(જન્મઃ15-10-1921, વિદાયઃ 2-1-2011)
ઘણા વખતથી વિચારતો હતોઃ 500મી પોસ્ટ આવે છે. શું લખું? ઘણી વસ્તુઓ વિચારી હતી. પ્રણવ-બિનીત જેવા મિત્રો સાથે એ વિશે ચર્ચા કરી હતી. અમિત શાહ જેવા મિત્રોએ સામે ચાલીને સૂચન પણ કર્યાં હતાં. બે દિવસ પહેલાં મુંબઇમાં અજિત મર્ચંટ અને દિલીપ ધોળકિયાને મળેલા પ્રતિષ્ઠિત મુનશી સન્માનના સમારંભમાં હાજરી આપીને આવ્યા પછી એ સમારંભની તસવીરો મૂકવાની તાલાવેલી હતી. પરંતુ આજે સવારે સમાચાર મળ્યાઃ દિલીપકાકા ગયા.
એકાદ અઠવાડિયા પહેલાં મુંબઇ ગયેલા 89 વર્ષના દિલીપકાકા ઘરે જઇ શક્યા જ ન હતા. તેમને સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શ્વાસ, કફ જેવી તકલીફો. પાઇલ્સની સમસ્યા. કાર્યક્રમમાં પણ તે હાજર ન રહ્યા. તેમના વતી તેમનાં પત્ની ધ્રુમનબહેને તાળીઓના ગડગડાટ વચ્ચે મુનશી સન્માન સ્વીકાર્યું. ભવન્સના મિત્ર અને અભ્યાસી પત્રકાર રમેશ ઓઝા આગલા દિવસે દિલીપકાકાને મળવા હોસ્પિટલમાં ગયા હતા. નાદુરસ્ત તબિયત અને નાકમાં નળીઓ છતાં દિલીપકાકાએ ફક્ત બોલવાનો જ નહીં, ગાવાનો પણ આગ્રહ રાખ્યો. ‘મારે બે લીટી ગાવી છે. તમે બેસજો. રાહ જોજો.’
વિડીયો કેમેરા સામે દિલીપકાકા શરૂઆતમાં (કનૈયાલાલ) મુનશીના મહત્ત્વ વિશે બોલ્યા અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન મેળવવા બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરી. ત્યાર પછી રેકોર્ડિંગમાં કટ આવ્યો. વચ્ચે દોઢ-બે કલાક પાઇલ્સની તકલીફ અને આરામ પછી ફરી દિલીપકાકા રેકોર્ડિંગ માટે તૈયાર. એક ગીતની બે પંક્તિ ગાઇ, સાથી અને મિત્ર સંગીતકાર અજિત મર્ચંટને ભવ્ય અંજલિ આપી. અજિતકાકા-દિલીપકાકાનો પરિચય આપવા ઉભા થયેલા પુરુષોત્તમ ઉપાધ્યાય (રાબેતા મુજબ) પોતાની વાતો કરવામાં સરી ગયા, ત્યારે તેમનું કામ આજાર અવસ્થામાં પણ દિલીપકાકાએ અજીતકાકાને ‘કમ્પ્લીટ કમ્પોઝર’ ગણાવીને કહ્યું કે (લક્ષ્મીકાંત)-પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદે કહ્યું હતું કે તારે કમ્પોઝ કરતાં શીખવું હોય તો અજિત મર્ચંટ પાસે જા.’
દિલીપકાકાનો જુસ્સો અને કલાકારી મિજાજ જોઇને ભવન્સના ફુલહાઉસમાંથી તાળીઓના ગડગડાટ ઉઠ્યા. સેંકડો ચાહકો માટે દિલીપકાકાનું એ છેલ્લું અને દિલીપકાકાની આજીવન છબીને છાજે એવું દર્શન હતું. ફક્ત નાકમાં બે નળીઓ વધારાની હતી, જેની હાજરીને દિલીપકાકાએ તાર સપ્તકમાં બે પંક્તિઓ ગાઇને ગૌણ બનાવી દીધી.
અને સમારંભના બે દિવસ પછી, આજે સવારે દિલીપકાકાની વિદાયના સમાચાર આવ્યા.
