ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે યોગ્ય વાતાવરણ નથી એવી ફરિયાદ વારંવાર સંભળાય છે, પરંતુ ડો.મશેલકર જેવા, ૨૫ દેશી-વિદેશી યુનિવર્સિટીઓમાંથી ડોક્ટરેટની માનદ ડિગ્રી મેળવનાર વિદ્વાન કહે છે,‘રસાયણશાસ્ત્રમાં ભારતની તાકાત દુનિયાએ નોંધ લેવી પડે એવી છે.’
કેવી રીતે? તેના જવાબમાં અમદાવાદની મુલાકાતે આવેલા ડો.મશેલકર ‘ગુજરાત સમાચાર’ને કહે છે,‘૧૯૮૯માં હું નેશનલ કેમિકલ લેબોરેટરીનો વડો બન્યો, ત્યારે સંસ્થાનું એક પણ સંશોધન અમેરિકામાં પેટન્ટ થયેલું ન હતું. કોઇએ મને અમેરિકાની કંપની ‘જનરલ ઇલેક્ટ્રિક’ (જીઇ)નું ઉદાહરણ આપીને કહ્યું કે તેનું બજેટ ભારતના કુલ બજેટ કરતાં ચાર ગણું મોટું છે. મેં કહ્યું, બજેટ ગમે તેટલું મોટું હોય, આઇડીયા કેટલો મોટો છે એ વધારે મહત્ત્વનું છે. એ જ વખતે મેં ચેલેન્જ આપી કે જીઇ જેમાં નિષ્ણાત છે, એ જ ક્ષેત્રમાં પેટન્ટ રજિસ્ટર કરાવીને, એ પેટન્ટ જીઇને વેચીને બતાવી આપીશું.’
‘ત્યારે લોકો મને મૂરખ ગણતા હતા.’ ડો.મશેલકર સ્મિત સાથે કહે છે,‘પણ ત્રણ-ચાર વર્ષના ટૂંકા ગાળામાં મારા એક સહયોગી અને એક વિદ્યાર્થીએ મળીને પોલીકાર્બોનેટમાં નવું સંશોધન કર્યું. પોલીકાર્બોનેટના વૈશ્વિક બજારમાં જીઇની બોલબાલા હતી, પણ આપણું સંશોધન એવું હતું કે અમેરિકામાં તેના પેટન્ટ નોંધાયા અને એ શોધના હકો જીઇએ આપણી પાસેથી ખરીદવા પડ્યા.’
‘નેશનલ કેમિકલ લેબોરેટરી’ અને ‘કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ’ના વડા રહી ચૂકેલા ડો.રધુનાથ (આર.એ.) મશેલકર ‘સામુદાયિક શિક્ષણ કેન્દ્ર’ના ઉપક્રમે યોજાયેલા પ્રો.રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાન આપવા માટે અમદાવાદ આવ્યા હતા. ભારત સરકારના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગનું સચિવપદ શોભાવી ચૂકેલા ડો.મશેલકરનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. એ દિવસો યાદ કરતાં તેમણે કહ્યું કે ‘હું છ વર્ષનો હતો ત્યારે પિતાજી ગુજરી ગયા, એટલે અમે ગોવાથી મુંબઇ આવ્યા. માતાજી છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા. મને બરાબર યાદ છે કે હું બાર વર્ષનો થયો ત્યાં સુધી ઉઘાડા પગે ફરતો હતો. કારણ કે ચપ્પલ ખરીદવાના પૈસા ન હતા. સાત ધોરણ સુધી મરાઠી માઘ્યમની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો. પછી આઠમા ધોરણમાં યુનિયન હાઇસ્કૂલમાં એડમિશન લેતી વખતે ૨૧ રૂ. ફી ભરવાની હતી. એ રકમ ભેગી કરતાં મને ત્રણ અઠવાડિયાં લાગ્યાં હતાં. એ જ રીતે એક તબક્કે નાણાંના અભાવે મારો અભ્યાસ અટકી પડે એમ હતો ત્યારે દોરાબજી ટાટા ટ્રસ્ટે મને છ વર્ષ સુધી માસિક રૂ.૬૦ની સ્કોરલશિપ આપી. યોગાનુયોગે, જ્યાં હું સ્કોલરશિપ લેવા જતો હતો એ જ મકાનમાં આજે હું ટાટા મોટર્સના બોર્ડમેમ્બર તરીકે જાઊં છું.’
