દિવાળી નિમિત્તે આપવાની થતી બક્ષિસ ઉર્ફે બોણી લેનારનો હક કહેવાય કે આપનારની ફરજ? આવા સવાલનો સંતોષકારક જવાબ ભારતના દળદાર બંધારણમાંથી પણ ન મળે.
સીધી વાત છેઃ કોને ત્યાં લગ્નમાં કેટલો ચાંલ્લો કરવો એવું બંધારણમાં લખેલું હોય? એ યજમાન અને મહેમાન વચ્ચેના સંબંધો પર આધારીત છે. દિવાળીની બોણી પણ એ જ ખાનામાં આવે. તેમાં ‘સરકારશ્રીએ નક્કી કરેલાં ધારાધોરણો અનુસાર, કલમ ફલાણી ને પેટાકલમ ઢીકણી અન્વયે’ કશું નક્કી થયેલું હોતું નથી. બોણી આપનાર-લેનાર વચ્ચે જેવો સંબંધ, જેવી મીઠાશ, પોતાની જીદ પર અડી રહેવાની જેવી મક્કમતા (સામેવાળાની દૃષ્ટિએ જડતા).
ઓફિસમાં કામ કરતા લોકોને મળતું બોનસ એક વાત છે. બોણીમાં આપનાર અને લેનાર વચ્ચે બોસ-કર્મચારી કે માલિક-કારીગર જેવા કાયમી સાંસારિક બંધનો હોતાં નથી. ટપાલી, ટેલીફોન ઓફિસના કર્મચારી, સફાઇ કામદાર, પાર્કિંગવાળા, દૂધવાળા અને આ પ્રકારની સેવાઓમાં જેમને ગણી શકાય એવા બીજા ઘણા બોણીની માગણી કરી શકે છે. દિવાળી નજીક આવે ત્યારે સામેથી કોઇ અકારણ મઘુર સ્મિત કરે ત્યારે મનમાં ફાળ પડે છે. કારણ કે ભારતમાં સામાન્ય રીતે લોકો એકબીજાની સાથે કારણ વગર ઝઘડી શકે છે, પણ સ્મિત કરી શકતા નથી. અસહકાર આંદોલન ગાંધીજીએ ભલે દાયકાઓ પહેલાં સમેટી લીઘું, પણ ભારતવર્ષના નાગરિકોના ડીએનએમાં અસહકાર બહુ ઉંડે સુધી ઉતરી ગયો છે. અભ્યાસીઓ ભલે સહકારી ચળવળની વાહવાહ કરતા હોય, પણ ભારતમાં સહકારી ચળવળથી માંડીને સહકારી/કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સુધી નાનામાં નાના મુદ્દે અસહકાર કેમ કરવો તેની વણકહી ઝુંબેશ ચાલુ જ હોય છે.
તેમ છતાં, પાર્કિંગવાળા કે ટેલીફોનવાળા વડચકું ભરવાને બદલે હસીને વાત કરે ત્યારે ઘણા ગ્રાહકોને પહેલી વાર ઝબકારો થાય છેઃ ‘શું વાત છે! દિવાળી આવી ગઇ?’
યૌવનના પહેલા અહેસાસને લીધે મનમાં થાય, એના કરતાં જરા જુદા પ્રકારની મૂંઝવણ દિવાળીના ભણકારા સાંભળીને થાય છે. કહો કે બોણી આપનાર અને લેનાર વચ્ચે શીતયુદ્ધનો પ્રારંભ થાય છે. તેની ખાસિયત એ છે કે જેમ બોણી આપનાર માટે લેનારા એક નહીં, અનેક હોય છે, તેમ બોણી લેનાર માટે પણ આપનાર ઘણા હોય છે. એટલે બન્ને પક્ષે માણસ એટલા મોરચા ખુલી જાય છે.
બોણી આપનારા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે અને બોણી માગનારના મહત્ત્વ મુજબ રણનીતિ અપનાવે છે.
