Prof. Rolf Pfeifer, Expert of Artificial Intelligence & Robotics, Uni. of Zurich
મનુષ્ય અને પ્રાણીઓની જેમ ભવિષ્યમાં
રોબોટના અધિકારનો મુદ્દો પણ ઉભો થઇ શકે છેઃ પ્રો.ફાઇફર
મગજ શરીરનું ‘બોસ’ છે અને શરીર કેવળ મગજના આદેશોનું ગુલામ- આવી માન્યતા અત્યાર સુધી પ્રચલિત રહી છે. તેને કારણે રોબોટ (યંત્રમાનવ) વિકસાવવામાં ઘણુંખરૂં ઘ્યાન તેના ‘મગજ’ (પ્રોગ્રામિંગ) ઉપર આપવામાં આવે છે. ‘શરીર’ વિશે બહુ વિચાર કરવામાં આવતો નથી. પરંતુ અમદાવાદની મુલાકાતે આવેલા સ્વિસ પ્રોફેસર રોલ્ફ ફાઇફર ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કહે છે,‘માત્ર ને માત્ર મગજ સર્વસ્વ છે એ માન્યતા સાચી નથી. મગજ પોતાની કેટલીક કામગીરીનું મોર્ફોલોજીને (શરીરના પૂરજાઓને) ‘આઉટસોર્સિંગ’ કરી નાખે છે.’
સાદી ભાષામાં કહીએ તો, દરેક વાતમાં મગજને તસ્દી આપવાને બદલે, કેટલાંક કામ શરીરના સાંધા કે સ્નાયુઓ આપમેળે, પોતાની વિશિષ્ટ ક્ષમતાના જોરે કરી નાખે છે. જેમ કે, ઉબડખાબડ જમીન પર ચાલતી વખતે નાના-મોટા ખાડા ટેકરા આવે ત્યારે પગ મગજના આદેશની રાહ જોતા નથી. સંતુલન જાળવવાના મગજના કાયદાનો ભંગ ન થાય એ રીતે, પણ મગજને પૂછ્યા વિના પગ આપમેળે ખાડાટેકરા સંભાળી લે છે. અંગોની સ્વતંત્ર ‘વિચારશક્તિ’નું બીજું ઉદાહરણ આપતાં પ્રો.ફાઇફર કહે છે,‘ સામે પડેલો પ્યાલો ઉપાડવા માટે માણસ હાથ અવળો વાળતો નથી. કારણ કે એવું કરવાથી સ્નાયુને સ્પ્રિંગની જેમ વળ ચડાવવો પડે. આ સ્થિતિમાં હાથનો સ્નાયુ પોતે જ નિર્ણય લઇને ઓછામાં ઓછી શક્તિ ખર્ચાય એ રીતે પ્યાલો પકડે છે. તેમાં મગજના આદેશની જરૂર પડતી નથી.’
આ વાત સાંભળવા-વાંચવામાં જેટલી ક્રાંતિકારી લાગે, એટલી જ તેની અસરની રીતે પણ મહત્ત્વની છે. સ્વિસ એલચી કચેરી તરફથી યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શન અને વ્યાખ્યાન નિમિત્તે અમદાવાદ આવેલા પ્રો.ફાઇફર કહે છે,‘અત્યાર સુધી રોબોટ બનાવનાર લોકોએ માણસના બુદ્ધિયુક્ત વર્તનમાં શરીરની ભૂમિકાને સાવ નજરઅંદાજ કરી છે. મગજનું કામ બેશક સૌથી મહત્ત્વનું છે, પરંતુ માત્ર મગજની કામગીરી સમજવાથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. એ માટે શરીરની ખૂબીઓને પણ ઘ્યાનમાં લેવી પડે. મગજની નહીં, પણ અંગોની ખાસિયતને લીધે થતાં કામ ઘ્યાનમાં રાખવાં પડે.
‘એમ્બોડીમેન્ટ’ તરીકે ઓળખાતા આ નવા શાસ્ત્રના ટોચના નિષ્ણાતોમાં પ્રો.ફાઇફરની ગણના થાય છે. પચીસ વર્ષથી કમ્પ્યુટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે સક્રિય પ્રો. ફાઇફર અમેરિકાની એમ.આઇ.ટી. સહિત અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સંકળાઇ ચૂક્યા છે અને અને હાલમાં યુનિવર્સિટી ઓફ ઝુરિક (સ્વિત્ઝર્લેન્ડ)ના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિભાગના વડા છે. તેમના મતે, માણસની ચામડી દબાણ, તાપમાન, પોતાનો આકાર બદલવાની ક્ષમતા જેવી અસંખ્યા ખાસિયતો ધરાવે છે. આઘુનિક રોબોટ બનાવવામાં નડતા સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર ચામડી જેવું ‘બત્રીસ લક્ષણું’ મટીરિયલ તૈયાર કરવાનો છે. એટલે જ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રમાં પ્રગતિ માટે એન્જિનિયિરિંગથી માંડીને નેનો ટેકનોલોજી સુધીનાં ક્ષેત્રોનો સમન્વય જરૂરી છે.
પ્રો.ફાઇફર માને છે કે યંત્રમાનવોની ક્ષમતા વધે, તેમ નૈતિકતાના પણ સવાલ ઉભા થઇ શકે છે. સાથોસાથ, મનુષ્ય અને પ્રાણીઓની જેમ ભવિષ્યમાં રોબોટના અધિકારનો મુદ્દો પણ ઉભો થઇ શકે છે. તેનું એક ઉદાહરણ આપતાં પ્રો.ફાઇફર કહે છે, ‘કોરિયામાં થોડાં વર્ષ પહેલાં સંશોધકો અને સરકારના સહયોગથી એક સંગઠન રચાયું હતું. તેમાં એવો મુદ્દો ઉભો થયો હતો કે રોબોટ અમુકથી વધારે સમજણ ધરાવતો થાય, ત્યાર પછી તેનો પાવર ઓફ કરી દેવામાં આવે તો તે અનૈતિક ગણાય કે કેમ?’
Very good info.
ReplyDelete'રોબોટ અમુકથી વધારે સમજણ ધરાવતો થાય, ત્યાર પછી તેનો પાવર ઓફ કરી દેવામાં આવે તો તે અનૈતિક ગણાય કે કેમ?’
In academics, we love to raise such questions!
vaah... bahu saras...
ReplyDeletevichar prerak...
I am interested in knowing how is it proved that these joints and muscles act on their volition and not otherwise. How can one observe such a thing happening and on what basis it can be inferred that these parts act on their own
ReplyDeleteSukumar M.Trivedi
@sukumarbhai,
ReplyDeletethis is what the latest series of research says, according to the prof. I'll try to give you links of more literature in ther subject.
robot rights?
ReplyDeleteon the contrary, scientists are more worried about the public safety when robots will finally get most dangerous and uncontrollable -
equipped as they would be with utmost artificial intelligence to destruct and destroy the human civilization!
on the contrary, therefore, robots deserve to have checks and restraints on them.