દિલીપકાકાની ગીત-સંગીત કારકિર્દી વિશે ઠીક ઠીક લખાયું છે. 14 વર્ષ પહેલાં ‘અભિયાન’ માટે મેં તેમનો ઇન્ટરવ્યુ કરીને ત્રણ પાનાંનો ફુલફ્લેજ પ્રોફાઇલ કર્યો હતો. સંશોધક મિત્ર હરીશ રઘુવંશીએ દિવ્ય ભાસ્કરની તેમની યાદગાર કોલમ ‘હિંદી સિનેમા, ગુજરાતી મહિમા’માં દિલીપકાકા વિશે લખ્યું. આજે દિલીપકાકાની કારકિર્દી વિશે બહુ લખવું નથી. ખરેખર તો આજે બહુ લખવું જ નથી. અહીં મુકેલી તસવીરો અને વિડીયોને બોલવા દેવાં છે.
દિલીપકાકા, તમારી જુસ્સાદાર ચાલ, મળતી વખતે હૂંફથી હાથ મિલાવીને નીકળતો ‘હેહ્હે’નો રણકો, મુક્ત હાસ્ય, ગ્રામોફોન ક્લબના કાર્યક્રમો શોભાવતી તમારી પહેલી હરોળની બેઠક, ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ પૂરો થયા પછી ક્યારેક રાતના એક વાગ્યે મિત્ર બિનીત મોદીને ત્યાં મંડાયેલી વાતોની મહેફિલ, વાતવાતમાંથી ફુટી નીકળતાં ગીતો, વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્ય અને મારી સમક્ષ મારા વિડીયો કેમેરાના લાભાર્થે, અમારા બન્ને માટે તમે દિલથી ગાયેલાં (અને અહીં મૂકેલાં) ગીતો.....આ અને આવું ઘણું આજીવન યાદ રહેવાનું છે.
તમે ગયા તેથી શું થયું? જવાનું કોઇના હાથમાં નથી, પણ યાદ રાખવાનું અમારા હાથમાં છે. બિનીત-શિલ્પા, ચંદ્રશેખરભાઇ, રંજનકાકી (દેસાઇ), અજિતકાકા-નીલમકાકી...આ બધાં સાથે અને એ વિના પણ તમે યાદ આવશો અને તમારો ઘુંટાયેલો કંઠ મનમાં ગુંજી ઉઠશે.
Dilip Dholakia with Shamshad Begum during her recent visit for Gramophone club program. (photo: Rajnikumar Pandya)
Pics and videos really speaks...thanx urvishbhai for sharing..
ReplyDeleteAkash vaidya
આજે સવારે જ તમારી કોલમમાં દિલીપ ધોળકિયા અને અજીત મર્ચન્ટ વિષે વાંચ્યા બાદ, સાંજ સુધીમાં તમારા બ્લોગ પર દિલીપ ધોળકિયાના અવસાનના સમાચાર વાંચીને ગુમસુમ થઇ જવાયું. મહાન હસ્તી, મહાન કલાકાર... ઊંડાણથી પરિચય કરાવવા બદલ આભાર.
ReplyDeleteદિલીપ ધોળકિયાની વિદાય : પાડોશી ગુમાવ્યાની પીડા
ReplyDeleteપ્રિય ઉર્વીશ,
ગુજરાત અને ગુજરાતીઓ જેમને ગાયક - સંગીતકાર તરીકે ઓળખે છે તેમની અંગતતમ ઓળખાણ મને તારા થકી થઈ. આજે બીજી જાન્યુઆરી ૨૦૧૧ના તેમના અવસાનના દિવસે યાદ કરવાનું કે ‘સપ્તક’ના કાર્યક્રમો જ્યાં આયોજિત થાય છે તે કાશીરામ અગ્રવાલ હોલ નજીકનું ગોયલ ટેરેસનું નિવાસસ્થાન છોડીને તેઓ વસ્ત્રાપુરમાં હિલ્લોરા રેસીડેન્સીમાં ઘર નજીક રહેવા આવ્યા હતા. મોબાઇલનો વ્યાપ વધ્યા પહેલાના એ દિવસોમાં તેમનો સંપર્ક કરવાની જરૂર ઉભી થતાં હું પહેલીવાર તારા વતી એમના ઘરે ગયો. લેન્ડલાઇન ફોન જૂના ઘરેથી ટ્રાન્સફર નહોતો થયો એ સંજોગોમાં મારે એમને ઉર્વીશ કોઠારીની સાથે સુરતના હરીશ રઘુવંશીનો સંપર્ક કરવાનું કહેવાનું હતું. એમણે ફોન તો કર્યો જ, એ કામ પોતે કરી લીધું છે તેની પહોંચ મને પણ ફોન કરીને આપી. આવી નાની – નાની કાળજી બહુ ઓછા લોકો લઈ શકે છે. દિલીપકાકા તેમાંના એક હતા. મુંબઈ – અમદાવાદ વચ્ચે વહેંચાયેલા રહેતા દિલીપકાકા એ પછી વખતોવખત પોતે મુંબઈથી અમદાવાદના ઘરે આવી ગયા છે તેવી પહોંચ આપતા રહ્યા. ફોન કરે અથવા મોર્નિંગ વોકમાં નીકળતા સાદ આપે.