ટાળનારા (ટાળકો)
બોણી આપનાર-લેનાર વચ્ચે રીઢાપણાની સ્પર્ધા થાય ત્યારે બન્ને પક્ષોની ટાઢક જોવાલાયક હોય છે. દિવાળી આડા પંદર દિવસ હોય ત્યારે પહેલી વાર બોણી લેનાર અકારણ હસીને કે વાતવાતમાં બોલીને ગ્રાહકનું ઘ્યાન દોરે છે કે હવે દિવાળી આવી પહોંચી. બોણી તૈયાર રાખજો. અઠવાડિયું બાકી રહે એટલે પહેલી વાર બોણીની સ્પષ્ટ માગણી થાય છે. જેવા અકારણ હાસ્ય સાથે માગણી થાય, એવા જ અકારણ હાસ્ય સાથે એ માગણી ટાળી દેવામાં આવે છે. કારણ કે આ વર્ગમાં આવતા લોકો માને છે કે ‘રૂપિયાનો સવાલ નથી, પણ બોણીવાળા લેણદારની જેમ માગે શાના? રાજીખુશીથી રૂપિયા આપવાના છે, તે આપીશું. આપણે નાસી થોડા જવાના છીએ?’
એમ કરતાં ધનતેરસ આવે છે, પણ બોણીવાળાની ધનતેરસ થતી નથી. કાળીચૌદસે તે મરણીયા બને છે અને કહે છે,‘કાલે દિવાળી આવી ગઇ.’ પણ બોણી આપનારના પેટનું પાણી હાલતું નથી. એ કહે છે,‘મારી ઓફિસ બેસતા વર્ષની બપોર સુધી ચાલુ છે.’ અથવા ‘અમે ભાઇબીજ સુધી ઘરે જ છીએ. એ પહેલાં બોણી મળી જશે.’
દિવાળીના દિવસે બોણી માગનાર હાથમાં નોટ લઇને, ઢાંકણ પેનની પાછળ ખોસીને ખુલ્લી પેન સાથે રાહ જોતો હોય છે, પરંતુ ઉતાવળમાં ન માનતા ગ્રાહકો કહે છે,‘બહુ ઉતાવળો ભાઇ તું તો. દિવાળી પછી હજુ તો પડતર દિવસ છે. જરા કેલેન્ડર તો જો.’
આખરે બેસતું વર્ષ આવે છે. તેની બપોર પડે છે, પણ ગ્રાહકનો પતો નથી. તેમનાં દર્શન છેક લાભપાંચમ પછી થાય છે. બોણી માગનાર સહેજ નારાજગી દર્શાવે ત્યારે તે ખિસ્સામાંથી પાકિટ કાઢે છે અને ‘આવતા વર્ષે તો રજાઓ પૂરી થયા પછી પણ બોણી આપવાનું ટળાય એટલું ટાળીશ’ એવું મનોમન આશ્વાસન લઇને ખચકાતા હાથે આ વર્ષની બોણી આપી દે છે.
રકઝકીયા
‘આપણને મોડું કરવું ન ગમે. એ શું! એક વાર બોણી આપવી તે આપવી!’ આવું કોઇ કહે ત્યારે ઓડિયન્સનું અંજાઇ જવું સ્વાભાવિક છે. પણ આવું કહેનારામાં એક વર્ગ એવો હોય છે, જે બોણીના સમય અંગે નહીં, પણ રકમ અંગે ‘ધીરજથી’ કામ લે છે.
દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલાં અત્યંત મઘુરતાથી બોણીની માગણી થાય એ સાથે જ આ પ્રકારના લોકો પોતાનું પાકિટ કાઢે છે. બોણી માગનાર આ ધન્ય દૃશ્ય જોઇ જ રહે છે. તેને થાય છે કે આ પાવન દૃશ્યમાંથી વહેતી પુનિત લાગણીના ધોધમાં હું નાહ્યા જ કરૂં. પરંતુ એ અહેસાસ લાંબું ટકતો નથી. પાકિટબહાદુર પોતાના પાકિટમાંથી દસની એક કડકડતી નોટ કાઢે છે અને બોણી માગનાર તરફ ધરે છે.
