નહીં કરું તો રસ્તો જામ થઇ જશે’ એવો કર્તાભાવ ધારણ કરીને તે સરહદ પરના જવાન જેવી ચુસ્તી-સ્ફુર્તિ દાખવવાનો પ્રયાસ કરે છે.
પીડનારને બદલે પીડિતને ઉપદેશ આપવાની તેમની આ ચેષ્ટા બિલકુલ ધર્મ્ય- ધર્મને અનુરૂપ છે. મોટા ભાગના ધર્મગુરુઓથી માંડીને સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓ દાદાઓને નહીં, પણ દાદાગીરીનો ભોગ બનેલા અને તેની સામે માથું ઉંચકનારને જ શીખામણો આપતાં હોય છે. એ દૃષ્ટિએ વરઘોડાના માનદ્ ટ્રાફિક કન્ટ્રોલર માટે વધુ ઉજ્જવળ કારકિર્દી રાહ જુએ છે એમ કહી શકાય.
મને જો એક જ બોમ્બ ફેંકવાની પરવાનગી આપવામાં આવે તો હું એ બોમ્બ ભરરસ્તે જતા વરઘોડા પર ફેંકું.પણ પહેલી વાત તો એ કે એવી પરવાનગી ક્યાંયથી મળે નહીં અને એથીય આગળ એવા બોમ્બ મળે નહીં, જે સાવ મર્યાદિત માત્રામાં અને વિસ્તારમાં લોકોને અસર કરે. પણ જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હોઉં અને વરઘોડામાંના કોઇકને ટ્રાફિક પોલીસની ભૂમિકા કરતા જોઉં ત્યારે મનોમન બોમ્બ ફેંકી દઉં છું.
ReplyDeleteબેન્ડવાજાં વિનાનો વરઘોડો, કટકી વગરના સોદા જેવો....Vaah...akash vaidya
ReplyDeleteવરઘોડો હોવો જોઇ એમા ના નઇ ૫ણ તેમા ડીજેની અને મોટા અવાજના ફટાકડા બંઘ થવા જોઇએ
ReplyDeleteઘોંઘાટ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ છે. એટલે વરઘોડાની ટીકા આપોઆપ ભારતીય સંસ્કૃતિની ટીકા ગણાઇ શકે છે. સાવધાન.
ReplyDeletetrue....