વિખ્યાત સાહિત્યકાર-સંગીતપ્રેમી રજનીકુમાર પંડ્યાની અથાગ-અણથક જહેમત અને તેમના રસિક મિત્ર- ઉદ્યોગપતિ નવનીતલાલ શાહના સંપૂર્ણ સહયોગ સાથે તૈયાર થયેલું ‘મેઘદૂત’ના ગુજરાતી અનુવાદનું આકર્ષક પુસ્તક અને ખાસ તો, તેના સંગીતમય રૂપાંતરની બે સીડી- આ આખા સેટ વિશેની માહિતી મુકવાનું ઘણા વખતથી રહી જતું હતું અને તેની ચચરાટી પણ રહેતી હતી.
દરમિયાન, કીલાભાઇ ઘનશ્યામનો સમશ્વ્લોકી ગુજરાતી અનુવાદ અને પ્રફુલ્લ દવેનો કંઠ, આશિત દેસાઇનું સંગીત, વિદ્યુલ્લતા ભટ્ટની કોમેન્ટ્રી ધરાવતી બે સીડીનો સેટ એવાં ઉપડ્યાં કે અત્યાર સુધીમાં તેની સંખ્યાબંધ (પાંચસોથી વધારે) નકલો વેચાઇ ચૂકી છે. હા, વે..ચા..ઇ ચૂકી છે. કોઇએ પોતાના માટે ખરીદી, તો કોઇએ શાળાકોલેજોમાં કે પુસ્તકાલયોમાં પોતાના તરફથી આપવા માટે ખરીદી છે. બે સીડી સાથે પુસ્તકની કિંમત રૂ.595 અને સીડી વિના ફક્ત પુસ્તકની કિંમત રૂ.295 છે. લાયબ્રેરી-શૈક્ષણિક સંસ્થાઓ માટે 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આ બ્લોગ પર આવતા મિત્રોમાંથી કોઇ હજુ સુધી એ વિશે ન જાણતા હોય તો એ જાણે અને તેનો લાભ લે એવા આશયથી, આજે અષાઢના પહેલા દિવસે, મેં લખેલી સત્તાવાર નોંધ અહીં મૂકું છું.
કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે રજનીકુમાર પંડ્યાને (બપોરના બેથી સાડા ચાર વાગ્યા સિવાય) ફોન થઇ શકે છે અથવા ઇ-મેઇલ પણ કરી શકાય છે.
(m)98980 15545 e-mail : rajnikumarp@gmail.com
***
શાશ્વત, ચિરંતન, કાલજયી...આવાં અનેક વિશેષણોથી જેનો મહિમા થતો રહ્યો છે, તે કાલિદાસનું ‘મેઘદૂત’ માત્ર સાહિત્યકૃતિ નથી. ઇસવી સન પૂર્વે લખાયેલું આ મહાકાવ્ય સદીઓ વીતવાની સાથે ‘રામાયણ’ અને ‘મહાભારત’પછીની હરોળના, ભારતીય સંસ્કૃતિના ધબકતા દસ્તાવેજોમાં સ્થાન પામ્યું છે. સંસ્કૃત ભાષાના ઘસાયેલા ચલણ પછી અનેક ભાષામાં અનુવાદો દ્વારા ‘મેઘદૂત’ રસિકજનો સુધી પહોંચતું રહ્યું છે.
ગુજરાતીમાં ‘મેઘદૂત’ના ચાળીસેક અનુવાદમાંથી કિલાભાઇ ઘનશ્યામે 1913માં કરેલો અનુવાદ રસિકજનોમાં ખૂબ વખણાયો હતો. ‘સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઇ યક્ષ/ કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ’ આ પંક્તિથી શરૂ થતા કિલાભાઇના અનુવાદના અનેક શ્લોક કંઠસ્થ, બલ્કે હૃદયસ્થ, હોય એવા એક રસિક છે મુંબઇના ગુજરાતી ઉદ્યોગપતિ નવનીતલાલ શાહ. વર્ષોથી પોતાના હૈયે રમતા અને હોઠે આવી જતા ‘મેઘદૂત’ના ગુજરાતી અનુવાદને ‘પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી’ પહોંચાડવાની જવાબદારી તેમણે વિખ્યાત સાહિત્યકાર-પત્રકાર રજનીકુમાર પંડ્યાને સોંપી. રજનીકુમારનાં બહુપરિમાણી પરિકલ્પના- દૃષ્ટિવંત દિગ્દર્શન અને તેમના સાથીદારો- કલાકારોની જહેમતનું પરિણામ છે ‘મેઘદૂત’ના ગુજરાતી અનુવાદનું 80 પાનાંનું, ઉત્તમ ચિત્રો-વિગતોથી સમૃદ્ધ પુસ્તક અને બે ઓડિયો સીડીનો સેટ.