માગનાર ‘શું મજાક કરો છો?’ એવા ભાવથી જોઇને, ફિલ્મી ભગવાનોની જેમ મરક મરક હસે છે. એટલે બીજી એક દસની નોટ કાઢીને ‘બસ, હવે તો હદ થઇ’ એવા ભાવ સાથે આપનાર પાકિટ મ્યાન કરે છે. બોણીવાળો દસની બે નોટો જોઇને કકળી ઉઠે છે અને સંસદમાં વિપક્ષી નેતાઓની માફક મોંઘવારી અને ભાવવધારા અંગે કકળાટ કરે છે. એટલું ખરૂં કે મોંઘવારીનો કકળાટ મચાવ્યા પછી વિપક્ષી નેતાઓની માફક તેને સરકારી સગવડોમાં મહાલવાનું નથી હોતું. એટલે તેનો કકળાટ વધારે પ્રાણવંતો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની ફોજોને રશિયાએ દરેક મોરચે ભારે લડત આપી હતી તેમ, બોણી આપનાર અને લેનાર વચ્ચે દરેક દસની નોટ ઉપર ઘમાસાણ જંગ થાય છે. છેવટે જંગની સમાપ્તિ થાય ત્યારે વિશ્વયુદ્ધની માફક બન્નેમાંથી કોઇ પક્ષને વિજેતાપણાનો અહેસાસ થતો નથી.
ફરિયાદી
ફક્ત દિવાળી આવી રહી છે એવા નજીવા કારણસર ચૂપચાપ બોણી આપી દેવામાં ઘણા લોકોને અપમાન અથવા બેદરકારી અથવા ડફોળાઇ લાગે છે. એવા લોકો માને છે કે બોણી માગનારા તેમને મૂરખ બનાવીને તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. આ માન્યતાથી દોરવાઇને તે મનોમન ગાંઠ વાળે છે કે મંદિરોમાં કે બાવાઓ જોડે હું ભલે ગમે તેટલો મૂરખ બનું, પણ બોણી માગનારના હાથે હું કદી મૂરખ બનીશ નહીં.
બોણીવાળો પહેલી વાર અકારણ હસે ત્યારે તે ‘ટાળક’ની જેમ ઉપેક્ષાભાવ સેવે છે, પરંતુ બોણીની સ્પષ્ટ માગણી થતાં સાથે પ્રતિજ્ઞાના અમલની ઘડી આવી પહોંચે છે. તે બોણી માગનારની નિષ્ક્રિયતા, બેદરકારી, બેકાળજી, દાંડાઇ, આળસ, નઘરોળપણું, ઉદ્ધતાઇ જેવા અનેક અવગુણોનું સવિસ્તર અને ઉદાહરણો સહિત આખ્યાન કરવા બેસી જાય છે. વર્ષમાં ક્યારે કયા પ્રસંગે બોણી માગનારનું વર્તન અપેક્ષા કરતાં અનેક ગણું ઉણું ઉતર્યું હતું, તેની એક પછી એક યાદી તેમના શ્રીમુખેથી અસ્ખલિત ઝરવા લાગે છે. બોણી માગનાર એ ઝરણામાં સ્નાન કરીને પવિત્ર થતો નથી. બલ્કે, તેને બીક લાગે છે કે આ ઝરણામાં તેની બોણી ક્યાંક તણાઇ ન જાય.
ઘણા ફરિયાદીઓ પોતાની વૃત્તિનો પરચો આપવા માટે દિવાળી સુધી રાહ જોતા નથી. મહિને એક વાર સફાઇ કામદારને પાંચ-દસ રૂપિયા જેટલી મામૂલી રકમ આપવાની થાય ત્યારે પણ તે પોતે ચીંધેલાં અને નહીં થયેલાં કામોની યાદી રજૂ કરે છે. ત્યાર પછી પણ રૂપિયા આપવાના હોય છે, પણ ‘હું જાગ્રત છું. આંખ મીંચીને રૂપિયા આપી દેતો નથી’ એવો સંતોષ તેમની આંતરડી ઠારે છે.