તેમને મળવા જઉં એટલે મુંબઈ પાછા ફરવાની તારીખ કહે. તારી સાથે ચંદ્રશેખરભાઈ વૈદ્ય, રંજનબહેન અને અરવિંદભાઈ દેસાઈ તેમજ ગ્રામોફોન ક્લબના ખબરઅંતર અચૂક પૂછે. ગુજરાતી - અંગ્રેજી દૈનિકો અને સામયિકોની ક્રોસવર્ડ પઝલના ખાલી ખાનાં ઉલટભેર ભરતા દિલીપકાકા ક્યાંક અટકે તો સંભવિત જવાબોની ચર્ચા પણ કરે. ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરમાં ગણપતિ સ્થાપન કરે અને વિસર્જન અગાઉ સગાં-સંબંધીઓની સાથે મિત્રોને યાદ કરીને આમંત્રે. ગીત – સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપનાર દિલીપ ધોળકિયા માટે જાણીને નવાઈ લાગશે કે તેઓ ગ્રામોફોન ક્લબના કાર્યક્રમની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનના દિવસોનો તાલ મિલાવતા. ગાયક – મિત્ર બદરીનાથ વ્યાસ સાથે ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ માણતા. એ પછી ટાગોર હોલથી ઘર સુધીની સફરના સાથીદાર બનતા દિલીપકાકા જાન્યુઆરીના પ્રારંભના આ દિવસોમાં અમદાવાદમાં કાશીરામ અગ્રવાલ હોલ ખાતે યોજાતા શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા સપ્તકમાં થતી રજૂઆતોને આરંભથી મધરાત સુધી માણતા.
કાશીરામ અગ્રવાલ હોલથી નજીક આવીને વસ્ત્રાપુરમાં વસેલા દિલીપકાકા આજે સૌથી દૂર જઈ વસ્યા. તેમની ગાયકી અને સંગીત સદાકાળ સાથે રહેશે પરંતુ તેમની સાથે જીવેલી ક્ષણોની ખોટ હવે પડવાની.
બિનીત મોદી (અમદાવાદ)
Mobile: 9824 656 979
E-mail: binitmodi@gmail.com
પ્રિય દિલીપભાઇ,
ReplyDeleteઆપની વિદાઇ એ ગુજરાતી સાહિત્યની મોટી ખોટ છે. પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે....
સમીર
ભાઇ ઉર્વીશ. તારી અદભુત શબ્દાંજલી વાંચી,દિલીપભાઇ મારાથી પણ મોટા વયજૂથના અને છતાં તેમની સાથે મારો સંપર્ક હમેશા તમારા-બીરેન-બીનીત જેવા નાની વયજુથના મિત્રો દ્વારા થતો.એ કેટલી માણવી ગમે તેવી યાદ !