બાળપણના સંઘર્ષની સાથોસાથ શિક્ષકો અને શિક્ષણની મઘુર યાદો પણ ઓછી નથી.‘મારી સ્કૂલ ગરીબ, પણ અમારા શિક્ષકો સમૃદ્ધ હતા. રૂપિયાની રીતે નહીં, શિક્ષણ આપવાની રીતે. મને યાદ છે કે પ્રિન્સિપાલ ભાવે રસાયણશાસ્ત્ર શિખવતા. એ કદી પાટિયા પર સૂત્રો લખીને અમને બીવડાવતા નહીં. અમારે ભણવામાં સાબુની બનાવટ આવતી હતી, એટલે ભાવેસાહેબ અમને શિવરીમાં આવેલી હિંદુસ્તાન લીવરની સાબુની ફેક્ટરી જોવા લઇ ગયા હતા. મને યાદ છે કે મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ પાસે શિવરી સુધીની ટ્રામટિકિટના પૈસા પણ ન હતા, ત્યારે સાહેબે અમારી ટિકિટ લીધી હતી. એવી જ રીતે અમને એ ‘વિમકો’નું દિવાસળીનું કારખાનું જોવા લઇ ગયા હતા અને ત્યાં સલ્ફરના ગુણધર્મો શીખવાડ્યા હતા.’
ડો.મશેલકર કહે છે,‘આપણે ત્યાં પુસ્તકીયું સડેલું જ્ઞાન નીરસ ઢબે ભણાવાય છે, જ્યારે પરદેશમાં ઘણી જગ્યાએ પ્રેક્ટિકલ દ્વારા રસાળ ઢબે બાળકોને શીખવાડાય છે. પોપટિયા જ્ઞાનનો કશો અર્થ સરતો નથી. ૯૭.૮ ટકા લઇ આવનારનું મારે મન કશું મહત્ત્વ નથી. તેને શું અને કેટલું આવડે છે એ અગત્યનું છે.’
ડો.મશેલકરના જીવનમાં વળાંક લાવનારી એક ઘટના પ્રેક્ટિકલ જ્ઞાન સાથે સંકળાયેલી છે. ‘એક દિવસ અમારા શિક્ષક અમને ખુલ્લા મેદાનમાં લઇ ગયા. લેન્સનો પાઠ ભણવાનો હતો. તેમણે ઘાસ પર કાગળ મૂક્યો અને એક હાથમાં બહિર્ગોળ લેન્સ પકડીને, તેને દૂરનજીક લઇ જઇને કેન્દ્રલંબાઇ એવી રીતે ગોઠવી કે સૂર્યનાં કિરણોથી કાગળ બળવા લાગ્યો. પછી એમણે મને બોલાવીને બે પાઠ શીખવ્યા, જે મારા મનમાં અંકાઇ ગયાઃ ૧) ઘ્યાન વેરવિખેર રાખવાને બદલે કોઇ એક બાબત પર કેન્દ્રિત (ફોકસ) કરવાથી સિદ્ધિ મેળવી શકાય છે. ૨) પ્રકાશનાં સમાંતર કિરણો એકબીજાથી અળગાં રહેવાને બદલે એક બિંદુએ મળી જાય, તો ભેદભાવ નાબૂદ થાય અને એકતા સ્થપાય.’ પછી સહેજ અટકીને ડો.મશેલકર કહે છે, ‘આદર્શ નેતાગીરી બહિર્ગોળ લેન્સ જેવી હોય, જે વૈવિઘ્યભરી શક્તિઓને એકજૂથ કરે. ગાંધીજી એવા નેતા હતા, પણ અત્યારના નેતાઓ શું કરે છે? એ અંતર્ગોળ લેન્સનું કામ કરે છે. એકતા હોય ત્યાં વિભાજન ઉભાં કરે છે.’
૧૯૯૧ના આર્થિક ઉદારીકરણને ‘ભારતની બીજી આઝાદી’ તરીકે ઓળખાવતા ડો.મશેલકર ભારતીય સંશોધનો અને પરંપરાગત સમૃદ્ધિના પેટન્ટ અંગે સતત જાગ્રત રહ્યા છે. ‘પહેલાં હું સતત પોલીમરની વાત કરતો હતો, એટલે મારૂં નામ ‘પોલીમરકર’ પડ્યું હતું. પછી પેટન્ટની વાતને કારણે બધા મને ‘પેટન્ટકર’ કહેવા લાગ્યા.’ એવી રમૂજ કરતાં ડો.મશેલકર કહે છે,‘૧૮૯૮માં જગદીશચંદ્ર બોઝે પહેલી વાર વાયરલેસ ટેકનોલોજી શોધી. સિસ્ટર નિવેદીતાએ તેમને પેટન્ટ કરાવવા કહ્યું ત્યારે બોઝે જ્ઞાનને મુક્ત રાખવાનો આદર્શ આગળ ધરીને પેટન્ટ ન નોંધાવ્યા. પરિણામે, માર્કોની વાયરલેસના શોધક તરીકેનું માન ખાટી ગયા. પણ ૧૦૦ વર્ષ પછી અમેરિકાની એક કંપનીએ ભારતના બાસમતિ ચોખાના પેટન્ટ માટે (‘ટેક્સમતિ’ નામે) અરજી કરી, ત્યારે હું કેસ લડ્યો અને જીત્યો. બાસમતિના હક ભારત પાસે રહ્યા. એટલે હું કહું છું કે પેટન્ટ ક્ષેત્રે ભારતની કથા બોઝથી બાસમતિ સુધીની છે.’