મજા આવી.
ReplyDeleteJasmin Rupani
Bakshish + gift + article + sopari = National Treasury Account ma jama karva ni pratha have kadach, kone yaad hashe.
ReplyDeleteMaja avi.
હાહાહા... મજા આવી ગઈ...
ReplyDeleteતમે કઈ કેટેગરીમાં આવો છો? :p
Its too bad habit of those people..
ReplyDeleteIt's OK with your sweeper, house maid etc..
but Why the Postman? He gets salary for the work & bonus too, (which comes from our taxes) & even petrol pump workers & that specialist "valve tube gai chhe, 10 rupiya thase" man at 'FREE' AIR... Postman asks for 51, petrol pump attendant for 21 & 'AIR' man for atleast 11 from two-wheeler 21 from four-wheeler!
Now just apply your logic, total income for the day by that guy!
vaah saheb, maja padi....
ReplyDeleteસુપર્બ, ઉર્વીશભાઈ..બોણી આપનાર અને લેનાર બંને પક્ષોનું અદભૂત અવલોકન .....B S N L નો મારો ફોન બગડે છે અને ઓફીસીઅલ કમ્પ્લેન નો કોલ લખાવું છું તો ૪૮ કલાકે રીપેર થાય છે અને લાઈન મેન ને ડાયરેક્ટ કોલ કરું છું તો ૫ મિનીટ માં આવી ને કરી જાય છે આ પણ દર વર્ષે વાંધાવચકા કાઢ્યા વગર આપી દેવાતી મહાપ્રતાપી બોણી ની જ કમાલ છે ને !
ReplyDeleteGift on duties:
ReplyDeleteJo Koi Dharmik Purush Jail ma Public Office ane Treasury Account ni vyakhya vishaye vyakhyan no anubhav karave to khare khar amna thi vadhu paropkari Dharmpurush koi nahi hoi.
"ખબરદાર, જો આ વખતે તેં કોઈને બોણી આપી છે તો!"
ReplyDeleteપપ્પાએ લગભગ ત્રાડ કહેવાય એવા અવાજે એવો આકસ્મિક ચિત્કાર કર્યો કે મારાથી આખું સ્ટિયરિંગ ધ્રૂજી ગયું.
વાત ફક્ત એટલી બની હતી - દિવાળી પૂર્વેનાં રવિવારે "હવે તો દિવાળી માથે ગાજે છે ને તારા કંઈ ધડા નથી" એવા આકરાં મેણાંનો માર્યો હું પપ્પાને લઈને ખરીદી કરવા નીકળ્યો અને અમને જોઈને, રોજ ખુરશી પર બાબા રામદેવને ય નવાઈ પમાડે એવા વિશિષ્ટ અને વિચિત્ર આકારોમાં ટૂંટિયું વાળીને બેસતાં વોચમેને અચાનક સડાક કરતા બેઠા થઈને સોઈઝાટકીને સલામ ઠોકી દીધી. પહેલા તો હું મૂંઝાયો. ટેવવશ રિઅર વ્યૂ મિરરમાં જોવાઈ ગયું, પાછળ કોઈ ન્હોતું. લે, આ તો આપણને સલામ કરે છે!! હું મનોમન પોરસાતો બર્નાર્ડ મોન્ટગોમરીની અદામાં ટટ્ટાર થયો પણ ત્યાં જ પપ્પાએ ત્રાડ પાડતાં મારું હસુંહસું થતું મોં મોન્ટગોમરી જેવું થતું અટકી ગયું.