ReplyDelete1958માં અમદાવાદના ટાઉન હૉલમાં એમને મેં બિલકુલ મુગ્ધભાવે સાંભળેલા. એ પહેલા જેતપુરમાં દસ વર્ષની ઉમરે મારો અવાજનો ઘાંટો હજુ ફૂટતો જેતો હતો ત્યારે મસ્ત હવા મસ્ત હવા એમના પુખ્તા અવાજમાં ગાવાની કોશીશ કરતો. એ બધી યાદો તેમની સાથે અંગત પરીચય થયો ત્યારે સમેટાઇ આવી. કલાકાર તરીકે ઉમદાઅને વ્યક્તિ તરીકે તો અનન્ય એવા દિલિપભાઇ સતત યાદ આવશ.તે એમને બહુ સચોટ અને સુયોગ્ય અંજલી આપી તો ભાઇ બિનીતે થોડા શબ્દોમાં સરસ લસરકા ચિત્ર દોરી આપ્યું ,આભાર-રજનીકુમાર પંડ્યા
શ્રી ઉર્વીશભાઈ,
ReplyDeleteતમારી કેટલીક બાબતો મને ખૂબ જ ગમે છે. ખાસ તો ગુજરાતી ગીત-સંગીત જગત સાથેનો તમારો ગાઢ વ્યક્તિગત સંપર્ક અને પરદા પાછળની અનેક નાની-મોટી બાબતો અને તેના માનવીય પાસાને ઉજાગર કરવાની તમારી સાહજિક આવડતને અહોભાવની નજરે જોઉં છું.
દિલીપ ધોળકીયા અને અજિત મરચન્ટ જેવી મહાન હસ્તીઓને યાદ રાખનારા અને તેમના જીવન તથા સંગીતક્ષેત્રે પ્રદાન વિશે લખવાનું જેમને ગમે તેવા પત્રકારો હવે શોધ્યા મળે તેમ નથી. અલબત્ત તમારી કલમ તો અઢળક વિષયોને આવરી લે છે અને આ વિષય-વૈવિધ્યમાં ગુજરાતી ગીત-સંગીતને તમે યોગ્ય ન્યાય આપતા રહો છો તે અમારા જેવા વાચકો માટે આનંદની વાત છે. મહેરબાની કરી આ વિષય પર અવારનવાર લખતા રહેજો. -માવજીભાઈ મુંબઈવાળા
kaale j gs ma vanchyu...
ReplyDeleteane aa samachar pan te pachhi j saambhalya...
dukh thayu...
Your effort to recognize art+ is appreciable.
ReplyDeletethanks Urvishbhai, and heartly compliments for a superb obit.
ReplyDelete- Dhaivat
૫૦૦મી પોસ્ટ અંજલિ સ્વરૂપે... આજીવન યાદ રહેશે.
ReplyDelete-સવજી ચૌધરી, અમદાવાદ.
thanks urvishbhai
ReplyDelete૫૦૦મી પોસ્ટ માટે સરસ લેખ જ હોવો જોઈએ અને શક્ય હોય તો પત્રકાર તરીકેનો "પહેલો" લેખ એવી મારી બે મહિના પહેલાની રજૂઆત ના જવાબમાં કુદરતે આપણા સૌના પ્રિય એવા દિલીપદાદાને છીનવી લીધા તે ના ગમ્યું, પણ ભાઈ ઉર્વીશે જે ઝડપથી તેને શબ્દાંજલિ આપી તે બહુ જ ગમ્યું અને તેમાં પણ ૨૫ વર્ષ જૂનો લેખ એ જ બતાવે છે .... ઉર્વીશનો દાદા સાથેનો તેમજ તેના વાચકો સાથેનો તેનો શાબ્દિક પ્રેમ !!!! ઉર્વીશને યાદ કરાવવાનું કે સંદેશમાં[૧૯૯૫-૯૭માં ] તેની "નવાજુની" નામની પહેલા પાને સંસ્કાર પૂર્તિમાં આવતી કોલમમાં પણ તેમણે દાદા વિશે લખ્યું હતું અને ત્યારે મને પહેલી વાર જાણવા મળ્યું હતું કે .....અફીણી વાળું ગીત દાદા એ ગયું છે અને તે પણ કોઈ પ્રેમિકાને ધ્યાનમાં રાખીને નહિ પણ ભગવાનને ધ્યાનમાં રાખીને લખ્યું છે ....... આવું કંઈક મને યાદ આવે છે ....... ઉર્વીશ અને તેના આશીકોને પણ આ યાદ હશે જ !!!! (અમિત શાહ - ઇસનપુર, અમદાવાદ)
ReplyDelete