છેલ્લા બે વર્ષથી સંશોધનમાં ગાંધીવાદી અભિગમનો પ્રસાર કરતા ડો.મશેલકરનું સૂત્ર છેઃ મોર ફ્રોમ લેસ, ફોર મોર. તેનું સૂત્રાત્મક ગુજરાતી થાયઃ ‘કણમાંથી મણ, લાભે જણ જણ.’ તે માને છે કે ઉદ્યોગોએ ભારે નફો કરીને તેમાંથી થોડો હિસ્સો સારા કામ માટે વાપરવાને બદલે એવો અભિગમ રાખવો જોઇએ કે જેથી સમાજનું ભલું થાય અને સાથોસાથ ધંધો પણ થાય.
Good lesson for students, teachers, parents, Institute, activists and politicians.
ReplyDeleteJabir
E: media.jihaw@gmail.com
'આઇડીયા'ની મહત્તા આપણે ત્યાં હજુ નથી કેળવાઇ. કદાચ હજુ વધારે વખત લાગશે. એટલે જ પાંજરામાં પુરાયેલા પોપટ (પોપટ લાલો)બીજાના'આઇડીયા'પોતાના નામે કરીને લાભ ખાટતા રહે છે.
ReplyDeleteinformative & inspirational article
ReplyDelete- Prabuddh
vaah urvish bhai....
ReplyDeletethank you....
Can also watch his video on:
ReplyDeletehttp://www.ted.com/talks/lang/eng/r_a_mashelkar_breakthrough_designs_for_ultra_low_cost_products.html
concept of gandhian engineering is simply awesome.
the DNA (12 jan 2011) has a following news that coincidentally refers to ડો.મશેલકરનું સૂત્ર : મોર ફ્રોમ લેસ, ફોર મોર :
ReplyDeleteThe agreements, signed on Tuesday during 'Innovation Summit 2011', will help Gujarati entrepreneurs use technology and innovation better.The event, organised by CII with the support of state government was based on the theme 'More from less for more'.
i thought the Gandhi-influenced and much-decorated Dr Mishelkar had 'social justice' in mind, much like Ruskin's 'unto this last' and Marx's 'from each according to his abilities to each according to his needs'.
but alas! the scientist, it appears, is working for the benefit of the capitalists, much like his mentor. and therefore the સૂત્રાત્મક ગુજરાતી translation ‘કણમાંથી મણ, લાભે જણ જણ’ done by Urvish is inappropriate and misleading.
while taking refuge inspired by gandhian wisdom.
kindly treat as 'deleted' the loose line of the last para of my above comment.
ReplyDeleteતમે વિજ્ઞાન-ટેકનોલોજી પર પણ સહજતાથી લખો છો તેના પર માન છે. એક અપેક્ષા છે : ‘આધાર’ યુનિક આઇ ડી પ્રોજેક્ટ પર કંઇક સંશોધનાત્મક લખો એવી રાહ છે. મોટા મોટા કોન્ટ્રાક્ટ અપાઇ ગયા છે. ગેરકાયદે વસાહતી અંગે કંઇ કહેવાયું નથી (મારી જાણમાં નથી). રેશનકાર્ડ, ઇલેક્શન આઇડી કાર્ડ અને પાસપોર્ટમાં પણ ગફલા થાય છે ત્યારે આ અલ્ટીમેટ જેવા પ્રોજેક્ટ જેનું નામ ‘આધાર’ છે એના આધારનું શું. તમારી સશક્ત કલમ પાસે આ એક અપેક્ષા છે.
ReplyDeleteGood article sir.
ReplyDeleteIt will give inspiration to everyone.
It also points out one big thing, you need to market your skills and make sure you have patent to prove that what you are marketing is yours.
Indian Universities should include IPR (intellectual property rights) at school level and there should be compulsory subject at college level. We are the best in brain power but sadly don;t have many IPR as we should have.
Thanks
Hardik
‘આદર્શ નેતાગીરી બહિર્ગોળ લેન્સ જેવી હોય, જે વૈવિઘ્યભરી શક્તિઓને એકજૂથ કરે. ગાંધીજી એવા નેતા હતા, પણ અત્યારના નેતાઓ શું કરે છે? એ અંતર્ગોળ લેન્સનું કામ કરે છે. એકતા હોય ત્યાં વિભાજન ઉભાં કરે છે.’
ReplyDelete----------
બહુ ગમ્યું .
સરસ લેખ. આવાંરત્નોની ભારતમાં ઉણપ નથી. પણ કોક જ મશેલકર/ પેટન્ટકર જેવા ટોચે પહોંચી શકે છે.