પ્રતિષ્ઠિત સંગીતકાર આશિત દેસાઇએ સંગીતબદ્ધ કરેલા ‘મેઘદૂત’ના સમશ્લોકી અનુવાદને પહેલી હરોળના ગુજરાતી ગાયક પ્રફુલ્લ દવેનો કંઠ પ્રાપ્ત થયો છે. ‘પૂર્વમેઘ’ અને ‘ઉત્તરમેઘ’ એમ બે સી.ડી.માં ઉત્કૃષ્ટ ગીત-સંગીત ઉપરાંત બે શ્લોકોની વચ્ચે ડો.ગૌતમ પટેલ લિખિત, વિદ્યુલ્લતા ભટ્ટે કરેલા વિવરણથી શ્રોતાને ફક્ત ‘શ્રાવ્ય’ની નહીં,દૃશ્યની પણ અનુભૂતિ થાય છે.
ઓડિયો સી.ડી.ના આધુનિક સ્વરૂપની સાથોસાથ કિલાભાઇ ઘનશ્યામના સો વર્ષ જૂના (સાર્થ જોડણીકોશ પહેલાંના અને એ પ્રમાણેની જોડણી ધરાવતા) અનુવાદને પણ અનેક પૂરક વિગતો અને આકર્ષક સજાવટ સાથે મૂકવામાં આવ્યો છે. સંપૂર્ણપણે આર્ટપેપર ઉપર રંગીન છપાઇ ધરાવતા આ પુસ્તકમાં જાણીતા-અજાણ્યા ચિત્રકારોનાં‘મેઘદૂત’ અંગેનાં ચિત્રો શ્લોકો સાથે અને અલગ વિભાગમાં સામેલ કરવાથી પુસ્તકનું મૂલ્ય અનેક ગણું વધી ગયું છે. લખાણના ભાગમાં મૂળ અનુવાદ પહેલાં ભોળાભાઇ પટેલના ‘હૃદયોદગાર’ છે. તેમણે નોંધ્યું છે,’ ..તમામ ગુજરાતી અનુવાદોમાં સૌથી પ્રસિદ્ધ અને ગણમાન્ય અનુવાદ તે કિલાભાઇ ઘનશ્યામનો. કિલાભાઇના મેઘદૂતના ગુજરાતી અનુવાદમાં, તેમના મંદાક્રાન્તામાં કાલિદાસની કવિતામાં અનુભવાતું કર્ણપ્રિય નાદમાધુર્ય અને ભાવમાધુર્ય સવિશેષ અનુભવાય છે. વાંચતાં જ ચિત્તમાં એની છૂપી સુરાવલિ ગુંજી ઉઠે છે.’
‘મેઘદૂત’ને લગતી વિશિષ્ટ સામગ્રીમાં ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમીમાં મુકાયેલી કાલિદાસની પ્રતિમાની તસવીરથી માંડીને કાલિદાસના જીવન વિશેની કથા-કિવદંતીઓ, મેઘદૂતના રચનાસ્થળ મનાતા રામટેકની વિગતો,કિલાભાઇ ઘનશ્યામનો સચિત્ર પરિચય વગેરે સામેલ છે. ‘મેઘદૂત’માં ઉલ્લેખાયેલા મેઘના પ્રવાસનો માર્ગ શુષ્ક નકશા તરીકે નહીં, બલ્કે એક કળાકૃતિ લાગે એ રીતે મૂકવામાં આવ્યો છે. એ જ રીતે મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં વૃક્ષો અને વનસ્પતિઓની યાદી પણ અલગથી આપવામાં આવી છે. ગીત-સંગીતના પ્રેમીઓને ‘મેઘદૂત’ નામ સાથે જ જગમોહન ‘સૂરસાગર’નું ગાયેલું ગીત ‘ઓ બરસાકે પહેલે બાદલ’ યાદ આવે. ફૈયાઝ હાશમીએ લખેલા 1945ની ફિલ્મ ‘મેઘદૂત’ના એ ગીતનો આખો પાઠ અહીં વાંચવા મળે છે, તો ભારતના ટપાલખાતાએ 22 જૂન, 1960ના રોજ જારી કરેલી ‘મેઘદૂત’ની ટપાલટિકિટનું ચિત્ર, કેન્સલેશન અને તેના બ્રોશરનું અંગ્રેજી લખાણ પણ આપવામાં આવ્યું છે.
અભિનન્દન.
ReplyDeleteaa swaprachar mate nahi pan pustak prachar mate lakhu 6u...aa pustak CD sahit mara swakharche me 10 vyaktione bhet aapyu 6e...haju pan aapto rahish. jo bhariya sanskrutina varsa ane gauravni vato praja e karvani hoy to aa kai bahu motu mulya nathi. mari pase to original kilabhai no anuvad hato j. pan rajnibhai e kalidas ne 6aje evo rasik sahngar ene karyo 6e ane bharat ni ek olakh sajivan kari 6e. aa project mate rajnikumar pandya ne hardik abhindan ane sashtang dandvat.
ReplyDeleteha, pustak ma gautambhai e karel gujarati saaransh ma ghumto kadhi ne betheli vahu ni jem mul shlok na ghana shrungarik artho ne sensor kari nakhya 6e ke dilute karya 6e, e kahtkyu. pan eni purti (vadhu juna jamana ma!) karela samshloki anuvad ma kilabhai e kari j deedhi 6e rasikjano mate.
in short, multiplex ni 3 tkt na kharch ma aa pustak vasavvu ane vanchvu joie - jo aapne sankruti shabd tattar gardane mafat ma boli jata hoie to.
:-) thanx.
ReplyDelete