અમારા ઘરમાં બોણી આપવી એ પ્રચંડ ઉત્સવ ગણાય. પાંચ-પચ્ચીશ રૂપિયામાં કર્ણ કે ભામાશા થવાની આ સ્કિમ આમ તો અમારા આખા ગામને બેહદ માફક આવે. નવરાત્રિથી જ કોને બોણી આપવી, ન આપવી, કેટલી આપવી તેની લેખિત વ્યૂહરચના થવા લાગે. નકશા ય દોરાય અને સામેના મોરચાની બુલંદીના આધારે અમારી રેજિમેન્ટનું સંખ્યાબળ પણ નક્કી થાય.
"એ ગણપતિયાની વહુ બહુ બોલકી છે. એ પચ્ચીશમાં નહિ માને."
"અરે ન શું માને, મને બોલાવજોને, આખા વરસની તેની બધી દગડાઈ તારિખ-વાર સાથે યાદ કરાવી દઈશ."
પહેલા નોરતે "જય આદ્યાશક્તિ"ની સાથે આવા સંવાદો શરૂ થાય એ વદ પાંચમ સુધીમાં તો નક્કર વ્યૂહરચનાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા હોય.
આ વખતે ઘર નવું, માહોલ નવો અને વોચમેન, પોસ્ટમેન, સ્વિપર પણ નવા. એટલે મેં નાહકનો ક્લેશ ટાળવા (અને બંગ્લાનો મોભો જાળવવા) ખાનગીમાં જ બોણીલાભાર્થીઓને અગાઊથી સાધી લેવાનું નક્કી કરેલું.
પણ ત્યાં પેલાં દોઢડાહ્યા વોચમેને અતિઉત્સાહમાં આવીને સલામ ઠોકી એમાં મારા બધા આયોજનો ધૂળમાં મળી ગયા. પછી બોણીનું શું થયું એ ઘરમાં (કે બહાર) કોઈને પૂછવાની મારી હિંમત ચાલતી નથી.
દરમિયાન, પેલો ઉત્સાહી વોચમેન ફરીથી ખુરસીના હાથા પર માથું ટેકવીને પીઠના ભાગે બેય પગ બહાર કાઢેલી મુદ્રામાં જોવા મળે છે-અને એનો કરતબ જોઈને મને સલામ મારવાનું મન થઈ જાય છે!
- ધૈવત ત્રિવેદી
Watchman na salam ni body language no abhyas, kadach apna vyaktitva ane pratibha na anubhav hoi shake.
ReplyDeleteમોન્ટગોમરીની અદામાં...
ReplyDeleteha!ha!
'હું મનોમન પોરસાતો બર્નાર્ડ મોન્ટગોમરીની અદામાં ટટ્ટાર થયો પણ ત્યાં જ પપ્પાએ ત્રાડ પાડતાં મારું હસુંહસું થતું મોં મોન્ટગોમરી જેવું થતું અટકી ગયું.'
ReplyDeleteto understand dhaivat's above comment, i took help of the Wikipedia and i found following lines :
'His increasing frailty, however, raised concerns about his ability to stand for long periods while carrying the heavy weapon. Ultimately, those fears were borne out when he collapsed in mid-ceremony in 1968 and did not perform this function again.'
is it the same reference you want to bring in, dhaivat?
ના નિરવભાઈ, તમે શોધી કાઢ્યું એવું કોઈ વાક્ય તો મને આ લખતી વખતે અભિપ્રેત ન હતું. પરંતુ મેં મોન્ટીને કેટલીક ડોક્યુમેન્ટરીમાં જોયા છે. સાધારણ રીતે લોકો કરોડરજ્જુ તંગ કરીને ટટ્ટાર થતા હોય ત્યારે મોન્ટીને બંને ખભા ઝાટકા સાથે ખેંચીને ટટ્ટાર થવાની આદત હતી. તેમની ટટ્ટાર થવાની અદામાં ય એક પ્રકારની ડિગ્નીટી અનુભવાય.
ReplyDeleteબસ, આટલું.
- ધૈવત
Kadach, waghah border na banne taraf na Sainiko jevi to nahi.
ReplyDelete